অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

એલર્જી મટાડો- ઘરગથ્થુ ઉપાય

એલર્જી એ શરીરને રોગ અને ચેપથી મુક્ત રાખતી તેમ શરીરના અવયવો અને તમામ પ્રકારના કોષોને સંયુક્ત અને તંદુરસ્ત રાખતી ઇમ્યુન સિસ્ટમને ખોરવી નાખતી પ્રક્રિયા છે. ડોક્ટરના મત અનુસાર દુનિયામાં એવા લોકો પણ છે જે કોઇ ને કોઇ પ્રકારની એલર્જીનો શિકાર બનેલા હોય છે. આવી વ્યક્તિઓને સામાન્ય રીતે એલર્જિક તરીકે ઓળખવામાં આવે છે. તબીબી વિજ્ઞાને એલર્જીની સમસ્યાના ઉકેલમાં ઘણી પ્રગતિ કરી છે.

આપણી આસપાસ વાતાવરણમાં રહેલા એલર્જન કે જે ટ્રીગર્સ બનીને આપણા શરીરની એલર્જી સિસ્ટમને ઉત્તેજિત કરે છે. જેના કારણે શ્વાસનળી પર સોજો, નાકમાં સોજો અથવા તો ચામડીના રોગો થાય છે. એલર્જન આપણા શરીરમાં કોઇ પણ રીતે આવી શકે છે. જેમકે શ્વાસોશ્વાસ દ્વારા, ખાદ્યપદાર્થના સ્પર્શ દ્વારા અથવા તો ઇન્જેક્શનથી. જેથી એલર્જી જેવા રોગથી બચવા અને તેના ઈલાજ માટે અમે આજે તમને એલર્જીના થવાના કારણો અને તેનાથી બચવાના સરળ, સસ્તા ઉપાય વિશે જણાવીશું.

વાંચો એલર્જીના પ્રકાર, લક્ષણ, એલર્જી થવાના કારણો અને તેનાથી બચવાના સરળ, સસ્તા ઘરગથ્થુ ઉપાય વિશે

કઈ રીતે થાય છે એલર્જી

દુનિયામાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક તો શરદી થાય છે. પરંતુ દરેક વ્યક્તિને શરદી થવાનાં કારણો અલગ અલગ હોય છે. કોઈને ઠંડીને લીધે, તો કોઇને વરસાદમાં ભીંજાવાથી શરદી થાય છે, તો કોઈને વાતાવરણમાં પરિવર્તન આવવાથી, તો કોઈને ગરમીની સિઝનમાં શરદી થતી જોવા મળે છે.

શરદીને લીધે શરીરમાં દુખાવો, તાવ અને ખાંસી થવી સહજ બાબત છે. મોટા ભાગના લોકો એવા ભ્રમમાં જીવે છે કે શરદી સામાન્ય છે અને તે બે-ચાર દિવસમાં મટી જાય છે. તેથી એમાં દવા લેવાની જરૂર નથી. પણ હકીકત છે કે બીમારીની ઝપટમાં ઝડપથી આવે છે. આવી વ્યક્તિઓને સાજા થવામાં વધારે સમય લાગે છે. તેથી અઠવાડિયાથી વધુ દિવસ થઈ જાય છતાં શરદી મટે તો સ્થિતિ ગંભીર હોઈ શકે છે. શરદી થવા પાછળ એલર્જી પણ જવાબદાર છે.

ઘણા લોકોને ધૂળના રજકણો કે સૂક્ષ્મ જીવાણુઓને કારણે એલર્જી થાય છે. બીજી રીતે કહીએ તો હવાના સીધા સંપર્કમાં આવતાં અંગો એલર્જીનો બહુ જલદી શિકાર બનતા હોય છે. રજકણો ઉપરાંત અમુક પદાર્થો શરીરમાં જવાથી પણ એલર્જી થાય છે. જેમ કે ખોરાકની, દવાની, વાતાવરણની અને જીવજંતુના ડંખની એલર્જી થાય છે.

ઘણાને કોઈ ખાસ પ્રકારનાં શાકભાજી કે ફળ ખાવાથી એલર્જી થાય છે. એની શરૂઆત પેટના દુખાવાથી, ખંજવાળથી, નાની ફોલ્લીઓથી, ઊલટીથી, ઝાડાથી કે શરીરના કોઈ ભાગમાં સોજો ચડવા સાથે થાય છે. ફૂડ એલર્જીમાં શ્વાસની તકલીફ ભાગ્યે થાય છે. ઘણા લોકોને અમુક દવા માફક આવવાને લીધે પણ એલર્જી થાય છે.

એલર્જીની સમસ્યા આનુવાંશિક પણ હોય છે. પિતા કે માતાને જે વસ્તુની એલર્જી હોય એનો પ્રભાવ તેમનાં સંતાનમાં પણ જોવા મળે છે. ધૂળ અને માટીના રજકણોની એલર્જીની સમસ્યા બહુ સામાન્ય છે. તેથી લોકો તેના સંપર્કમાં આવ્યા વિના રહી શકતા નથી. એલર્જીનું પ્રમાણ પહેલાં કરતાં વધી ગયું છે એની પાછળ પ્રદૂષણ ઘણું જવાબદાર છે. જોકે, આવી એલર્જી ટાળવી સંભવ નથી. પરંતુ ફૂડ અને કોઈક પ્રકારની દવાથી થતી એલર્જી ટાળી શકાય છે.

એલર્જીના નિદાન માટે ઘણા પ્રકારના ટેસ્ટ થતા હોય છે. સામાન્ય રીતે બ્લડ ટેસ્ટથી નિદાન થાય છે. અમુક ખાસ પ્રકારની દવાથી રિએક્શન દૂર કરવામાં આવે છે અને જરૂર લાગે તો સ્ટેરોઇડનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ક્યારેક એલર્જીનું આક્રમણ અત્યંત સિરિયસ હોય તો વ્યક્તિ ગંભીર માંદગીમાં સપડાય છે અથવા કોમામાં સરી પડે છે. ઘણા કેસમાં દર્દી હૃદયરોગનો શિકાર થાય છે અને એકાદ ટકા કેસમાં દર્દી મૃત્યુ પામે છે.

એલર્જી સાધારણ કહી શકાય એવી સમસ્યા છે, પરંતુ કેટલાકને માટે માથાના દુખાવા સમાન છે. જોક, છેલ્લાં થોડાં વર્ષોથી તબીબી વિજ્ઞાને એલર્જીની સમસ્યાના ઉકેલમાં ઘણી પ્રગતિ કરી છે. ઘણા પ્રકારના ટેસ્ટિંગ, દવા તેમ થેરપીથી સંપૂર્ણ સારવાર હવે શક્ય છે.

ઇમ્યુનો થેરપીના માધ્યમથી વ્યક્તિમાં ધીરે ધીરે અલર્જન પહોંચાડવામાં આવે છે. ભારતમાં મોટા ભાગના લોકો ધૂ‌ળની એલર્જીથી પીડાય છે. આવા લોકોએ ઘરની બહાર નીકળતી વખતે મોં પર માસ્કર બાંધવો જોઇએ. ઘણા લોકો એલર્જીને ગંભીરતાથી લેતા નથી. તો અમુક લોકો સમયસર દવા લેતા નથી. તેનાથી પણ સમસ્યા વધતી જાય છે. એલર્જીમાં પૂરતું ધ્યાન આપવામાં આવે તો દર્દી અસ્થમાનો ભોગ પણ બની શકે છે. તેથી એલર્જીથી એલર્ટ રહેવાની જરૂર છે.

એલર્જી એક એવી બીમારી છે જે ક્યારેય સાથ છોડતી નથી. પણ એલર્જીનાં કારણોને સમજી મુજબ સાવધાની રાખ‌વામાં આવે તો બીમારી તમને સતાવશે નહીં અને તમે સામાન્ય જીવન જીવી શકશો.

એલર્જીના પ્રકારો

શ્વાસ દ્વારા

  • પાલતુ પ્રાણીનો સંપર્ક
  • ભેજને લીધે થતી ફૂગ
  • ધૂળના રજકણો
  • ફૂલોના પરાગ કણ

ઇન્જેક્શન

  • ઇન્જેક્શનથી
  • જીવજંતુનો ડંખ

આહાર

  • દવાઓના સેવનથી
  • દૂધ અને દૂધની બનાવટ

ત્વચા સાથે સંપર્ક

  • જ્વેલરી
  • પાલતુ પ્રાણીઓ
  • રબર જેવા કૃત્રિમ પદાર્થો
  • અમુક વનસ્પતિ

અમુક ખાદ્ય પદાર્થોના સેવનથી

  • માસાંહાર

એલર્જીનાં લક્ષણો

  • નાકમાં ખંજવાળ
  • નાકમાંથી પાણી વહેવું અથવા નાક બંધ થઇ જવું
  • ખાંસી થવી
  • ગળામાં ખંજવાળ આવવી
  • છીંક આવવી
  • આંખમાં ખંજવાળ આવવી
  • આંખમાંથી પાણી વહેવું
  • ઊંઘ આવવી
  • ગભરામણ કે બેચેની થવી
  • માથામાં દુખાવો થવો
  • કાન બંધ થઇ જવો
  • ઉબકાં આવવા કે ઊલટી થ‌વી
  • પેટમાં દુખાવો થવો
  • નાક અને તેની આસપાસની ત્વચા લાલ થઇ જવી
  • સામાન્ય એલર્જીથી બચવાના ઉપાય
  • ઘરમાં હવાની અવરજવર થવા દો
  • ઘરની આજુબાજુ ગંદકી ન થવા દો
  • સાફસાફાઇનું વિશેષ ધ્યાન રાખો
  • ઘરમાં વધારાનો કચરો કે ભંગાર સંઘરી ન રાખો
  • એરકન્ડિશનરને અમુક સમયના અંતરે સાફ કરાવો
  • પુસ્તકોના કબાટમાં ન જીવાત થઇ જાય તેનું ધ્યાન રાખો
  • ઉનાળામાં પલંગની ગાદી કે ગાદલાંને તડકે તપાવો
  • ઘરમાં ફર્નિચરને ઊધઇ ન થાય તેની કાળજી રાખવી
  • ઘરમાં ભેજ ન આવે તેનું ધ્યાન રાખવું
  • ઘરની સાફ-સફાઇ નિયમિત કરવી
  • ડસ્ટ એલર્જીથી બચવા ઓશીકાનાં કવર, ચાદર વગેરે અઠવાડિયામાં બે વાર ધોવાં
  • જેમને ધૂળની એલર્જી હોય તેમણે ઘરમાં કાર્પેટ કે પડદા રાખવા નહીં

સળેખમમાં ગુણકારક ઓસડિયાં

  • લીંબુનો રસ ગરમ પાણીમાં મેળવીને રાત્રે સૂતી વખતે પીવાથી શરદી મટે છે.
  • દરરોજ રાત્રે સૂતી વખતે સરસિયું કે ગાયના ઘીને નવશેકું ગરમ કરીને નાક દ્વારા એક બે ટીપાં લેવાથી શરદી સળેખમ થતાં નથી તેમજ મસ્તિષ્ક સ્વસ્થ રહે છે.
  • ગરમ દૂધમાં એક બે ગ્રામ વાટેલી સૂંઠ મેળવીને અથવા તુલસીનાં પાનનો બેથી 10 મિ.લિ. રસ અને આદુના બેથી 20 મિ.લિ. રસમાં એક ચમચી મધ મેળવીને દિવસમાં બે ત્રણવાર લેવાથી શરદીમાં લાભ થાય છે.
  • વડનાં કુમળાં પાનને છાંયડામાં સૂકવીને વાટી લેવાં. અડધા લિટર પાણીમાં એક ચમચી ચૂર્ણ નાખીને ઉકાળો બનાવવો. જ્યારે ચોથા ભાગનું પાણી શેષ રહે ત્યારે ઉતારીને ગાળી લેવું અને દળેલી સાકર મેળવીને નવશેકું કરીને પીવું. પ્રયોગ શરદીમાં લાભદાયક છે.
  • શરદીના કારણે થતા માથાના દુખાવામાં, છાતીના દુખાવામાં તથા બેચેનીમાં સૂંઠના ભૂકામાં પાણી નાખીને ગરમ કરી પીડાવાળા સ્થાને આછો લેપ કરવો. સૂંઠની ગાંગડી નાખી ઉકાળેલું પાણી પીવું. સૂંઠના ચૂર્ણમાં મધ મેળવીને થોડું થોડું રોજ ચાટવું. ભોજનમાં મગ, બાજરી, મેથી અને લસણનો પ્રયોગ કરવો એનાથી શરદી મટે છે.
  • ફુદીનાનો તાજો રસ કફ-શરદીમાં લાભ કરે છે.
  • વરિયાળી અને સાકરનું ચૂર્ણ વારંવાર મોંમાં રાખવાથી ગરમીની ઉધરસ મટે છે.
  • ગંઠોડાઅને સૂંઠનું ચૂર્ણ બનાવી રોજ મધમાં ચાટવાથી શરદી, ઉધરસમાં લાભ થાય છે.
  • હળદર,મીઠાવાળો શેકેલો અજમો જમ્યા પછી કાયમ મુખવાસ તરીકે ખાવાની ટેવ પાડવાથી શરદી-ઉધરસ મટે છે.
  • અજમાની પોટલીથી છાતી પર શેક કરવો જોઇએ. અજમાનો ધુમાડો શ્વાસ દ્વારા અંદર લેવો જોઇએ.
  • શરદી, સળેખમ તથા કફની ઉધરસમાં હળદર, મીઠા‌વાળા તાજા શેકેલા એક મુઠ્ઠી જેટલા ચણા સવારે તથા રાત્રે સૂતી વખતે ખાવા પણ એની ઉપર પાણી પીવું.

સંશોધન

રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો

ઇએનટી સ્પેશિયલ ડોક્ટરો દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું. જેમાં બેથી 12 વર્ષની ઉંમરનાં લગભગ 30 કરતાં પણ વધારે બાળકોને લેવામાં આવ્યાં. તેમણે બાળકો ઉપર એલર્જીને લઇને એક અભ્યાસ કર્યો. અભ્યાસ પહેલાં બાળકોની રોગ પ્રતિકારક ક્ષમતાને ચકાસવામાં આવી. એમાં કુદરતી ઉપચારને ધ્યાનમાં રાખવામાં આવ્યો હતો. તેથી બાળકો ધૂળ, પરાગ, કણ અને પાળેલાં જાનવરો વગેરેના સંપર્કમાં રહે એવું રાખવામાં આવતું હતું.

સતત આવું કરવાથી તેમની રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થયો અને તેમને એલર્જીએ ક્યારેય પરેશાન કર્યાં નથી. ડોક્ટરોનું માનવું છેકે બાળકને ધૂ‌‌ળ, પરાગરજ અને પાળેલાં જાનવરોના સંપર્કમાં રાખવા જોઇએ. તેનાથી રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે અને તે ભવિષ્યમાં પણ સ્વસ્થ રહે છે.

આયુર્વેદ

એલર્જિક શરદી ઉધરસ

એલર્જિક અથવા સંવેદનશીલતાની પૂર્ણ સ્થિતિ પૂરેપૂરી જાણવી જરૂરી બની રહે છે. કઇ વ્યક્તિને કયા પદાર્થોની એલર્જી થાય છે તે જાણ્યાં પછી એલર્જી કરનારા કારણોથી દૂર રહેવું જોઇએ. એટલું નહીં એલર્જી કરનાર પદાર્થો શરીરમાં પ્રવેશી ના જાય એની વિશેષ કાળજી રાખવી જોઇએ.

સંવેદનશીલતાની વિશેષ સ્થિતિ કે જે એક પ્રકારની શારીરિક પ્રતિક્રિયા છે. જેમાં નાનામાં નાની બાબત કે ઘટનાથી શરીરમાં ઘણી બધી ગરબડ ઊભી થાય છે. પરિણામ સ્વરૂપે શરદી ઉધરસ જેવા અનેક એલર્જિક વિકારો ઉત્પન્ન થાય છે.

એક ઋતુ જાય અને બીજી ઋતુ આવે ત્યારે બે ઋતુ વચ્ચેનો શરૂઆતનો સમય જેને આયુર્વેદમાં ઋતુસંધિ કહેવામાં આવે છે. ઋતુસંધિમાં વાતાવરણ બદલાય છે. શરીરને નવું વાતાવરણને અનુકૂળ થતાં વાર લાગે છે. કુદરત તો પલકવારમાં હવામાન બદલી નાંખે પણ શરીર એટલો ઝડપી ફેરફાર સહન કરી શકતું નથી. તેથી વાતાવરણમાં રહેલા સંવેદનશીલ પદાર્થો કેટલાક લોકોને જુદી જુદી જાતના રોગો પેદા કરે છે. આ પ્રક્રિયાને એલર્જિક રીએક્શન કહે છે. કેટલાક લોકોને સૌંદર્ય પ્રસાધનોનાં ઉપયોગથી, પર્ફ્યુમ્સ, અગરબત્તીથી કે સેન્ટની એલર્જી હોય છે. ઘણા લોકોને બે ઋતુ બદલાતાં શરદી, ઉધરસ જેવા એલર્જિક વિકારો થઇ જતાં હોય છે.

એલર્જીનો મુખ્ય પ્રવેશમાર્ગ નાક છે. નાક દ્વારા હવામાંના રજકણો, ધૂળ, ધુમાડો, સુગંધ વગેરેનો શરીરમાં પ્રવેશ થવાથી એલર્જિક વિકારો શરદી ઉધરસ, દમ, ખંજવાળ આવવી, શીળસ, શ્વાસ ચઢવો વગેરે જોવા મળે છે. ઋતુસંધિ સમયે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી પણ એલર્જિક વિકારો થાય છે.

એલર્જીન કે જે ખાદ્યપદાર્થોનું પ્રોટીન હોય છે. તે શરીરમાં ઘણા પ્રકારે પ્રવેશી જાય છે અને તે સંવેદનશીલતાની સ્થિતિ ઉત્પન્ન કરીને એલર્જિક વિકારોને ઉત્પન્ન કરે છે.

આયુર્વેદિક ડો. પ્રાર્થના મહેતા કહે છે, એલર્જીક અથવા સંવેદનશીલતાની પૂર્ણ સ્થિતિ પૂરેપૂરી જાણવી જરૂરી બની રહે છે. કઇ વ્યક્તિને કયા પદાર્થોની એલર્જી થાય છે તે જાણ્યાં પછી એલર્જી કરનારાં કારણોથી દૂર રહેવું જોઇએ. એટલું નહીં એલર્જી કરનાર પદાર્થો શરીરમાં પ્રવેશી ના જાય એની વિશેષ કાળજી રાખવી જોઇએ. ઘણી વખત શાકભાજી, કઠોળ, મસાલાથી પણ એલર્જી થતી હોય છે. લાંબા સમયના સતત નિરીક્ષણ કર્યા પછી જાણી શકાય કે કઇ વ્યક્તિને કઇ એલર્જી છે?

સૌંદર્યપ્રસાધનો, પર્ફ્યુમ્સ, પેટ્રોલ, અગરબત્તીની સુગંધથી થતી એલર્જી માટે એનાથી દૂર રહેવું અને પ્રદૂષિત પર્યાવરણની પરિસ્થિતમાં ધુમાડો, રજ, હવા, પાણી અને માટી વગેરે વ્યક્તિની શ્વાસનળીમાં દાખલ થઇને એલર્જી શરદી,ખાંસી પેદા ના કરે માટે ફેસમાસ્કનો ઉપયોગ કરવો જોઇએ.

એલર્જિક વિકારોથી દૂર રહેવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઇએ. હળદરવાળું દૂધ પીવું જોઇએ. સૂંઠ નાંખીને ઉકાળેલું પાણી પી શકાય. પૂરતી ઊંઘ લેવી જોઇએ અને પૌષ્ટિક આહાર ઉપર પૂરતું ધ્યાન આપવું જોઇએ. શેકેલા ચણા, ધાણી, ખજૂર, સૂકો મેવો વગેરેનું પ્રમાણસર સેવન કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ વધે છે.

એલર્જિક શરદીમાં નાકમાંથી પાણી નીક‌ળ્યાં કરવું, નાક વારંવાર બંધ થઇ જવું અને ક્યારેક ઝીણો તાવ પણ રહે છે. આમાં તબીબી સલાહ લઇને ત્રિભુવનકીર્તિરસ, ચંદ્રામૃત રસ, વ્યોષાદિવટી, શ્રૃંગભસ્મ, મહાલક્ષ્મી વિલાસ રસનું સેવન કરવું.

બંને નસકોરામાં દિવેલ અથવા તેલનું નસ્ય નિષ્ણાતની સલાહ લઇને લેવું. નિયમિત સવાર, સાંજ નાસ લેવો. મુસાફરી ઓછી કરવી જોઇએ. સ્વિમિંગ કરવું જોઇએ અને પંખાની સીધી હવા તમને લાગે તેનું ધ્યાન રાખવું. વધારે પડતી ઉધરસ આવતી હોય તો સૂંઠ અને ગંઠોડાવાળું દૂધ પીવું. હળદરવાળું દૂધ પણ લઇ શકાય. ઉધરસમાં એલોદિવટી, લવંગાદિવટી, ખદીરાદિવટી કોઇ પણ એક મોંમાં રાખીને ચૂસ્યાં કરવી.

સૂંઠ, ફુદીનો, તુલસી, લવિંગ, આદું વગેરેને આહારમાં વધારે પડતો ઉપયોગ કરવો જોઇએ. સિતોપલાદિ ચૂર્ણ અને જેઠીમધચૂર્ણને સમાન ભાગે મેળવીને એક એક ચમચી બે વાર મધ સાથે લેવાથી ફાયદો થાય છે.

શરદી, ઉધરસમાં શું કરવું જોઇએ?

સ્નાન હૂંફાળા ગરમ પાણીથી કરવું જોઇએ. મીઠાનાં પાણીથી કોગળા કરવા, અવારનવાર નાસ લેવો જોઇએ. પ્રાણાયામ કરવું. તાજી હવામાં ફરવું, ગરમ પૌષ્ટિક આહાર લેવો. પૂરતી ઊંઘ લેવી. કબજિયાત રહેતી હોય તો ત્રિફળાચૂર્ણ અથવા હરડે ચૂર્ણ સૂતી વખતે એક ચમચી જેટલું પાણી સાથે લેવું. ધૂળ ધુમાડામાં જવાનું ટાળવું. અતિ ખારા-ખાટા પદાર્થો, મીઠાઇ તથા ઠંડાં પીણાં અને બજારુ ખાદ્ય પદાર્થો ન ખાવા જોઇએ.

સાભાર: દિવ્ય ભાસ્કર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/14/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate