অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અલ્ઝાઇમર્સને ઓળખો

વિશ્વમાં ઉપલબ્ધ તમામ પ્રજાતિઓમાં આપણે મનુષ્યો, આપણી બુધ્ધિમતાને કારણે સર્વોચ્ચ સ્થાને છીએ. આ જ કારણ છે કે જ્યારે આપણી બૃધ્ધિ એટલે કે સ્મૃતિશક્તિ ઓછી થવા લાગે તો તે ચિંતાનો વિષય બની જાય છે. ડિમેન્શિયા એટલે સ્મૃતિભ્રંશ, તેમાં વ્યક્તિની યાદશક્તિ, વિચારશક્તિ, ભાષા તથા વર્તનમાં ઉણપ આવે છે. . ડિમેન્શિયા થવાના પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. પરંતુ આશરે 50-60 ટકા દર્દીઓમાં અલ્ઝાઇમર્સ રોગ 20-30 ટકા વાસ્ક્યુલર ડિમેન્શિયા હોય છે. બાકીના દર્દીઓમાં ફ્રન્ટોટેમ્પોરલ ડિમેન્શિયા, લેવી બોડી ડિસિઝ, નોર્મલ પ્રેશર હાયડ્રોસિફેલસ તથા અન્ય કારણો હોય છે. આ ઉપરાંત વિટામિન B12ની ઉણપ, થાયરોઈડ, પેરાથાયરોઈડ, ડાયબિટીઝ તથા ભારે ધાતુઓની વિષમ અસરથી પણ ડિમેન્શિયા થઈ શકે છે. જેનું નિવારણ શક્ય છે.
વર્તન અને યાદશક્તિ સંબધિત સમસ્યાઓ હોય તેને ફ્રન્ટ્રોટેમ્પોરલ ડિમેન્શિયા કહેવાય છે. જેમાં ભ્રમણાઓ વધુ હોય તેને લેવી બૉડી ડિસિઝ કહેવાય છે. ઘણી વખત વધુ પડતા વિચારમગ્ન થવાથી કે ધ્યાનના અભાવે યાદશક્તિની સમસ્યા સર્જાય છે, જેને સ્યુડો ડિમેન્શિયા કહેવામાં આવે છે.
એક અંદાજ મુજબ સમગ્ર વિશ્વમાં આશરે 5 કરોડ લોકો કોઈને કોઈ ડિમેન્શિયાથી પીડાય છે તથા દરવર્ષે 90 લાખ નવા દર્દીઓ ઉમેરાય છે. એટલે અવું કહેવાય કે દર 3 સેકન્ડે એક નવા વ્યક્તિને આ રોગ થાય છે.

અલ્ઝાઇમર્સના અગત્યના લક્ષણો

 • યાદશક્તિ ઘટવી
 • મુખ્યત્વે તાજેતરની ઘટનાઓ ભૂલાઈ જવી
 • વાતચીત કે લખવામાં શબ્દો શોધવા પડે
 • રોજિંદી ક્રિયાઓમાં તકલિફ પડવી
 • સમય તથા સ્થળનું ભાન ન રહેવું
 • કોઈ સમસ્યાનો ઉકેલ લાવવામાં તકલીફ પડવી
 • રસ્તા ભૂલી જવી
 • સ્વભાવમાં પરિવર્તન આવવું
 • લોકો સાથે હળવા મળવામાં તથા સામાજિક સંબંધોમાં ધીરે-ધીરે ઉણપ આવવી
 • કયાંક મુકેલી અગત્યની વસ્તુઓ ભૂલી જવી

જો ઉપરોક્ત લક્ષણો વારંવાર જણાય તો સાવચેતી રાખવી જરૂરી છે.

અલ્ઝાઇમર્સ ડિમેન્શિયાના લક્ષણો

શરૂઆતના તબક્કામાં દેખાતા લક્ષણો

 • નામ ભુલાઈ જવા, અગત્યનું કામ ભૂલાઈ જવું.
 • ભાષાની તકલિફ (સમજવાની તથા અર્થપૂર્ણ બોલવાની સમસ્યા) ઊભી થાય.
 • વર્તનમાં તકલિફ થવી (નીરસતા, ડિપ્રેશન, તણાવ).
 • નિર્ણયશક્તિ ઘટવી.

બીજા તબક્કામાં દેખાતા લક્ષણો

 • રોજ-બરોજના કાર્યોમાં મુશ્કેલી થવી.
 • સમય તથા સ્થળનું ભાન ન રહેવું.
 • નીરસતા અને ડિપ્રેશન વધી જેવું.
 • ઝાડા-પેશાબનું ભાન ન રહેવું.

અંતિમ તબક્કામાં દેખાતા લક્ષણો

 • સંપૂર્ણપણે પરવશ થઈ જવું .
 • ચાલવાની, બોલવાની અને ઓળખવાની તકલિફ ખૂબ વધી જવી.
 • પથારીવશ થઈ જવાય, ખોરાક લેવામાં ખૂબ જ મુશ્કેલી થાય.
 • હૉસ્પિટલમાં દાખલ કરવા પડે.

અલ્ઝાઇમર્સ ડિમેન્શિયાના કારણો - અલ્ઝાઇમર્સ રોગનું કોઈ એક ચોક્કસ કારણ જાણી શકાયુ નથી, પરંતુ વધતી ઉંમરની સાથે મગજમાં અમાઈલોઈડ બીટા પ્રોટીન જમા થાય છે. 5 થી 10 ટકા દર્દીઓમાં આ રોગ વારસામાં આવે છે. આ રોગને ડાઉન્સ સીન્ડ્રૉમ તથા અમાયલોઈડ એન્જીઓપથી રોગ સાથે પણ સંબંધ છે.

નિદાન

 • આ રોગના નિદાનમાં દર્દીની સ્મૃતિને ચકાસવા અનેક પરિક્ષણો (કોગ્નીટીવ ટેસ્ટ) જેવા કે મિનિમેન્ટલ સ્ટેટસ, વર્ડ લિસ્ટ મેમોરી ટેસ્ટ, વર્ડ રિકૉલ ટેસ્ટ, એડનબ્રુક ટેસ્ટ થાય છે. જેનાથી રોગની તીવ્રતાનું માપ નિકળે છે.
 • સીટીસ્કેન, એમ.આર.આઈ. ઉપરાંત સ્પેક્ટ તથા પૅટ સ્કેન જેવી ન્યુરોઈમેજિંગ પધ્ધતિઓની પણ ક્યારેક જરૂર પડે છે.
 • ઈ.ઈ.જી નામની તપાસ પણ ક્યારેક લાભદાયી થાય છે.

ઉપચાર

આ રોગના ઉપચાર માટે તમામ પ્રકારની દવાઓ ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ આપવામાં આવે છે. આ સિવાય સારવારની નવી પધ્ધતિઓમાં જિનેટીક એન્જિનિયરીંગ તથા સ્ટેમસેલ થેરપી હજી પ્રાયોગિક સ્તરે છે. આ ઉપરાંત, આ રોગોની રસી પણ તૈયાર કરવામાં આવી રહી છે. પ્રાયોગિક ધોરણે મેમરીચીપ્સ તથા આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સમાં પણ સંશોધનો પ્રગતિમાં છે.

સ્મૃતિભ્રંશને અટકાવવા તથા મગજની કાર્યક્ષમતાના રક્ષણ તથા વધારવાના ઉપાયો

 • નિયમિત કસરત કરવી જોઈએ. જોગિંગ તથા ગાર્ડનિંગ ખૂબ જ લાભદાયી છે. ધ્યાન તથા યોગ નિયમિત કરવા જોઈએ.
 • તંદુરસ્ત તથા સમતોલ આહાર લેવો જોઈએ. મેડિટેરેરિઅન ડાયટ કે જેમાં ફળફળાદી, શાકભાજી, ઓલિવ ઓઈલ તથા કઠોળ વધુ હોય છે. વધુ પડતુ નમક, ગળપણ તથા ચરબી યુક્ત આહાર ટાળવો જોઈએ. અળસી, ગ્રીન ટી, બદામ તથા અખરોટનો વપરાશ વધુ કરવો જોઈએ.
 • તમાકુ, શરાબ તથા નશાકારક દવાઓનો સંપૂર્ણપણે ત્યાગ કરવો જોઈએ.
 • ઉંઘ પૂરતી લેવી જોઈએ. મનને પણ આરામ આપવો જોઈએ.
 • તણાવ પર નિયંત્રણ કરવું જોઈએ. તણાવથી ચેતાકોષોમાં હાનીકારક રસાયણો ઉત્પન્ન થાય છે. હકારાત્મક જીવનશૈલી અપનાવવી જોઈએ.
 • મગજને સતત કસરત મળે તેવું નવું નવું શીખવું જોઈએ. જેમકે મેમરી ગેમ, સુડોકું જેવી રમતો રમવી જોઈએ. નવી ભાષા શીખવી જોઈએ. નવા મિત્રો બનાવવા જોઈએ. સામાજિક સંબંધો કેળવવા જોઈએ. બન્ને હાથે લખવાની કોશિષ કરવી જોઈએ. નવા-નવા પુસ્તકો વાંચવા જોઈએ અથવા લખાણ લખવું જોઈએ. યાદરાખો, સોશ્યલ મીડિયા, કોમ્પ્યુટર, મોબાઈલ જેવા ઈલેક્ટ્રોનિક ડિજીટ્સ પર વધારે સમય વિતાવવો હિતાવહ નથી.
 • બ્લડપ્રેશર, ડાયબિટીઝ, ચરબી તથા સ્થુળતાનું યોગ્ય નિયમન કરવું જોઈએ. (વિશેષ આભાર – ડૉ. સુધીર શાહ).

ડૉ અમિત પી. ભટ્ટ. મગજના રોગોના નિષ્ણાત

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate