অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અસ્થમાનું નિદાન કરવું ખૂબ સરળ છે

અસ્થમાનું નિદાન કરવું ખૂબ સરળ છે

વારસો એ દરેક વ્યક્તિને વડીલો તરફથી મળતી અનેરી ભેટ છે. જમીન-જાયદાદ, ઘરેણાં કે અમૂલ્ય શિલ્પકૃતિ... નસીબ સાથે સંકળાયેલ હોવાની દ્રઢ માન્યતા આપણાં સૌ માં પ્રવર્તે છે. આવી જ દ્રઢ માન્યતા વારસામાં મળતાં રોગ વિશે પણ છે જેમાં દમ-અસ્થમા કે શ્વસન રોગ પ્રમુખ સ્થાન ભોગવે છે. આ રોગને સાથ આપી શકે એવા અન્ય રોગ ડાયાબિટીસ, હૃદયરોગ, થાઈરોઈડ વગેરે છે..

અસ્થમા કે દમ એટલે શ્વાસ ચઢવો, શ્વાસ લેવા સમયે સિટી વાગવે, કોરી ખાંસી ચઢવી, શ્વાસનું રૂંધાવું વગેરે વિવિધ ચિહ્નો દ્વારા પ્રદર્શિત થતો શ્વસનતંત્રનો રોગ. આ અસ્થમા અબાલ-વૃધ્ધ દરેકને પજવી શકે છે અને દમ એટલે જિંદગીભરનો સાથ એવી માન્યતા સાથે અસ્થમાના દરેક દર્દી જીવન જીવતા હોય છે અને એ દરમિયાન આ રમત હું ન રમી શકું, આ કાર્ય મારાથી શી રીતે થઈ શકે, આ નોકરી મારા માટે શક્ય નથી વગેરે માન્યતાઓથી જીવન સાથે બાંધછોડ કરતા હોય છે અને ઘણાં એવા પણ હોય છે કે જેમણે જીવનમાં આગણ વધવાની સોનેરી તક મૂકી પણ દીધી હોય..

શું આ અસ્થમા એટલો બિહામણો રોગ છે?

આપણે શ્વસનતંત્ર અને અસ્થમા તથા તેની સાથે થતાં ફેરફાર સમજીએ.

 

આપણું શ્વસનતંત્ર નાકથી લઈને છાતીના પિંજરામાં ઊંડાણ સુધી હવા પહોંચાડતા શ્વસનમાર્ગ અને તેના છેડે આવેલા ફૂગ્ગા જેવા શ્વસનકોષોનું બનેલું છે. આશરે ત્રીસ કરોડથી વધુ સંખ્યામાં રહેલા આ શ્વસનકોષો સુધી પહોંચવા મુખ્ય શ્વાસનળી થી લઈને ઊંડે સુધી પહોંચતી નળીઓનાં આશરે 28 જેટલાં વિભાજન થાય છે એટલે કે આગળ જતાં આ નળીઓ સાંકડી થતી જાય છે..

નાક દ્વારા પ્રવેશતી હવા અંદર રહેલી રચનાથી ગળાઈ અને શ્વસન યોગ્ય તાપમાન અને ભેજવાળી થઈને શ્વસનમાર્ગમાં પ્રવેશે છે જ્યાંથી તે આગળના શ્વસન કોષો સુધી પહોંચે છે

શરૂરની આ અદભૂત રચનાનું રક્ષણ કરવા માટે આપોઆપ સંચાલિત (ઓટોમેટિક) શ્વસનનળીનું સંકોચાવું અને શ્વસનમાર્ગના અંદરના કોષોનું સૂજીને ફૂલી જવું જેવી ક્રિયાઓ થાય છે. આ એટલું જ સહજ છે જેટલું કે ન ભાવતું અથવા સ્વાદમાં ખરાબ-બગડી ગયેલા ખોરાકનો એક કોળીયો લીધા પછી બીજો કોળીયો લેતા આવતો ઉબકો અથવા ઊલ્ટી થવી કે જેથી આવો વધુ ખોરાક શરીરમાં ન આવે..

સ્વાભાવિક છે કે જ્યારે શ્વસન માર્ગ સંકોચાઈ જાય ત્યારે તેમાંથી પસાર થતી હવા વાંસળીમાં ઉત્પન્ન થતાં અવાજની જેમ જ સિસોટી જેવો અવાજ કે સસણી ઉત્પન્ન કરે છે. આ શ્વાસ લેતા વાગતી સિસોટી કે સસણી જો વખતો વખત થાય અને સમયાંતરે બંધ થઈ જાય તો તે અસ્થમા હોવા વિશે સૂચન કરે છે..

વિશ્વ આરોગ્ય સંસ્થા અને વિશ્વ અસ્થમા સારવાર પહેલ દ્વારા વ્યાખ્યાતિત અસ્થમા એ Reversible Airway Obstruction છે એટલે કે શ્વસનમાર્ગની એવી અવરોધક ઘટના કે જે દવા દ્વારા નિવારી કે નિયંત્રિત કરી શકાય છે. આમ અસ્થમા એ Obstructive Airway Disease છે..

હવે આપણે એ તો જાણીએ છીએ કે અસ્થમા એ શ્વસન માર્ગનો અવરોધ થવાથી ઉત્પન્ન થતી ઘટનારૂપ રોગ છે પરંતુ એવા કયા પિરબળો છે કે જેનાથી અસ્થમા થઈ શકે છે અથવા વધુ તીવ્રતાથી વકરી શકે છે?મિત્રો. આપણે એટલું તો જાણી જ ગયા છીએ કે અસ્થમા એટલે શ્વસનમાર્ગનું સંકોચાવું અને દવાથી સંપૂર્ણપણે નિયંત્રિત થવું જે કોઈપણ પ્રકારના કારણથી થઈ શકે છે. આવી ઘટનાનું નિદાન કરવું એટલું જ જરૂરી છે જેટલું ઘરની અંદર દેખાયેલા સાપને પકડીને બહાર કાઢવો.અસ્થમાનું નિદાન સરળ અને સહજ છે જેવી રીતે હાઈ બ્લડપ્રેશરનું નિદાન બ્લડપ્રેશર માપવાથી થાય છે તેવી રીતે અસ્થમાનું નિદાન શ્વસનમાર્ગમાંથી નિકળતી હવાની મહત્તમ ગિત (પિકફ્લો) માપવાથી થાય છે. સ્વાભાવિક છે કે જ્યારે શ્વસનમાર્ગ ખુલ્લો હોય ત્યારે ફુંક મારવાથી નિકળતી હવાની ગતિ વધુ હોય અને જો તે માર્ગમાં અવરોધ કે રૂંધામણ હોય તો એ ગતિ ઓછી હોય એટલે કે, અસ્થમા ધરાવતા દર્દીનો પિકફ્લો ઓછો હોય. આપણે જાણીએ થીએ કે અસ્થમા એ દવાથી નિયંત્રિત થઈ શકે એવો રોગ છે એટલે કે જેટલી ગતિના કારણરૂપ અવરોધને દવા આપીને દૂર કર્યા બાદ ફરીથી પિકફ્લો માપવાથી ગતિ વધેલી માલૂમ પડે છે અટલે કે Reversible Obstruction હોવાનું પ્રમાણ મળી રહે છે. આ પિકફ્લો મીટર દરેક ફેમિલી પ્રેક્ટીશનરથી માંડીને સ્પેશિયાલિસ્ટ પાસે હોય જ છે અને તેના વડે પ્રાથમિક નિદાન તો થઈ જ શકે છે..

વધુ ઉંડાણથી નિદાનની ખરાઈ કરવા માટે ફેફસાની કાર્યશકિતનું માપ PFT એટલે કે પલ્મનરી ફંક્શન ટેસ્ટ –સ્પાઈરોમીટર વડે તપાસ કરવામાં આવે છે જેના દ્વારા વધુમાં વધુ ઊંડો શ્વાસ લેવાની ક્ષમતા (FVC) તેમાંથી એક સેકન્ડમાં ફૂંકી શકતા શ્વાસનું માપ (FEV1) અને અન્ય મૂલ્યો જાણી શકાય છે. આ વિસ્તૃત માહિતી શ્વાસના અન્ય દર્દોથી અસ્થમાને જૂદો તારવામાં પણ મદદ કરે છે..

અસ્થમાનાં દર્દીઓમાં ઉપર જણાવેલ પરિબળો પ્રત્યેની તીવ્ર સંવેદનશીલતા (હાઈપર રિએક્ટિવીટી) સહજ જોવા મળે છે. આવા તત્વો પ્રત્યેની સંવેદનશીલતાનું આંકલન એટલે એલર્જી ટેસ્ટ અને વ્યાપવયછી થતાં અસ્થમા, કામકાજની જગ્યાઓએ જ હુમલો થતો હોય એવા અસ્થમા, કોઈ ખોરાકની સાથે જ સંકળાયેલ હોય એવા અસ્થમા વગેરે માટે એલર્જી ટેસ્ટ મદદરૂપ બની શકે છે. જ્યારે કોઈ ચોક્કસ દ્રવ્ય, ખોરાક, વનસ્પતિ, પ્રાણી કે એવા કોઈ પરિબળ પરત્વે એલર્જીની તીવ્રતા વધુ જાણવા મળે ત્યારે તેના પર કાબૂ મળેવવાથી અસ્થમાના હુમલા ખાળી શકયા છે અથવા તીવ્રતા ઓછી કરી શકાય છે..

આપણે જાણીએ છીએ કે શિયાળામાં ઠંડી અને સૂકી હવા, ચોમાસામાં ખૂબ જ વધતો ભેજ અને સંભવિત ચેપના કારણે અસ્થમાના હુમલાથી શક્યતા સૌથી વધારે હોય છે. આ કારણસર આ ઋતુમાં ડોક્ટર્સ પાસે આવા દર્દીઓનો ધસારો પણ વધુ હોય છે. અસ્થમા દવાથી નિયંત્રિત થઈ શકનાર રોગ હોવાથી જ્યારે પણ હુમલો થાય ત્યારે તેમાંથી રાહત કરી શકનાર દવાઓનો યોગ્ય ડોઝ અને પદ્વતિથી લેવામાં આવે તો ફક્ત જૂજ મિનીટોમાં જ આ હુમલા ઉપર કાબૂ મેળવી શકાય છે. અસ્થમા લાંબાગાળાથી હોય તો ઘણાં દર્દીઓને રોજ-બરોજ લેવી જરૂરી હોય તેવી દવાઓ પણ આપવી પડે છે. આ દવાઓને અટકાવ કરનાર દવાઓ કહેવામાં આવે છે. આ દવાઓ દમના દર્દીઓએ નિયમીત લેવાની હોય છે જે અસ્થમાના દર્દીઓને સંપૂર્ણપણે નોર્મલ જીવન જીવવા માટેની સગવડતા આપે છે..

અસ્થમામાં રાહત કરનાર દવાઓ શ્વસનમાર્ગના સ્નાયુઓને સંકોચાઈ જતાં અટકાવનાર એટલે કે ખુલ્લો કરવામાં મદદ કરનાર હોય છે. દવાઓ શ્વસનમાર્ગમાં સીધી પહોંચી શકે તેવા પંપ સ્વરૂપે, ગોળી-સિરપ સ્વરૂપે અને ઈન્જેક્શન સ્વરૂપે લઈ શકાય છે જેનો ઉપયોગ અને માત્રા ડોક્ટર દર્દીની ઉંમર અને રોગની તીવ્રતાના આધારે નક્કી કરે છે. અસ્થમાના હુમલાને અટકાવનાર દવાઓમાં શ્વાસનળીમાં થતી સૂજન અટકાવનાર દવાઓ મુખ્ય છે આ દવાઓ સ્ટીરોઈડના વર્ગમાં આવે છે. આ દવાઓના સમજણપૂર્વકના ઉપયોગથી અસ્થમા ઉપર અદભૂત કંટ્રોલ મેળવી શકાય છે. આ ઉપરાંત શરદી અથવા એલ્રજીમાં પણ અમુક પ્રકારની દવાઓ વાપરી શકાય છે..

વારસાગત લક્ષણો ધરાવતી વ્યક્તિ હોવાની સાથે જો..

 • બાળપણથી થતી શરદી કે નાક માંથી પાણી વહેવું.
 • ધૂળ, ધૂમાડા, રજકણો, કચરા વહેરેથી મિશ્રિત વાતાવરણ.
 • વાયરસ – ઈન્ફુએન્ઝાનો હુમલો.
 • ધુમ્રપાન (સીધું કે આડકતરું).
 • કેમિકલ કે સિમેન્ટ વગેરેનો સીધો સંસર્ગ.
 • પાલતુ પ્રાણીઓ જેવા કે કૂતરુ, બિલાડી વગેરેની નિકટતા.
 • અગરબત્તી, યજ્ઞ, અત્તર-સ્પ્રે વગેરેનો સંપર્ક.
 • વઘારવું-તળવું વગેરે જેવી રાંધવાની ક્રિયા.
 • રાંધવામાં છાણા, લાકડા વગેરેનો ઉપયોગ અને ધૂમાડો.
 • વનસ્પતિનાં પરાગરજ અને ફૂલોની ઋતુ.
 • પક્ષીઓના પીછાં, હગાર વગેરેનો સંપર્ક.
 • તીવ્ર ઠંડી.
 • શ્રમ કે પડી શકે તેવી કસરત કે દોડવું.
 • ચોક્કસ પ્રકારની દવાઓ કે ખોરાક.
 • પેટમાં કૃમિનો ઉપદ્રવ વગેરે પણ અસ્થમાનો હુમલો કરવાનાં કારણોમાં ઉમેરો કરી શકે છે.

સ્ત્રોત :ડો પાર્થિવ મહેતા,પલ્મોનોલોજિસ્ટ. નવગુજરાત હેલ્થ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate