હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / કેન્સર સંબંધિત / મોટાભાગના હેડ એન્ડ નેક કેન્સર જીવનશૈલી સંબંધિત હોય છે
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મોટાભાગના હેડ એન્ડ નેક કેન્સર જીવનશૈલી સંબંધિત હોય છે

હેડ એન્ડ નેક કેન્સર જીવનશૈલી સંબંધિત છે

હેડ એન્ડ નેક (માથા અને ડોક)ના કેન્સર ભારતમાં સામાન્ય રીતે સૌથી વધુ ફેલાતા કેન્સરમાનું એક છે. વિશ્વભરમાં ભારત ખાતે પણ હેડ એન્ડ નેક (ડોક અને માથા) ના કેન્સરની સંખ્યા સૌથી વધુ છે. વિશ્વભરમાં થતા કુલ હેડ એન્ડ નેક(માથા અને ડોક)ના કેન્સરના ૫૭ ટકા કેસો એશિયામાં અને ખાસ કરીને ભારતમાં થાય છે. ભારતમાં હેડ એન્ડ નેક (માથા અને ડોક)ના કેન્સરનું પ્રમાણ તમામ કેન્સરની તુલનામાં ૩૦ ટકા જેટલું રહેલું છે, જ્યારે દુનિયા ભરમાં તેનું પ્રમાણ ૪-૫ ટકા રહેલું છે. ભારતમાં દર વર્ષે હેડ એન્ડ નેક (માથા અને ડોક) કેન્સરના અંદાજે નવા ૨ લાખથી વધુ કેસો નોંધાય છે. હેડ એન્ડ નેક કેન્સરમાં મોંના પોલાણમાં થતા કેન્સર સામેલ હોય છે જેમાં જીભ, બકલ મ્યુકોસા, હોઠ, ગળું અને સ્વરપેટીનું કેન્સર, સાઈનસ કે ખોપડી સંબંધિત અને થાઈરોઈડ કેન્સર સામેલ હોય છે.
આમાના મોટાભાગના કેન્સર રોકી શકાય તેમ હોય છે. કમનસીબે ભારતમાં જાગૃતિ અને જાણકારીના અભાવે, આ પ્રકારના કેન્સરની મોટાભાગે ત્રીજા કે ચોથા તબક્કામાં હોય ત્યારે જાણ થાય છે. એડવાન્સ્ડ સ્ટેજ (સ્ટેજ ૩ અને સ્ટેજ ૪)ના કેન્સરમાં વધુ આકરી સારવાર તેમજ ઘણીવાર તો વિવિધ સારવારના સંયોજનની (સર્જરી, કિમોથેરાપી અને રેડિયોથેરાપી) મદદ લેવી પડે છે, જેના કારણે સારવારની આડઅસર અને રોગોની સ્થિતિમાં વધારો થાય છે, જેનાથી દર્દીના સામાન્ય જીવનને હાનિ પહોંચે છે.
હેડ એન્ડ નેક કેન્સરના મોટાભાગના કેસો રોકી શકાય તેમ છે અને તે જીવનશૈલીને સંબંધિત હોય છે. આ કેન્સર મુખ્યત્વે તમાકુ અને આલ્કોહોલના સેવનથી થતું હોય છે.
ભારતમાં યુવાનો અને મહિલાઓમાં તમાકુ ઉત્પાદનોનો ઉપયોગ વધુ હોવાથી આ કેન્સરના કેસો વધી રહ્યા છે. પશ્ચિમના દેશોમાં, તમાકુ અને આલ્કોહોલની હાનિકારક અસરો વિશેની જાગૃતિ વધવાથી હેડ એડ નેક કેન્સરના કેસો ઘટી રહ્યા છે પરંતુ કેટલાક ચોક્કસ પ્રકારના વાઈરસના કારણે ગળાના કેન્સરના કેસો વધી રહ્યા છે. એ મહ¥વનું છે કે કેન્સર થવા માટેના અન્ય પરિબળો પણ જાણવામાં આવે.

મોંનું કેન્સરઃ

આ પ્રકારના કેન્સર ભારતમાં સૌથી સામાન્ય રીતે થતા હેડ એન્ડ નેક કેન્સરમાં સામેલ છે. અને તે ઘણી સરળતાથી રોકી શકાય છે અને તેનું નિદાન કરી શકાતું હોય છે. મોંના પોલાણમાંનું કેન્સર ક્યારેય તમાકુ કે આલ્કોહોલ ન લેનાર વ્યક્તિને પણ થઈ શકે છે. અનેક દર્દીઓ કે જેમના દાંત તીક્ષ્ણ હોય અથવા દાંતનું ચોકઠું બરાબર ફિટ ન થયું હોય અને તેનાથી જીભ કે પેઢાંને સતત વાગતું રહેતું હોય છે. વારંવાર આવી ઈજાથી ચાંદા પડે છે અને તે કેન્સરમાં પરિણમી શકે છે. મોંનું કેન્સર સામાન્ય રીતે પ્રી-મેલીગ્નન્ટ લીઝન કે પ્રી-કેન્સર લીઝનમાંથી ઉદ્બવે છે. તે સફેદ કે લાલ ચકામા સ્વરૂપે અથવા વેરુકોઈડ લીઝન પ્રકારના ગઠ્ઠા સ્વરૂપે હોય છે. લાલ ચકામા હોય ત્યાં કેન્સર થવાની વધુ શક્યતાઓ રહેલી છે અને તેને શક્ય હોય ત્યાં સુધી લેસરથી દૂર કરી શકાય છે. જ્યારે સફેદ ચકામાનું કદ સામાન્ય રીતે જળવાઈ રહેતું હોય તો તેનું માત્ર અવલોકન કરાય છે. વેરુકોઈડના વિકાસને દૂર કરી શકાય છે. ઢીલાં દાંત, પેઢાંમાંથી લોહી નીકળવું, ચાંદા મટે નહીં વગેરે મોંના કેન્સરના સામાન્ય સંકેતો છે.

થાઈરોઈડ કેન્સરઃ

આ એવું સામાન્યપણે થતું કેન્સર છે જેને તમાકુ કે આલ્કોહોલ સાથે ખાસ કોઈ લેવાદેવા નથી. લગભગ ૧/૩ જનસંખ્યામાં થાઈરોઈડ ગ્રંથીમાં એક નાની ગાંઠ જેવું હોય છે. થાઈરોઈડ કેન્સર સામાન્ય રીતે આવી ગાંઠોમાંથી થાય છે. પરંતુ એ સિવાયના કારણોસર પણ આવી ગાંઠ થતી હોય છે. થાઈરોઈડ કેન્સર કેટલાંક જનીનસંબંધી તથા પારિવારિક પ્રી-ડિસ્પોઝિશનના કારણે પણ થતા હોય છે. થાઈરોઈડ કેન્સરનું પ્રમાણ એવા દર્દીઓમાં વધેલું જોવા મળે છે જેઓ અગાઉ રેડિએશનના સંપર્કમાં આવ્યા હોય છે. આ ગાંઠોને અલ્ટ્રાસાઉન્ડ દ્વારા ચકાસી શકાય છે અને તેમાં જો તેનું કદ શંકાસ્પદ રીતે વધેલું જોવા મળે ત્યારે આ ગાંઠોની બાયોપ્સી નીડલ દ્વારા કરવામાં આવે છે. થાઈરોઈડ કેન્સર સામાન્ય રીતે ઓછા આક્રમક હોય છે અને મહિલાઓમાં તેની સારવારનું પરિણામ પુરૂષોની તુલનામાં વધુ સારૂં જોવા મળતું હોય છે. એ મહ¥વનું છે કે કોઈ દર્દીને થાઈરોઈડનો સોજો હોય તો તેણે અલ્ટ્રાસાઉન્ડ દ્વારા ચકાસણી કરાવી લે. આ પ્રકારના કેન્સરનું આસાનીથી નિદાન થઈ શકે છે અને પ્રાથમિક તબક્કામાં નિદાન થતાં તેની સારવાર પણ આસાનીથી થઈ શકે છે.

ગળાનું કેન્સરઃ

ગળાનું કેન્સર થવા માટે સામાન્ય રીતે હ્યુમન પેપીલોમા વાયરસ (એચપીવી)ને જવાબદાર માનવામાં આવે છે. આ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ વાયરસ છે અને તે વિવિધ સ્ટ્રેઈન્સ (અથવા પ્રકાર) ધરાવે છે. મોટાભાગે આ વાયરસ શરીર દ્વારા કુદરતી રીતે જ નાશ પામે છે અને તેના લક્ષણો જોવા મળતા નથી. પણ જ્યારે શરીર તેના ચેપને દૂર કરવામાં અસમર્થ બને ત્યારે આ વાયરસ કેન્સરનું કારણ બને છે. એચપીવી વાયરસના પ્રકાર ૧૬ અને ૧૮ કેન્સરનું કારણ બનતા હોય છે. આ જ વાયરસ મહિલાઓમાં. સર્વાઈકલ કેન્સર અને પુરૂષો તથા મહિલાઓમાં ગળાના કેન્સર માટે જવાબદાર હોય છે. સદનસીબે, આ વાયરસથી થતા કેન્સરની સારવારનું પરિણામ, તમાકુના કારણે થતા ગળાના કેન્સરની સારવારની તુલનામાં વધુ સારૂં આવે છે. આ કેન્સરના દર્દીઓને સામાન્ય રીતે ખાવામાં તકલીફ, ગળવામાં તકલીફ, ગળામાં કંઈક ફસાયું હોય એવી લાગણી થતી હોય છે.

સ્વરપેટીનું કેન્સરઃ

સ્વરપેટીનું કેન્સર સામાન્ય રીતે એવા દર્દીઓમાં જોવા મળે છે જેઓ ધુમ્રપાન કરતા હોય છે પણ તેમાં એવા કેસો પણ જોવા મળે છે કે જેમાં પર્યાવરણીય પરિબળો પણ સામેલ હોય જેમકે પ્રદૂષણ કે રસોઈ સમયનો ધુમાડો. તમારા સ્વરમાં અવારનવાર ફેરફાર થતો હોય તો તેની ચકાસણી કરાવવી જોઈએ.

સાઈનસ કેન્સરઃ

આ કેન્સરને ભૂલથી સામાન્ય સાઈનસના ચેપ તરીકે ગણી લેવામાં આવે છે. આ કેન્સર ધુમાડાથી અને ખાસ તો સિગરેટના ધુમાડાના કારણે તેમજ અન્ય પ્રકારના ધુમાડાના કારણે થાય છે. આ કેન્સર કેટલાક પ્રકારના વ્યવસાયમાં સામેલ હોવાથી પણ થઈ શકે છે. જેમકે વૂડ કટિંગ કે જ્યાં શ્વાસમાં તેના રજકણો જતા અને તેને લીધે ક્રોનિક સોજો આવે છે અને તે કેન્સરમાં પરિણમી શકે છે. સાઈનસ કેન્સરના લક્ષણો સાઈનસ ઈન્ફેક્શન્સને મળતા આવે છે. જેમકે નાક બાઝી જવું, માથું દુઃખવું, અવાજમાં ફેરફાર વગેરે. આમ, લાંબા સમયથી સાઈનસની સમસ્યા હોય અને ખાસ તો ચહેરની એક તરફ તકલીફ રહેતી હોય તેમણે ડોક્ટર પાસે તપાસ કરાવી લેવી જોઈએ અને એન્ડોસ્કોપી કરાવવી જોઈએ.

અન્નનળીનું કેન્સરઃ

અન્નનળી ત્રણ ભાગમાં એટલે અપર, મિડલ અને લોઅર એમ વહેંચાયેલી હોય છે. તેનો ઉપરનો ભાગ ડોક અને છાતીના ઉપરના ભાગમાં હોય છે. ૧/૩ ભાગના ઉપરના હિસ્સાના કેન્સરના લક્ષણો સ્વરપેટી અને ગળાના કેન્સરના સંકેતોને મળતા આવે છે. જો કે તે સામાન્ય રીતે તમાકુ અને આલ્કોહોલનું સેવન કરતા દર્દીઓમાં જોવા મળે છે. આ ઉપરાંત આવા કેન્સર તમાકુ કે આલ્કોહોલની આદત ન ધરાવતા લોકોમાં પણ થઈ શકે છે. તે એવી મહિલાઓમાં પણ થઈ શકે છે જેમને બ્લડ કાઉન્ટસ ઓછા હોય છે અને ગળામાં ઝારી જેવું હોય છે જેના કારણે ગળવામાં તકલીફ થાય છે. તે વધુ ગરમ પ્રવાહી લેવાના કારણે, કેટલાક ચોક્કસ બેક્ટેરિયા અને વાયરસના કારણે અને કેટલાક ચોક્કસ પ્રકારના આહારના કારણે પણ થઈ શકે છે.

હેડ એન્ડ નેક કેન્સરમાં મોંના પોલાણમાં થતા કેન્સર સામેલ હોય છે જેમાં જીભ, બકલ મ્યુકોસા, હોઠ, ગળું અને સ્વરપેટીનું કેન્સર, સાઈનસ કે ખોપડી સંબંધિત અને થાઈરોઈડ કેન્સર સામેલ છે.

હેડ એન્ડ નેક કેન્સર આપણા દેશને અસર કરતી ગંભીર સમસ્યા છે. આપણે આ કેન્સર રોકવામાં સારા પરિણામો તેનું વહેલાસર નિદાન કરી લેવાથી મેળવી શકીએ છીએ. તેના માટે તેના લક્ષણોની જાણકારી મેળવવી જરૂરી છે તેમજ આપણા શરીર અંગે કેટલીક જાણકારી રાખવી જરૂરી છે જેથી તેના લક્ષણોને વહેલાસર ઓળખી શકાય.

સ્ત્રોત :ડો વિશાલ ચોક્સી. હેડ & નેક કેન્સર સર્જન.

3.0303030303
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top