অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મેદસ્વીતા અને ડાયાબીટીસ ધરાવતી વ્યક્તિએ વજન કાબુમાં રાખવું અત્યાવશ્યક

મેદસ્વીપણું એટલે સરળ ભાષામાં શરીરનું વજન સામાન્ય કરતા વધારે હોવું. શરીરમાં વધારે માત્રામાં ચરબી જમાં થવાથી શરીરના માળખા અને બંધારણમાં ઉંમર, જાતિ અને ઉંચાઈ પ્રમાણેના આદર્શ ધોરણોમાં ફેરફાર લાવે છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના જણાવ્યા અનુસાર શરીરના આદર્શ વજન કરતા 20 ટકા કે તેથી વધારે વજન વ્યક્તિના સ્વાસ્થ્ય માટે જોખમી છે. મેદસ્વીતાનું કારણ આપણાં શરીરમાં કેલરીનું અસંતુલન છે. આપણા શરીરની જરૂરીઆત કરતા આપણે વધારે કેલરી જમા કરીએ છીએ. શરીર જરૂરીઆત અનુસારની કેલરી ઉપયોગ કરે છે પરંતુ વણવપરાયેલી કેલરી શરીરમાં જમા થતી રહે છે, જે પ્રકિયા શરીરમાં મેદ વધારે છે.
મેદસ્વીતા એક રોગ છે અને માત્ર કોસ્મેટિક પ્રોબ્લેમ નથી. વ્ચક્તિનો બી.એમ.આઈ (બોડી માસ ઈન્ડેક્ષ) જો 18 થી 23 ની વચ્ચે હોય તો તે સામાન્ય કહી શકાય, પરંતુ જો 23 થી વધે તો ઓવરવેઈટ, 30 થી વધે તો ઓબેસિટી – 1, 35 થી વધે તો મોરબિડ ઓબેસિટી અને 40થી વધે તો સુપર ઓબેસિટી કહેવામાં આવે છે. મોરબિડ અને સુપર ઓબેસિટીની સ્થિતિમાં ઓબેસિટીનું ઓપરેશન કરાવવાની સલાહ આપવામાં આવે છે.

મેદસ્વીપણું આરોગ્ય માટે જોખમી બની શકે છે અને તે અનેક રોગોનું મૂળ છે

મેદસ્વીપણાંને કારણે અનેક રોગો થવાની સંભાવનાઓ વધી જાય છે. આહાર, જીવનશૈલી, વંશાનુગત સમસ્યા, જંકફૂડનું વધતુ પ્રમાણ, અપૂરતી ઉંધ, તનાવ, ગર્ભાવસ્થા, ઉંમર, નિષ્ક્રિયતા, પારિવારિક જીવનશૈલી, કેટલિક દવાઓનું નિયમિત સેવન જેવા અનેક કારણોથી વર્તમાન સમયમાં મેદસ્વતી અને ડાયબિટીઝનું પ્રમાણ વધ્યુ છે. જો વ્યક્તિ વધુ વજન ધરાવતી હોયતો તેને નિમ્નદર્શિત સમસ્યાઓ થવાની સંભાવના વધી જાય છે.

ટાઈપ-ટુ ડાયબિટીઝ : મેદસ્વીપણું શરીરમાં શર્કરાના પ્રમાણને નિયંત્રિત કરતા ઈન્સ્યુલિન સામે પ્રતિરોધક શક્તિ ઉત્પન્ન કરે છે અને લાંબાગાળે હાઈ બ્લડશુગર શરીરને નુકસાન પહોંચાડી શકે છે.

હાઈ બ્લડપ્રેશર/ હૃદયરોગ : શરીરના વધુ પડતા વજનને કારણે હૃદયપર ભાર વધતા તેની કાર્યક્ષમતા ઘટે છે, તેના કારણે હાઈપરટેન્શન (બી.પી.)ની સમસ્યા ઉદભવે છે. પરિણામે સ્ટ્રૉક થઈ શકે છે તથા હૃદય અને કિડનીને નુક્સાન પહોંચી શકે છે.

શરીરનું વજન સહન કરતાં સાંધાઓને લગતી ઓસ્ટીઓ-આર્થરાઈટીસની સમસ્યા: ઓસ્ટીઓઆર્થરાઈટીસ સામાન્ય રીતે વજન સહન કરતા સાંધાઓને નુક્સાન કરે છે. પરિણામે સાંધા અને હાંડકામાં ઝડપથી ઘસારો અને દુખાવો થાય છે જેથી લાંબાગાળે સાંધાઓ નબળાં પડી જાય છે.

અનિંદ્રા અને શ્વાસોચ્છવાસને લગતી સમસ્યાઓ: જીભ અને ગળાના ભાગે વધુ પડતી ચરબીનો ભરાવો, હવાના આવન-જાવન પર થોડા સમયે અવરોધ ઉભો કરે છે અને ઉંધમાં ખેલેલ પહોંચાડે છે. જેના કારણે દિવસે પણ સુસ્તી અને માથાના દુખાવાની સમસ્યા ઉત્પન્ન થાય છે. .

ગેસ્ટ્રૉઈસોફેગલરિફલક્સ (છાતીમાં બળતરા): મેદસ્વી વ્યક્તિઓને અન્નનળીના માર્ગે એસિડ વહેવાની શક્યતા રહે છે જે પેટના ઉપરના આવેલા વાલ્વની નબળાઈ કે તેના પરના વધુ પડતા ભારને કારણે થાય છે. .

ડિપ્રેશન (હતાશા) : ડાઈટિંગમાં વારંવાર મળતી નિષ્ફળતા, પરિવારના સભ્યો અને મિત્રો દ્વારા થતી અવગણના, અપરિચિત વ્યક્તિઓ દ્વારા થતી ટિપ્પણી, ચરબીને કાબૂમાં લાવવા માટે કરવા પડતા સતત પ્રયાસો આ સઘળી બાબતો માનસિક દબાણ ઉભુ કરે છે પરિણામે દર્દી હતાશાનો શિકાર બને છે.

વંધ્યત્વ (સ્ત્રી અને પુરૂષ બન્નેમાં) : સંતાન પ્રાપ્ત કરવા માટે અક્ષમતા અથવા ખૂબ જ ઓછી શક્યતા રહે તથા પુરૂષોમાં શુક્રાણુંઓની ફળદ્રુપતા ઘટે છે.

ફેટી લિવર અથવા લિવર સિરોસિસ- લિવરના કોષોની આસપાસ ચરબી જમા થવાને કારણે ફેટી લિવરની બીમારી થવાની શક્યતા રહે છે. લિવરમાં ડેટલી વધારે ચરબી જમા થાય એટલું જ લિવરમાં સોજો આવવાની, ફાઈબ્રોસિસ અથવા સિરોસિસ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત, લિવરમાં સામાન્યથી ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે.

સ્તન અને અંડકોષનું કૅન્સર : નાની ઉંમરની છોકરીઓને મેદસ્વીપણાંને કારણે સ્તન અને અંડકોષનું કેન્સર તથા અન્ય પ્રકારના કૅન્સર પણ થવાની શક્યાતા વધે છે.

અન્ય સમસ્યાઓ : અન્ય સમસ્યાઓમાં પગનો સોજો, ચામડીનું અલ્સર, મૂત્રનો અનિચ્છનીય વહાવ, અનિયમિત માસિક, લોઅર-એક્સટ્રીમિટી, વીનસ સ્ટેસીસ, ઈડિયોપથિક ઈન્ટ્રાક્રેનિઅલ હાઈપરટેન્શન (આઈ. આઈ. એચ.), ડિસલિપિડેમિયા (લિપિડ ચયાપચયમાં અસામાન્યતા), ફેફસાંના રોગો અને કૅન્સર જેવા રોગોનો સમાવેશ થાય છે.

ટાઈપ-2 ડાયબીટીઝ અને મેદસ્વીતા

  • ટાઈપ-2 ડાયબિટીઝથી પિડાતા ઘણાં દર્દીઓનું વધારાનું વજન ઘટવાથી તેમની ડાયબીટીક સ્થિતિમાં ઘણો સુધારો થઈ શકે છે. તેમને ડાયબીટીઝને લગતી દવાઓની જરૂરીઆત રહેતી નથી અથવા ખૂબ જ ઓછી જરૂર રહે છે. ક્લિનિકલ તારણ અનુસાર બેરિઆટ્રીક સર્જરીના આંકડાંઓ દર્શાવે છે કે જે દર્દીઓએ બેરિઆટ્રીક સર્જરી કરાવી હોય તેવા દર્દીઓની ડાયબિટીઝ, હાઈપરલિપિડેમિયા, હાઈપરટેન્શન અને અનિંદ્રા જેવી કો-મોરબિડ સ્થિતિઓ સંપૂર્ણપણે દૂર થાય છે અથવા તેમાં મહત્વનો સુધારો જોવા મળે છે.
  • ડાયબીટિઝ માટે સર્જિકલ ઉપચાર હવે સંભવ છે. ઓબેસ-ડાયબિટીઝ ધરાવતાં 85થી 95 ટકા જેટલાં દર્દીઓનું ડાયબિટીઝ ઓપરેશન કરાવ્યા બાદ વજન ઘટવાને કારણે દૂર થાય છે.
  • ડાયબીટીઝ અને મેદસ્વીપણું લગભગ સાથે જોવા મળે છે. આશરે 80 ટકા જેટલા ડાયબિટીક વ્યક્તિઓ વધુ વજન ધરાવતા હોય છે. ઓબેસિટી સર્જરીની પધ્ધતિઓનો ઉપયોગ, મદસ્વીપણું ઘટાડવા માટે થતો હતો પરંતુ હવે ટાઈપ-2 ડાયબિટીસના ઉપચાર માટે પણ તે ઉપયોગી બની રહી છે. અમુક ગેસ્ટ્રીક બાયપાસ પદ્ધતિઓ ટાઈપ-2 ડાયબિટીસને દૂર કરવામાં અથવા તેને ઘટાડવા માટે ઉપયોગી છે.
  • મેદસ્વીપણાં અને ડાયબીટીઝથી પીડાતા દર્દીઓ માટે સર્જિકલ ઉપચાર એ એક મહત્વની શોધ બની ગઈ છે. કેટલાક કિસ્સાઓમાં સર્જરીના માત્ર 24થી 48 કલાક બાદ દર્દીઓનો ટાઈપ-2 ડાયબિટીસ કાબૂમાં આવી ગયાનું પણ નોંધાયું છે.
  • મેદસ્વીતા પર કાબૂ લાવવાથી ડાયબિટીઝ, બી.પી., પોલિસિસ્ટીક ઓવેરિયન ડિસિઝ અને ઈન્ફર્ટિલિટી તેમજ ઓબસ્ટ્રેટીવ સ્લીપ એપ્નીઆ, પુરૂષોમાં સેક્સુઅલ ડિસ્ફંક્શન્સની સમસ્યામાં ઘણો ફાયદો થવાની સંભાવના હોય છે.

આ ઉપરાંત, ફેટી લિવર અને નોન-આલ્કોહલિક સિએસ્ટોહિપેટાઈટી-NASH માં નોંધપાત્ર સુધારો પણ જોવા મળે છે. ઓબેસિટીની શ્રેષ્ઠ સારવાર એ પ્રિવેન્શન છે.

સામાન્ય સૂચનો :

મેદસ્વીતાની ઉપરોક્ત સૂચિત કેટેગરીમાં જેઓ સામાન્ય ઓબેસ છે તેમણે મેદસ્વીતા ન વધે તે માટે ખૂબ સતેજ રહેવાની આવશ્યકતા છે. આ સાથે જ જેઓ મોરબિડ અને સુપર ઓબેસની શ્રેણીમાં આવે છે તેમણે ત્વરીત નિષ્ણાત ડૉક્ટર પાસે યોગ્ય નિદાન કરાવવું હિતાવહ છે. .

સાદી ભાષામાં જે વ્યક્તિને પોતાની દૈનિક પ્રવૃત્તિઓ દરમિયાન શરીરનું વજન વધારે હોવાનો અહેસાસ થતો હોય અને મુશ્કેલી જણાતી હોય તેમણે સ્વયં સંતુલિત-જીવનનો પ્રયાસ કરવો જોઈએ, આ સિવાય- .

સામાન્ય વજન વધારે હોય અને જો ઓબેસિટીની લિમીટ સુધી હોય, તો આહાર અને જીવનશૈલી તથા વ્યાયામથી ફાયદો થવાની સંભાવના છે પરંતુ જેમ જેમ વજન વધતુ જાય તેમ, જ્યારે વ્યક્તિ મોરર્બિડ કે સુપર ઓબેસની સ્થિતિમાં જાય ત્યારે ડૉક્ટરના માર્ગદર્શન અનુસાર દવા કે સર્જરીની પ્રક્રિયાને અનુસરવી હિતાવહ છે.

  • આહારશૈલીમાં સત્વરે પરિવર્તન કરી સાદુ અને વજન ન વધે તેવું સુપાચ્ય ભોજન લેવું.
  • જરૂર જણાય તો ડાયટિશયન પાસે યોગ્ય માર્ગદર્શન લેવું .
  • યોગ્ય વ્યાયામ અને સક્રિય કામગીરીની માત્રા વધારવી.
  • હાઈકોલેસ્ટ્રૉલ, સુગર, બી.પી., હૃદયરોગ, સ્ટ્રોક, શ્વસનની સમસ્યા, ફેટી લિવર વિગેરેની સમસ્યા હોય અને જો વ્યક્તિ મોટાપો તથા ડાયબિટીસ ધરાવતી હોય તો આહાર અનૈ જીવનશૈલીમાં આજથી જ નિયમિતતા અને સંતુલન લાવવું જોઈએ.
  • બાહ્ય આહાર, જંકફુડ, પ્રોસેસ્ડ અને પૅકફુડ, સોફ્ટ ડ્રિન્ક લેવાનું ટાળો.
  • નિયમિત તપાસ, નિયમિત ડૉક્ટરનું માર્ગદર્શન અને સૂચિત દવાઓ તથા સલાહનું અક્ષરસહ પાલન કરવું જોઈઅ.
  • મેદસ્વીતા ધરાવતા બાળકો, ગૃહિણીઓ કે નાની ઉંમરની વ્યક્તિઓએ વજન અંકુશમાં રાખવા માટે વિશેષ કાળજી લેવી જોઈએ.
  • કોઈપણ જાતના નકારાત્મક વિચારો, ખોટી માન્યતાઓ કે જાહેર જીવનમાં કરવામાં આવતી નકારાત્મક ટિપ્પણીઓને અવગણીને હંમેશા હકારાત્મક રહેવું .
  • સ્વસ્થ જીવન માટે સ્વસ્થ શરીર સૌથી આવશ્યક છે માટે સ્વસ્થ રહેવાના તમામ વિકલ્પોને આવકારો.

 

ડૉ નવનીત શાહ. ડાયબિટોલૉજિસ્ટ & એન્ડોક્રાઈનોલૉજિસ્ટ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/17/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate