શ્વાસની દુર્ગંધ અથવા હેલીટોસીસ એ ગંભીર સમસ્યા છે. પરંતુ કે સારી બાબત એ છે કે સરળ ઉપાયોની મદદથી શ્વાસની દુર્ગંધ અટકાવી શકાય છે.
શ્વાસની દુર્ગંધ મોંઢામાં વિકાસ પામતાં ગંધ ઉત્પન્ન કરતાં બેક્ટેરીયાનાં કારણે થાય છે. જ્યારે તમે નિયમિત બ્રશ અથવા ફ્લોસ (પાતળી દોરીની મદદથી દાંત સાફ કરવું) નથી કરતાં ત્યારે દાંતમાં ભરાઈ રહેલ ખોરાકનાં કણોમાં બેક્ટેરીયા જમા થાય છે. આ બેક્ટેરીયા દ્રારા મુક્ત થતાં સલ્ફર ને કારણે વ્યક્તિનાં શ્વાસમાથી દુર્ગંધ આવે છે.
કેટલાંક ખોરાક, ખાસ કરીને લસણ તથા ડુંગળી ખૂબ તીવ્ર વાસવાળું તેલ ધરાવે છે. આ તેલ વ્યક્તિનાં ફેફસાં સુધી પહોંચી ઉચ્છવાસ દ્રારા બહાર નીકળે છે. જેને કારણે શ્વાસમાંથી ખરાબ દુર્ગંધ આવે છે. ધુમ્રપાન પણ શ્વાસમાંથી આવતી દુર્ગંધમાં ઉમેરો કરતું મુખ્ય કારણ છે.
શ્વાસમાંથી આવતી દુર્ગંધ દૂર કરવાની ઘણી માન્યતાઓ પ્રવર્તે છે. આવી કેટલીક જાણીતી માન્યતાઓ અહિં દર્શાવેલ છે. આવી માન્યતાઓ સાચી નથી.
માન્યતા # ૧
માઉથ વોશથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.
માઉથ વોશથી શ્વાસની દુર્ગંધ હંગામી રીતે દૂર થાય છે. જો તમે માઉથ વોશ વાપરતા હોવ તો એન્ટિસેપ્ટીક (દુર્ગંધ ફેલાવતાં બેક્ટેરીયાને દૂર કરતી ) અને પ્લાંકમાં ઘટાડો કરતી, ભારતીય દંતચિકિત્સક સંગઠન (ઈન્ડિયન ડેન્ટલ એસોશીયેશન – આઈડીએ) પ્રમાણીત માઉથ વોશ વાપરવું જોઈએ.
માન્યતા # ૨
જ્યાં સુધી તમે બ્રશ કરશો ત્યાં સુધી તમારા શ્વાસમાંથી દુર્ગંધ નહિં આવે
સત્ય એ છે કે મોટા ભાગનાં લોકો ૩૦ થી ૪૦ સેકન્ડ જ બ્રશ કરે છે. જે યોગ્ય નથી. ખરેખર તો દાંતને યોગ્ય રીતે સાફ કરવા માટે તમારે નિત્ય બે વખત બે મિનિટ સુધી બ્રશ કરવું જોઈએ. તમારી જીભને પણ સ્વચ્છ કરવાનું યાદ રાખો. બેક્ટેરીયા જીભ પર પણ હોઈ શકે છે. ફ્લોસ કરવું પણ એટલું જ મહત્વનું છે કારણ કે ફક્ત બ્રશ કરવાથી તમામ હાનિકારક પ્લાંક તથા દાંત અને પેઢાં વચ્ચે ફસાઈ ગયેલ ખોરાકનાં કણો નીકળી શકતાં નથી.
જો તમારે શ્વાસની દુર્ગંધ દુર કરવી હોય તો તમારાં દાંત અને મોંની યોગ્ય માવજત કરો. કેટલીક ખાંડ વગરની ચાવવાની ગોળી હંગામી ધોરણે આ દુર્ગંધ દુર કરી શકે છે. જો તમે યોગ્ય રીતે બ્રશ અને ફ્લોસ કરતાં હોવ, નિયમિત રીતે દાંત સફાઈ માટે દંતચિકિત્સક પાસે જતાં હોવ છતાં પણ જો શ્વાસમાં દુર્ગંધ આવતી હોય તો તમને સાઈનસાઈટીસ કે પેઢાંનો રોગ હોઈ શકે છે. જો તમને આ બાબતે શંકા હોઈ તો તમે દંતચિકિત્સકનો સંપર્ક કરી શકો. તે તમારી શ્વાસની દુર્ગંધનું યોગ્ય કારણ જણાવી તેની સારવાર કરી શકે છે.
શ્વાસમાં દુર્ગંધનાં કારણો
શ્વાસની દુર્ગંધનું ઉત્પત્તિ સ્થાન વ્યક્તિનું મોં છે. શ્વાસની દુર્ગંધનાં અનેક કારણો હોઈ શકે છે જે નીચે મુજબ છે:
- ખોરાક: ખોરાકનાં કણોનું દાંત કે તેની આસપાસ તુટી જવાનાં કારણે ખરાબ ગંધ આવે છે. ઉડી જતાં તીવ્ર તેલ ધરાંવતાં ખોરાક એ શ્વાસમાં દુર્ગંધનો અન્ય સ્ત્રોત છે. લસણ અને ડુંગળી એ આના ખૂબ જાણીતાં ઉદાહરણો છે. પરંતુ આ સિવાય અમુક શાકભાજી તથા મસાલાને કારણે પણ શ્વાસમાં દુર્ગંધ આવી શકે છે. જ્યારે આવો ખોરાક પચે છે તેમાંથી તીવ્ર તેલ નીકળે છે જે લોહીમાં ભળે છે અને લોહી સાથે ફેફસાં સુધી પહોંચે છે. જ્યાંથી તે ઉચ્છવાસ મારફત બહાર નીકળે છે. લસણ અને ડુંગળી ખાધા બાદ ૭૨ કલાક સુધી તેની શ્વાસમાંથી દુર્ગંધ આવે છે.
- દાંતની સમસ્યાઓ: દાંતની અસ્વચ્છતા તથા પાયોરીયા રોગ એ શ્વાસમાં દુર્ગંધનો સ્ત્રોત છે. જો તમે દાંત બ્રશ અથવા ફ્લોસ ન કરતાં હોય તો ખોરાકનાં કણો દાંત વચ્ચે રહી જાય છે. જેમાં બેક્ટેરીયા લાગું પડતાં તે હાઈડ્રોજન સલ્ફાઈડ વાયુ મુક્ત કરે છે અને રંગવિહિન ચીકણી બેક્ટેરીયાયુક્ત પટ્ટી (પ્લાંક) દાંત ઉપર જમા થાય છે.
- મોં સૂકું હોવું: લાળ મોંને સ્વચ્છ તથા ભેજયુક્ત રાખવામાં મદદ કરે છે. શુષ્ક મોં માં મૃત કોષો જીભ, ગાલ અને પેઢાં પર જમા થાય છે. જ્યારે આ મૃત કોષોનું વિઘટન થાય છે ત્યારે ખરાબ વાસ આવે છે. મોટેભાગે નિંદ્રાનાં સમય દરમિયાન મોં સૂકું થઈ જાય છે.
- રોગો: લાંબાગાળાનો ફેફસાંનો ચેપ ખૂબ જ દુર્ગંધયુક્ત શ્વાસ પેદાં કરે છે. અન્ય રોગો જેવા કે કેન્સર તથા ચયાપચયની ક્રિયામાં ખામીને કારણે શ્વાસમાં દુર્ગંધ આવી શકે છે.
- મોં, નાક અને ગળાની પરિસ્થિતિ: શ્વાસની દુર્ગંધ સાઈનસ સાથે પણ સંકળાયેલી હોય છે. સાઈનસમાં થતાં ચેપને કારણે ઉભી થતી ગંધ ગળાનાં પાછળનાં ભાગમાંથી નીકળી શ્વાસમાં દુર્ગંધ ફેલાવે છે.
- તમાકુની બનાવટો: ધુમ્રપાનને કારણે મોં શુષ્ક થઈ જાય છે અને તેને કારણે અસુવિધાજનક શ્વાસની દુર્ગંધ પેદાં થાય છે. તમાકુ સેવન કરનારાઓમાં પાયોરીયા રોગ લાગુ પડવાની સંભાવનાઓ રહે છે. જે શ્વાસની દુર્ગંધનો વધુ એક સ્ત્રોત છે.
- વધુ પડતાં ઉપવાસ: ઉપવાસને કારણે કેટોએસીડોસીસ, ઉપવાસ દરમ્યાન રસાયણો છુટા પડવાની પ્રક્રિયાને કારણે અસુવિધાજનક શ્વાસની દુર્ગંધ પેદા થાય છે.
તમે તમારી જાત માટે શું કરી શકો ?
- દાંત તથા મોંની યોગ્ય સફાઈ રાખો
- બ્રશ કરવા ઉપરાંત દાંત વચ્ચે જમા થયેલ ખોરાકનાં કણો દૂર કરવાં ફ્લોસનો ઉપયોગ કરવો
- ઉલિયાનો ઉપયોગ કરી જીભનાં છેક પાછલાં ભાગ સુધી યોગ્ય રીતે સફાઈ કરો.
- તમારાં દંતચિકિત્સક દ્રારા બતાવવામાં આવેલ માઉથવોશનો ઉપયોગ કરો. તેનો ઉપયોગ રાત્રે સૂતાં પહેલાં કરવો એ યોગ્ય છે.
- પૂરતાં પ્રમાણમાં પ્રવાહી લો અને વધુ પડતી કોફી ટાળો.
- દૂધ, માંસ કે માછલીનો ખોરાક લીધા બાદ તમારૂ મોં પાણીનાં કોગળાં કરી સાફ કરવું જોઈએ.
- જો તમને મોં સૂકાઈ ગયેલું લાગે તો ખાંડરહિત ચ્યુંગમ ચાવો.
- તાજા ફાઈબરયુક્ત શાકભાજી ખાવ.
- નિયમિતરીતે તમારાં દંતચિકિત્સકની મુલાકાત લો અને દાંત સાફ કરાવો.