অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આદિવાસી સમાજમાં સિકલસેલ એનીમિયા વિષે જાગૃતિ લાવીએ

આદિવાસી સમાજમાં સિકલસેલ એનીમિયા વિષે જાગૃતિ લાવીએ

સિકલસેલ એનીમિયા શું છે?

દરેક તંદુરસ્ત વ્યકિતના લોહીમાં લાલકણ (રક્તકણ) ગોળ, નરમ અને સ્થિતિસ્થાપક હોય છે. આ લોહીના લાલકણો પોતાના કદ કરતાં પણ નાની બારીક નસોમાંથી જયારે પસાર થાય છે ત્યારે તે લંબગોળ આકારના થઈ જાય છે અને બારીક નસમાં થી બહાર નીકળતાં તે પાછા તેનામાં રહેલા સ્થિતિસ્થાપક ગુણને લીધે ગોળાકાર થઈ જાય છે. લાલકણનો લાલ રંગ તેમાં રહેલા હિમોગ્લોબીન તત્વને લીધે હોય છે. આવા તંદુરસ્ત લાલકણમાં હિમોગ્લોબીન નામનું તત્વ સામાન્ય પ્રકારનું (નોર્મલ) હોય છે. જયારે સિકલસેલ એનીમિયા થયેલ વ્યકિતમાં હિમોગ્લોબીન અસામાન્ય પ્રકારનું હોય છે. જયારે લાલકણમાં  આ પ્રકારનો ફેરફાર થાય છે ત્યારે લાલકણ સામાન્ય રીતે ગોળ રકાબી આકારનાં તથા સ્થિતિસ્થાપક હોય છે. તે ગુણો બદલાઈને અર્ધગોળ દાતરડાં  આકારના તથા બરડ (સખત) થઈ જાય છે જેને 'સિકલસેલ' કહેવામાં આવે છે. (લેટીન ભાષામાં સિકલનો અર્થ દાતરડું થાય છે.) જેથી આ પ્રકારના લાલકણો લોહીની બારીક નસોમાં ફસાઈ  જાય છે. ત્યાં દુખાવો શરૂ થાય છે અને લાલકણ ઉપર વધુ દબાણ આવવાથી તે તૂટી જાય છે. પરિણામે લોહીનું પાણી થઈ જાય છે. જેને 'સિકલસેલ એનીમિયા' કહે છે. આ રક્તકણની ખામી વ્યકિતમાં રહેલા રંગસૃત્રની  ખામીને લીધે થાય છે.

સામાન્ય રીતે શરીરમાં રક્તકણોનું આયુષ્ય ૧૨૦ દિવસનું હોય છે અને તે ફેફસાંમાંથી ઓકિસજન શરીરના જુદા જુદા ભાગોને પહોંચાડે છે તેમજ  શરીરમાંથી કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢે છે. ૧૨૦ દિવસ બાદ તે નાશ પામે છે અને ફરીથી નવા રક્તકણો ઉત્પન્ન થાય છે. પરંતુ સિકલસેલ રોગ  ધરાવતી વ્યકિતના રક્તકણો (સિકલસેલ)  ૧૦ થી ૨૦ દિવસ બાદ તરત નાશ પામે છે. તેનું આયુષ્ય ખૂબ ઓછુ છે અને શરીરમાં ફરીથી જલ્દી તેટલા  રક્તકણો બની શકતા નથી. આમ, સિકલસેલ એનીમિયામાં રક્તકણ અલ્પજીવી હોવાથી દર્દીમાં પાંડુરોગ જોવા મળે છે.

સિકલસેલ એનીમિયા રોગનાં લક્ષણો :

  • શરીર ફિક્કું પડો જવું.
  • શરીરમાં કળતર થવી.
  • હાથ-પગમાં દુઃખાવો થવો, હાથ-પગનાં સાંધામાં સોજો આવવો.
  • કમ્મરમાં દુઃખાવો થવો.
  • વારંવાર તાવ આવવો.
  • પાંડુરોગ થવો.
  • વારંવાર કમળો થવો.
  • બરોળ મોટી થવી.
  • પેટમાં દુઃખાવો થવો.
  • યકૃત (લીવર) પર સોજો આવવો.
  • મૃત્રપિંડમાં બગાડ થવો.
  • પિત્તાશયમાં પથરી થવી.

જયારે કોઈપણ વ્યકિતને આ પ્રકારની શારીરિક તકલીફ થતી હોય તો તેણે લોહીની સિકલસેલ એનીમિયાની તપાસ કરાવવી ખૂબ જરૂરી છે.

સિકલસેલ  એનીમિયાના પ્રકાર:

દરેક વ્યકેતને માતા-પિતા તરફથી એક એક રંગસૃત્ર મળે છે. એટલે કે દરેક વ્યકિતમાં બે રંગસૂત્ર હોય છે આ રંગસૃત્રમાં સામાન્ય પ્રકારનું Hb-A હિમોગ્લોબીન હોઈ શકે અથવા અસામાન્ય Hb-S પ્રકારનું હિમોગ્લોબીન હોઈ શકે. ટૂંકમાં, અસામાન્ય પ્રકારનું હિમોગ્લોબીન ધરાવનાર લાલકણને  સિકલસેલ કહે છે. આ પ્રકારનાં રંગસૂત્રો ધરાવનાર વ્યકિત ભવિષ્યમાં પોતાના બાળકને આમાંથી કોઈપણ પ્રકારનું રંગસૂત્ર આપી શકે છે. જે સામાન્ય  Hb-A અથવા અસામાન્ય Hb-S હોઈ શકે. સિકલસેલ એનીમિયાના બે પ્રકાર છે :

  • સિકલસેલ ટ્રેઈટ: સિકલસેલ ટ્રેઈટ એટલે કે સિકલસેલના ગુણવાળી વ્યકિત રોગના વાહક તરીકે કામ કરે છે. જેમાં અસામાન્ય હિમોગ્લોબીનનું Hb-S પ્રમાણ ૫૦% થી ઓછું હોય છે અને સામાન્ય હિમોગ્લોબીનનું Hb-A પ્રમાણ ૫૦% થી વધુ હોય છે. આથી વ્યકિતમાં સિકલસેલ રોગના ચિહ્નો કાયમ  ન રહેતાં કોઈકવાર દેખાતા હોય છે. છતાં તેઓ પોતાના બાળકોમાં આ રોગ વારસામાં આપી શકે છે.
  • સિકલસેલ ડીસીઝ: આ રોગમાં અસામાન્ય Hb-S હિમોગ્લોબીનનું પ્રમાણ ૫૦% થી વધુ જે લગભગ ૮૦% જેટલું હોય છે તથા સામાન્ય હિમોગ્લોબીન ગેરહાજર જ હોય છે. આવી વ્યકિતમાં સિકલસેલ રોગના લક્ષણો કાયમ રહે છે. જેથી તેના શરીરનો વિકાસ રૂંધાય છે. આવી વ્યકિત  પોતાના બાળકને આ રોગ ચોક્કસપણે આપે છે.

માતા દર મહિને એક અંડકોષ બનાવે છે. તેમાં રંગસૂત્ર સામાન્ય અથવા અસામાન્ય બેમાંથી એક જ હોઈ શકે પરંતુ આ અંડકોષમાં કયા પ્રકારનું રંગસૂત્ર છે તે આપણે જાણી શક્તા નથી. તે પ્રમાણે  પિતાના વીર્યમાં એક વીર્યકોષ હોય છે. તેના અડધા વીર્યકોષમાં એક રંગસૂત્ર અને બીજા અડધામાં બીજું રંગસૂત્ર હોઈ શકે છે. જો પિતા સામાન્ય  હિમોગ્લોબીનવાળા હોય તો બધા જ વીર્યકોષોમાં સામાન્ય રંગસૂત્ર હોય છે. પરંતુ સિકલસેલ ટ્રેઈટવાળા હોય તો અડધા વીર્યકોષમાં સામાન્ય અને અડધામાં અસામાન્ય રંગસૂત્ર હોય છે. પરંતુ પિતા જો સિકલસેલ ડીસીઝ (રોગ) વાળા હોય તો બધા જ વીર્યકોષો અસામાન્ય રંગસૃત્રવાળા હોય છે.

સિકલસેલ એનીમિયા રોગ વારસામાં કઈ રીતે મળે છે?

  1. જો માતા અને પિતામાં સિક્લસેલના ગુણ અથવા સિક્લસેલનો રોગ ન હોય તો તેમના બાળકોમાં આ રોગ થતો નથી.એટલે કે સામાન્ય હિમોગ્લોબીન ધરાવતા માતા-પિતાના બાળકોને આ રોગ થતો નથી અને બાળકોમાં સામાન્ય હિમોગ્લોબીન જ વારસામાં મળે છે.
  2. જયારે માતા અથવા પિતા બેમાંથી કોઈપણ એક વ્યકિત સિકલસેલ ટ્રેઈટવાળી હોય તો ૫૦% બાળકોને સિકલસેલ ટ્રેઈટ હોવાનો અને ૫૦% બાળકો સામાન્ય હોવાની શકયતા રહે છે.પરંતુ આમાં કોઈપણ બાળકને સિકલસેલ ડીસીઝ થતો નથી.
  3. જો માતા અને પિતામાંથી કોઈપણ એક વ્યકિત સિકલસેલ ડીસીઝવાળી અને બીજી વ્યકિત સામાન્ય હોય તો ૧૦૦% એટલે કે બધા જ બાળકોને સિકલસેલ ટ્રેઈટ થઈ શકે પરંતુ સિકલસેલ ડીસીઝ થતો નથી.
  4. જો માતા અને પિતા બન્ને સિકલસેલ ટ્રેઈટવાળા હોય તો તેમના ૫૦% બાળકોને સિકલસેલ ટ્રેઈટ, ૨૫% બાળ કોને સિકલસેલ ડીસીઝ અને ફક્ત ૨૫% સામાન્ય બાળકો થવાની શકયતા રહે છે.
  5. જો માતા અને પિતા બન્નેમાંથી એક ડીસીઝવાળી અને એક વ્યકિત ટ્રેઈટવાળી હશે તો તેમના ૫૦% બાળકો ડીસીઝવાળા હશે અને ૫૦% બાળકો ટ્રેઈટવાળા હશે.
  6. જો માતા અને પિતા બન્ને સિકલસેલ ડીસીઝવાળા હોય તો ૧૦૦% એટલે કે બધાં જ બાળકો સિકલસેલ ડીસીઝવાળા જ હોય છે.

 

સિકલસેલ એનીમિયાવાળી વ્યકિતએ શું ન કરવું જોઈએ?

  1. વધારે ગરમીમાં કે તડકામાં બહાર ન નીકળવું.
  2. વધારે ઊંચાઈવાળા પહાડો કે હીલ સ્ટેશન પર ન જવું.
  3. વધારે ઠંડીમાં બહાર ન નીકળવું.
  4. વરસાદમાં કે ઠંડા પાણીમાં પલળવું નહીં.
  5. વધુ શારીરિક શ્રમવાળી કસરતો ન કરવી.
  6. વધારે તકલીફ થાય તો ઘરગથ્થુ ઉપચાર ન કરતાં નિષ્ણાંત ડૉક્ટરનો અથવા સિકલસેલ કોમ્પ્રિહેન્સીવ કલીનીકનો સંપર્ક સાધવો.
  7. શરાબ તથા કેફી દ્રવ્યોનું સેવન કે ધૃષ્રપાન ન કરવું.

સિકલસેલ એનીમિયા રોગના દર્દીઓએ કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ?

  1. આ રોગ વારસાગત હોવાથી સંપુર્ણપણે મટાડી શકાય એવી કોઈ દવા નથી પરંતુ સારી સારવારથી વ્યકિત કષ્ટરહિત અને લાંબુ જીવન જીવી શકે છે.
  2. દિવસમાં શકય એટલું વધારે પાણી પીવું. ઓછામાં ઓછું ૧૦ થી ૧૫ ગ્લાસ પાણી પીવું.
  3. નિયમિત ફોલિક એસિડની (પ મિલિગ્રામ) ગોળી લેવી, જે લોહીમાં નવા લાલકણ બનાવવામાં મદદરૂપ બનશે. પરિણામે એનીમિયા (પાંડુરોગ) ઓછો કરશે.
  4. ઝાડા-ઉલટી, પરસેવા મારફત વધારે પાણી શરીરમાંથી વહી જાય તો તરત ડૉકટરને બતાવવું.
  5. કોઈપણ તકલીફ થાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો.
  6. સમતોલ આહાર લેવો. લીલાં શાકભાજી, લીલા પાંદડાવાળા શાકભાજી, દરેક સીઝનના ફળો વધુ ખાવા. કઠોળમાં સોયાબીનનો ઉપયોગ વિશેષ કરવો. માંસાહારમાં ચીકન, ઈડા લઈ શકાય છે.
  7. દરરોજ % થી ૭ કલાકની ઊંઘ જરૂરથી લેવી. ઉજાગરા કરવા નહીં.
  8. લોહીમાં ઓકિસજનનું પ્રમાણ વધારવા પ્રાણાયામ કરવા.
  9. વધુ ઠંડીમાં મફલર / સ્વેટર અવશ્ય પહેરવા.
  10. દુઃખાવા માટે જરૂર પડે ત્યારે દર્દશામક ગોળી દુઃખાવો મટે ત્યાં સુધી લેવી. કોઈપણ દવા ડોક્ટરની સલાહ પ્રમાણે જ લેવી.
  11. નિયમિત દર ત્રણ મહિને રકત પરિક્ષણ કરાવવું.જેમાં હિમોગ્લોબીનની ટકાવારી અને શ્વેતકણોની સંખ્યા જાણવી.
  12. દર ૧૫ દિવસે ફેમિલી ડૉક્ટર પાસે તપાસ કરાવવી જરૂરી છે.
  13. જો વ્યકિતને વારંવાર કમળો થતો હોય, લોહીનું પાણી થતું હોય, સાંધાનો દુખાવો થતો હોય કે ચહેરા પર ફિક્કાસ લાગતી હોય તો લેબોરેટરીમાં લોહીની તપાસ અવશ્ય કરાવો.
  14. દર્દીએ લોહતત્વની ગોળીઓ લેવી નહીં, તે વિપરીત અસર કરે છે અને ગંભીર પરિણામો આવી કે છે.
  15. જો આપના બાળકને સિકલસેલ એનીમિયા હોય તો શાળાના આચાર્ય તથા વર્ગશિક્ષકને જાણ કરવી.
  16. સિક્લસેલવાળા બાળકને શારીરિક શ્રમ પડે તેવી ક્સરતો કે ભારે કામ શાળામાં ન કરાવવું.
  17. શાળામાં અભ્યાસ દરમ્યાન સિકલસેલ ધરાવતા બાળકને વારંવાર પેશાબ લાગે (વધુ પાણી કે પ્રવાહી પીવાથી) તો તે માટે છૂટ આપવી.
  18. વર્ગશિક્ષકને બાળકની કટોકટીના લક્ષણોની જાણ કરવી જેથી તાકીદની પરિસ્થિતિમાં ડોકટરની સારવાર લઈ શકાય.

આપણે આદિવાસી સમાજમાં સિકલસેલ એનીમિયાને અટકાવવા માટે શું કરી શકીએ?

સિકલસેલ એનીમિયાની હકીકત જાણ્યા પછી તેને સમાજમાં ઓછો કરવા માટે નીચેની બાબતોની દરેક વ્યકેત, કુટુંબને સમજ આપવી જરૂરી છે.

  1. લગ્ન પહેલાં પરણનાર છોકરો કે છોકરીની લોહીની સિકલસેલ એનીમિયા છે કે નહિ તેની તપાસ  કરાવો.
  2. જો છોકરા કે છોકરી બન્નેને સિકલસેલ ડીસીઝ (રોગ) હોય તો લગ્નગ્રંથિથી જોડાવું જોઈએ નહીં, જેથી આવનાર પેઢીને સિકલસેલના રોગથી બચાવી શકાય.
  3. છોકરા કે છોકરી બન્નેમાંથી એક સામાન્ય અને બીજું સામાન્ય કે સિકલસેલ ટ્રેઈટ કે સિકલસેલ ડીસીઝ (રોગ)વાળું હોય તો લગ્ન કરાવી શકાય છે એટલે કે જે વ્યકિતને સિકલસેલ નથી તેવી વ્યકિત સિકલસેલ ધરાવનાર વ્યકિત સાથે લગ્ન કરી શકે છે. કારણ કે તેમના થનાર બાળકને સિકલસેલ ડીસીઝ  થઈ શકતો નથી, ફક્ત ટ્રેઈટની જ શકયતા રહે છે.
  4. બન્ને વ્યકિતમાં સિકલસેલ ટ્રેઈટ કે ડીસીઝ હોય તો લગ્ન કરાવવા નહીં.
  5. ઘ્યાનમાં રાખો કે સિકલસેલ ટ્રેઈટ (સિકલ ગુણ ધરાવનાર) એ રોગ નથી પરંતુ સિકલસેલ વાહક છે. જયારે સિકલસેલ ડીસીઝ એ રોગ છે. આ બન્ને પરિસ્થિતિ માતા-પિતા તરફથી વારસામાં મળે છે.
  6. ગર્ભધારણ કરેલ મહિલાએ સિકલસેલની તપાસ અવશ્ય કરાવવી.
  7. જો સગર્ભા મહિલામાં સિકલસેલ ટેસ્ટ પોઝીટીવ હોય તો તેમના પતિનું પણ સિકલસેલ ટેસ્ટ માટેનું તાત્કાલિક નિદાન કરાવવું.
  8. અજ્ઞાનતાવશ બન્ને માતા-પિતા સિકલસેલ પોઝીટીવ હોય અને લગ્ન થઈ ગયા હોય તો ગર્ભસ્થશિશુનું નિદાન કરાવવું જોઈએ. જેથી આવનાર ભાવિ બાળક સિકલસેલ એનીમિયા ધરાવે છે કે નહીં તે ખબર પડે. ગર્ભધાન નિદાન શરૂઆતના ૧૦ થી ૧૨ અઠવાડિયાના ગર્ભમાંથી પ્રવાહી કાઢીને   કરી શકાય છે. જો બાળક સિકલસેલ ડીસીઝ સાથે જન્મવાની શકયતા હોય તો આવા ગર્ભનો નિકાલ  કરવો હિતાવહ છે.
  9. જો કુટુંબમાં કોઈપણ એક સભ્યને સિકલસેલ એનીમિયા હોય તો કુટુંબના દરેક વ્યકિતના લોહીની  સિકલસેલ માટેની તપાસ કરાવવી.
  10. જો લોહીની તપાસ કરાવ્યા બાદ વ્યકિતને ખબર પડે કે સિકલસેલ એનીમિયા પોઝીટીવ છે તો  ડૉક્ટર પાસે દવા લેવા જાઓ ત્યારે ડૉકટરને તમારી હકીકતથી માહિતગાર કરો જેથી જરૂરી દવા આપી  સારવાર કરી શકે.
  11. લગ્નગ્રંથિથી જોડાતા પહેલા જન્માક્ષરની જેમ જ સિક્લસેલના જન્માક્ષરને પણ પૂરતું મહત્વ આપો.

આદિવાસી સમાજમાં સિકલસેલ એનીમિયા અટકાવવા માટેની વ્યૂહરચના :

આમ, આદિવાસી સમાજમાં સિકલસેલ એનીમિયા રોગને અટકાવવા માટે ઉપરોક્ત બાબતો સમાજના દરેક વ્યકિત સુધી પહોંચાડવા માટે નીચે મુજબની વ્યૂહરચના અમલમાં મૂકવી જરૂરી છે.

  • આદિવાસી સમાજમાં કામ કરતી સરકારી,અર્ધસરકારી સ્વૈચિછક તથા ખાનગી સંસ્થાઓના કર્મચારીઓને સિકલસેલ એનીમિયા વિષય પર તાલીમ આપવી જોઈએ. આરોગ્ય ખાતા દ્વારા નિમાયેલ દરેક ગામની આશા વર્કર બહેનો / ફિલ્ડ વર્કરને સિકલસેલ  એનીમિયાની તાલીમ આપવી જોઈએ.
  • સમૂહ માઘ્યમો જેવા કે મહિલા શિબિર, આરોગ્ય શિબિર, મહિલા સંમેલન, ખેડૂત શિબિર, સેમિનાર, પરિસંવાદ, પ્રદર્શન વિગેરે દ્વારા આદિવાસી સમાજને સિકલસેલ એનીમિયા વિષે જાગૃત કરવા જોઈએ.
  • સમાજના તમામ લાકોને ટેલીવિઝન, રેડિયો કાર્યક્રમ દ્વારા વાર્તાલાપ ગોઠવી સિકલસેલ એનીમિયા  વિષે માહિતગાર કરવા જોઈએ.
  • જૃથ સંપર્ક જેમકે જૃથ મીટીંગ, મહિલા કે કિસાન ગોષ્ઠિ દ્વારા પણ સિકલસેલ સેલ એનીમિયા પર સમજણ આપવી જોઈએ.
  • વર્તમાનપત્ર, મેગેઝીન, જર્નલ, પુસ્તક દ્વારા પણ લેખ પ્રકાશિત કરી સમાજને માહિતી આપી શકાય છે.
  • ગુજરાતસરકારના આરોગ્ય ખાતા દ્વારા આદિવાસી વિસ્તારમાં સિકલસેલ એનીમિયાની તપાસ કરી સારવાર કરવામાં આવે છે. પરંતુ સિકલસેલ એનીમિયાની તપાસ કરાવવા માટે દરેક વ્યકિત તેયાર  થતા નથી જે માટે પણ આદિવાસી સમાજને જાગૃત કરવો જરૂરી છે.
  • સેક્લસેલ એનીમિયાથી પીડાતા લોકોએ સમતોલ આહાર લેવો જરૂરી છે. આ માટેના નિદર્શનો ગોઠવવા જોઈએ.
  • દરેક ગામની શાળા / ડેરી / ગ્રામ પંચાયત ઓફિસ કોમ્યુનીટી હોલ પર પોસ્ટર કે ચાર્ટ દ્વારા માહિતી પહોંચાડવી જોઈએ.
  • દરેક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા સિકલસેલ એનીમિયા અંગેની જાણકારી પુરી પાડવી જોઈએ.
  • કોલેજોના વિદ્યાર્થીઓને શિક્ષણ દ્વારા સિકલસેલ એનીમિયા અંગેની જાણકારી આપવી જોઈએ.
  • સેક્લસેલ એનીમિયાને અટકાવવા માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડ અપનાવી એક ઝુંબેશ ઉપાડી દરેક ક્ષેત્રના ઘનિષ્ઠ/સંગઠીત પ્રયાસો કરવામાં આવે તો વધુ સારૂ પરિણામ મળી શકે.

સિકલેસ એનીમિયા એ વારસાગત અને અસાઘ્ય રોગ છે. આ રોગ સામાન્ય આદિવાસી સમાજમાં વધુ જોવા મળે છે. આદિવાસી સમાજની ઘણી  જાતિઓ જેમ કે, હિંદુ ઢોડિયા, કોંકણી, વારલી, કોલચા, ભીલ, ગામીત, ચૌધરી વગેરેમાં આ રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ રોગની સારવાર માટે  સંશોધનો કાર્યરત છે, પરંતુ હજુ સુધી તેની દવા શોધાઈ નથી. વળી, આ રોગ વારસાગત હોવાથી ઝડપથી વંશજમાં ઉતરે છે. આદિવાસી સમાજના  લોકો સિકલસેલ એનીમિયા વિષે પૂરતું જ્ઞાન ધરાવતા જ નથી. તેઓમાં ભણતરનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે. સિકલસેલ એનીમિયા રોગથી પીડાતા  લોકોનું મૃત્યુ પણ થઈ શકે છે. બસ, આ રોગને ફક્ત નામથી જ આદિવાસી સમાજના મોટાભાગના લોકો ઓળખે છે. આ રોગ કેવી રીતે થાય છે, તેને  અટકાવવા શું કરવું જોઈએ તેનાથી તદૃન અજાણ છે. આ માટે આદિવાસી સમાજમાં સિકલસેલ એનીમિયા વિષે જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે જેથી  આ રોગનું પ્રમાણ ઓછું કરી શકાય.

સ્ત્રોત: આરતી એન. સોની, દિપલ એન. સોની કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વ્યારા જિ. તાપી – ૩૯૪૪૯૫૦ ફોનઃ (૦૨૬૨૪) ર૨૧૮૪૬૯ કૃષિ ગોવિદ્યા ,અગોસ્ટ-૨૦૧૫ વર્ષ: ૬૮ અંક: ૪ સળંગ અંક : ૮૦૮

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઈનફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/2/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate