ડાયાબિટીસ એટલે શું ?
જેને આપણે મધુપ્રમેહની બીમારી તરીકે ઓળખીએ છીએ તે ડાયાબિટીસનું આખું નામ છે ‘ડાયાબિટીસ મેલાઇટસ’. મીઠું (મધ જેવું મીઠું) મધ જેવો મીઠો પેશાબ એટલે મધુપ્રમેહ ઉર્ફે ડાયાબિટીસ મેલાઇટસ’. હવે પછી, સરળતા ખાતર માત્ર ડાયાબિટીસ તરીકે જ રોગનો ઉલ્લેખ કર્યો છે. ડાયાબીટીસના દર્દીમાં, શરીરમાં ગ્લુકોઝનું નિયમન કરનાર અંત:સ્ત્રાવ ઇન્સલ્યુલિનની અછત વર્તાય છે. ઇન્સલ્યુલિનનું મુખ્ય કામ ગ્લુકોઝના અણુઓ લોહીમાંથી દર્દીના કોષોની અંદર પહોંચાડવાનુ છે. ઇન્સલ્યુલિનની અછતને લીધે ગ્લુકોઝના અણુઓ લોહીમાંથી દર્દીના કોષોની અંદર પહોંચી નથી શકતાં. પરિણામે, શરીરમાં પુષ્કળ પ્રમાણમાં ગ્લુકોઝ હોવાં છતાં એનો ઉપયોગ શરીરના કોષો કરી નથી શકતા. શરીરની હાલત ગેરવ્યવસ્થા અને અરાજકતાથી ભરપૂર રાજય જેવી થઇ જાય છે કે જેમાં પુષ્કળ અન્ન પાકતું હોવા છતાં લોકો ભૂખમરાથી મરે છે. શરીરમાં પુષ્કળ ગ્લુકોઝ હોવા છતાં ડાયાબિટીસના દર્દીના કોષો ગ્લુકોઝના અભાવે ટળવળે છે. લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ (૧૮૦ મિ.ગ્રા.ડિ.લી.થી વધારે) વધી જવાથી લોહીમાંનો વધારાનો ગ્લુકોઝ પેશાબ વાટે શરીરની બહાર નીકળવા માંડે છે. શરીરને પોષણ આપનાર આ મહત્વનો ઘટક આ રીતે વેડફાઇ જવાથી દર્દીની સ્થિતિ કફોડી થઇ જાય છે. એને ખૂબ ભૂખ લાગે છે, તરસ લાગે છે અને ખૂબ પેશાબ થાય છે; અને લાંબે ગાળે આંખ, હૃદય, કિડની, ચેતાતંતુ વગેરેને નુકસાન થવાથી અનેક કોમ્પિલકેશન ઊભા થાય છે.
તંદુરસ્ત માણસનાં લોહી - પેશાબમાં નોર્મલ શુગર કેટલી હોય?
સૌ પ્રથમ તો “શુગર’ એટલે શું એ સમજી લઇએ. “શુગર’નો અર્થ ગુજરાતીમાં ‘સાકર’ કે સંસ્કૃતમાં ‘શર્કરા” થઇ શકે. સામાન્ય રીતે જયારે લોહી કે પેશાબમાં “શુગર”ની વાત ચાલતી હોય ત્યારે એ ગ્લુકોઝ ની વાત છે એમ માનવું. ગ્લુકોઝ એ શરીરનાં કોષોને શક્તિ પૂરી પાડનારું એક અગત્યનું બળતણ છે. આપણા ખોરાકમાં શક્તિનાં મુખ્ય ત્રણ ઘટકો હોય છે - કાર્બોહાઈડ્રેટ; પ્રોટીન અને ચરબી. આ ત્રણમાંથી સૌથી વધુ હિસ્સો ધરાવનાર કાર્બોહાઈડ્રેટ જુદા-જુદા અનેક સ્વરૂપે ખોરાકમાં હોય છે. અનાજ, દાળ, બટેટાં, શકકરિયાં, કંદ, ફળો, શાક વગેરેમાં કાર્બોહાઈડ્રેટનો હિસ્સો ઘણો મોટો હોય છે. જયારે જુદા-જુદા સ્વરૂપે કાર્બોહાઈડ્રેટને ખોરાકમાં લેવામાં આવે ત્યારે ખોરાકનું પાચન થયા પછી છેવટે મોટાભાગનો હિસ્સો ગ્લુકોઝમાં રૂપાંતર પામે છે. આખી રાત દરમ્યાન કઈ ખાધું ન હોય તો બીજે દિવસે સવારે ભૂખ્યા પેટે દર ૧૦૦ મીલી લોહીમાં આશરે ૭૫ થી ૧૧૫ મીલીગ્રામ જેટલો ગ્લુકોઝ તંદુરસ્ત વ્યક્તિમાં જોવા મળે છે
ખોરાક લીધા પછી, એમાંથી પચીને છુટો પડેલ ગ્લુકોઝ, બે-ત્રણ કલાકના સમયમાં જ લોહીમાં ભળી જાય છે. દરરોજ ખોરાક લીધા પછી આશરે અડધા કલાકથી બે કલાક સુધીના સમય દરમ્યાન લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ખૂબ વધી જાય છે સામાન્ય રોજીંદા ખોરાક લીધા પછી બે કલાક પછી તંદુરસ્ત વ્યક્તિના લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ હમેશા ૧૪૦ મીલીગ્રામ/ડે.લી કરતા ઓછું જ હોય છે તંદુરસ્ત માણસના પેશાબમાં સામાન્ય રીતે બિલકુલ શુગર હોવી ન જોઇએ.
લેખક : ડૉ કેતન ઝવેરી ભણશાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શેલી કિલનિક, સુરત.