অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડિપ્રેશન, અનિદ્રા અથવા ઉગ્રતા ડિમેન્શિયાના લક્ષણો હોઈ શકે

ડિમેન્શિયા વિરુદ્ધની આંતરરાષ્ટ્રીય ઝૂંબેશના ભાગરૂપે સપ્ટેમ્બર મહિનાને ‘વિશ્વ અલ્ઝાઈમર મહિના' તરીકે અને ૨૧ સપ્ટેમ્બરને શ્વિશ્વ અલ્ઝાઈમર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેથી આ ગંભીર રોગ વિશે લોકોમાં જાગૃતિ આવે. તાજેતરમાં જ આ દિવસની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી હતી.

ડિમેન્શિયા એટલે શું?

ડિમેન્શિયા એટલે કે ચિત્તભ્રમ એ ઉંમર સાથે થતો કોઈ સામાન્ય રોગ નથી. ડિમેન્શિયામાં ચેતાતંત્રના કોષો ધીમે ધીમે મરતા જાય છે અને ચેતાતંત્રની કાર્ય પદ્ધતિને અસર થવાથી વ્યક્તિની બુદ્ધિક્ષમતામાં વિક્ષેપ આવે છે.

ડિમેન્શિયાના મુખ્ય લક્ષણો શુ હોય છે?

 • આજકાલના બનાવ યાદ ન રહે પણ જૂની વાતો સારી રીતે યાદ હોય.
 • નિર્ણયશક્તિ ઓછી થવી.
 • વર્તન વ્યવહાર અને વ્યક્તિત્વમાં ફેરફાર આવે.
 • લાગણીમાં અકારણ ચઢાવ ઉતાર આવે.
 • એકની એક વાત વારંવાર કરવી.
 • જાણીતા રસ્તા ભૂલી જવા.
 • પૈસાનો વ્યવહાર કરવામાં મુશ્કેલી અનુભવવી.
 • દિવસ-રાત, તારીખ અને વારનું ભાન ન હોય.
 • કુટુંબી જનો ઉપર શંકા કરવી.
 • યોગ્ય શબ્દ શોધવામાં મુશ્કેલી.
 • નામ ભૂલી જવા, ચહેરો ઓળખવામાં તકલીફ પડવી.
 • રોજબરોજના જીવનમાં આયોજનનો અભાવ.

ડિમેન્શિયા થવાના કારણો શુ છે?

 • અલ્ઝાઈમર્સ રોગ એ ડિમેન્શિયાનું સૌથી સામાન્ય સ્વરૂપ છે..
 • વાસ્ક્યુલર ડિમેન્શિયા, ફ્રન્ટોટેમ્પોરલ ડિમેન્શિયા અને લેવી બોડી ડિમેન્શિયા.
 • થાઈરોડની ઉણપ.
 • વિટામીન બી-૬ અને બી-૧૨ની ઉણપ.
 • મદ્યપાનના કારણે થતી થાઈમીનની ઉણપ.
 • મગજની ઈજા.
 • મગજના ચેપ (મેનિન્જાઈટીસ, સિફિલિસ,એચઆઈવી).
 • મગજની ગાંઠ.

ડિમેન્શિયાના આંકડા

 • ઉંમર સાથે ડિમેન્શિયા થવાની શક્યતા વધી જાય છે. ૬૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોમાં ૧૪ માં થી એકને, જ્યારે ૮૦ વર્ષથી વધુ ઉંમરમાં ૬ માં થી એકને ડિમેન્શિયા થાય છે.
 • એક સર્વે પ્રમાણે ૨૦૧૮માં પાંચ કરોડ લોકો ડિમેન્શિયાથી પીડાય છે અને જો ડિમેન્શિયાના જોખમી પરિબળોને ઘટાડવાની વ્યૂહ રચનાઓ લાગુ નહીં પડે તો ૨૦૫૦ સુધીમાં ૧૫.૨ કરોડ સુધીનો વધારો થઈ શકે છે.
 • વિશ્વમાં દર ૩ સેકન્ડે એક વ્યક્તિને ડિમેન્શિયા થઈ રહ્યો છે.
 • વિશ્વભરમાં ડિમેન્શિયા ધરાવતા મોટા ભાગના લોકો ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં રહે છે.

ડિમેન્શિયાનું નિદાન કઈ રીતે થાય છે?

 • કોઈ એક પરીક્ષણ ડિમેન્શિયાનું નિદાન કરી શકતું નથી. તેથી ડોક્ટરો ઘણા બધા પરીક્ષણો કરી શકે છે. જે સમસ્યાને નિર્ધારિત કરવામાં મદદ કરી શકે છે.
 • કોગ્નિટિવ અને ન્યુરોસાયકોલોજીકલ ટેસ્ટ દ્વારા ડોક્ટર્સ તમારી યાદશક્તિ, ભાષા, કૌશલ્ય, ધ્યાન, તર્ક અને વિચારવાના કાર્યનું મૂલ્યાંકન કરશે.
 • સીટી અથવા એમઆરઆઈ સ્કેન દ્વારા સ્ટ્રોક, ગાંઠ, રક્તસ્ત્રાવ અથવા હાઈડ્રોસેફેલસની ઉપસ્થિતની ચકાસણી કરે છે.
 • PET સ્કેન મગજની ગતિવિધિઓની પેટર્ન્સ બતાવી શકે છે અને જો એમ્લોઈડ પ્રોટીન જમા થયુ હોય, જે અલ્ઝાઈમર રોગની ઓળખ છે, તેને પણ બતાવે છે.

લેબોરેટરી પરીક્ષણો

મગજની કાર્યક્ષમતાને અસર કરી શકે તેવા વિટામીન બી-૧૨ની ઉણપ અથવા અવિકસિત થાઈરોઈડ ગ્રંથિ.

ડિમેન્શિયા ની સારવાર શું છે?

 • ડિમેન્શિયાનો સંપૂર્ણપણે ઈલાજ વર્તમાન સમયમાં સંભવ નથી. પરંતુ જો ડિમેન્શિયાનું વહેલી તકે નિદાન થઈ શકે તો દવાની મદદથી યાદશક્તિ ઘટવાની ઝડપ ઓછી કરી શકાય છે અને રોજિંદુ જીવન થોડું સહેલું બનાવી શકાય.
 • ડોનેપેજિલ, રિવાસ્ટિગ્માઈન અને ગેલાન્ટામાઈન યાદશક્તિ અને ચુકાદામાં સંકળાયેલા રાસાયણિક મેસેન્જરના સ્તરને વધારીને કામ કરે છે.
 • મેમન્ટાઈન , ગ્લુટામેટ ની પ્રવૃતિને નિયમિત કરીને કામ કરે છે. જે મગજની કામગીરીમાં સામેલ રાસાયણિક મેસેન્જર છે.
 • મુખ્યત્વે અલ્ઝાઈમર રોગના ઉપચાર માટે ઉપયોગમાં લેવાતી હોવા છતાં આ દવાઓ અન્ય ડિમેન્શિયા માટે પણ સૂચવવામાં આવી શકે છે.
 • ડિમેન્શિયાના અન્ય લક્ષણો જેમકે ડિપ્રેશન, અનિદ્રા અથવા ઉગ્રતાને દવાથી નિયંત્રિત કરી શકાય છે.

ડિમેન્શિયાના દર્દીની સંભાળ રાખવાની ટિપ્સઃ

 • દર્દીનું આત્મસન્માન જાળવો.
 • દર્દીનો રોજિંદો નિત્યક્રમ જાળવી રાખો.
 • દર્દીની હાજરીમાં તેની સ્થિતિ વિશે વાત કરવાનું ટાળો.
 • દર્દીની નિષ્ફળતા તરફ ધ્યાન દેવાનું ટાળો.
 • દર્દીની સુરક્ષા માટે જરૂરી પગલા લો.
 • દર્દીને તારીખ, વાર, સમય અને માસની માહિતી રોજબરોજ આપો.
 • સ્વતંત્ર રીતે તેમનું કામ કરવા માટે પ્રોત્સાહિત કરો.

સ્ત્રોત: સમીર પટેલ , ન્યુરોલોજીસ્ટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/15/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate