હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / ડાયાબીટીસ / ડાયાબિટીસમાં નુકસાન છાનું-છપનું
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ડાયાબિટીસમાં નુકસાન છાનું-છપનું

ડાયાબિટીસમાં નુકસાન છાનું-છપનું થાય છે એ વિષે માહિતી

ડાયાબિટીસ તમારા શરીરની કાર્બોહાઈડ્રેટ (સુગર) પચાવવાની ક્ષમતા ઓછી કરે છે. તેથી લોહીમાં ફરતી શર્કરાનું પ્રમાણ જે 180 કરતાં ઓછું રહેવું જોઈએ, એ વધી જાય છે. સુગરનું વધેલું પ્રમાણ ક્યારેક 350ની આસપાસ થઇ જાય તો ડાયેબીટિક કોમા નામનું ગંભીર અને જીવલેણ કોમ્પ્લિકેશન થાય છે.
સુગર લાંબો સમય સુધી 180 કરતાં થોડી પણ વધારે રહે તો શરીરમાં આંખના રેટિનાને, કિડનીના નેફ્રોન્સને, મગજના અને શરીરના ચેતાતંતુઓને, પ્રજનન અંગોને, ચામડીને વગરે તમામ જગ્યાએ નુકસાન પહોંચાડે છે. આ નુકસાન છાનું-છપનું થાય છે. વ્યક્તિ મોટેભાગે બેદરકાર રહી જાય છે અને અલ્સર, ગેંગ્રીન, ઇન્ફેક્શન, ન્યૂરોપથી, કિડની ફેલ્યોર, અંધાપો વગેરે તકલીફો એક પછી એક આવે છે.
ડાયાબિટીસ એક પ્રોગ્રેસીવ બીમારી છે. મોટેભાગે દર થોડા વરસે દવાઓનું પ્રમાણ વધતું જાય છે. છતાં તકેદારી રાખવાથી દાયકાઓ સુધી સ્વસ્થ જીવન જીવી શકાય છે.. ઘણા તો ડાયાબિટીસ થયા પછી સ્વાસ્થ્ય અંગે સભાન થવાથી પહેલા કરતાં સારું જીવન જીવે છે. આવો, ડાયાબિટીસમાં ખોરાકમાં શું ધ્યાન રાખવું તેની ચર્ચા કરીએ.
ડાયાબિટીસમાં કીડની પર અસર ન હોય તો પ્રોટીન છૂટથી ખવાય, વજન બહુ વધારે ન હોય તો ફેટ માપસર ખવાય અને ઝડપથી ગ્લુકોઝમાં પરિવર્તીત થઈ જાય એવું કાર્બ (સુગર ફળ કે અનાજ) વધુ ન ખવાય.
ખોરાકમાં આપણે જે શાક લઈએ છીએ એમાં બટાટા, શક્કરિયાં, સૂરણ, રતાળુ જેવાં કંદમાં સુગરનું પ્રમાણ વધુ હોય છે અને ડુંગળીમાં તેમજ ગાજરમાં સુગરનું પ્રમાણ ઠીક ઠીક હોય છે. આ સિવાયનાં શાકભાજી ડાયાબિટીસમાં અત્યંત સલામત કહેવાય.
ખોરાકમાં આપણે કઠોળ લઈએ છીએ તે દરેક કઠોળમાં કાર્બોહાઈડ્રેટ પણ હોય છે, પણ એ લોહીમાં ધીમેધીમે ભળે છે તેથી કઠોળ છૂટથી લેવા છતાં ડાયાબિટીસમાં બહુ નુકસાન થતું નથી. કિડની પર અસર હોય તો કઠોળનું પ્રમાણ નિયંત્રિત કરવું પડે. પ્રોટીન તરીકે, જેમને બાધ ન હોય એમને માટે ચીકન શ્રેષ્ઠ છે કેમ કે એમાં ફેટ કે કાર્બોહાઈડ્રેટ હોતું નથી. એગ બીજા નંબરે આવે કેમ કે એમાં ફેટ હોય છે. દિવસમાં બે ત્રણથી વધુ ઈંડા ખાવાં હોય તો વચ્ચેનો પીળો ભાગ દૂર કરીને ખાવાં જોઈએ. ડાયાબિટીસ અને હૃદયની બિમારીમાં રેડ મીટ સૌથી વધુ નુકસાનકારક છે. ફિશમાં પ્રોટીન અને ફેટ બન્નેની ક્વોલિટી સારી હોય પરંતુ એમાં કાર્બોહાઈડ્રેટ હોય છે તેથી વધુ ન ખવાય.
ખોરાકમાં ફેટ જરૂરી છે. પામોલીન અને વનસ્પતિ ઘી સિવાયનું કોઇપણ પ્રકારનું તેલ માપસર ખાવું જોઈએ. તેલ બહુ ઉકાળીને કે બહુ વાસી ન ખવાય. માપસર ગાયનું ઘી ખાવાથી ફાયદો થાય. ફરસાણ વગેરે ન ખવાય જોકે ઓછા તેલમાં વઘારેલાં ખમણ સ્વાસ્થ્યપ્રદ કહેવાય.
આપણે સવાર-સાંજ જે અનાજ ખાઈએ છીએ એ કાર્બ છે. ચોખા, ઘઉં, બાજરી અને જુવાર આપણાં મુખ્ય અનાજ છે. ડાયાબિટીસમાં ભાત ન જ ખવાય એ ખોટી માન્યતા છે. ઓસાવીને સ્ટાર્ચ કાઢ્યા પછી એકાદ વાડકી ભાત દિવસમાં એકવાર ખાઈ શકાય. ચોખા ખાધા પછી અને ઘઉં ખાધા પછી બે કલાકમાં સુગરમાં જે વધારો થાય છે એમાં બહુ ફરક નથી તેથી જીવનભર ભાત ન ખાઈને પછી ચારપાંચ ઘઉંની રોટી ખાઈ લેવાથી ડાયાબિટીસમાં કોઈ ફાયદો નથી. ડાયાબિટીસમાં શાક, સલાડ, ફણગાવેલા મગ અને દાળ કે સૂપથી પેટ ભરી રોટલી પણ ઓછી ખાવી જોઈએ. અનાજમાં મારા મતે ઘઉં કરતાં જુવારની રોટલી શ્રેષ્ઠ છે, એનાથી સુગર ધીમે ધીમે વધે છે. અનાજમાં સૌથી વધુ નુકસાન મેંદા,ખાંડ અને વનસ્પતિ ઘીની બનાવટો સ્વરૂપે (કેક, બિસ્કીટ અને અન્ય બેકરી પ્રોડક્ટ) કરે છે. ડાયાબિટીસમાં બેકરી પ્રોડક્ટ્સથી બચવું.
મીઠાઈઓ, ચીકી, ચા, કોફી પણ ઓછાં કરવાં પડે. ખાંડ, ગોળ, મધ બધું જ વધુ પ્રમાણમાં નુકસાન કરે. એક ટંકમાં દસ ગ્રામ (બે ચમચી) થી વધુ ખાંડ ગોળ કે મધ આવે તો સુગર અચૂક વધે છે. ઘણા લોકો સુગર ફ્રી મીઠાઈને નામે ખજૂર અને અંજીરની મીઠાશવાળી મીઠાઈઓ ભરપેટ ખાય છે. એ પણ ઠીક નથી. ખજૂર અંજીર અને સૂકી દ્રાક્ષથી પણ સુગર વધે. જો કે આ ફળોના બીજા ફાયદા હોવાથી એક બે નંગ જેટલા ખાવાથી નુકસાન નથી.
ફળોમાં કેરી, ચીકુ, સીતાફળ, જમરુખ અને દ્રાક્ષથી સુગર તરત વધે. કેળા, તરબૂચ મધ્યમ ગણાય અને સફરજન, ઓરેંજ, સ્ટ્રોબેરી, પપૈયુ, ટેટી વગેરે એકંદરે સલામત ગણાય. સીઝન અનુસાર જે ફળ આવે એ ફળ, થોડા પ્રમાણમાં અચૂક ખાવાં. સૂકામેવામાં બદામ, અખરોટ કાજુ પિસ્તા અને સીંગદાણાના ગુણો લગભગ સરખા છે, એક નાની મુઠ્ઠી (બદામ છથી 10 નંગ જેટલું પ્રમાણ) દિવસમાં લઈએ તો પૌષ્ટિક ગણાય. વધુ લઈએ તો શરીરમાં ચરબી જમા થાય.
ખોરાક છોડીને નાસ્તા કરવાથી ડાયાબિટીસમાં કે વજન ઉતારવામાં નુકસાન જ થાય. ઘણા લોકો સુગર ફ્રી મીઠાઈને નામે ખજૂર અને અંજીરની મીઠાશવાળી મિઠાઈઓ ભરપેટ ખાય છે. એ પણ ઠીક નથી. ખજૂર અંજીર અને સૂકી દ્રાક્ષથી પણ સુગર વધે.
ચોકલેટ: સાર એ છે કે ડાયાબિટીસમાં મીઠાશ અને અનાજ (ચોખા, ઘઉં)નું પ્રમાણ બને એટલું ઓછું કરી બાકીની વસ્તુ માપસર ખાઈ શકાય છે. ધ્યાન એ રહેવું જોઈએ કે ખોરાક ખૂબ મીઠો કે તેલવાળો ન હોય તો બધું મળી ત્રણેક વાટકી જેટલો ખોરાક ડાયાબિટીસના દર્દી માટે સ્વાસ્થ્યપ્રદ ગણાય.

સ્ત્રોત: ડો. રઈશ મણિયાર, ફેમિના , નવગુજરાત સમય

3.18421052632
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top