હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / પોષણ સંબંધિત / ત્વચા રોગનું અસરકારક ઔષધ મહા મંજિષ્ઠાદિ ક્વાથ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ત્વચા રોગનું અસરકારક ઔષધ મહા મંજિષ્ઠાદિ ક્વાથ

ત્વચા રોગનું અસરકારક ઔષધ મહા મંજિષ્ઠાદિ ક્વાથ

ચામડીના રોગોના આમ તો અનેક ઔષધ છે, પરંતુ જેનો નિર્ભયતાથી ઉપયોગ કરી શકાય અને જે રોગના મૂળ સુધી જઇને પરિણામ આપી શકે એવા ઔષધોમાં મહામંજિષ્ઠાદિ ક્વાથ મુખ્ય છે. અમુક રોગોમાં અમુક ઔષધોનો ઉપયોગ કરીએ તો વધુ પરિણામ મળે એવો નિયમ હોવા છતાં મહા મંજિષ્ઠાદિ ક્વાથ એક એવું ઔષધ છે કે જે ચામડીના રોગોમાં નિર્ભિક રીતે આપી શકાય. ખસ, ખરજવું, ખંજવાળ, ખીલ, માથાનો ખોડો, ગૂમડા, ધોળો કોઢ, દાદર (દદ્રુ) કે સોરાઇસીસ જેવા ચામડીના કોઈપણ રોગોમાં મોટા ભાગના વૈદ્યો આ ઔષધનો ઉપયોગ કરે છે. ક્વાથ કરવામાં કે પીવામાં જેમને કંટાળો આવતો હોય તેવા લોકો ઉકાળાને બદલે તેની ટીકડી કે ઘનવટી પણ વાપરી શકે. મહા મંજિષ્ઠાદિ ક્વાથનો મુખ્ય ગુણ રક્તની શુદ્ધિ કરવાનો છે. તે લોહીમાં ભળેલી અશુદ્ધિને દૂર કરી મૂળમાંથી જ રોગને મટાડી શકે છે એમાં હરડે, કડુ કે નસોતર જેવા ઔષધો વાયુની ગતિને સવળી કરનાર, મળ ભેદક, અને સારક હોવાથી પેટમાં એકઠા થયેલા મળો અને દોષોને દૂર કરી ચામડીના રોગોનું જે મુખ્ય કારણ છે એવા કબજિયાતનેય નષ્ટ કરે છે. વાવડિંગ કૃમિઘ્ન એટલે કે કીટાણુ નાશક છે. ચામડીના રોગોમાં આયુર્વેદના જ્ઞાાતાઓએ કૃમિને પણ એક કારણ તરીકે માન્યું છે. મહામંજિષ્ઠાદિ ક્વાથમાં આવતા ગળો, વાવડિંગ, લીમડાની અંતર છાલ કરિયાતું અને ઇન્દ્રયવ જેવા દ્રવ્યોમાંથી મોટા ભાગના પાચન શક્તિને સુધારનાર તથા અપચાના કારણે ઉભા થયેલા અપક્વ અન્નરસ એટલે કે 'આમ' ને દૂર કરવાનો ગુણ ધરાવે છે. વળી તે વાયુ, પિત્ત અને કફ એમ ત્રણે દોષોનું શમન કરતા હોવાથી શરીરમાં સંચિત થયેલા દોષોને પણ દૂર કરવાની શક્તિ ધરાવે છે. જો આ ઉકાળો ઘેર બનાવવો હોય તો... મહા મંજિષ્ઠાદિ ક્વાથમાં

 1. મજીઠ
 2. નાગરમોથ
 3. કુટજ (કડાછાલ)
 4. ગળો
 5. કઠ (ઉપલેટ)
 6. સૂંઠ
 7. ભારંગ મૂળ
 8. ભોંય રીંગણીનું પંચાંગ
 9. વજ
 10. લીમડાની અંતરછાલ
 11. હળદર
 12. દારુ હળદર
 13. હરડે
 14. બહેડા
 15. આમળાં
 16. કડવા પરવળના પાન
 17. કડું
 18. મોરવેલ
 19. વાવડિંગ
 20. આસંધ(લિયો)
 21. ચિત્રક મૂળ
 22. શતાવરી
 23. ત્રાયમાણ
 24. લીંડી પીપર
 25. ઇન્દ્રજવ
 26. અરણીના પાન
 27. ભાંગરો
 28. દેવદાર
 29. કાળીપાટ
 30. ખેરસાર
 31. રતાંજલી (લાલચંદન)
 32. નસોત્તર
 33. વાયવરણાની છાલ
 34. કરિયાતું
 35. બાવચી
 36. ગરમાળાનો ગોળ
 37. ખેરની છાલ
 38. બકાન લીમડો
 39. કરંજની છાલ
 40. અતિવિષની કળી
 41. સુગંધી વાળો
 42. ઇન્દ્ર વરણાના મૂળ
 43. ધમાસો
 44. અનંતમૂળ અને
 45. પિત્તપાપડો એમપિસ્તાલીસ દ્રવ્યો પડે છે.

આ તમામ દ્રવ્યો એક સરખે ભાગે, શુદ્ધ સ્વરૃપમાં અને ગુણયુક્ત લાવી અધકચરો ભૂકો બનાવી લેવો. તૈયાર થયેલા ભૂકાને એક બરણી કે નાના ડબામાં ભરી તેમાંથી વીસ ગ્રામ જેટલો ભૂકો લઇ ચારસો ગ્રામ પાણીમાં પલાળી રાખવી. એકાદ કલાક પછી તેને ઉકાળી અડધાથી એક કપ બાકી રહે ત્યારે ઉતારી લેવું. ઠરે એટલે પીવાથી લોહીની શુદ્ધિ થાય છે. ખણજ, ખીલ, ખરજવું, દાદર જેવા ચામડીના રોગો મટે છે અને પેટ શુદ્ધ તથા આમદોષથી મુક્ત થતું હોવાથી બીજા પણ અનેક લાભ થાય છે. ચહેરાની અને શરીરની ચામડી તેજસ્વી બને છે. કાળા ડાઘ દૂર થાય છે અને શરીરના કોઈપણ ભાગમાં આવતી ખંજવાળ દૂર થાય છે. આ સિવાય આંખના રોગોમાં અને મેદના રોગોમાં પણ તે ઉત્તમપરિણામ આપે છે. ચામડીના રોગો માટે આ ઔષધનો ઉપયોગ કરનારે કેળા, ગોળ, વધુ પડતું મીઠું, મીઠાઈ, દહીં તથા આથો આવીને તૈયાર થતા હોય તેવા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ છોડવો. લીલી હળદર, પરવળ, મગ વગેરે પથ્ય આહાર લેવો. આની સાથે કિશોર ગૂગળ, આરોગ્ય વર્ધિની, ગંધક રસાયન, સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ, પંચતિક્તધૃત, ખરિદારિષ્ટ વગેરે રક્તની શુદ્ધિ કરનાર અને ચર્મરોગ હરતેલ, અર્કતેલ, મહામરિચ્યાદિ તેલ જેવા ચર્મ રોગોમાં સફળ પૂરવાર થયેલા ઔષધો પણ ચિકિત્સકની સલાહ મુજબ યોજી શકાય.

સ્ત્રોત: ફેમિના, ગુજરાત સમય

3.06060606061
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top