હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / ડાયાબીટીસ / ડાયાબિટીસમાં કેવો ખોરાક લેશો?
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ડાયાબિટીસમાં કેવો ખોરાક લેશો?

ડાયાબિટીસમાં કેવો ખોરાક લેશો?

ડાયાબિટીસ થાય એટલે ભોજન પર પહેલો જાપ્તો ગોઠવાય. ઘરનાં બધાં જ સભ્યો ડાયાબિટીસવાળી વ્યક્તિએ શું ખવાય અને શું ન ખવાય એની ચર્ચા  કર્યા કરે અને એમાંયે મોટેભાગે ન ખાવાની વસ્તુઓનું લીસ્ટ ન ખાઈ શકાય તેવી વાનગીઓનાં લીસ્ટ કરતાં લાંબું હોય છે. જો આપણે વિવિધ પ્રકારના  ખોરાકને અને તેને ખાધાં પછી તેની લોહીની શકરા ઉપર કેવી અસર થાય છે તે જાણી લઈએ તો કોઈપણ પ્રકારનાં પૂર્વગ્રહ વગર આપણું રોજનું ભોજન  આપણે જાતે જ નક્કી કરી શકીએ. નહીંતર અમુક વખત એવું બનતું હોય છે કે કોઈપણ પ્રકારના વૈજ્ઞાનિક આધાર પૂરાવા વગર જ લોકો અમુક તમુક  ખાદ્યો ખાવાની મકાઈ ફરમાવી દેતાં હોય છે. ડાયાબીટીસવાળી વ્યક્તિ માટે કોઈપણ ભોજન સારું છે કે નરસું તે નક્કી કરવા માટે મુખ્ય ચાર બાબતો ચાક્સવી જોઈએ. એક તો એ ખોરાક  કેટલી શક્તિ આપે છે ? બીજી ખૂબ ઉપયોગી બાબત જે તે ખોરાકમાં મીઠાનું પ્રમાણ કેટલું છે ? ત્રીજી અગત્યની બાબત ખોરાકમાં ચરબી (ઘી, તેલ,  માખણ વગેરે) કેટલી છે ? અને ચોથી અગત્યની બાબત એ ખોરાકમાં ખાદ્ય રેષા (ફૂડ ફાઈબર) ની માત્રા કેટલી છે ? આપણે આ દરેક બાબતને જાણવી જોઈએ.

કોઈપણ ખોરાકમાંથી કેટલી શક્તિ મળે છે તે ડાયાબિટીસના દર્દીએ ખાસ ચકાસવું જોઈએ કેમકે ભારતીય ભોજનમાંથી મળતી મોટા ભાગની શક્તિ કાર્બોહાઈડ્રેટસમાં આવતી હોય છે. જ્યારે ભોજન શકરાથી સમૃદ્ધ હોય ત્યારે ફરીથી એ જોવું પડે કે આ શકરા સરળ શકરા છે કે જટીલ શકરા છે. સરળ શકરા બારીક દળેલા લોટ, મેંદો, રીફાઈન્ડ ખોરાક, બટાટા જેવા કંદમૂળ, શકરા, મધ જેવા ખોરાકમાંથી વધુ મળે છે. આવા ખોરાક ફટાફટ પચી  જાય છે. અને શકરા પચી જઈને ગ્લુકોઝમાં ફેરવાઈ જાય છે. મતલબ કે જેમ શક્તિ વધુ તેમ તે ભોજનની લોહીની સાકર વધારી દેવાની ક્ષમતા વધુ.  ડાયાબીટીસના દર્દી માટે સરળ શકરાયુક્ત શક્તિથી ભરપૂર ખોરાક જેટલો ઓછા લેવાય તેટલું જ સારું.

આજ રીતે વધુ ખાંડ, ફળશકરા લેવી પણ યોગ્ય નથી. આ બંને સુક્રોઝ અને ફ્રક્ટોઝ રૂપે હોય છે. જે શક્તિ સિવાય અન્ય કોઈ પોષકતત્વો આપતાં  નથી. ઘણાં લોકોમાં એવી ગેરમાન્યતા પ્રવર્તે છે કે ડાયાબીટીસમાં ખાંડ અને સાકર બંને સુક્રોઝ છે. ફક્ત તેમના કદ અને દેખાવ અલગ છે . જ્યારે ખાંડ  કે સાકર ખવાય ત્યારે તેના શરીરમાં ચયાપચય માટે ઈન્સ્યુલીન ફરજીયાત જોઈએ. પરંતુ ડાયાબીટીસનાં દર્દીમાં તો ઈન્સ્યુલીન ઉત્પન્ન થતુ હોતું જ નથી. આથી ખાંડ કે સાકરનો  ગ્લુકોઝ લોહીમાં જ જમા થયા કરે છે. આ પરિસ્થિતિ ડાયાબિટીસના દર્દી માટે જોખમી છે. જો ગળ્યું ખાવાનું મન થાય તો સાકર કે ખાંડ કરતાં તાજા ફળના ટુકડા પર પસંદગી ઉતારવી જોઈએ કેમકે ફળમાં ફળશકરા-ફ્રુક્ટોઝ આવેલી હોય છે. આ ફ્રુક્ટોઝના પાચન માટે ઈન્સ્યુલીનની જરૂર હોતી નથી.

આથી જ મર્યાદિત માત્રામાં ફળ લેવાય ત્યારે તેમાંથી શરીરમાં ભળતી ફળશકરા ઈન્સ્યુલીનની ગેરહાજરીમાં પણ વપરાય જાય છે અને લોહીની સાકરનું  લેવલ પણ ઊંચુ જતું નથી. ખોરાકના ગ્લાયસેમિક ઈન્ડેક્સ પણ ડાયાબીટીસના દર્દી માટે ભોજન કેટલું સલામત કે કેટલું જોખમી છે તે નક્કી કરવામાં  અગત્યનો ભાગ ભગવે છે. ગ્લાયસેમિક ઈન્ડેક્સ એટલે કોઈપણ ખોરાક ખાધા પછી તે કેટલી ઝડપથી લોહીની સાકરનું સ્તર વધારી શકે છે તે. માટે જેમ  ખોરાકનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઊંચો તેમ ડાયાબીટીસમાં તે ખોરાક નુકસાનકારક નિવડી શકે છે. જેમ ખોરાકનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ નીચો તેમ  રાક ખાદ્યમાંથી ગ્લુકોઝની રક્તમાં ભળવાની પ્રક્રિયા ધીમી. આથી જયારે શરીરમાં ઈન્સ્યુલીન ઓછું હોય ત્યારે તે ધીમે ધીમે ભળતી સાકરને પચાવી નાંખી  રક્તમાં સાકરની માત્રા વધવા દેતુ નથી. આમ નીચા ગ્લાયસેમીક ઈન્ડેકસવાળા ખોરાક ડાયાબીટીસમાં ફાયદાકારક છે. સફેદ બ્રેડનો ગ્લાયસેમિક  ઈન્ડેકસ ૧૦૦ છે. આને આધારરૂપ રાખીને અન્ય ખોરાકનો ગ્લાયસેમીક ઈડેક્ષ મપાય છે. મેદો, ફાસ્ટફૂડ, સફેદ બ્રેડ, ફળના રસ, ગળ્યા બિસ્કિટ વગેરે  વધુ ગ્લાયસેમિક ઈન્ડેકસ ધરાવતા ખોરાક છે જ્યારે આખાં ફળ, અંકુરીત કઠોળ, જાડા ધાન્ય વગેરે ઓછો ગ્લાયસેમિક ઈન્ડેક્સ ધરાવતા ખોરાક છે.

ડાયાબીટીસની રોકધામની વિશેષ જરૂરિયાત કોને છે?

ડાયાબીટીસ એક જીવનશૈલીની અયોગ્યતાને લીધે થતો રોગ છે. ડાયાબીટીસ અટકાવવાના યોગ્ય પગલા ભરાય તો ડાયાબીટીસ થતો અટકાવી શકાય છે.

 • ડાયાબીટીસ માટેના જવાબદાર કારણોમાંનુ એક પ્રમુખ કારણ છે મેદશ્ચિતા. શરીરમાં રહેલી વધારાની ચરબી ઈન્સ્યુલીનને કાર્ય કરવા દેતી નથી અને ડાયાબીટીસને નોંતરે છે. આથી વધતા વજનને કન્ટ્રોલ કરવામાં આવે તો ડાયાબીટીસનો અટકાવ ઘણે અંશે શક્ય બને છે.
 • ગર્ભાવસ્થા દરમ્યાન પણ સ્ત્રીઓને ડાયાબીટીસ થાય છે જે બાળકના જન્મ બાદ મટી જાય છે પરંતુ આવી સ્ત્રીઓ જો આગળ જતા કાળજી ન રાખે તો  તેમને ફરી ડાયાબીટીસ થવાની શક્યતા વધી જાય છે. આથી જે સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમ્યાન ડાયબીટીસ થયો હોય તેમણે વિશેષ ધ્યાન રાખવું પડે છે.
 • વારસાગત રીતે ઉતરી આવતા ડાયાબીટીસને પણ આહાર અને કસરત દ્વારા યોગ્ય કાળજી લઈ નિવારી શકાય છે અથવા પાછળ ઠેલી શકાય છે. જે પણ વ્યક્તિને માતૃ કે પિતૃ પક્ષે ડાયાબીટીસ હોય તો તેવી વ્યક્તિને ડાયાબીટીસ થવાની શક્યતા વધુ રહે છે એટલે તેમણે પણ ખાસ કાળજી રાખવી  જોઈએ.
 • ભારતીયોમાં સામાન્ય રીતે ૩૦-૪૦ વર્ષની વયે ડાયાબીટીસના લક્ષણો દેખા દે છે. આથી આ વય જૂથના લોકોએ પણ ડાયાબીટીસ વિષયક ઘણી કાળજી  લેવી જોઈએ.
 • વજન વધતુ અટકાવવું જોઈએ અને જો વજન સામાન્ય કરતા વધુ હોય તો વજન ઘટાડવાના ઉપાયો કરવા જોઈએ.
 • ગર્ભાવસ્થા દરમિયાન જો ડાયાબીટીસ હોય તો તેવી સ્રીઓએ આધેડ અવસ્થા દરમિયાન કાબૂમાં રાખવું જોઈએ તથા સમયાંતરે ડાયાબીટીસનું નિદાન કરાવતાં રહેવું જોઈએ.
 • ભોજનમાં વધુ પડતા કાર્બોહાઈડ્રેટસ, મીઠાઈ, રીફાઈન્ડ લોટ, પ્રસંસ્કૃત ખોરાકો, તેલ, માંસાહારી ખોરાક તથા આલ્કોહોલનો વપરાશ ઘટાડવો જોઈએ. આહાર જરૂર પૂરતી શક્તિવાળો તથા ઓછી ચરબી વાળો લેવો જોઈએ.
 • આહારમાં રેષામાં સમૃદ્ધ ખોરાક વધુ લેવા જોઈએ. લીલા શાક, તાજા ફળ, અંકુરીત અનાજ, કઠોળ, તથા જાડા દળેલા ધાન્યનો વપરાશ વધારવો  જોઈએ.
 • ૩૫ વર્ષ પછી સમયાંતરે ડોક્ટરની સલાહ મુજબ લોહી અને પેશાબમાં શુગરની ચકાસણી કરવાતાં રહેવું જોઈએ.
 • રોજ નિયમિતપણે કસરત કરવી જોઈએ. ચાલવું દોડવું, સાયકલ ચલાવવી તરવું જેવી નિયમિત કસરતો અને કાર્યશીલ શરીર ડાયાબીટીસને દૂર રાખવામાં મદદ કરે છે.
 • ડાયાબીટીસને લગતા વકશોપ, કેમ્પ, નિદાન કેમ્પ વગેરેમાં ભાગ લઈ ડાયાબીટીસને લગતી નવી નવી જાણકારીથી માહિતગાર રહેવું જોઈએ.

ડાયાબીટીસને થતો અટકાવવા માટે શું કાળજી લેશો:

હજુ થોડા વર્ષો પહેલા ડાયાબિટીસએ રાજરોગ ગણાતો હતો. મોટો ભાગે બેઠાડું જીવન જીવતા અને પૈસાદાર લોકોને જ ડાયાબિટીસ થાય એવું મનાતું  હતું. પણ આજે ડાયાબિટીસ ભારતના ગામડે-ગામડે ફેલાઈ ગયો છે. હવે તો સારું એવું મહેનતનું કામ કરતા ખેડૂતો અને શ્રમિકોમાં પણ ડાયાબિટીસ  દેખા દેવા લાગ્યો છે. પણ ગામડામાં ઘણી વખત કાં તો પૂરતી જાણકારી ન હોય એટલે , આળસ કે બેદરકારીને લીધે પણ ડાયાબિટીસનું નિદાન ખૂબ  મોડું થાય છે અને મોટા ભાગનાં લોકો ડાયાબિટીસ થયા પછી પણ ઘરગથ્થું નુસખાઓ કર્યા કરે છે. નિયમિત લોહી-પેશાબમાં ગ્લુકોઝની ચકાસણી કરાવતાં નથી અને પરિણામે ડાયાબિટીસ ખૂબ વધી જાય છે. ઘણી વખત તો ડાયાબિટીસને કારણે હૃદયરોગ અને લકવાનો હૂમલો પણ આવે છે. આવી  ગંભીર પરિસ્થિતિ ઊભી ન થાય એ માટે આપણે ડાયાબિટીસના લક્ષણો અને ડાયાબિટીસમાં રાખવી જોઈતી કાળજી વિષે જાણવું જરૂરી છે.

સ્ત્રોત: ડો. બી.જી. પટેલ, પ્રીતિ દવે, ગુહવિજ્ઞાન અને પોષણ મહાવિદ્યાલય સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર,જી. બનાસકાંઠા પિન : ૩૮૫૫૦૬ ફોનઃ (૦૨૭૪૮) ૨૬૮૨૬૪

કૃષિ ગોવિદ્યા ,ઓગસ્ટ -૨૦૧૫ વર્ષ: ૬૮ અંક: ૪ સળંગ અંક : ૮૦૮

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઈનફોર્મેશન ટેકનોલોજી, આણંદ

3.36363636364
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top