હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / કેન્સર સંબંધિત / કેન્સરમાં સારવાર બાદ ફોલોઅપ પણ મહત્વનું
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કેન્સરમાં સારવાર બાદ ફોલોઅપ પણ મહત્વનું

કેન્સરમાં સારવાર બાદ ફોલોઅપ પણ મહત્વનું છે

કેન્સર એ એક ભયાનક રોગ છે. કેન્સર નામ માત્રથી દર્દી તો ઠીક તેનો પરિવાર પણ ધ્રૂજી ઉઠે છે. સારવારના નામ માત્રથી તે ભયભીત થવા લાગે છે, પરંતુ યોગ્ય સમેય અને સમયસર નિદાન કરવામાં આવે તો આ મહારોગ કાબૂમાં આવી શકે છે.

અત્યારે આપણા દેશમાં હેડ એન્ડ નેક અથવા ગળાના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. આ થવાના કારણોમાં તમાકુ, ગુટખા, બીડી, સીગારેટ તથા દારૂનું સેવન જવાબદાર છે. હવા અને ખોરાકમાં રહેલું પ્રદુષણ પણ કેન્સર થવામાં ટેકો આપતું હોય છે.

વારંવાર મોઢામાં ચાંદી પડવી, લાંબો સમય ચાંદી મટવી નહીં, સતત રહેતો કાનનો દુઃખાવો, ખોરાક ઓછો થઈ જવો અને અવાજમાં ફેરફાર થવો જેવા ગળા અને મુખના કેન્સરના પ્રાથમિક અને સામાન્ય ચિહ્નો છે. આ ચિહ્નોને અવગણવાની જરૂર નથી. આવા ચિહ્નો દેખાય એટલે તાત્કાલીક તેના સ્પેશિયાલિસ્ટ પાસે જઈ નિરાકરણ મેળવવું હિતાવહ છે.

ઉપર મુજબના ચિહ્નો હોય તો કમસેકમ આપણા ફેમિલિ ડૉક્ટર અથવા ડેન્ટિસ્ટ તેમજ કાન-નાક-ગળાના ડૉક્ટર પાસે તપાસ કરાવી લેવી જોઈએ. તેમનો અભિપ્રાય મેળવ્યા બાદ કેન્સર નિષ્ણાત પાસે પણ જરૂર લાગે તો તપાસ કરાવવી નુકસાનકારક નથી.

કેન્સરના નિદાન માટે બાયોપ્સી જરૂરી હોય છે. આ બાયોપ્સી એન્ડોસ્કોપી દ્વારા લેવાતી હોય છે. બાયોપ્સી દ્વારા મળતા સેમ્પલની લેબોરેટરી તપાસ કરાવતા રોગનું ચોક્કસ નિદાન થઈ શકે છે. જોકે ઘણા લોકોને એવી ખોટી ગેરમાન્યતા પણ હોય છે કે, બાયોપ્સીના કારણે રોગ શરીરમાં ફેલાઈ શકે છે. લોકો આવી ખોટી ગેરમાન્યતાથી પ્રેરાઈને બાયોપ્સી કરાવવાનું ટાળતા હોય છે જેના કારણે આગળ જતા વધુ મુશ્કેલી સર્જાઈ શકે છે.બાયોપ્સીના રિપોર્ટ પછી કેન્સર નિષ્ણાત તેમને CT Scan, MRI અથવા PET CTનો રિપોર્ટ કરાવવાની સલાહ આપી શકે છે. ઉપરોક્ત રિપોર્ટ કેન્સરનો સ્ટેજ નક્કી કરવા માટે હોય છે. સામાન્ય રીતે આ તમામ રિપોર્ટ આવ્યા પછી રાજ્યની સૌથી મોટી કેન્સર હોસ્પિટલ (GCRI) માં કેન્સરના નિષ્ણાતો જેમાં સર્જન્સ, રેડિયોથેરાપીસ્ટ તથા કેમોથેરેપીના ડૉક્ટરો દ્વારા દર્દી માટે ઉચીત સારવાર નક્કી કરવામાં આવે છે. આને મેડિકલ ભાષામાં ટ્યૂમર બોર્ડ કહેવાય છે.

ટ્યૂમર બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણયને દર્દી તથા સગા સાથે ચર્ચા કરીને સારવાર શરૂ કરવામાં આવે છે. કેન્સરની સારવાર સર્જરી, રેડીયેશન, કેમોથેરેપી દ્વારા કરવામાં આવે છે. મોટેભાગે Multimodality ટ્રીટમેન્ટ અથવા ત્રણેય ટ્રીટમેન્ટનો સમન્વય કરવામાં આવે છે.

આ રોગની સારવાર પુરી કર્યા પછી ફોલોઅપ પણ સારવાર જેટલું જ જરૂરી છે. કેન્સરના દર્દીને આર્થિક સહાય માટે ગજરાત સરકારે ‘મા’ યોજના તથા કેન્દ્ર સરકારની ‘PMJAY’ યોજના કાર્યરત છે. આ યોજનાનો લાભ લેતા દર્દીઓના મોટાભાગની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવતી હોય છે. આ યોજનાઓ દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે.

કેન્સરના દર્દીને માનસીક સહાય કરવાનું કામ એના સગા અને જરૂર પડે તો સાઈકિયાટ્રિક પણ કરી શકે છે. અંતીમ સ્ટેજના દર્દીઓ માટે કેન્સર હોસ્પિટલ દ્વારા વાસણા ખાતે હોસપિસ સેન્ટરની સુંદર વ્યવસ્થા છે. આ સેન્ટર ફકત અંતિમ ઘડીના કેન્સરના દર્દીઓ માટે શરૂ કરવામાં આવેલું છે. અહીં આવતા ચોથા સ્ટેજના દર્દીની ખુબ સારી સંભાળ રાખવામાં આવે છે. એકલી સરકાર કે એકલા ડૉક્ટર કે એકલા પેરામેડિકલ સ્ટાફથી કેન્સર જેવા રોગ સામે વિજય મેળવવો મુશ્કેલ છે, પરંતુ કેન્સર નાબુદી અભિયામાં જો સંપુર્ણ સમાજ કટિબદ્ધ થાય તો કેન્સરને જડમુળમાંથી દુર કરી શકાય છે. ચોથી ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર દિવસ છે તે નિમિત્તે આપણે સૌએ કેન્સર મુક્તિના સોગંદ લેવા પડશે. આટલું જ નહીં દરેક વ્યક્તિએ વ્યક્તિગત રીતે સમાજમાંથી પાંચ લોકોને તમાકું, બીડી, સિગરેટ તેમજ દારૂ છોડાવવા માટે પ્રયત્ન કરીશ તેવો આ પ્રસંગે સંકલ્પ કરે તે સમયની માંગ છે.

‘સર્વે ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામયા:, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્રિત્ દુ:ખ ભાગ્ભવેત્।।’

ડૉ. ઉમાંક ત્રિપાઠી(હેડ એન્ડ નેક કેન્સર સર્જન)

4.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top