অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કિડની ની રચના અને કાર્ય

કિડની ની રચના અને કાર્ય

કિડની શરીરનું એક બહુ જ અગત્યનું અંગ છે. કિડનીને સુપર કોમ્પ્યુટર સાથે સરખાવવી યોગ્ય ગણાશે, કારણ કે તેની રચના અત્યંત અટપટી છે અને તેનું કાર્ય ધણું જ જટિલ છે.

કિડનીની રચના :

શરીરમાં લોહીનું શુધ્ધીકરણ કરી કિડની પેશાબ બનાવે છે. તેનો શરીરમાંથી નિકાલ કરવાનું કામ મુત્રવાહીની (Ureter), મૂત્રાશય (Urinary Bladder) અને મુત્રનલિકા(Urethra) દ્વારા થાય છે.

  • સ્ત્રી હોય કે પુરુષ બધાના શરીરમાં સામાન્ય રીતે બે કિડની આવેલી હોય છે.
  • કિડની પેટના ઉપરના અને પાછળના ભાગમાં કરોડરજ્જુની બંને બાજુએ (પીઠના ભાગમાં), છાતીની પાંસળીઓની પાછળ સુરક્ષિત રીતે આવેલી હોય છે.
  • કિડનીનો આકાર કાજુ જેવો છે. પુખ્તવયમાં કિડની આશરે ૧૦સે.મી. લાંબી, 5 સે.મી. પહોળી અને 4 સે.મી. જાડી હોય છે અને તેનું વજન ૧૫૦ થી ૧૭૦ ગ્રામ હોય છે.
  • કિડનીમાં બનતા પેશાબને મૂત્રાશય સુધી પહોચાડતી નળીને મુત્રવાહીની કહે છે જે આશરે ૨૫ સે.મી. લાંબી હોય છે અને તે ખાસ જાતના સ્થિતિ સ્થાપક સ્નાયુની બનેલી હોય છે.
  • મૂત્રાશય પેટના નીચેના ભાગમાં આગળ તરફ (પેડુમાં) ગોઠવાયેલી સ્નાયુની બનેલી કોથળી છે,જેમાં પેશાબ એકઠો થાય છે.
  • જયારે મૂત્રાશયમાં ૪૦૦ મિલીલિટર જેટલો પેશાબ એકઠો થાય ત્યારે પેશાબ કરવાની ઈચ્છા થાય છે.
  • સ્ત્રી તથા પુરુષમાં કિડનીનું સ્થાન, રચના અને કાર્ય એક સમાન હોય છે.
  • મુત્રનલિકા દ્વારા પેશાબનો શરીરની બહાર નિકાલ કરવામાં આવે છે.

કિડની ના કાર્યો :

  • કિડની ની જરૂરિયાત અને અગત્યતા શું છે ?
  • દરેક વ્યક્તિ દ્વારા લેવામાં આવતા ખોરાકના પ્રકાર અને તેની માત્રામાં હંમેશા ફેરફાર થતો રહે છે.
  • ખોરાકની વિવિધતાને કારણે તે સાથે શરીરમાં ઉમેરાતા પ્રવાહી, ક્ષાર અને જુદા જુદા એસીડીક તત્વો ની માત્રામાં પણ ફેરફાર થાય છે.
  • ખોરાકના પોષક તત્વો ના પાચન અને ઉપયોગ દરમ્યાન કેટલાક બિનજરૂરી પદાર્થો શરીરમાં ઉત્પન્ન થાય છે.
  • શરીરમાં પ્રવાહી, ક્ષારો, રસાયણો અને ઉત્સર્ગ પદાર્થોમાં થતો વધારો કે ફેરફાર વ્યક્તિ માટે જીવલેણ બની શકે છે.
  • કિડની પેશાબ દ્વારા બિનજરૂરી પ્રવાહી, ક્ષાર અને એસીડ આલ્કલીનું નિયમન કરે છે. લોહીમાંના આ પદાર્થોની માત્રા યોગ્ય પ્રમાણમાં રાખી કિડની શરીર તંદુરસ્ત રાખે છે.

કિડની ના મુખ્ય કાર્યો ક્યાં ક્યાં છે

કિડનીના મુખ્ય કાર્યો નીચે મુજબ છે :

લોહીનું શુધ્ધીકરણ :

કિડની સતત કાર્યરત રહી શરીરમાં બનતા બિનજરૂરી અને ઝેરી પદાર્થોને પેશાબ દ્વારા દુર કરે છે.

પ્રવાહીનું સંતુલન :

કિડની શરીર માટે જરૂરી પ્રવાહી જાળવી વધારાનું પ્રવાહી પેશાબ વાટે દુર કરે છે.

ક્ષારનું નિયમન :

કિડની શરીરમાં સોડીયમ, પોટેશિયમ, ક્લોરાઈડ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, બાયકાર્બોનેટ વગેરેની માત્રા જાળવવાનું કાર્ય કરે છે. સોડિયમ ની વધઘટ મગજ પર અને પોટેશિયમ ની વધઘટ હૃદય અને સ્નાયુની કામગીરી પર ગંભીર અસર કરી શકે છે.

લોહીના દબાણ પર કાબુ

કિડની કેટલાક હોર્મોન (એન્જિયોટેન્સીન, આલ્ડોસ્ટીરોન, પ્રોસ્ટાગ્લેન્ડીન વગેરે) તથા પ્રવાહી અને ક્ષારના યોગ્ય નિયમનથી લોહીના દબાણને સામાન્ય રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે.

રક્તકણના ઉત્પાદનમાં મદદ :

લોહીમાંના રકતકણોનું ઉત્પાદન હાડકાના પોલાણમાં થાય છે. આ ઉત્પાદનના નિયમન માટે આવશ્યક પદાર્થ એરીથ્રોપોએટીન કિડનીમાં બંને છે. કિડની ફેલ્યરમાં આ પદાર્થ ઓછા અથવા ન બનતા, રક્તકણનું ઉત્પાદન ઘટીજાય છે અને લોહીમાં ફિક્કાશ આવી જાય છે એટલે કે એનીમિયા થાય છે.

હાડકાંની તંદુરસ્તી :

  • કિડની સક્રિય વિટામિન ડી બનાવવામાં મદદ કરે છે. આ વિટામિન ડી શરીરમાંના કેલ્શિયમ અને ફોસ્ફરસનું નિયત પ્રમાણ જાળવી હાડકા તથા દાતના વિકાસ અને તંદુરસ્તીમાં મહત્વનો ભાગ ભજવે છે.

કિડનીમાં લોહીનું શુધ્ધીકરણ થઈ પેશાબ કઈ રીતે બંને છે?

કિડનીનું મુખ્ય કાર્ય લોહીનું શુધ્ધીકરણ અને પ્રવાહી-ક્ષારનું નિયમન કરી પેશાબ બનાવવાનું છે. કિડની જે રીતે જરૂરિયાતવાળા પદાર્થોને રાખી, વધારાના તથા બિનજરૂરી પદાર્થો નો પેશાબ વાટે ભાર નિકાલ કરે છે તે પ્રક્રિયા આશ્ચર્ય થાય તેવી અદભુત અને જટિલ છે.

  • શું તમે જાણો છો ? બંને કિડનીમાં દર મિનિટે ૧૨૦૦ મીલીલિટર લોહી શુધ્ધીકરણ માટે આવે છે, જે હૃદય દ્વારા પુરા પાડવામાં આવતા લોહીના ૨૦ ટકા જેટલું છે. એટલે કે ૨૪ કલાકમાં આશરે ૧૭૦૦ લિટર લોહીનું શુધ્ધીકરણ થાય છે.
  • લોહીનું શુધ્ધીકરણ કરી પેશાબ બનાવવાનું કામ કરતા કિડનીના સૌથી નાના યુનિટ (ભાગ)- બારીક ફિલ્ટરને નેફ્રોન કહે છે.
  • દરેક કિડનીમાં દસ લાખ જેટલા નેફ્રોન આવેલા હોય છે. દરેક નેફ્રોન ગ્લોમેરૂલ્સ અને ટ્યુબ્યુલ્સનો બનેલો હોય છે.
  • તમને જાણીને નવાઈ લાગશે કે ગ્લોમેરૂલ્સ તરીકે ઓળખાતી ગળણી દ્વારા દર મીનીટે ૧૨૫ એમ.એલ. (મિલીલિટર) પ્રવાહી ગળાઈ, ૨૪ કલાકમાં પ્રાથમિક તબક્કે ૧૮૦ લિટર પેશાબ બને છે.
  • આ ૧૮૦ લિટર પેશાબમાં બિનજરૂરી ઉત્સર્ગ પદાર્થો, ક્ષારો અને ઝેરી રસાયણો હોય છે. પણ સાથે શરીર માટે જરૂરી એવા ગ્લુકોઝ અને અન્ય પદાર્થો પણ હોય છે. શરીરને જરૂરી એવા રક્તકણો, શ્વેતકણો, ફેટ અને પ્રોટીન પેશાબમાં નીકળતા નથી.
  • ગ્લોમેરૂલ્સમાં બનતો ૧૮૦ લિટર પેશાબ ટ્યુબ્યુલ્સમાં આવે છે, જ્યાં તેમાંથી ૯૯ ટકા પ્રવાહીનું બુધ્ધીપૂર્વકનું શોષણ (reabsorption) થાય છે.
  • બંને કિડનીની ટ્યુબ્યુલ્સની કુલ લંબાઈ જોઈએ તો તે ૧૦ કિલોમીટર થાય છે.
  • ટ્યુબ્યુલ્સમાં થતા શોષણને બુધ્ધીપૂર્વકનું શા માટે કહ્યું છે ? ટ્યુબ્યુલ્સમાં થતા શોષણને બુધ્ધીપૂર્વકનું કહ્યું છે કારણકે ૧૮૦ લિટર જેટલી મોટી માત્રામાં બનતા પેશાબમાંથી બધા જ જરૂરી પદાર્થો અને પાણી પાછા લઈ લેવામાં આવે છે. ફક્ત ૧ થી ૨ લિટર પેશાબમાં બધો કચરો અને વધારાના ક્ષારો દુર કરવામાં આવે છે.
  • આ પ્રકારે કિડનીમાં ખુબ જ ચોક્કસાઈપૂર્વક કરેલું શુધ્ધીકરણ અને ગાળણ તથા શોષણ બાદ બનેલો પેશાબ મુત્રવાહીની દ્વારા મૂત્રાશયમાં જાય છે અને મૂત્રનલિકા દ્વારા શરીરની બહાર નીકળે છે.

શું તંદુરસ્ત કિડની ધરાવતી વ્યક્તિમાં પેશાબના પ્રમાણમાં વધઘટ થઈ શકે છે ?

  • હા પેશાબનું પ્રમાણ આપણે કેટલું પાણી પીએ છીએ તથા વાતાવરણનું ઉષ્ણતામાન કેટલું છે તેના પર આધાર રાખે છે.
  • જો કોઈ વ્યક્તિ ઓછુ પાણી પીવે તો ફક્ત અડધા લિટર (૫૦૦ મી.લી.) જેટલો ઓછો પણ ઘાટો પેશાબ બંને છે. જો કોઈ વ્યક્તિ વઘુ પાણી પીવે તો વધારે પણ પાતળો પેશાબ પણ બની શકે છે. ઉનાળામાં વધુ પરસેવો થતા પેશાબનું પ્રમાણ ધટે છે જયારે શિયાળામાં પરસેવો ધટતા પેશાબનું પ્રમાણ વધે છે.
  • સામાન્ય પ્રમાણમાં પાણી પીતી વ્યક્તિમાં જો પેશાબ ૫૦૦ એમ.એલ. (અડધો લિટર) કરતા ઓછો અથવા ૩૦૦૦ એમ.એલ. (ત્રણ લિટર) કરતા વધારે બને તો, તે કિડનીના રોગની મહત્વની નિશાની છે.
  • પેશાબના પ્રમાણમાં અત્યંત ઘટાડો કે વધારો કિડનીની તકલીફ સૂચવે છે.

સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate