অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શ્વાસ જીવનની જીવાદોરી

આપણે ખોરાક તેમજ પાણી વગર દિવસો સુધી ચલાવી શકીએ છીએ, પણ શ્વાસ લીધા વગર આપણે થોડીક મિનિટ કરતા પણ વધારે જીવી શકતા નથી.આપણે દિવસમાં લગભગ 22000 વખત શ્વાસ લઈએ છીએ અને એ દરમિંયાન લગભગ 10-20 કિગ્રા જેટલી હવા આપણે શ્વાસમાં લઈએ છીએ જે આપણા દરરોજના ખોરાક કરતા 10 ગણું વધારે છે. તેમ છતાં પણ આપણે શ્વાસ અને ફેફસાના હેલ્થને લઈને સજાગ નથી. તો આજે આપણે ફેફસા અને શ્વાસને લગતી બીમારીઓ અને તેનાથી બચવાના ઉપયો વિષે થોડી ચર્ચા કરીશુ.

બીડી / સિગારેટ / ધુમાડાને લીધે થતો શ્વાસ (COPD)

આ રોગ બીડી / સિગારેટના વ્યસનથી તો થાય કે પણ તે ઉપરાંત ઘરમાં ચૂલા પર રસોઈ બનાવवीवीવી, પેટ્રોકેમિકલસ (વાહનો)ના ધુમાડા, આસપાસના લોકોની સિગારેટના ધુમાડા શ્વાસમાં લેવાથી પણ થાય છે. આ બધાને લીધે ફેફસાનુ કેન્સર થવાની શક્યતા વધી જાય છે. બીજા લોકોની સિગારેટના ધુમાડા શ્વાસમાં લેવાથી પાસે ઉભેલા વ્યક્તિને પણ લાંબાગાળે કેન્સરનું જોખમ સામાન્ય વ્યક્તિ કરતા બે ઘણું વધી જાય છે.

લક્ષણો : શ્વાસ ચડવો, લાંબા સમય સુધી ઉધરસ રહેવી, શ્વાસ લેવામાં તકલીફ અનુભવવી આ બધા લક્ષણો આ રોગના છે.

બચવાના ઉપાય: બીડી / સિગારેટનું વ્યસન છોડવું અને આ બધા જ પ્રકારના ધુમાડાથી બચવું એ ખુબજ અગત્યનું છે. અને એ જ મુખ્ય સારવાર છે. ખુલ્લા હવામાનમાં ગાર્ડનમાં વહેલી સવારે ચાલવું એ ખુબજ ફાયદાકારક છે. આ રોગથી પીડાતા દર્દીઓને જલ્દી સારવાર શરુ કરવાથી ફેફસાને થતું ડેમેજ ઓછું કરી શકાય છે.

 

અસ્થમા

આ પ્રકારનો શ્વાસ બાળકો તેમજ મિડલ એજ વ્યક્તિઓને મુખ્યત્વે એલર્જીને લીધે થતો હોય છે. ઉધરસ, રાત્રે શ્વાસમાં સિસોટી વાગવી, થાકી જવું, શ્વાસ લેવામાં જોર પડવું, ધૂળ-ધુમાડામાં શ્વાસની તકલીફ વધી જવી. આ બધા મુખ્ય લક્ષણો છે. આવા દર્દીઓને મુખ્યત્વે એની સાથે નાકની શરદી, પાણી નીકળવું, નાક બંધ થવું એ સામાન્ય છે. આપણા દેશમાં 60.70% વ્યક્તિઓને ધૂળની એલર્જીથી પીડાય છે..

  • બહુચર્ચિત Smog / ધુમ્મસને લીધે આવા દર્દીઓને શ્વાસની તીવ્રતામાં ખુબ વધારો થાય છે. તેમજ હોસ્પિટલ્સની વિઝિટમાં ઇમર્જન્સી વધારો થાય છે. અને તેમની દવાના ડોઝમાં પણ વધારો થાય છે.
  • આવા દર્દીઓને બચવા માટેના ઉપાયોમાં મુખ્યત્વે ધુમાડા / Smog ધૂળ / ઠંડા પવન જેવા પરિબળોના સંપર્કથી બચવું જોઈએ અને રેગ્યુલર ડોક્ટરની સલાહ મુજબ ઈન્હેર્લસ લેવા જોઈએ અને ડૉક્ટરની સલાહનું પાલન કરવું જોઈએ.

ટ્યુબલરક્યુલોસીસ (TB)

  • ફેફસાનો ટીબી એ બહુ કોમન રોગ છે. અને આપણા દેશમાં ખુબજ વ્યાપકપણે ફેલાયેલો છે. એને મટાડવા માટે ભારત સરકાર તેમજ WHO બહુ જ પ્રત્યનો કરી રહી છે પણ ટીબીથી ભારતમુક્ત કરવું બહુ જ કઠિન કાર્ય છે.
  • ટીબી ભારતમાં કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. એ એટલો બધો સર્વ સામાન્ય છે ઘણા સેલેબ્રીટી અને હાઈ પ્રોફાઇલ વ્યક્તિઓને પણ થયેલો છે. એટલે તેનાથી હીનતાની લાગણી અનુભવવી અથવા તેના દર્દીઓને સાથે અછૂત જેવી ભાવના ના રાખવી જોઈએ ટીબી સંપૂર્ણપણે માટી શકે એવો રોગ છે..

લક્ષણો :

  • 15 દિવસથી વધારે ઉધરસ, ઝીણો તાવ આવવો, ભૂખ ના લાગવી, વજન ઘટવું
  • ટીબીનું નિદાન કફનો રિપોર્ટ દ્વારા કરી તેનો સંપૂર્ણ કોર્ષ કરવાથી માટી શકે છે. આ ઉપરાંત પૌષ્ટિક પ્રોટીનયુક્ત આહર લેવો આ ખુબ જ જરૂરી છે. ટી.બી. હવા અને કફ દ્વારા ફેલાતો રોગ છે જેથી આવા દર્દીઓએ કફ જાહેર જગ્યાઓ પાર ના થુંકવું જોઈએ. જેથી તેને ફેલાવતો અટકાવી શકાય. કાફદાની માં એકઠો કરી તેનો યોગ્ય પ્રકારે નિકાલ કરવો જોઈએ.

સ્વાઇનફલુ

  • ફેફસામાં ઇન્ફ્લ્યુએન્ઝા વાઇરસને લીધે થતો રોગ છે. આનું પ્રમાણ ચોમાસા અને શિયાળામાં ઠંડા વાતારણમાં વધારે જોવા મળે છે..
  • લક્ષણો : આ રોગમાં સીઝનલ શરદી - ઉધરસ જેવા જ લક્ષણો હોય છે. માત્ર તીવ્રતા થોડી વધારે હોય છે. લક્ષણો જેવા કે ઉધરસ આવવી, ગળું બળવું, ભારે તાવ આવવો, શ્વાસ ચડવો, માથું દુખવું, નબળાઈ લાગવી।.
  • આ તકલીફ ટૂંકા ગાળાના લક્ષણો સાથે તબિયત ઝડપથી બગડતી હોય છે. આ રોગ કફ અને શ્વાસ દ્વારા ફેલાય છે. સ્વાઇનફલુ પ્રભાવિત એરિયામાં ટ્રાવેલિંગ એ આ રોગના નિદાનની અગત્યની કડી છે.
બચવાના ઉપાય: સંપૂર્ણ આરામ કરવો, પૌષ્ટિક આહાર તેમજ, સારી ઊંઘ લેવી જરૂરી છે. આવા લક્ષણોવાળા દર્દીઓએ અલગ રૂમમાં 5 - 7 દિવસ, જ્યાં સુધી સારું ન થાય ત્યાં સુધી આઇસોલેશન રહેવું જોઈએ. ડોક્ટરની સલાહ લઈને સારવાર ચાલુ કરવી એ અત્યંત અગત્યતા ધરાવે છે. દર્દીના સંપર્કમાં આવેલી વ્યક્તિએ પણ ડોક્ટરની સલાહ મુજબ દવા લેવી જોઈએ..

કેન્સર

  • કેન્સરને લીધે થતા મૃત્યુંની સંખ્યામાં ફેફસાના કેન્સર પ્રમુખ સ્થાન ધરાવે છે. જેનું મુખ્ય કારણ તેના નિદાનમાં થતો વિલંબ છે. બીડી, સિગારેટ, વાહનોના ધુમાડા, લાઈફ સ્ટાઇલ ફેરફારને લીધે ફેફસાનું કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે..
  • લક્ષણો : કફમાં લોહી પડવું, છાતી માં દુઃખાવો થવો,વજન ઘટવું આ બધા કેન્સરના લક્ષણો છે.
  • બચવાના ઉપાય: રેગ્યુલર રૂટિન હેલ્થ ચેક ઉપ કરાવાથી શરુવાતના તબક્કામાં આ કેન્સરને પકડી શકાય છે. આમ કરવાથી તેનો સંપૂર્ણ ઈલાજ શક્ય બને છે અને આયુષ્ય વધારી શકાય છે.
  • બીડી અને સિગારેટનું વ્યસનમુક્તિ એ ખુબજ અગત્યનું છે.

ફાઇબ્રોસિસ (ILD)

  • આ નવા પ્રકારના ફેફસાના જટિલ રોગો કે જેની સંપૂર્ણ સારવાર હજી પણ ઉપલબ્ધ નથી. આ રોગના ગ્રુપમાં 100 જેટલા પ્રકાના રોગો આવે છે. આ રોગોમાં ફેફસાનું સુકાવું, ફાઇબ્રોસિસ મુખ્ય હોય છે.
  • લક્ષણો : દર્દીઓને લાંબા ગાળાની સૂકી ઉધરસ અને શ્વાસ જે ધીમે ધીમે વધતો જાય છે. આ મુખ્ય તકલીફો હોય છે. અને રોગની તીવ્રતાના વધારાની સાથે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણમાં ઘટાડો થતો જાય છે. આ ગ્રૂપના રોગોમાં અમુક કેન્સર કરતા પણ વધારે જીવલેણ છે. જયારે અમુક રોગોથી છુટકારો સારવાર દ્વારા મેળવી શકાય છે.

સ્લીપ એપનિયા

મેદસ્વીપણા, વધારે પડતા વજનને કારણે થતા આ રોગ ગળાનો અને શ્વાસ નળીનો ભાગ ઊંઘ દરમિયાન વધારે પડતો સાંકળો થઈ જવાને લીધે થાય છે. ચરબીના વધુ પડતા પ્રમાણને લીધે ગળાના અને શ્વાસનળીના સ્નાયુઓને તાકતમાં ઘટાડો થાય છે. જેના લીધે સુવાના સમયે નસકોરાનું પ્રમાણ વધી જાય છે.

લક્ષણો : રાત્રે વારંવાર ઝબકીને જાગી જવું, અપૂરતી ઊંઘ થવી, સવારે ઉઠીને સુસ્તી જેવું લાગવું, દિવસ દરમિયાન પણ વારંવાર સુઈ જવું, આ બધા આ રોગના લક્ષણો છે.

આવા લક્ષણો ધરાવતા દર્દીઓને સ્લીપ સ્ટડી નામનો રિપોર્ટ કરવાથી આ રોગની તીવ્રતા વિષે જાણી શકાય છે. આ ટેસ્ટમાં રાત્રે શરીર સાથે સેન્સર લગાવીને સુવાનું હોય છે. જેથી આ રોગની તીવ્રતાનું માપ કાઢવામાં આવે છે. અને તેના આધારે આગળની સારવાર નક્કી થાય છે.

જેમાં મુખ્યત્વે Non invasive Ventilater નાના વેન્ટિલેટરની જરૂર પડે છે. આ ઉપરાંત વજન ઘટાડવું એ મુખ્ય સારવાર છે. જેના દ્વારા આ રોગના લક્ષણોની તીવ્રતામાં ઘટાડો કરી શકાય છે. આ ઉપરાંત પણ ઘણી બધી ફેફસાની બીમારીઓ છે જેવા વિષે આપણે બધા બહુ અજાણ છીએ પણ એ બધાનો સમાવેશ આ સાથે કરી શકાય એ શકાય નથી.

આર્ટિકલનો અંત હું એક વિચાર સાથે કરીશ

તાજેતરના સર્વે મુજબ ભારતમાં દર ત્રીજા બાળકના ફેફસાનું ડેવલપમેન્ટ સંપૂર્ણપણે થતું નથી.

આ માટે જવાબદાર પરિબળો અને તેના ઉપાય માટે આપણે કેટલા સજાગ અને તૈયાર છીએ ?આપણા જવાબો અથવા આ આર્ટિકલ રિલેટેડ સવાલો માટે તમે મને ઈ-મેઈલ કરી શકો છે. E-mail : niraj1mehta2002@gmail.com.

સ્ત્રોત : ડૉ નીરજ મહેતા, કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ & એલર્જી સ્પેશિયાલિસ્ટ .

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate