હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / કેન્સર સંબંધિત / વિશ્વ કૅન્સર દિવસની સાર્થકતા એટલે કેન્સર પર વિજયનો સંકલ્પ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વિશ્વ કૅન્સર દિવસની સાર્થકતા એટલે કેન્સર પર વિજયનો સંકલ્પ

વિશ્વ કૅન્સર દિવસની સાર્થકતા એટલે કેન્સર પર વિજયનો સંકલ્પ

એવા અનેક રોગો છે, જેની સામે વિજ્ઞાન અને ટૅક્નોલૉજીએ હજી વધારે સંધર્ષ કરવાની આવશ્યક્તા છે જેથી મનુષ્ય જીવનને થતા અકાળ નુક્સાનથી બચાવી શકાય. મનુષ્ય સહિત આ ધરતી પરની સજીવ પ્રજાતિ જાણ્યા-અજાણ્યા અનેક રોગોની સામે છેલ્લા હજારો વર્ષોથી સંધર્ષ કરીને જિંદગીને જીતવાનો પ્રયાસ કરતી આવી છે. નિસંદેહ વર્તમાન સમયની આધુનિક સારવાર કેન્સર જેવા રોગને પરાસ્ત કરવામાં અવિરત સફળ થઈ રહી છે. બળીયો જીતે- એ ન્યાયે રોગ પર વિજય મેળવવાના આ પ્રયાસમાં વ્યક્તિને અનેક પરિબળો મદદરૂપ થતા હોય છે. કેન્સરરોગની સારવાર દરમિયાન વ્યક્તિનું મનોબળ મજબૂત રહે અને રોગને હરાવવાની તેની તૈયારી એક યોદ્ધા જેવી હોય તો અવશ્ય દર્દીને મદદ મળે છે અને ડૉક્ટરને પણ દર્દીની સારવારમાં આ જુસ્સો સહાયક બની રહે છે.

વિશ્ર્વ કેન્સર દિવસના ઉપલક્ષમાં કેન્સરના રોગની સારવાર લેતા પ્રત્યેક દર્દીએ મનોબળ મજબૂત કરવાની કેમ જરૂર છે તેના વિશે થોડી વાત કરવા માંગુ છું. મિત્રો, સૌ પ્રથમ તો એ જાણી લો કે, વર્તમાન સમયમાં કેન્સર અને તેના જેવી અનેક ઘાતક બીમારીઓ કોઈ પણ વ્યક્તિને ગમે તે સમયે પોતાનો શિકાર બનાવી શકે છે. સ્વસ્થ વ્યક્તિને પણ રોગ લાગૂ પડી શકે છે. આ માટે આપણી આસપાસનું વાતાવરણ, આહાર-વિહાર, જીવનશૈલી, તણાવ, પ્રદુષણ, ધુમ્રપાન, નશીલાદ્રવ્યોનું સેવન, પારિવારીક હિસ્ટ્રી, કુપોષણ, વ્યવસાય, ચેપ લાગવો, સ્વચ્છતાનો અભાવ જેવા અનેક કારણો જવાબદાર હોય છે.
કેન્સર રોગની વાત કરીએ તો, કેન્સર થયું છે એવું માલુમ પડે ત્યાર પછી વ્યક્તિની માનસિક સ્થિતિમાં ખૂબ ફરક પડી જાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં વ્યક્તિને જ્યારે કેન્સર રોગ થયાની જાણ થાય એટલે મનથી જ હારી જાય છે અને પરિવારજનો પણ અસ્વસ્થ થઈ જાય છે, જે યોગ્ય નથી. વાસ્તવિક સ્થિતિને સ્વિકારવી એટલી સહજ નથી હોતી પરંતુ એ જ વાસ્તવિકતા છે કે હવે પછીની પ્રત્યેક ક્ષણ આ રોગને હરાવવા માટેની હોવી જોઈએ. મિત્રો, એવા અનેક શ્રેણીબદ્ધ સફળ કિસ્સાઓ છે, જેમાં દર્દી અને પરિજનોના હકારાત્મક અભિગમથી કેન્સરને હરાવી દર્દી ફરીથી તેનું જીવન પૂર્વવત મેળવી શક્યો હોય.

હવેના જમાનામાં કેન્સર એટલે કેન્સલ એવું જરા પણ ન માનવું

એક સમયે કેન્સરને જટીલ વ્યાધિ ગણી તેના માટે કેન્સલ કહેવાતુ હતુ, વર્તમાન સમયમાં વિજ્ઞાનની પ્રગતિ, નવા સંશોધનો, અત્યાધુનિક ટૅક્નોલૉજી, નિદાન પ્રક્રિયામાં આધુનિકતા જેવા અનેક પરિબળો દર્દીને કેન્સર રોગ સામેની લડતમાં “વિજય” અપાવવા સજ્જ છે. આવા સંજોગોમાં કેન્સર વ્યાધિને બીનઉપચારક કેવી રીતે ગણી શકાય ? ઘણાં જટિલ કિસ્સાઓમાં પણ દર્દી સાજો થઈ ઘરે પરત ફરે છે. અંતિમ તબક્કાના કેન્સર પણ યોગ્ય સારવાર અને આધુનિક ટૅક્નોલૉજીને કારણે સફળ થાય છે. કેન્સર એટલે કેન્સલ એવું માનવું એ ભૂલભરેલી માન્યતા છે.

યોગ્ય તપાસ અને સચોટ માર્ગદર્શન તથા સેકન્ડ ઓપિનિયન

કેન્સર પ્રત્યેની અનેક શંકા-કુશંકાઓ મનમાં ભરી દેવાની ભૂલ ન કરવી, મિત્રો, સમય જાગૃતિ અને અગમચેતીનો છે. નિયમિત મેડિકલ ચેક-અપ કરાવો અને શરીરમાં કોઈપણ અસામાન્ય ફેરફાર જણાય તો પોતાના ડૉક્ટર પાસે જઈને તેનું યોગ્ય નિરાકરણ લાવો.  યાદરાખો, બધી ગાંઠ કેન્સરની જ હોય એવું નથી હોતુ, માટે મનમાં ખોટો ભય પેદા ન થવાદો. પ્રાથમિક તપાસમાં કેન્સરની શક્યતા હોવાનું ધ્યાન પર આવે તો, સેકન્ડ ઓપિનિયન પણ લઈ શકાય છે.

સારવારના પ્રત્યેક સમયે હકારાત્મક અને દ્રઢ મનોબળ રાખવું

નિસંદેહ કેન્સરની સારવારમાં ધીરજ અને સહનશીલતા જેટલી મહત્વપૂર્ણ છે, એટલું જ આવશ્યક છે પ્રત્યેક સમયે હકારાત્મક અને મક્કમ રહેવું. વાહલા મિત્રો, કેન્સરની સારવાર પ્રાથમિક તબક્કામાં હોય કે જટિલ તબક્કામાં –આ સમય એક કસોટી સમાન હોય છે, જેમાં દર્દીએ ડૉક્ટરને પૂર્ણ સાથ સહકાર આપવો જોઈએ, જેથી યોગ્ય સમયે યોગ્ય નિર્ણયને વધારે અસરકારક બનાવી શકાય. મનથી હારી જવું એ કોઈ સમસ્યાનું નિરાકરણ નથી. યાદરાખો હકારાત્મક અભિગમ અને દ્રઢ મનોબળ કેન્સરની સારવારમાં મદદરૂપ થાય છે. સર્જરીની વાત હોય કે કિમોથેરપી કે રેડિયોથેરપીની વાત હોય, કેન્સરરૂપી શત્રુને હરાવવા મનથી મક્કમ હોવું જરૂરી છે. ક્યારેક કોઈ આડઅસરને કારણે મુશ્કેલી થાય તો તેના માટે ડૉક્ટરને નિસંકોચ વાત કરવી જોઈએ.

ડૉક્ટરને “મિત્ર”સમાન બનાવો અર્થાત નિસંકોચ પરામર્શ કરો

કેન્સરની સારવારના ઘણાં એવા તબક્કાઓમાં ડૉક્ટર સતત આપની સાથે હોય છે. આપના ડૉક્ટરને નિસંકોચ આપની વાત કરો. દવાની અસરો, મૂડ, વાતાવરણમાં ફેરફાર, તકલિફો, ખોરાક જેવા ઘણાં પાસાઓ પણ સારવારની સાથે જોડાયેલા હોય છે આ વિશે મુક્ત મને ડૉક્ટરની સાથે ચર્ચા કરો જેથી ઉપચારની આપના શરીર પર થતી અસરોના પ્રમાણ વિશે ડૉક્ટરને પૂરેપૂરો અંદાજ આવી શકે અને ઉપચારમાં તે વધારે મદદરૂપ થઈ શકે.

પરિવાર અને સ્નેહીજનો દર્દીને આ લડતમાં સાથ આપે

કેન્સરની સારવાર લેતા દર્દીને તેના પરિજનો અને સ્નેહીજનોનો સાથ મળી રહે એ ખૂબ જરૂરી છે. હૂંફ અને સ્નેહની લાગણી વ્યક્તિ પોતાના સ્વજન પાસે સૌથી વધારે અનુભવે છે, જે સારવાર પ્રક્રિયામાં દર્દીને મદદરૂપ થાય છે. આ સમયે સ્નેહીજને પણ કોઈ નકારાત્મક વિચારો કે ઉદાહરણો દર્દીને ન આપવા જોઈએ તેના બદલે દર્દી અવશ્ય આ રોગ પર વિજયી બનશે અને તેના માટે પ્રત્યેક સમયે પરિજનો તેની સાથે જ છે તેની અનુભૂતિ કરાવવી જોઈએ.

વાચકમિત્રો, કેન્સરની સારવારનો તબક્કો પસાર કરી જયારે વ્યક્તિ જિંદગીને જીતે છે ત્યારે તે અનેક કેન્સર દર્દીઓ માટે પણ એક આશાકિરણ અને ઉદાહરણ બની જાય છે. હકારાત્મક પરિબળ અને મક્કમ મનોબળ કેન્સરની સારવારમાં મદદરૂપ થાય તે માટે દર્દીની સાથે પરિજનો પણ એટલા જ મક્કમ બને તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે.

ડો.સોમેશ ચંદ્રા(કેન્સર સર્જન)

3.6
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top