অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પુખ્ત વયે ડાયાબિટીસથી બચવું હોય તો સ્વસ્થ જીવન શૈલી અપનાવો

diabetes

આપણાં દેશમાં પુખ્તવયે થતો (ટાઇપ-ર) ડાયાબિટીસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. જેમ જેમ શહેરીકરણ વધતું જાય છે અને જેમ જેમ શારીરિક શ્રમ ઘટતો જાય છે, તેમ તેમ ડાયાબિટીસનું પ્રમાણ વધે છે. જો ડાયાબિટીસને અટકાવવા માટે સામાજિક અને રાષ્ટ્રીય સ્તરે ઝુંબેશ ઉપાડવામાં નહીં આવે તો આપણાં દેશના કરોડો નાગરિકો આવતાં દશ-પંદર વર્ષમાં ડાયાબિટીસના શિકાર બની ગયા હશે એ નિર્વિવાદ છે. બેઠાડું જીવન, વધુ વજન તથા મોટી ફાંદ ડાયાબિટીસના નિમંત્રક છે. મોટે ભાગે હસવામાં જે મુદ્દાઓ લોકો ઉડાડી દે છે, તે વધુ વજન અને મોટી ફાંદ જ હસવામાંથી ખસવું કરી નાંખે છે અને વ્યક્તિને ડાયાબિટીસનો શિકાર બનાવી દે છે.
કેટલાંક લોકોના મનમાં એવી ખોટી માન્યતા ઘર કરી ગઇ હોય છે કે ડાયાબિટીસની બીમારી તો વધુ ગળપણ ખાનાર ને જ થાય! હકીકતમાં ડાયાબીટીસની બીમારી નોતરવામાં ગળપણ કરતા વધુ ખતરનાક ભૂમિકા ચરબીની હોય છે. ચરબી એટલે કે ઘી-તેલ-માખણ-મલાઈ-માંસાહાર-ચીઝ વગેરેમાંથી બીજા કોઇ પણ ખોરાક કરતાં બમણાંથી પણ વધારે કેલરી મળે છે. જ્યારે શરીરની જરૂરિયાત કરતાં વધુ કેલરી શરીરમાં જાય ત્યારે વધારાની કેલરી શરીરની અંદર ચરબીના સ્વરૂપે શરીરમાં જમા થાય છે. જેમ જેમ પેટની આસપાસ ચરબી જમા થયા કરે તેમ તેમ પેટનો ઘેરાવો વધતો જાય છે. પેટના અવયવોની આસપાસ ભેગી થયેલી ચરબી ઇન્સલ્યુલીન નામના, ગ્લુકોઝ (શુગર)નું શરીરમાં નિયંત્રણ કરતાં, અંત:સ્ત્રાવની અસર ઘટાડી નાંખે છે. શરીરમાં પૂરતાં પ્રમાણમાં ઇન્સલ્યુલિનનું ઉત્પાદન થતું હોવા છતાં પેટની આસપાસ જમાં થયેલી ચરબીએ ઇન્સલ્યુલિનને સારી રીતે કામ કરવા નથી દેતી જેને પરિણામે પુખ્ત વયે ડાયાબિટીસની બીમારી ઉદ્દભવે છે.
મોટા ભાગના શહેરના યુવાનો જ્યાં સુધી શાળા-કોલેજમાં હોય ત્યાં સુધી શારીરિક રીતે વધુ સક્રિય હોય છે. પરંતુ પચ્ચીસેક વર્ષની આસપાસથી એમની શારીરિક સક્રિયતા ઘટતી જાય છે અને પેટનો ઘેરાવો વધતો જાય છે. ત્રીસ-પાંત્રીસ વર્ષ શરીરની બેડોળતા સ્વરૂપે ફાંદ દેખાવા માંડે છે. શરીરનું વજન ભલે બહું વધુ ન હોય પણ ફાંદ દેખાવા લાગે એટલે કે પેટનો ઘેરાવો વધવા લાગે એટલે ડાયાબિટીસનું જોખમ પણ વધતું જાય છે. કસરતનો અભાવ અને ખોરાકમાં વધુને વધુ ચરબી ઘરાવતાં ફરસાણ, ફાસ્ટ ફૂડ કે અન્ય ફેશનેબલ ચરબીયુક્ત ખોરાક લેવાથી ચાલીસેક વર્ષની આસપાસ ડાયાબિટીસની બીમારી લાગુ પડી જાય છે. કેટલાંય શહેરી બાળકો પણ યોગ્ય માવજતને અભાવે એકદમ સ્થળ અને જાડા થઇ જાય છે. પૂરતી શારીરિક રમત કે કસરતનો અભાવ અને ખોરાકની બેકાળજી નાનપણમાં જ બાળકના શરીરને રોગીષ્ઠ બનાવી દે છે.

ડાયાબિટીસ અટકાવવા માટેના અગત્યના પગલા

જો નાનપણથી સ્વાસ્થય માટે યોગ્ય કાળજી લેવામાં આવે તો ડાયાબિટીસને ચોક્કસપણે અટકાવી શકાય છે. ડાયાબિટીસ અટકાવવા માટે નીચે જણાવેલ સાદા પરંતુ ખુબ જ અગત્યના પગલાં લેવા જોઇએ.

કુટુંબમાં ડાયાબિટીસનો ઇતિહાસ:

જે વ્યક્તિના મા-બાપ, દાદા-દાદી, કાકા-કૂઈ, માસી કે મામાને ડાયાબિટીસની બીમારી હોય તેમને ડાયાબિટીસ થવાની શક્યતા અન્ય લોકો કરતાં વધુ હોય છે. એટલે દરેક વ્યક્તિએ પોતાના કુટુંબમાં કોને કોને ડાયાબિટીસ છે; એ દરેકને કંઇ ઉમરે લાગુ પડ્યો હતો અને એમાંથી કોણ વધુ વજન કે મોટુ પેટ ધરાવે છે તે જાણી લેવી જરૂરી છે. જો કુટુંબમાં ઘણાં લોકોને ડાયાબિટીસ હોય તો એ વ્યક્તિએ વિશેષ કાળજી રાખવી જોઇએ. યોગ્ય કાળજીથી કુટુંબમાં ડાયાબિટીસની બીમારી હોવા છતાં ૮૮% જેટલાં કિસ્સાઓમાં ડાયાબિટીસને ચોક્કસપણે અટકાવી શકાય છે.

આદર્શ વજન જાળવી રાખો :

જરૂર કરતાં વધારે ચરબી શરીરમાં જમા થાય ત્યારે વ્યક્તિનું વજન વધે છે. આદર્શ વજન કરતાં જેમ જેમ વજન વધતું જાય તેમ તેમ ડાયાબિટીસ થવાની શક્યતા વધે છે. વ્યક્તિનું આદર્શ વજન કેટલું હોવું જોઇએ તે એની ઊંચાઇના આધારે નક્કી થાય છે. ભારતીય પુરૂષોમાં વ્યક્તિનું આદર્શ વજન =(૨૧) ગુણ્યા (મીટરમાં માપેલ ઊંચાઇનો વર્ગ). એટલે કે પાંચ ફૂટ (=૦.૧૫ મીટર) ઊંચાઇ ધરાવતાં વ્યક્તિનું આદર્શ વજન = (૨૧) ગુણ્યા (૦.૧૫) ગુણ્યા (૦.૧પ) એટલેકે ૪૭.૨૫ કિલોગ્રામ! આ વિષયની વધુ માહિતિ જીવનશૈલી સંપૂટની “મેદવૃદ્ધિ” નામની પુસ્તિકામાં મળી શકશે. જેમનું વજન વધારે હોય છે તેઓ જો માત્ર પોતાના કુલ વજનમાંથી પાંચથી દશ ટકા જેટલું વજન ઘટાડી શકે તો ડાયાબિટીસ થવાની શક્યતા પ૮ ટકા જેટલી ઘટી શકે છે. બીજા શબ્દોમાં સીત્તેર કિલો વજન ધરાવનાર જાડી વ્યક્તિ પોતાના વજનમાં ચારથી સાત કિલો જેટલો ઘટાડો છ મહિનાના ગાળામાં કરી શકે અને પછી એટલું વજન જાળવી રાખે તો ડાયાબિટીસ થવાની શક્યતા અડધી થઇ જશે.

શારીરિક સક્રિયતા:

શારીરિક સક્રિયતા વધારવાથી પણ ડાયાબિટીસને અટકાવવામાં મદદ મળે છે. રોજની ઓછામાં ઓછી ત્રીસ મિનિટ ઝડપથી ચાલવાની કે અન્ય કસરત કરવાથી ડાયાબિટીસને થતો જ અટકાવી શકાય છે. વજન ઘટાડવા માટે પણ વધુને વધુ શારીરિક સક્રિયતા ઉપયોગી થાય છે. ચાલવાની કસરત કરવા ઉપરાંત દિવસભર જ્યાં મોકો મળે ત્યાં શરીરને હલન ચલન આપતાં રહેવું ઉપયોગી થાય છે.

સપ્રમાણ પેટ:

તમારા શરીરમાં પેટના ભાગે જમા થયેલી ચરબી તમને અનેક બીમારી આપે છે. સાદી માપપટ્ટીની મદદથી તમે તમારા પેટનો ઘેરાવો જાતે જ માપી શકો છો. ભારતીય લોકોમાં પેટનો ઘેરાવો ૮૦ કે ૮૫ સે.મી.થી ઓછોહોય તો ડાયાબિટીસ જેવી બીમારી થવાની શક્યતા ખુબ ઓછી રહે છે. આ અંગે વધુ સંશોધન ચાલુ છે અને ભારતીય પુરૂષ અને સ્ત્રીના પેટના આદર્શ ઘેરાવાના ચોક્કસ માપ થોડા સમયમાં નક્કી થઇ શકશે.

નિયમિત તબીબી તપાસ :

૩૫ થી ૪૫ વર્ષની વયના લોકોએ ડાયાબિટીસ ને થતો જ અટકાવવા માટે નિયમીત દાકતરી તપાસ કરાવતા રહેવું જોઇએ. ડોકટરની સલાહ મુજબ ભૂખ્યા પેટે અને જમીને (અથવા ગ્લુકોઝ પીને) બે કલાકે લોહી પેશાબમાં શુગરનું પ્રમાણ મપાવતા રહેવું જોઇએ. જેમનું વજન કે પેટનો ઘેરાવો વધારે હોય એમણે તો ખાસ આ પ્રમાણે તપાસ કરાવતા રહી જરાપણ વધારે સુગરઆવે તો તરતજ ખોરાક ની પરેજી અને કસરતનો અમલ શરૂ કરી દઇ ડાયાબિટીસ થતા પહેલાં જ એને કાયમી જાકારો આપી દેવો જોઇએ ડાયાબિટીસ નોંતરી શકે એવા પરિબળો ને પહેલેથી ઓળખી યોગ્ય જીવનપધ્ધતી અપનાવી ડાયાબિટીસ ને થતો જ અટકાવી શકાય છે, માત્ર આ માટે જરૂર છે - જાગૃતિ અને દઢ નિશ્ચયની.

ડાયાબિટીસથી બચવુ હોય તો આજે જ જાગો.

  • વજન નોર્મલથી વધે નહીં એનું ધ્યાન રાખો. આદર્શ વજન બરાબર તમારી મીટરમાં માપેલ ઊંચાઇનો વર્ગ ગુણ્યા એકવીસ.
  • પેટનો ઘેરાવો થાપાના ઘેરાવા કરતાં ૯૦ ટકાથી ઓછો હોવો જોઇએ.
  • નિયમિત ૩૦ મિનિટ ચાલવાની કે અન્ય કસરત કરો.
  • ખોરાકમાં શકય એટલા વધુ રેસાયુકત ખાદ્યપદાર્થો (કઠોળ, શાકભાજી, ફળો અને આખાં ધાન્યો) વાપરો.
  • મેંદાવાળી, ખાંડવાળી અને ઘી-તેલથી ભરપૂર વસ્તુઓ ખાવાનું શકય એટલું ઓછું કરો.
  • માનસિક તાણ ન થાય એ પ્રમાણે કામનું આયોજન કરો. નિયમિત યોગ – ધ્યાન અને મનોશાંતિના પ્રયત્નો કરો.
  • બાળપણના ડાયાબિટીસને અટકાવવા માટે રસીની શોધ ચાલી રહી છે, જે સફળ થાય તો બાળપણના ડાયાબિટીસથી બાળકોને બચાવી શકાશે.

સ્ત્રોત : ડૉ કેતન ઝવેરી ભણશાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શેલી કિલનિક, સુરત

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate