অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડાયાબિટીસ સાથેનું જીવન

ડાયાબિટીસ સાથેનું જીવન

ડાયાબિટીસને કાબૂમાં રાખવા માટે લોહીમાં કેટલી સુગરહોવી જોઇએ?
સાથે દર્શાવેલ કોષ્ટકમાં ડાયાબિટીસના ચુસ્ત નિયંત્રણ માટે શુગરનું પ્રમાણ આપેલ છે જે મુજબ નિયંત્રણ રાખવું જરૂરી છે.

લોહીમાં શુગર

(મિગ્રા/ડલી)

નોર્મલ

ડાયાબિટીસમાં

હોવું જરૂરી

સારવારમાં ફેરફાર જરૂરી

જમ્યા પહેલાં

૧૧૦થી ઓછી

૮૦ થી ૧ર૦

૮૦ થી ઓછુ અથવા ૧૪૦ થી વધુ

જમ્યા પછી બે કલાક

૧૪૦થી ઓછી

૧૦૦ થી ૧૬૦

૮૦ થી ઓછુ અથવા ૧૮૦ થી વધુ

સુતી વખતે

૧૨૦ થી ઓછી

૧૦૦ થી ૧૪૦

૮૦ થી ઓછુ અથવા ૧૬૦ થી વધુ

(HbA1c.)  (%)

૬ થી ઓછું

૭ થી ઓછું

૮ થી વધુ

 

પાંચ હજારથી વધુ દર્દી પર વીસ વર્ષ સુધી થયેલ અભ્યાસ (યુકેપીડીએસ) માં જણાયું હતુ કે ડાયાબિટીસના દર્દીઓ જેટલું સારુ (નોર્મલ નજીકનું) નિયંત્રણ લોહીની સુગરપર રાખી શકે છે એટલી ડાયાબિટીસના કોમ્પિલકેશન થવાની શકયતા ઘટતી જાય છે. ડાયાબિટીસને કારણે અંધાપો આવવાની કે કિડની ખરાબ થઇ જવાની શકયતા ડાયાબિટીસના ચુસ્ત નિયંત્રણથી રપ ટકા જેટલી ઘટી જાય છે. જો ડાયાબિટીસના દર્દીને સાથેસાથે હાઇબડપ્રેશરની તકલીફ પણ હોય અને એનું પણ ચુસ્ત નિયંત્રણ કરવામાં આવે તો પેરાલિસિસની શકયતામાં ૪૪ ટકાનો અને હાર્ટ ફેઇલ થવાની શકયતામાં પ૬ ટકાનો ઘટાડો થાય છે. ગ્લાઇકોસિલેટડ હીમોગ્લોબીન (HbA1c.) માં દર એક ટકાનો ઘટાડો આંખ, કિડની કે ચેતાતંત્ર ની તકલીફોમાં ૩પ ટકા અને કુલ ડાયાબિટીસ સંબંધિત મૃત્યુમાં રપ ટકાનો ઘટાડો કરે છે.

ડાયાબિટીસના દર્દીએ લોહી-પેશાબની કઇ તપાસ કરાવતા રહેવુ જોઇએ?

પેશાબની તપાસઃ

ડાયાબિટીસના દર્દીમાં સૌથી સહેલી અને સસ્તી તપાસ એ પેશાબમાં રહેલ શુગરની તપાસ છે. પાંચ મિ.લી. બેનેડીકટ સોલ્યુશનમાં અડધો મિ.લી. પેશાબ નાખીને પછી ગરમ કરવામાં આવે તો એનો રંગ પેશાબમાં રહેલ શુગરના પ્રમાણ મુજબ - લીલો, પીળો, કેસરી અને લાલ એમ વધતા જતા પ્રમાણમાં - બદલાય છે. હવે બજારમાં મળતી તૈયાર સ્ટ્રીપની મદદથી પણ પેશાબમાં રહેલ શુગરનુ પ્રમાણ જાણી શકાય છે. પેશાબની તપાસની સૌથી મોટી ખામી એ છે કે, લોહીમાં ૧૮૦ મિ.ગ્રા.ડિ.લી. કરતાં વધુ ગ્લુકોઝ થાય તો જ પેશાબમાં સુગરઆવે છે. વળી, ઘણા દર્દીઓમાં કિડનીની કામગીરીની અનિયમિતતાને કારણે પેશાબની સુગરપરથી લોહીની શુગરનો ચોકકસ અંદાજ મળી શકતો નથી. એટલે ડાયાબિટીસનું ચુસ્ત નિયંત્રણ રાખવા માટે માત્ર પેશાબની તપાસ અપૂરતી સાબિત થાય છે. અલબત્ત, લોહીની તપાસ નિયમિતપણે ન કરાવવા કરતાં આ સાદી અને સસ્તી તપાસ કરાવવી એ ઉપયોગી જ છે.

લોહીમાં રહેલ ગ્લુકોઝ ઘેર બેઠાં માપી આપતું સાધન - ગ્લુકોમીટર :

ઘેર બેઠાં જાતે જ ગ્લુકોઝ માંપવા માટેના મશીન ગ્લકોમીટર તરીકે ઓળખાય છે. અનેક કંપનીઓનાં આવા મશીનો હવે છૂટથી મળે છે.

આવા મશીનમાં એક સ્ટ્રીપ (પાતળી પટ્ટી) પર લોહીનું ટીપું મુકીને પછી નિયત સમયે એને મશીનમાં મુકવાથી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જાણી શકાય છે. આ મશીનોમાં બે જાતની ટેકનોલોજી વપરાય છે. એક ટેકનોલોજીમાં નિયત સમયે લોહીના ટીપાને સ્ટ્રીપ પર મુકીને ચોકકસ સમય બાદ લૂછવામાં આવે છે અને ત્યારબાદ સ્ટ્રીપને મશીનમાં મૂકવામાં આવે છે. અન્ય પ્રકારના મશીનોમાં આ રીતે ચોકકસ સમયે સ્ટ્રીપ પરના લોહીને લૂછવાની જરૂર નથી હોતી અને આ “નોન-વાઇપ” ટેકનોલોજીવાળાં મશીનો વધુ ચોકકસ પરિણામ આપે છે (અલબત્ત, એની સ્ટ્રીપ મોંઘી આવે છે.) ગ્લુકોઝનું સારુ નિયંત્રણ જાળવવું હોય તો ગ્લકોમીટરની મદદથી લોહીમાં ગ્લુકોઝ માપતા રહેવું જોઇએ. મોટાભાગનાં મશીન સાથે ચામડીમાં કાણું પાડવા માટે સપ્રીંગયુકત સોયવાળું સાધન પણ આવે જ છે જેથી લોહી લેવામાં તકલીફ ન પડે. ગ્લકોમીટરથી માપતાં, જમ્યા પહેલાં લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ૭૦ થી ૧૨૦ મિ.ગ્રા.ડિ.લી. ની વચ્ચે હોવું જોઇએ અને જમ્યા બાદ બે કલાક સુધીમાં ૧૮૦ મિ.ગ્રા.ડિ.લી. કરતાં ઓછું હોવુ જોઇએ.

ડાયાબિટીસ પર ચુસ્ત નિયંત્રણ રાખવા નિયમિત લોહીમાં શુગરની તપાસ કરવી.

ગ્લાઇકોસિલેટેડ હીમોગ્લોબીનઃ

ડાયાબિટીસના દર્દીમાં છેલ્લા દોઢ-બે મહીના દરમ્યાન લોહીમાં શુગરનું પ્રમાણ કાબૂમાં રહ્યું હતું કે નહીં એ જાણવા માટે ગ્લાઇકોસિલેટેડ હીમોગ્લોબીન (HbA1c.) ની તપાસ કરવામાં આવે છે. જયારે જમ્યા પછી બે કલાકે લોહીમાં શુગરનું પ્રમાણ ચેક કરવામાં આવે ત્યારે માત્ર એ દિવસે કેટલી સુગરછે એટલી જ જાણકારી મળે છે. રોજે રોજ ખોરાક/કસરત પ્રમાણે આ પ્રમાણમાં મોટી વધઘટ થઇ શકે છે જયારે ગ્લાઇકોસિલેટેડ હીમોગ્લોબીનમાં આવું થતું નથી. એમાં તો છેલ્લા દોઢ-બે મહીના દરમ્યાન સામાન્યતઃ સુગરકાબૂમાં હતી કે નહીં એનું ચિત્ર મળે છે.

HbA1c નું પ્રમાણ સાત ટકાથી ઓછું રહે તો એ સારું કહેવાય; ૭ થી ૯ ટકાની વચ્ચે રહે તો સારવારમાં વધુ કાળજીની જરૂર છે એવુ કહી શકાય. કોઇક વખત દારૂડિયાઓમાં, કિડનીના દર્દીઓમાં કે થેલેસેમીયા જેવી હીમોગ્લોબીન, રકતકણની બીમારીમાં આ પ્રમાણ ખોટેખોટું વધારે આવે એવું બને છે. એ જ રીતે HbS અથવા HbC તરીકે ઓળખાતી હીમોગ્લોબીનની તકલીફમાં આ પ્રમાણ ખોટેખોટું ઓછું આવે છે. અલબત્ત, આ સિવાયના મોટાભાગના કિસ્સાઓમાં ગ્લાઇકોસિલેટેડ હીમોગ્લોબીનની તપાસથી ચોકકસ માહિતી મળે છે.

ડાયાબિટીસના દર્દીઓ દર ત્રણ મહીને માત્ર આ ટેસ્ટ કરાવતા રહે તો ડાયાબિટીસ કાબૂમાં છે કે નહીં એ ખ્યાલ આવી રહે છે. અને દર મહીને સુગરટેસ્ટ કરાવ્યા કરવાની જરૂર નથી પડતી.

ડાયાબિટીસના કાબૂની સાથોસાથ અન્ય શું કાળજી રાખવી?

બ્લડ પ્રેશરની તપાસ અને નિયંત્રણઃ

ડાયાબિટીસનાં ઘણાં બધા દર્દીઓમાં ડાયાબિટીસની સાથોસાથ બ્લડપ્રેશર પણ વધારે રહે છે. જેમને ડાયાબિટીસનું નિદાન થયું હોય એવા વ્યકિતએ નિદાન થાય ત્યારે અને એ વખતે નોર્મલ હોય તો દર ત્રણ મહિને બ્લડપ્રેશરની તપાસ કરાવી લેવી ખૂબ જરૂરી છે. જો બ્લડપ્રેશર વધારે આવતું હોય તો તાત્કાલિક અનેની પણ સારવાર કરવી આવશ્યક છે. ડાયાબિટીસ અને હાઇ બ્લડપ્રેશર ભેગા થાય ત્યારે આંખ, કિડની અને હ્યદય પર નુકસાન થવાની શકયતાં ખૂબ વધી જાય છે.

આાંખની સંભાળ :

ડાયાબિટીસને કારણે લાંબે ગાળે આંખના નેત્રપટલને નુકસાન થાય છે અને પરિણામે અંધાપો પણ આવી શકે છે. ડાયાબિટીસને કાયમ કાબૂમાં રાખવાની સાથોસાથ દર વર્ષ આછામાં ઓછી એક વખત આંખના પડદાની  તપાસ આંખના નિષ્ણાત ડોકટર પાસે કરાવી લેવી જરૂરી છે. જો તમને દૃષ્ટિમાં ઝાંળ વળે કે કાળા ધબ્બા દેખાય, અંધારામાં ઓછું દેખાય, આંખમાં દુખાવો થાય કે એકના ડબલ દેખાય તો તાત્કાલિક આંખના નિષ્ણાત ડોકટરનો સંપર્ક કરવો જરૂરી છે. સમયસરની લેસર સારવારથી દષ્ટિને થતું નુકસાન અટકાવી શકાય છે.

મોંની સંભાળ

ડાયાબિટીસનાં દર્દીઓમાં દાંતના પેઢામાં ચેપ લાગવાનું બહું સામાન્ય પણે જોવા મળે છે. આ ઉપરાંત મોં-ગળામાં ફુગનો ચેપ લાગવાની શકયતા પણ ડાયાબિટીસનાં દર્દીમાં વધુ રહે છે. દરેક ટકે ખાધા પછી નિયમિત બ્રશથી દાંત સાફ કરવાની ટેવ અને બે દાંત વચ્ચેની જગ્યા દોરીથી રોજ સાફ કરવાની ટેવ દાંતની તકલીફને થતી અટકાવી શકે. દર છ મહિને એક વખત દાંતના ડોકટર પાસે દાંતની તપાસ કરાવવી ડાયાબિટીસનાં દર્દી માટે જરૂરી છે.

ચામડીની સંભાળ :

ચામડી પર ફુગ કે અન્ય ચેપ લાગવાની શકયતા ડાયાબિટીસમાં વધુ રહે છે. ચામડી પર ચેપ ન લાગે એ માટે ચામડીને નિયમિત સ્વચ્છ અને કોરી (સૂકી) રાખવી જરૂરી છે. ચામડીના જે તે ભાગ એક બીજાના સતત સંપર્કમાં રહેતાં હોય (દા.ત. બે આંગળી વચ્ચે કે જાંઘ પાસે) ત્યાં પરસેવાને કારણે ચામડી ભીની ન રહે એની ખાસ કાળજી રાખવી જરૂરી છે. જો ચામડી પર કયાંય ચીરો પડે તો તરત ચોખા પાણી કે એન્ટી સેપ્ટીક સોલ્યુશનથી સાફ કરીને ઉપર ધૂળ ન લાગે એ માટે સ્વચ્છ જંતુમુકત પાટો બાંધી દેવો જોઇએ. જો ગુમડું થાય કે ચેપ લાગે તો તરત ડોકટરનો સંપર્ક કરવો જરૂરી છે.

પગની સંભાળ :

ડાયાબિટીસનાં દર્દીઓમાં પગની રકતવાહિની તથા ચેતાઓને નુકસાન થવાથી પગમાં ઇજા થવાની અને ઇજા થયા પછી જલદી ઘા ન રૂઝાવાની તકલીફ થાય છે. ડાયાબિટીસની બીમારી જયારે આગળ વધે છે ત્યારે એના પરિણામે અનેક લાંબા ગાળાના કોમ્પિલકેશન ઉભા થાય છે. જેમાં પગની તકલીફ ઘણી સામાન્ય છે. ડૉકટરોની ભાષામાં ‘ડાયાબિટિક ફુટ’ તરીકે ઓળખાતી આ તકલીફ, જે દર્દીનો ડાયાબિટીસ સંપૂર્ણ કાબૂમાં ન હોય એ દર્દીમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. કેટલાક દર્દીઓમાં પગ પર વધુ તકલીફ થવાના કારણે છેવટે પગ કપાવવાનો વારો આવે એવું પણ બને છે. એક અંદાજ પ્રમાણે વિકસિત દેશોમાં (જયાં ડાયાબિટીસ જેવી બીમારીનું પ્રમાણ વધારે છે ત્યાં) પગ કે એનો કોઇ ભાગ કપાવવાના (એમયુટેશનના) કુલ ઓપરેશનમાંથી સાંઠ ટકા ઓપરેશન ડાયાબિટીસના દર્દીઓ ઉપર થાય છે!

ડાયાબિટીસના દર્દીઓમાં થતી પગની તકલીફોથી બચવા માટે સૌથી પહેલું અને અગત્યનું કામ ડાયાબિટીસને સંપૂર્ણપણે નિયત્રણ હેઠળ રાખવાનું છે. ખોરાકની પરેજી, કસરત અને જરૂર પડયે દવાઓ કે ઇન્સલ્યુલિનની મદદથી ડાયાબિટીસને કાબૂમાં રાખવાથી ડાયાબિટીસને કારણે ઉદ્દભવતા મોટા ભાગનાં કોમ્પિલકેશન કાબૂમાં આવી શકે છે.

જે દર્દીને ડાયાબિટીસ કાબૂમાં નથી રહેતો અથવા વારંવાર કાબૂ બહાર જતો રહે છે એ દર્દીના લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ખૂબ વધી જવાથી પગની સંવેદના લઇ જતી ચેતાઓ તથા પગને લોહી પુરું પાડતી ધમનીઓને નુકસાન પહોંચે છે. પગની ધમનીઓને નુકસાન થવાથી પગને પૂરતું લોહી પહોંચતું નથી. પરિણામે કંઇ પણ ઇજા થાય કે ચેપ લાગે ત્યારે ઘા જલદી રૂઝાતો નથી. વળી, ચેતાતંતુને નુકસાન થવાથી પગની સંવેદનાઓ ઘટી જાય છે. પગમાં ખાલી ચડી ગઇ હોય કે ઝણઝણાટી થતી હોય એવો અનુભવ થાય છે. પોચી ગાદી પર ચાલતા હોય એવું ઘણા દર્દી અનુભવે છે. પગની સંવેદના ઘટી જવાને કારણે કંઇક વાગે ત્યારે દુ:ખાવો થતો નથી અથવા ઓછો થાય છે. જેને કારણે વાગવા છતાં ડાયાબિટીસના દર્દીને એની જાણ નથી થતી અને ઊંડા ઘા પડે છે. નાનકડી ઇજા કયારે મોટું સ્વરૂપ ધારણ કરી લે એ ખબર નથી પડી શકતી. નાના ઘસરકામાંથી મોટું ગેન્ગીન થાય અને પગ કપાવવાનો વખત આવે એવું ઘણા કિસ્સામાં બને છે. એક અભ્યાસ પ્રમાણે જે દર્દીને ડાયાબિટીસને કારણે એક પગ કપાવવાનો વખત આવે એ દર્દીને એક પગ કપાવ્યા પછી ત્રણથી પાંચ વર્ષની અંદર બીજો પગ પણ કપાવવો પડે એવી શકયતા પંચોતેર ટકા કિસ્સામાં રહે છે.

આ ઉપરાંત, જો પગના સ્નાયુઓને હલનચલનનો આદેશ આપનાર ચેતાઓને પણ ઇજા થાય તો જે તે સ્નાયુઓ (વપરાશ ન થવાને કારણે) એકદમ પાતળા થઇ જાય છે. ઘણા ડાયાબિટીસના દર્દીઓના પગ આ રીતે એકદમ પાતળા અને નબળા થઇ જાય છે. મસ્કયુલર એટ્રોફી તરીકે ઓળખાતી આ તકલીફ સામાન્ય રીતે સંવેદના ઓછી થઇ ગયા પછી દેખાતી હોય છે. એને કારણે પગના અંગૂઠાઓમાં વિકૃતિ આવી જાય છે જેમાં અંગૂઠાના મૂળ નીચેની ચામડી જાડી થઇ જાય અને અંગૂઠાની ટોચ જમીનથી અધ્ધર રહે એવી તકલીફ થાય છે. ડાયાબિટીસમાં પગને નુકસાન ન થવા દેવું હોય તો નીચે લખ્યા મુજબની પગની વિશેષ કાળજી લેવી ખૂબ જરૂરી છે

સ્વતપાસ:

દરેક ડાયાબીટીસના દર્દીએ નિયમિતપણે રોજ દિવસમાં ત્રણ વખત પોતાના પગની સ્વતપાસ કરવી ખુબ જરૂરી છે  જો તમારી દર્ષ્ટિ સારી   ન હોય તો કોઇ અન્ય પાસે પગની તપાસ કરાવી લેવી જરૂરી છે. પગમાં લાલાશ, સોજો, કાપા, ફોલ્લા, ચીરા કે ચેપ જેવું જણાય તો તરત જ એ ભાગની યોગ્ય સારવાર કરવી જરૂરી બની જાય છે.

સ્વચ્છતા :

પગને સાફ અને કોરો રાખવો ખુબ જરૂરી છે  અને ખાસ તો આવા કાપા, ચીરા, ફોલ્લા  વગેરે ચોખ્ખા, ઉકાળીને ઠંડા પાણીથી સાફ રાખવા જોઈએ.  જો ઘામાં રેતી કે કચરો જણાતો હોય તો એ દૂર કરવો અને માઇલ્ડ એન્ટીસેપ્ટીકના ટીપાં નાખેલ પાણી વાપરવું જેથી ચેપ થવાની શકયતા ઘટી જાય. પાણીથી ઘાને સાફ કર્યા પછી ચેપ હોય તો એન્ટીસેપ્ટીક મલમ લગાડવો; નહીં તો માત્ર કોરા ચોખા કપડાંથી જે તે ભાગને ચોખ્ખો કરી ઘામાં ધૂળ વગેરે ન જાય એ હેતુથી ચોખનું રૂ ઘા ઉપર મુકીને પટ્ટી મારી દેવી. દરરોજ ઘાને ચોખ્ખો કરવા આ પ્રમાણે ડ્રેસીંગ કરવું જોઇએ. જો વધુ પડતો ચેપ હોય કે ગૂમડું થયું હોય તો ડૉકટરની સલાહ વહેલી તકે લઇ યોગ્ય સારવાર કરાવવી જોઇએ. પગના નખ કાપતી વખતે ખાસ ધ્યાન રાખવું કે એના ખૂણા છેક અંદર સુધી ન કપાઇ જાય અને નખની બાજુઓ પરની ચામડી ખેંચાઇ ન જાય કારણ કે નહીં તો નખ જ ચામડીને ઇજા કરે એવું બની શકે. ખૂલ્લા પગે ચાલવાનું શકય હોય ત્યાં સુધી ટાળવું જોઇએ.

પગરખાં:

ચાલવા કે દોડવા માટેનાં બૂટ નિયમિત પહેરવાં જોઇએ. કામના કલાકો દરમ્યાન દર ચાર કલાકે બૂટ બદલી નાખવા જોઇએ. બૂટ બદલવાથી એકની એક જગ્યા પર દબાણ આવવાની શકયતા ઘટે છે અને બૂટની પગને આરામ અને રક્ષણ આપવાની ક્ષમતા ઘણી વધે છે. ડાયાબિટીસના દર્દીને આ રીતે ચાર કલાકે બૂટ બદલવાથી પોતાના પગની જાત તપાસ કરવાનો મોકો પણ આપોઆપ મળી જાય છે. દરેક વખતે બૂટ પહેરતાં પહેલાં અંદર કાંકરી કે કચરો નથી એની પાકી ખાત્રી કરી લેવી જરૂરી છે. કયારેક પગની સંવેદના ઘટી ગઇ હોવાથી કાંકરા ખૂચે તો પણ ખબર ન પડે એવું બનતું હોય છે. જે દર્દીને પગમાં વારંવાર ઇજા થઇને તકલીફો થયા કરતી હોય તેમણે ઊંડાં તળીયાંવાળા બૂટ ખાસ પ્રકારના ઓર્થોટીક સપોર્ટ સાથે પહેરવા જોઇએ જેથી પગનાં કોઇ એક જ ભાગ પર દબાણ વધુ ન આવે; પગને વધુ રક્ષણ અને આધાર મળી રહે અને પરિણામે પગને થતું નુકસાન અટકે.

મોજાં:

બૂટની જેમ જ મોજાં અંગે પણ યોગ્ય કાળજી રાખવી જરૂરી છે. પગની સંવેદના ઓછી થઇ ગઇ - હોય એવા દર્દીઓએ તો દર ચાર કલાકે શૂઝની સાથે મોજાં تحریک پینے પણ બદલી નાખવા જરૂરી છે. કોટનનાં મોજાં ઉત્તમ ગણી|| (હડફ્ફ; શકાય. પગમાં દબાણ આવતા ભાગોએ વધારાની ગાદી મુકેલ હોય એવાં મોજાં પણ મળતા હોય છે કે દર્દીની જરૂર મુજબ બનાવી શકાય જેથી પગના દબાણ આવતા ભાગ પર ચાંદાં ન પડે. પગને લોહી પહોંચાડતી મોટી ધમનીઓ સાંકડી થઇ જવાને કારણે લોહી ન પહોંચતું હોય તો એવા દર્દીઓમાં પગની ધમનીને બાયપાસ કરવાનું ઓપરેશન આશીવાદરૂપ થઇ શકે, પરંતુ જો પગની ચેતાતંતુઓને નુકસાન થવાથી પગમાં ઇજા થયા કરતી હોય તો એવા દર્દીઓએ ઉપર વર્ણવેલ પગ સંભાળવાની રીત પર ખાસ ધ્યાન આપવું જોઇએ. પગની યોગ્ય સંભાળ ડાયાબિટીસના દર્દીમાં એક અગત્યનું અને દુઃખદાયક કોમ્પિલકેશન ઘટાડવામાં ઉપયોગી થઇ શકે છે. પગ પરનું દબાણ ઘટાડવા અને ડાયાબિટીસને કાબૂમાં લેવા માટે પગની સંભાળની સાથોસાથ શરીરનું વજન ઘટાડવું પણ એટલું જ જરૂરી છે એ દરેક દર્દીએ યાદ રાખવું જોઇએ.

મનની સંભાળ :

ડાયાબિટીસની તકલીફ માનસિક તાણ વધવાથી બેકાબૂ થઇ જાય છે. તણાવમુકિતની તાલિમ લેવાથી તણાવભરી પરિસ્થિતિમાં પણ મનને સ્વસ્થ રહેતાં શીખવી શકાય છે. યોગાસન - ધ્યાન - સવાશન - ઊંડા શ્વાસોશ્વાસ વગેરે તણાવમુકિત માટે ઉપયોગી છે. હળવાશભરી પળોને માણતાં શીખવાનું અને સુખદ ઘટનાઓને યાદ રાખી દુ:ખદ ઘટના જલદી ભૂલવાની માનસિક તાલિમ લાંબા ગાળાના ફાયદા કરે છે. બિનજરૂરી ચિંતાઓ અને વિચારોથી મનને દૂર રાખવાથી અને સંતોષ - સહિષ્ણતા વગેરે જેવા સદ્ગુણો કેળવવાથી મન અને શરીર સુખ-શાંતિ અનુભવે છે.

વ્યસનમુક્તિ :

દારૂ અને તમાકુનું કોઇપણ સ્વરૂપે વ્યસન ડાયાબિટીસની તકલીફો વધારી મૂકે છે. કાયમ માટે આ વ્યસનોને સંપૂર્ણપણે જાકારો આપવો ડાયાબિટીસના દર્દી માટે અનિવાર્ય છે. ડાયાબિટીસમાં તમાકુથી,

  1. હાથ-પગની રકતવાહિનીઓમાંથી જતો રકત પ્રવાહ અવરોધાય છે. ડાયાબિટીસના દર્દીમાં હાથ-પગને લોહી પૂરું ન મળવાથી થતી ગેન્ગીનની તકલીફ, ડાયાબિટીસ સાથે ધુમ્રપાન કરનારામાં ખૂબ વધારે જોવા મળે છે. હાથ-પગ કપાવવા પડે એવી તકલીફ વાળા ડાયાબિટીસના કુલ દર્દીઓમાંથી ૯૫% દર્દીઓ સાથે તમાકુનું સેવન કરતાં હોય છે.
  2. કિડની અને ચેતાતંત્રને નુકસાન થવાની શકયતા ડાયાબિટીસ અને તમાકુનું સેવન ભેગાં થવાથી વધે છે.
  3. ડાયાબિટીસ અને તમાકુ બંને ભેગા થઇને હ્યદયરોગ થવાની શકયતા ત્રણ ગણી વધારે કરે છે.
  4. તમાકુના સેવનથી બ્લડ પ્રેશર અને બ્લડ સુગરબંને વધે છે અને પરિણામે ડાયાબિટીસ બેકાબુ રહે છે જે લાંબે ગાળે ઘણા કોમ્પિલકેશન કરી શકે છે.
  5. તમાકુ અને ડાયાબિટીસ બંને ને કારણે નપૂસંકતા આવી શકે છે. આટલી બધી તકલીફ વધારી આપનાર તમાકુનું સેવન બંધ કરવાથી આ બધી તકલીફોમાંથી મુક્તિ મળી શકે છે. આ જ રીતે, ડાયાબિટીસના દર્દી દારૂનું સેવન કરે તો ડાયાબિટીસ બેકાબૂ થઇ જાય છે અને બધા કોમ્પિલકેશન વધી જાય છે. દારૂ-તમાકુના વ્યસનથી મુક્તિ ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જરૂરી છે.

કિડનીની સંભાળ :

ડાયાબિટીસનાં દર્દીમાં લાંબે ગાળે કિડનીને નુકસાન થવાની શકયતા હોય છે. શુગરનું ચુસ્ત નિયંત્રણ કિડનીને નુકસાનથી બચાવે છે. આ ઉપરાંત, પેશાબમાં માઇક્રોઆલ્બમ્યુમીનની તપાસ કરવાથી કિડનીના નુકસાનને શરૂઆતના તબક્કામાં ઓળખી લઇને યોગ્ય દવાઓ શરૂ કરી શકાય છે. ઓછામાં ઓછું દર છ મહિને લોહીમાં યુરિયા અને કીએટીનીનની તપાસ કરતાં રહીને કિડનીની સ્થિતિ જાણી શકાય.

હૃદયની સંભાળ :

ડાયાબિટીસનાં દર્દીમાં હાર્ટ એટેક આવવાની શકયતા ખૂબ વધારે રહે છે. ઓછી ચરબીવાળો ખોરાક, નિયમિત કસરત, વ્યસનમુક્તિ અને માનસિક શાંતિ હૃદયરોગથી શરીરને બચાવવા માટે ખૂબ જરૂરી છે. દર છ - બાર મહિને ડાયાબિટીસનાં દર્દીએ હૃદયને માટે કાર્ડિયોગ્રામ કરાવતાં રહેવું જોઇએ. ડોકટરને જરૂર જણાય તો આ ઉપરાંત સ્ટેસ ટેસ્ટ કે ઇકો-કાર્ડિયોગ્રાફીની તપાસ ડોકટરની સલાહથી કરાવવી જોઇએ.

સ્ત્રોત : ડૉ કેતન ઝવેરી ભણશાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શેલી કિલનિક, સુરત.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate