સૌથી કોમન કિડની કેન્સરનો પ્રકાર આરસીસી (રિનલ સેલ કાર્સિનોમા) છે જે કિડનીની માસપેશીઓમાંથી ઉદભવે છે. બીજો સૌથી પ્રચલિત પ્રકાર છે ટીસીસી (ટ્રાન્સિસનલ સેલ કાર્સિનોમા) જે કિડનીની મૂત્ર વાહિનીઓ કલેક્ટિંગ સિસ્ટમ માંથઈ ઉદભવે છે. અન્ય પ્રકારમાં સાર્કોમા વગેરે છે.
અમુક પ્રકારના કિડની કેન્સર વારસાગત કારણોથી વિકસે છે. જેમાં વીએચએલ સિન્ડ્રોમ અને અન્ય જિનેટીક કન્ડીશન જવાબદાર છે. આ પ્રકારના વારસાગત કેન્સર સિન્ડ્રોમમાં ઘણઈવાર અન્ય કિડનીમાં જોવા મળે છે અને સાથે સાથે અન્ય અવયવોમાં સ્વાદુપિંડ, એડ્રિનલ ગ્રંથીઓ માં પણ કેન્સર થઈ શકે છે. મેદસ્વીતા, બ્લડપ્રેશરની તકલીફ, મેડિકલ રિનલ ડિસીસ પણ કિડની કેન્સર માટે કારણભૂત હોઈ શકે છે. તમ્બાકુનું સેવન તથા ધુમ્રપાનના કારણે ટીસીસી અને આરસીસી બન્ને પ્રકારના કિડની કેન્સર થઈ શકે છે..
જ્યારે કિડની કેન્સરપ પ્રારંભિક તબક્કા (સ્ટેજ 1 એન્ડ 2)માં હોય ત્યારે ઘણીવાર દર્દીને કોઈ તકલીફ હોતી નથી અને કેન્સરનું નિદાન આકસ્મિક કારણોસર થાય છે. જેમ કે કોઈ અન્ય રોગની ફરિયાદ માટે સોનોગ્રાફી થઈ હોય અથવા હેલ્થ ચેક-અપમાં સોનોગ્રાફી કરાવામાં આવેલી હોય. જ્યારે કેન્સર આગળ વધે ત્યારે સૌથી સામાન્ય ચિહન છે પેશાબમાં લોહી આવવું. આ લોહી પડવામાં મોટાભાગે દુખાવો થતો નથી અને લોહી પડવું આપોઆપ બંધ થઈ જાય છે જેથી દર્દીને ગંભીરતા સમજાતી નથી અને ડોક્ટર પાસે સમયસર ન જતાં નિદાન વહેલું થતું નથી. પેશાબમાં એકપણ વાર લોહી દેખાય તો તુરંત યુરોલોજિસ્ટ પાસે તપાસ ઉપરાંત જરૂરી ટેસ્ટ કરાવવા ખૂબ જ જરૂરી છે..
જ્યારે કેન્સર આગળ વધે ત્યારે પેટનો દુખાવો, ભૂખ ન લાગવી, વજન ઘટવું, ખાંસી આવવી, શ્વાસ ચઢવો વગેરે થઈ શકે છે..
કિડની કેન્સરના નિદાનનું સૌ પ્રથમ ઈન્વેસ્ટીગેશન સોનોગ્રાફી હોય છે. જેમાં કિડનીની ગાંઠ જણાય છે ત્યારબાદ કિડની કેન્સરનો સ્ટેજ નક્કી કરવા માટે સીટિ સ્કેન, એમઆરઆઈ અને જરૂર પડે પેટ સ્કેનનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક કેસમાં પેટ સ્કેન કરાવવું જરૂરી હોતું નથી અને પેટ સ્કેનનનો બિનજરૂરી દુરઉપયોગ રોકવો જરૂરી છે. જ્યારે રોગ ફેલાવાની શક્યતા વધુ દેખાય ત્યારે જ પેટ સ્કેનનો ઉપયોગ કરવો જોઈએ..
કિડની સારવારના સ્ટેજ મુજબ તેની સારવાર નક્કી કરવામાં આવે છે. આરસીસી (રિનલ સેલ કાર્સેનોમા)ની સારવારમાં સર્જરી અને ટાર્ગેટેડ થેરાપીનો ઉપયોગ કરાય છે. શેક (રેડિયોથેરાપી) અને કેમોથેરાપી કિડની કેન્સરની સારવારમાં અસરકારક નથી જ્યારે ટીસીસી (ટ્રાન્સિસનલ સેલ કાર્સિનોમા)ની સારવાર શેક અને કેમોથેરાપીથી કરી શકાય છે. આરસીસીમાં જ્યારે કિડનીની ગાંઠ ચાર સેન્ટીમીટર અથવા તેનાથી નાની હોય ત્યારે તેની સારવારમાં પાર્શિયલ રેપ્રોટ્રોમીનું ઓપરેશન કરાય છે જેમાં કિડનીની ગાંઠ અને નોર્મલ કિડનીનો થોડો ભાગ કાઢવામાં આવે છે. સ્ટેજ વનમાં સામાન્ય રીતે આખી કિડની કાઢવાની જરૂર પડતી નથી. આ પ્રકારનું ઓપરેશન રોબોટીક, લેપ્રોસ્કોપી અથવા ઓપન સર્જરી દ્વારા કરી શકાય છે. અત્યારે દુનિયાભરમાં પાર્શિયલ રેપ્રોટ્રોમીની સૌથી વધુ પ્રિફર્ડ મેથડ રોબોટિક સર્જરી છે. રોબોટિક સર્જરીના ફાયદામાં ઝડપી રિકવરી, ઓછો રક્તસ્ત્રાવ, વધુ ચોક્કસ કેન્સરનો કંટ્રોલ અને વધુ સારી કિડની રિકવરી જોવા મળે છે. સ્ટેજ ટુ કે જેમાં ગાંઠ સાત સેન્ટીમીટર કરતાં મોટી હોય ત્યારે આખી કિડની અને તેની આસપાસના ટીશ્યુ વગેરે કાઢવામાં આવે છે. ઘણીવાર કેન્સરની ગાંઠ લોહીની મુખ્ય નસમાં વિકસિત થતી હોય છે અને હૃદય સુધી પહોંચી શકે છે. આ સંજોગોમાં એક જટીલ ઓપરેશન દ્વારા લોહીની નસમાંથી આ ગાંઠને કાઢવામાં આવે છે..
જ્યારે કિડની કેન્સર બીજા અવયવો જેમ કે ફેફસા, લિવર, હાડકા વગેરેમાં પ્રસરી જાય ત્યારે કિડની કાઢવાના ઓપરેશન પછી અન્ય થેરાપીના ઉપયોગ દ્વારા દર્દીને ટેબ્લેટના સ્વરૂપમાં લાંબા સમય સુધી સારવાર આપવામાં આવે છે. આ થેરાપીથી રોગ સંપૂર્ણપણે મટાડી શકાતો નથી પણ લાંબા સમય સુધી કાબૂમાં રાખી શકાય છે
સ્ત્રોત : ડો હેમાંગ બક્શી. યુરો ઓન્કોલોજિસ્ટ. હેલ્થ ગુજરાત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/4/2020