অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્ટ્રોક વિશે તમારા માટે શું જાણવું અત્યંત અગત્યનું છે

સ્ટ્રોક વિશે તમારા માટે શું જાણવું અત્યંત અગત્યનું છે

જ્યારે મગજ સુધી રક્તપ્રવાહમાં વિક્ષેપ ઉત્પન્ન થાય છે, ત્યારે મગજની પેશીઓ સુધી ઓક્સિજન અને પોષક દ્રવ્યો પહોંચતા નથી. આ પ્રકારની સ્થિતિમાં સ્ટ્રોક કે “બ્રેઇન એટેક” આવે છે. ઓક્સિજન અને પોષક દ્રવ્યોનાં પોષણ વિના મગજનાં કોષોનો નાશ થવાની શરૂઆત થાય છે, જેથી મગજનાં અસર પામેલા ભાગ દ્વારા નિયંત્રિત થતી કામગીરીઓ પર અસર થવાની શરૂઆત થાય છે. સ્ટ્રોક મેડિકલ એમરજન્સી છે, પણ જો એનાં ચિહ્નોને સમયસર ઓળખવામાં આવે અને સમયસર ઉચિત સારવાર મળી જાય, તો તમારું જીવન બચી જશે અને તમારી સ્થિતીમાં ઘણો સુધારો થઈ શકે છે. જો તમને ક્યારેય સ્ટ્રોક આવ્યો ન હોય, પણ તમે એનું જોખમ વધારે ધરાવતા હોય, તો તમારાં ડૉક્ટર સ્ટ્રોકને અટકાવવા સારવાર શરૂ કરી શકે છે.

સ્ટ્રોકનાં કારણો કયાં છે?

સ્ટ્રોકનાં મુખ્ય બે પ્રકાર છે, જે બંને માટે કારણ અલગ-અલગ છે. ઇસકેમિક સ્ટ્રોકમાં મગજને લોહીનો પુરવઠો પહોંચાડતી ધમનીમાં લોહીનો ગઠ્ઠો જામી જવાથી એ ધમની બંધ થઈ જાય છે. સામાન્ય રીતે આ ધમની છારથી સાંકડી અને કઠણ થઈ ગઈ હોય છે, અને આ છાર ચરબી અને કોલેસ્ટેરોલ જામવાથી બને છે. ઘણીવાર હ્યદય અથવા શરીરની મોટી રક્તવાહિનીઓ માંથી જામેલો લોહી નો ગઠ્ઠો પરિભ્રમણ કરીને અન્ય નાની રક્તવાહિનીઓ મા ફસાય જઈને અવરોધ ઉભો કરી શકે છે .હેમરેજિક સ્ટ્રોકમાં મગજમાં ધમની લીક થાય છે કે તૂટી જાય છે. સામાન્ય રીતે મગજની અંદર લોહી વહેવાનો સંબંધ અનિયંત્રિત હાઈપરટેન્શન (હાઈ બ્લડ પ્રેશર) અથવા એન્યૂરિઝમ સાથે છે. એન્યુરિઝમ એ ધમનીની દિવાલમાં નબળાઈ કે પાતળો છેદ છે.

કોને જોખમ છે?

જો તમે ૬૫ વર્ષથી વધારે વય ધરાવતાં પુરુષ હોવ, અથવા જો તમારા કુટુંબનાં કોઈ સભ્યને સ્ટ્રોક કે મૂળભૂત રીતે ‘મિનિ-સ્ટ્રોક’ ટ્રાન્ઝિઅન્ટ ઇસકેમિક એટેક (TIA) આવ્યો હોય, તો તમને સ્ટ્રોકનું જોખમ વધારે છે. અન્ય જોખમી પરિબળોમાં સામેલ છેઃ હાયપર ટેન્શન; કોલેસ્ટેરોલનું ઊંચું પ્રમાણ; એટ્રિઅલ ફાઇબ્રિલેશન (હૃદયનાં અનિયમિત ધબકારાનો એક પ્રકાર), કન્જેસ્ટિવ હાર્ટ ફેઇલ્યર (હૃદયનું સંકોચન-વિસ્તરણ બરોબર ન થાય અને પ્રવાહીનો ભરાવો થવો), કે અગાઉ થયેલો હાર્ટ એટેક જેવી હૃદય સાથે સંબંધિત સમસ્યાઓ; ડાયાબીટિસ; મેદસ્વીપણું; સ્લીપ એપ્નિયા (ઊંઘમાં શ્વાસ લેવાનો અનિયમિત દર); અને ગર્ભનિરોધક ગોળીઓનું સેવન, ખાસ કરીને ધુમ્રપાનની ટેવ ધરાવતી અને ૩૫ વર્ષથી વધારે વય ધરાવતી મહિલાઓને. તમે તમારી ઉંમર, લિંગ, જાતિ કે મેડિકલ હિસ્ટ્રી બદલી ન શકો, છતાં તમે  તમારી જીવનશૈલી બદલીને અને/અથવા દવાઓ લઈને સ્ટ્રોક માટે જવાબદાર જોખમી પરિબળોની તીવ્રતા ઘટાડી શકો છો. ઉદાહરણ તરીકે, તમે સ્વાસ્થ્ય માટે લાભદાયક આહાર (ફળફળાદિ, શાકભાજી, આખું અનાજ)નું સેવન કરી શકો છો, નિયમિત કસરત કરી શકો છો, વજન ઘટાડી શકો છો, અને તમારાં બ્લડ પ્રેશર પર નજર રાખી શકો છો. જો તમે ધુમ્રપાન કરતાં હોય, તો તેને છોડી શકો છો. નશીલ દ્રવ્યોનું સેવન ટાળો અને વધારે શરાબનું સેવન ન કરો.

તમારાં તણાવનાં સ્તરને નિયંત્રણમાં રાખવાથી અને વજનમાં ઘટાડો કરવાથી હાયપરટેન્શન ઘટાડવામાં પણ મદદ મળશે. જો આ પગલાં કારગત ન નીવડે, તો તમારાં ડૉક્ટર તમારું બ્લડ પ્રેશર કે કોલેસ્ટેરોલ ઘટાડવા દવાઓ સૂચવી શકે છે.

સ્ટ્રોકનાં ચિહ્નો કયા છે?

એક કે વધારે ચિહ્નો સ્ટ્રોકનો સંકેત આપી શકે છે; તમારા ચહેરા, હાથ કે પગની નબળાઈ કે નિષ્ક્રિયતા, સામાન્ય રીતે શરીરની એક બાજુએ; બોલવા કે સમજવામાં મૂંઝવણ કે મુશ્કેલી; દ્રષ્ટિ ધૂંધળી થવી, ચીજવસ્તુ એકને બદલે બે દેખાવી, કે દ્રષ્ટિ ઓછી થવી; ચક્કર ચડવા અને/અથવા સંતુલન ગુમાવવું; અને કોઈ પણ પ્રકારનાં જાણીતા કારણ વિના તીવ્ર અને/અથવા અસાધારણ માથાનો દુઃખાવો. આ ચિહ્નો ૧ કે ૨ દિવસમાં વધી શકે છે અથવા તેમાં વધઘટ થઈ શકે છે. TIAનાં ચિહ્નો પણ એવા જ છે, પણ ટૂંકા ગાળા માટે દેખાય છે અને પછી કાયમી નુકસાન કર્યા વિના દેખાતા બંધ થઈ જાય છે. જોકે જો તમે આમાંથી કોઈ પણ ચિહ્ન અનુભવતા હોય, તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

સ્ટ્રોકનું નિદાન કેવી રીતે થાય છે?

જો તમારાં ચિહ્નો અને શારીરિક પરીક્ષણને આધારે તમારાં ડૉક્ટરને શંકા હોય કે તમને સ્ટ્રોક આવ્યો છે, તો તેઓ તમારાં મગજની કમ્પ્યુટેડ ટોમોગ્રાફી (CT) અને/અથવા મેગ્નેટિક રિસોનન્સ ઇમેજિંગ (MRI) સ્કેન કરાવશે.આ પરીક્ષણો દર્શાવશે કે સ્ટ્રોકનું કારણ ગઠ્ઠો (આઇસકેમિક સ્ટ્રોક) છે કે રક્તસ્ત્રાવ (હેમરેજિક સ્ટ્રોક) છે. એના આધારે ડૉક્ટર વધુ પરીક્ષણો જરૂરી છે કે નહીં એનો નિર્ણય લેશે.

એની સારવાર કેવી રીતે થાય છે?

ચિહ્નો/વિકલાંગતા દેખાવાની શરૂઆત થયાનાં ત્રણ કલાકની અંદર અસરકારક સારવાર શરૂ કરવી જરૂરી છે. ઉચિત સારવાર સ્ટ્રોકને આગળ વધતો અટકાવવામાં કે નુકસાનમાં વધારો થતો  અટકાવી શકે છે. જો સ્ટ્રોક લોહીનાં ગઠ્ઠાને કારણે આવ્યો હોય, તો એને ઓગાળવા તમારે થ્રોમ્બોલાયટીક દવા લેવી પડે એવું બની શકે છે. લોહીનાં ગઠ્ઠા જામવાની પ્રક્રિયા ધીમી  પાડવા તમને એન્ટિકોગુલન્ટ કે એન્ટિપ્લેટલેટ દવાઓ આપવામાં આવે છે. અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ અક્યુટ સ્ટ્રોકની શરૂઆત થયા પછી ત્રણ કલાકની અંદર  t-PA નામની દવાને માન્યતા આપી છે. અમુક પેશન્ટો  જેમા સ્ટ્રોક ની શરૂઆત બાદ ના ૮ કલાકે અને બીજા અમુક વ્યક્તિઓ જેઓ મા સ્ટ્રોક શરૂ થયા બાદ ના ૨૪ કલાકે પણ તેઓને સીધા કેથ લેબમાં લઈ શકાશે અને રિટ્રાઇવલ સ્ટેન્ટ સાથે ધમનીને ખોલી શકાશે. આ પ્રક્રિયાને થ્રોમ્બેક્ટોમી કહેવાય છે. એનાં ઉત્કૃષ્ટ પરિણામો મળ્યાં છે અને દર્દી સંપૂર્ણપણે સાજો થઈ શકે છે. પરંતુ સહુથી અગત્યનો પાસો સમય છે (Time is Brain). જેટલી વહેલી સારવાર તેટલા જ સારા પરિણામો જોવા મળે છે. જો તમારી ડોકમાં મોટી ધમની સંકોચાઈ ગઈ હોય કે છારીથી બ્લોક થઈ ગઈ હોય, તો તમારે કેરોટિડ એન્ડારટેરેક્ટોમી/કેરોટિડ સ્ટેન્ટિંગમાંથી પસાર થવું પડે એવી શક્યતા છે, જેથી રક્તવાહિની ફરી ખુલે. જો તમને હેમરેજિક સ્ટ્રોક આવ્યો હોય, તો તમારે તમારું બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લેવા, તમારાં મગજની અંદર દબાણ ઓછું કરવા, આંચકીઓને અટકાવવા કે એની સારવાર કરવા, શરીરનું તાપમાન જાળવવા અને  લોહીનાં ગઠ્ઠાં બનતા અટકાવવા દવાઓ લેવી પડી શકે. કેટલાંક કિસ્સાઓમાં મગજની અંદર જામી ગયેલા લોહીને સર્જરી દ્વારા દૂર કરવાની જરૂર પડી શકે છે. અમુક વ્યક્તિઓ મા એન્યુરિઝમ ના કારણે  હેમરેજ થઈ શકે છે અને તે એન્યુરિઝમ ની સારવાર મગજ ની સર્જરી વગર કોઈલિંગ પદ્ધતિ થી પણ શક્ય છે.

સારવાર કરનાર ફિઝિશિયન સાથે ફિઝિયોથેરપિસ્ટ, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, સ્પીચ થેરાપિસ્ટ સાથે સઘન પુનર્ગઠનનાં કાર્યક્રમથી મહત્તમ રિકવરીમાં મદદ મળશે.

હું કેવી રીતે સ્ટ્રોક અટકાવી શકું?

પ્રથમ, તમારે તમારાં જોખમી પરિબળોની જાણકારી મેળવવી જોઈએ. બીજું, શક્ય હોય તેટલી જીવનશૈલી સ્વસ્થ જાળવવાનો પ્રયાસ કરો, માપસર વજન જાળવો, તમારાં આહાર પર નજર રાખો (ખાસ કરીને, સોડિયમ અને સંતૃપ્ત ચરબી ધરાવતા ભોજનનું મર્યાદિત સેવન કરો), નિયમિત કસરત કરો, ધુમ્રપાન ન કરો, તણાવને નિયંત્રણમાં રાખો, શરાબનું ઓછું સેવન કરો અને નશીલ દ્રવ્યોનું સેવન ટાળો. ત્રણ, જો તમારું જોખમ ઘટાડવા આ પગલાં પર્યાપ્ત ન હોય, તો દવા લો.

સ્ત્રોત : ડો. મુકેશ શર્મા(સ્ટ્રોક અને ન્યૂરોઇન્ટરવેન્શન સ્પેશ્યાલિસ્ટ) નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate