હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / આંખને સંબંધિત / આંખને લગતા સામાન્ય રોગ અને તેમની સારવાર
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આંખને લગતા સામાન્ય રોગ અને તેમની સારવાર

આંખને લગતા સામાન્ય રોગ અને તેમની સારવાર વિશેની માહિતી

આંખ એ શરીરનું અનમોલ રતન કહેવાય છે. આંખ વડે જ આપણે આ સુંદર દુનિયાને જોઈ અને માણી શકીએ છીએ. પરંતુ શરીરના અન્ય અંગોની જેમ આંખને પણ વિવિધ વ્યાધિઓ લાગુ પડી શકે છે. અહીં આપણે આંખમાં થતી કેટલીક સામાન્ય વ્યાધિઓ વિશે ચર્ચા કરીશું.

પાંપણનો સોજો (BLEPHARITIS)

આ એક બિનચેપી રોગ છે જે બેક્ટેરિયા, ખોડો, ખીલ, એલર્જી, સોરાયસીસ જેવા કારણોને લીધે થાય છે. આ રોગમાં પાંપણ સોજીને લાલ થઈ જવી, પાંપણ ચોંટી જવી, તેમાંથી રસી નીકળવી, આંખોમાં બળતરા થવી, પ્રકાશ સહન ન થવો, ધૂંધળું દેખાવું, પાણી પડવું તથા પાંપણ વળી કે ખરી જવા જેવાં લક્ષણો જોવા મળે છે. આ રોગ મોટેભાગે બંને આંખમાં એક સાથે થાય છે. ઘરગથ્થુ ઉપચારમાં આંખને ગરમ પાણીથી સાફ કરવી, ગરમ પાણીવાળા કપડાથી શેક કરો, ચહેરો તથા વાળને એન્ટી-ડેન્ડરફ શેમ્પૂથી ધોવા, સૂતા પહેલાં મેકઅપને અવશ્ય સાફ કરવો તથા એલર્જી હોય તેવા પદાર્થોથી દૂર રહેવું. ડાયાબિટીસ, ખીલ કે સોરાયસીસ જેવી બીમારી હોય તો યોગ્ય સારવારથી તેમને કાબૂમાં રાખવા. જો દુઃખાવો કે સોજો વધતો જાય. પાંપણમાં ચાંદા કે ફોલ્લાં થઈ જાય. દૃષ્ટિ ઝાંખી થવા લાગે તથા ઘરગથ્થુ ઉપચારથી ફાયદો થતો ન લાગે તો તાત્કાલિક આંખના રોગના નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

મોતિયો (CATARACT)

આ રોગમાં નેત્રમણિ પર છારી બાઝવાને કારણે દૃષ્ટિમાં ઝાંખપ આવે છે. સામાન્ય રીતે ઉંમર વધવા સાથે આ રોગ થવાની સંભાવના વધુ હોય છે પરંતુ ઘણીવાર જીનેટિક કારણ, ઈજા, સ્ટિરોઈડ જેવી દવાઓ કે ડાયાબિટીસ જેવી બીમારીના કારણે નાના બાળકો તથા યુવાનોમાં પણ આ રોગ થઈ શકે છે. આ રોગના લક્ષણોમાં નેત્રમણિ પર સફેદ છારી બાઝવી, દૃષ્ટિ ઝાંખી થવી, પ્રકાશ સહન ન થવો, રાત્રે જોવામાં તકલીફ થવી, ચશ્માના નંબર વારંવાર બદલાઈ જવા, પગથિયા ચઢવા ઉતરવામાં તથા વાહન પાર્ક કરવામાં તકલીફ થવી જેવી સમસ્યાનો સમાવેશ થાય છે. આ રોગને સંપૂર્ણપણે અટકાવવો કદાચ શક્ય નથી પરંતુ તંદુરસ્ત જીવનશૈલી જેમકે પૌષ્ટિક આહાર, નિયમિત કસરત, નિર્વ્યસની જીવન, સનગ્લાસનો ઉપયોગ, ડાયાબિટીસ જેવી બીમારીનો યોગ્ય ઉપચાર તથા એન્ટી ઓક્સિડન્ટ દવાઓનાં નિયમિત સેવન દ્વારા આ રોગની શરૂઆતને કેટલાક અંશે ટાળી શકાય છે. આ રોગ થયા પછી ઓપરેશન દ્વારા ખરાબ નેત્રમણિ કાઢીને તેના સ્થાને કૃત્રિમ નેત્રમણિ બેસાડવામાં આવે છે.

આંખ આવવી (CONJUCTIVITIS)

આ રોગમાં કોઈ ચેપ, ઈજા, એલર્જી કે આંખમાં કોઈ વસ્તુ પડવાના કારણે આંખો લાલ થઈને તેમાં સોજો આવે છે. આંખમાં બળતરા, દુઃખાવો, ખંજવાળ કે કંઈ ખૂંચતું હોવાનો આભાસ થાય છે. આંખમાંથી પાણી પડે છે. તીવ્ર પ્રકાશ સહન થતો નથી અને દૃષ્ટિમાં ઝાંખપ અનુભવાય છે. કેટલીકવાર આંખમાંથી રસી આવવાના કારણે પાંપણ એકબીજા સાથે ચોંટી જાય છે. આ રોગ સામાન્યતઃ બંને આંખમાં સાથે થાય છે. આ રોગની ઘરેલુ સારવારમાં જો ખંજવાળ કે સોજો હોય તો ઠંડા પાણીનો શેક કરવો અને જો દુઃખાવો કે રસી આવતી હોય તો ગરમ પાણીનો શેક કરવો. પાંપણને ગરમ પાણીથી સાફ કરવી તથા આંખ ખંજવાળવી નહીં. આ રોગનો ફેલાવો અટકાવવા દર્દીના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું. દર્દીના અંગત વપરાશની વસ્તુઓ અલગ રાખવી તથા હાથ અવારનવાર ધોવા જોઈએ. સામાન્ય રીતે આ રોગ ૭થી ૧૦ દિવસમાં મટી જતો હોય છે પરંતુ જો દુઃખાવો કે સોજો વધતો જતો હોય, ખૂબ જ રસી આવતી હોય, પાંપણ પર ફોલ્લાં કે ચાંદા પડી ગયા હોય તથા ઘરેલુ ઉપચારથી ફાયદો ન જણાતો હોય તો ડોક્ટરની સલાહ લેવી.

કોર્નિયાના ચાંદા( CORNEAL ULCERS)

આંખમાં ઈજા કે ચેપના કારણે, આંખો વધારે પડતી ચોળવાના કારણે, અલ્ટ્રાવાયોલેટ કિરણો કે વેલ્ડિંગ લાઈટના કારણે, કોન્ટેક્ટ લેન્સના કારણે, કોઈ કેમિકલ પડવાના, આંખો સૂકી રહેવાના કારણે કે આંખમાં કોઈ વસ્તુ પડવાના કારણે કોર્નિયામાં ઘસારો લાગે છે જેમાંથી કેટલીકવાર કોર્નિયામાં ચાંદા પડી શકે છે. આ રોગ સામાન્યતઃ કોન્ટેક્ટ લેન્સ પહેરનાર તથા ધૂળ, કચરો કે પવનમાં કામ કરનાર લોકોને થાય છે. આ રોગમાં આંખમાંથી પાણી પડવું, પ્રકાશ સહન ન થવો, આંખ લાલ થવી, ધૂંધળું દેખાવું, આંખ ત્રાંસી થઈ જવી જેવા લક્ષણો જોવા મળે છે. કોર્નિયલ અલ્સરની શક્યતા જણાતી હોય તેવા દર્દીએ આંખો સંપૂર્ણપણે બંધ રાખવી, આંખો ખંજવાળવી નહીં, કોન્ટેક્ટ લેન્સ પહેરવા નહીં, ચોખ્ખા પાણીથી આંખ સાફ કરવી તથા ગોગલ્સનો ઉપયોગ કરવો. જો આંખમાં કંઈ વાગ્યું હોય કે પડ્યું હોય, દુઃખાવો વધતો જતો હોય, આંખમાંથી રસી આવવા લાગે કે દૃષ્ટિ ઝાંખી થવા લાગે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો.

આંજણી (CHALAZION/STYE)

આંજણી બહુ સામાન્ય રીતે જોવા મળતો આંખનો રોગ છે. શુષ્ક ત્વચા, ખીલ, સ્વચ્છતાનો અભાવ, આંખનો મેકઅપ, માનસિક તણાવ તથા હોર્મોનલ તકલીફોને લીધે આ રોગ થવાની શક્યતા વધુ રહે છે. આ રોગમાં પાંપણ ઉપર, અંદર કે બહારની તરફ દાણા જેવી ગાંઠ જોવા મળે છે જેને લીધે આંખમાં દુઃખાવો, સોજો,બળતરા, પાણી પડવું, રસી આવવી,.

ખંજવાળ આવવી, દૃષ્ટિમાં ઝાંખપ આવવી જેવા ચિહ્નો જોવા મળે છે. ઘરેલુ ઉપચારમાં ગરમ શેક કરવો તથા વારંવાર આંખો ચોખ્ખા પાણીથી સાફ કરવી. જો દુઃખાવો કે સોજો વધી જાય, રસી આવતી હોય, તાવ આવતો હોય, દૃષ્ટિમાં ઝાંખપ આવે તથા અવારનવાર આંજણી થતી હોય તો નિષ્ણાંત ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

દૃષ્ટિખામી (REFRACTORY DISORDERS)

દૃષ્ટિખામી ચાર પ્રકારની હોય છેઃ.

ગુરૂ દૃષ્ટિ(HYPERMETROPIA)

આવા દર્દીઓએ પ્લસ નંબરના ચશ્મા પહેરવા પડે છે. આવા લોકો દૂરની વસ્તુ સારી રીતે જોઈ શકે છે પરંતુ નજીકની વસ્તુ જોવામાં તેમને તકલીફ પડે છે. એટલે જ પોઝિટિવ નંબરના ચશ્મા શ્નનજીકના ચશ્માઌ તરીકે ઓળખાય છે. આવા નંબરના ચશ્મા કાયમ પહેરી રાખવા જરૂરી છે. જેથી આંખ ન ખેંચાય અને માથાનો દુઃખાવો ન થાય. નાના બાળકો આવા ચશ્મા ન પહેરે તો લાંબા ગાળે તેમની દૃષ્ટિ ક્ષીણ થઈ શકે છે અને આંખો પણ ત્રાસી થઈ શકે છે.

લઘુ દૃષ્ટિ (MYOPIA)

આવા દર્દીઓએ માઈનસ નંબરના ચશ્મા પહેરવા પડે છે. આવા લોકો નજીકની વસ્તુ સારી રીતે જોઈ શકે છે પરંતુ દૂરની વસ્તુ જોવામાં તેમને તકલીફ પડે છે. માઈનસ નંબરના ચશ્માનું એક કારણ સામાન્ય કરતાં મોટી આંખ હોવાનું છે. આથી જેમને નાનપણથી જ માઈનસ નંબર હોય તેમને શારીરિક વિકાસની સાથે ચશ્માના નંબર પણ વધી શકે છે. સામાન્ય રીતે આ નંબર ૧૮ થી ૨૦ વર્ષની ઉંમરે સ્થિર થઈ જતાં હોય છે. જેમના નંબર -૬ કરતાં વધુ હોય તેમની આંખનો પડદો નબળો અને પાતળો પડી જતો હોય છે. આવા દર્દીએ આંખના પડદાની તપાસ નિયમિત રીતે કરાવતા રહેવું જોઈએ.

ત્રાંસો નંબર(ASTIGMATISM)

જ્યારે કીકીનો આકાર સંપૂર્ણ ગોળાકાર ન હોઈને લંબગોળ હોય ત્યારે પ્રકાશના કિરણો એક બિંદુ પર કેન્દ્રીત થવાના બદલે બે અલગ બિંદુ પર કેન્દ્રીત થાય છે. આવા દર્દીઓને ત્રાંસા કે સિલિન્ડ્રિકલ ચશ્મા પહેરવા પડે છે.

બેતાલાં (PRESBYOPIA)

સામાન્યતઃ ૪૦ વર્ષની ઉંમર બાદ આંખના લેન્સની સ્થિતિસ્થાપકતા ઘટતી જાય છે. પરિણામે નજીકની વસ્તુ જોવામાં તકલીફ પડે છે. આથી જેને ચશ્મા ન હોય તેવી વ્યક્તિને પણ નજીકના (પ્લસ નંબરના) ચશ્મા પહેરવા પડે છે. જેમને દૂરના નંબરના ચશ્મા હોય તેમને દૂર અને નજીક બંને નંબરના ચશ્મા પહેરવા પડે છે.

આંખોની જાળવણી :

આંખોને તંદુરસ્ત રાખવા તથા તેને રોગગ્રસ્ત થતી બચાવવા પૈષ્ટીક ખોરાક, નિયમિત કસરત,પૂરતી ઊંઘ, આંખોની યોગ્ય સફાઈ, આંખોનુ ધૂળ ધુમાડા અને તડકા થી સનગ્લાસીસ દ્વારા રક્ષણ, નિરવ્યસની જીવન, બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવા આનુષંગિક રોગો ની યોગ્ય સારવાર તથા નિયમિત સંપૂર્ણ બોડી ચેક-અપ કરાવવુ અત્યંત જરૂરી છે. આંખમા કોઈ પણ તકલીફ ન હોય તો પણ વર્ષ મા એકવાર આંખના નિષ્ણાત ડોક્ટર પાસે આંખની તપાસ અવશ્ય કરાવવી જોઈએ જેનાથી આંખમા પેદા થઈ શકતી સમસ્યાઓ ની આગોતરી જાણ અને તેની સમયસર થઈ શકતી સમસ્યાઓ ની આગોતરી જાણ અને તેની સમયસર સારવાર થઈન શકે.આપણી અનમોલ આંખોની સ્વસ્થ રાખવાનો આ સૈથી શ્રેષ્ઠ માર્ગ છે..

આંખમાં તકલીફ ન હોય તો પણ વર્ષમાં એકવાર આંખના નિષ્ણાત ડોક્ટર પાસે આંખની તપાસ કરાવવી જોઈએ

સ્ત્રોત : ડૉ મનિષ જોષી, કન્સલ્ટન્ટ ઓપ્થલ્મોલોજિસ્ટ

3.0
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top