સ્ટ્રોક એટલે ‘Brain attack not a heart attack’. સ્ટ્રોકને પક્ષઘાત, લકવો, પેરાલિસીસ વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. મગજમાં લોહી બંધ થવાથી અથવા ફાટવાથી શરીરનું કોઈ પણ અંગ અચાનક રહી જાય તેને સ્ટ્રોક એટલે કે બ્રેઈન એટેક કહે છે.
મુખ્ય બે પ્રકારના સ્ટ્રોક હોય છે જેમાં ૧. Ischemic Strock – એટલે કે મગજની નળીમાં અવરોધ આવતા લોહીનું પરિભ્રમણ અટકી જવું જે ૮૦થી ૮૫ ટકા સ્ટ્રોકના દર્દીઓમાં જોવા મળે છે. ૨. Hemorrhagic Strock – એટલે કે મગજની લોહીની નળી ફાટી જવી. જે ૧૫-૨૦ ટકા સ્ટ્રોકના દર્દીઓમાં જોવા મળે છે.
બીજા પ્રકારોમાં TIA એટલે કે, Mini Strock/ Transient ischemic Attak અને VST-Venous sinus thrombosisનો સમાવેશ થાય છે. TIA એ Warning છે. જેમાં કેટલીક સેકન્ડ કે મિનિટો માટે હાથ-પગ કે મોઢું રહી જાય છે, પરંતુ કોઈ પણ સારવાર વગર ફરીથી સારું થઈ જાય છે. જો યોગ્ય નિદાન થઈ જાય અને વહેલાસર દવા કરવામાં આવે તો ભવિષ્યમાં આવતા મોટા સ્ટ્રોકને બચાવી શકાય છે.
સ્ટ્રોક થવાના રિસ્ક ફેક્ટર એટલે કે જોખમી પરિબળોમાં વધતી ઉંમર, DM, HTN, હૃદયની તકલીફ, હાઈ કોલેસ્ટ્રોલ, સ્થૂળતા, હોમોસિસ્ટીન નામના દ્રવ્યનું વધવું, OCP હવાનું પ્રદૂષણ વગેરેનો સમાવેશ થાય છે. મોટાભાગના એ જ જોખમી પરિબળો છે. જે હૃદયને એટેક લાવે છે. એટલે કે જો આ પરિબળોને નિયંત્રણ રાખવામાં આવે તો સ્ટ્રોક એટલે કે બ્રેઈન એટેક અને હાર્ટ એટેક બંનેથી બચી શકાય છે. આ બધા જોખમી પરિબળોથી મગજની મોટી કે નાની નળી બંધ થવી, ગળાની નળી બંધ થવી કે ફાટવી, હૃદયમાંથી મગજમાં ગઠ્ઠો છુટો પડવો વગેરે કારણોથી સ્ટ્રોક થાય છે.
સ્ટ્રોક આવવાના લક્ષણો વિવિધ પ્રકારના હોઈ શકે છે. એ મગજના કયા ભાગને નુકસાન થયું છે એની ઉપર છે.
અચાનક હાથ-પગ રહી જવા, મોઢું વાકું વળી જવું, બોલવામાં તકલીફ પડવી, અચાનક જોવામાં તકલીફ થવી, ચાલતા-ચાલતા બેલેન્સ ના રહેવું વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય લોકોને યાદ રાખવા માટે ‘BEFAST’ છે.
B = Balance = ચાલતા ચાલતા ચક્કર આવવા
E = Eye = અચાનક જોવાનું બંધ થઈ જવું
F = Face = મોઢુ વાંકુ વળી જવું
A = Arm = એક બાજુનો હાથ કમજોર પડી જવો
S = Speech = બોલવામાં તોતડાપણું આવવું
T = Time = ૪.૩૦ કલાક
જો ઉપરના કોઈ પણ લક્ષણો કોઈ પણ વ્યક્તિને અચાનક જણાય તો તરત નજીકની હોસ્પિટલમાં જવું જોઈએ જ્યાં સિટી સ્કેનની સુવિધા ઉપલબ્ધ હોય.
મોટાભાગના દર્દીઓ આવા લક્ષણો જણાય તો પોતાના ડૉક્ટરને ઘરે આવવા કે એમની ઓપીડીમાં બતાવવાનો આગ્રહ રાખતા હોય છે, પણ એક અગત્યની યાદ રાખવા જેવી વાત એ છે કે, કોઈ પણ ડૉક્ટર સ્ટ્રોકના દર્દીઓમાં CT/MRI સ્કેન વગર દવા આપી ના શકે કારણ કે, એના વગર બહારથી Ischemic કે Hemogrhagic કયા પ્રકારનો સ્ટ્રોક છે તે નક્કી કરી શકાતું નથી અને જો સ્કેન કર્યા વગર લોહી પાતળું થવાની દવા આપે અને મગજમાં લોહીની નળી ફાટી હોય તો એ પરિસ્થિતિ વધારે બગાડી શકે છે. એટલે કે, દર્દીએ ખાસ કરીને નજીકની હોસ્પિટલમાં વહેલામાં વહેલી તકે પહોંચી જવું જોઈએ.
વહેલા એટલા માટે કે હવે કોઈને સ્ટ્રોક થાય તો એને આગળ વધતા અને થયેલા નુકસાનને સારું થાય એવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
જો ૪.૩૦ કલાકની અંદર દર્દી હોસ્પિટલ પહોંચી જાય અને એના સ્કેનમાં લોહીની નળી ફાટી ના હોય તો એને લોહીનો ગઠ્ઠો ઓગાળી શકાય એવા IV થ્રોમ્બોસિસ્કના ઈન્જેક્શન આપી શકાય છે અને જો ૬ કલાક સુધીમાં પણ દર્દી પહોંચી જાય તો અને તેના મગજની મોટી નળી બંધ છે તેવુ માલુમ પડે તો પણ મિકેનિકલ થ્રોમ્બેક્ટોમીથી બચાવી શકાય છે. આ ટ્રીટમેન્ટનો ખર્ચો, આખી જિંદગી લકવા સાથે જીવતા દર્દી અને એના સગા-સંબંધીની તકલીફો દવાઓના ખર્ચા, માનસિક તાણ વગેરેથી ઘણી ઓછી હોય છે.
એટલે જ Time is Brain, જો BE FAST ના લક્ષણો કોઈ પણ દર્દીમાં જોવા મળે તો નજીકની હોસ્પિટલમાં વહેલામાં વહેલી તકે પહોંચી સ્કેન કરાવી ન્યુરોફિઝિશિયનની સલાહ લઈ સત્વરે સારવાર કરાવી સ્ટ્રોક સામે રક્ષણ મેળવી શકાય છે. સ્ટ્રોકનો ગોલ્ડન પીરિયડ ૪.૩૦ કલાકનો IV થ્રોમ્બોલિસિસ માટે અને છ કલાક મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી માટેનો છે.
સ્ત્રોત : ડૉ. પ્રિયાંક શાહ(ન્યુરો ફિઝિશિયન)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020