অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અમૂલ્ય ભેટ આંખનું જતન કરો

અમૂલ્ય ભેટ આંખનું જતન કરો

આપણી આંખો જોવાનું, રંગ પરખવાનું જ કામ કરે છે એવું નથી, આપણે જે જોઈએ છીએ તે સંવેદવાઓ મગજ સુધી પહોંચાડી આપણા જીવનની ખુશી અને દુખની લાગણીઓ પણ વ્યક્ત કરી શકે છે. મગજને સંદેશો પહોંચાડતી આપણી આંખો આપણી પૂરી તંદુરસ્તી માટે જવાબદાર છે. રતનનું જતન કરવું એ આપણી જવાબદારી છે. ઈશ્વરે આંખ રૂપે આપેલી અમૂલ્ય ભેટને સાચવી રાખવી એ આપણા હિતમાં છે.

જુદી-જુદી અવસ્થાઓમાં આંખની જાળવણીની રીતો

જિંદગીની જુદી-જુદી અવસ્થાઓમાં આંખની જાળવણીની રીતો જરૂરથી બદલાઈ જાય છે.

 • ગર્ભાવસ્થા દરમિયાન માતા-પિતાની ફરજ બને છે કે ડોક્ટરના સંપર્કમાં રહેવું અને જરૂરી રસીઓ લઈ લેવી જેનાથી જન્મનાર બાળકની આંખો અવિકસિત ન રહે અથવા બાળક જન્મજાત મોતીયા સાથે ન જન્મે.
 • જન્મ પછી બાળકને જો આંખમાંથી સતત પાણી નિકળ્યા કરતું હોય તો ડોક્ટરનો સંપર્ક કરી જન્મજાત નાસૂર છે કે નહીં તેની તપાસ કરાવી યોગ્ય સારવાર કરાવી જોઈએ.
 • બાળક શાળાએ જતું થાય અને દૂરનું ન દેખાય અથવા માથું દુખવાની ફરિયાદ કરે તો તેને આંખના નંબર હોઈ શકે છે. Myopia એટલે માઈનસ નંબર વારસાગત આવી શકે છે. બાળક ટીવી ખૂબ નજીક જઈને જોવે તો બાળકને ટોકવા કરતાં ડોક્ટર પાસે લઈ જવું વધારે હિતાવહ છે.
 • બાળકને પૂરતા પ્રમાણમાં વિટામીન-એ વાળો ખોરાક આપવો જેમાં ગાજર, પાલકની ભાજી, અખરોટ, બ્રોકોલી, ઈંડાનો સમાવેશ થાય છે જેથી બાળકને રતાંઘળાપણું ના આવે.
 • બાળકને દર બે વર્ષે ડોક્ટરને ત્યાં તપાસ માટે લઈ જવું જરૂરી છે. ઘણીવાર એક આંખની નજર થોડી ઓછી હોય તો જરૂરી કસરત કરાવીને સુધારી શકાય છે. પણ આ કસરતનું સારૂ પરિણામ બાર વર્ષની ઉંમર સુધી જ મળી શકે છે. મોટા ભાગના બાળકોને ખબર નથી પડતી કે એક આંખ નબળી છે અને ખબર પડે ત્યારે ઉંમર વધી જવાથી કંઈ કરી શકાતુ નથી જેને amblyopia કહેવાય છે
 • સૂર્યના કિરણો સામે રક્ષણ – આપણી આંખમાં પ્રવેશતા સૂર્યના કિરણોમાં રહેલ અલ્ટ્રાવાયોલેટ કિરણો આંખ માટે હાનિકારક છે જેનાથી મોતીયા આવી શકે છે અને પડદાને પણ નુક્સાન થઈ શકે છે. જરેક વ્યક્તિએ યુ.વી. પ્રોટેક્શન વાળા ગોગલ્સ પહેરીને જ બહાર નિકળવું જોઈએ.
 • પ્રદૂષણ સામે રક્ષણ – આપણી આસપાસ હવામાં રહેલા ઝીણા રજકણો, ધૂળ-ધૂમાડાથી આંખમાં એલર્જી થઈ શકે છે. તેની સામે રક્ષણ મળે તેવા પ્રોટેક્ટીવ ગ્લાસ (ચશ્મા) પહેરવા જોઈએ. આ રજકણોમાં રહેલા બેક્ટેરિયાથી આંખમાં ચેપ (આંખો આવવી) લાગી શકે છે.
 • કોઈપણ કામ જેવું કે વેલ્ડીંગ જેમાં રહેલા ઈન્ટ્રારેડ કિરણોથી આંખને ઘણું નુક્સાન થી શકે જેથી ગાર્ડ પહેરીને જ આ પ્રકારના કામ કરવા જોઈએ અને આજુબાજુ પણ લોકોએ ધ્યાન રાખવું જોઈએ.
 • રમત રમતી વખતે આંખને ઈજા ન થાય તે અંગે સાવધાન અને સતર્ક રહેવું જોઈએ, ફટાકડા ફોડતી વખતે પણ આંખને ઈજા થયાના કિસ્સા આવતાં હોય છે. ક્ષણભરની મઝા જિંદગીભરની સજા બની શકે છે બને તો ખૂબ જ સલામત ફટાકડા ફોડવા જોઈએ.
 • આંખોને ચોળો નહીં – આંખને વારંવાર ચોળવાની આદત રાખવાથી ઘણી બધી રીતે આંખનું નુક્સાન થઈ શકે છે. આપણા હાથ પર લાગેલા જંતુઓ સીધા જ આંખના સંપર્કમાં આવતાં ચેપ (Conjuctivitis) થઈ શકે છે. એલર્જી થઈ હોય તો વધી શકે છે. આંખની કીકીને પણ નુક્સાન થઈ શકે છે. આંખમાં કોઈ કચરો ગયો હોય તો તે કીકી પર ઊંડે ઉતરી જતાં તે નિકાળતા જોખમ વધે છે.
 • સ્વસ્થ રાખવા – આંખોને જરૂરી અને પૂરતુ પોષણ ખોરાક દ્વારા મળે છે જેથી એવો ખોરાક કે જેમાં Vitamin-C and E, Omega-3, Fatty acid, lutein, Zeaxalthin હોય જેમ કે પાલકની ભાજી, બ્રોકોલી, સ્ટ્રોબેરી, ખાટા ફળફળાદી, લીલા શાકભાજી, બદામ, ગ્રીન ટી વગેરેનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવો. કેફીન તથા નિકોટીનનું વધુ સેવન ન કરવું તથા પૂરતી ઊંઘ લેવી જોઈએ.

આંખનું સ્વાસ્થ્ય જાળવવા પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે. આંખો બંધ થાય ત્યારે જ આંખોને આરામ મળી શકે છે. પૂરતી ઊંઘ ના મળવાથી આંખોના સ્નાયુઓ થાકી જાય છે અને આંખો ખેંચાવા લાગે છે.

 • નિયમીત સૂવુ અને ઉઠવું બંને સમય એક સરખા જાળવવા.
 • દિવસ દરમિયાન વધારે બહાર જવું.
 • નિયમીત કસરત કરવી.

આંખ ખેંચાતી અટકાવવા

 • દિવસમાં વધુ પડતું ટીવી સ્ક્રીનની સામે રહેવાથી આંખો ખેંચાય છે. ટીવી જોવાનો સમય બને તેટલો ઓછો રાખી આંખને આરામ આપવો જોઈએ.
 • દૂર અને નજીકના નંબરની બરોબર તપાસ કરાવી ચશ્મા અથવા કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરવો.
 • કોમ્પ્યુટર સામે – હવે કોમ્પ્યુટરની સામે કામ કર્યા વગર ચાલે તેમ નથઈ પણ જો થોડી કાળજી રાખીએ તો આંખને થતું નક્સાન અટકાવી શકાય છે.
 • આંખને રાહત અનુભવાય તેવી રીતે ડિસ્પ્લે સેટીંગ રાખવું.
 • બહારની લાઈટનું રિફ્લેક્શન કોમ્પ્યુટર સ્કીન પર ન પડે તેવી રીતે કોમ્પ્યુટર ગોઠવવું.
 • આજુબાજુની બ્રાઈટનેસ સાથે કોમ્પ્યુટરની બ્રાઈટનેસ મેચ કરવાથી આંખો ઓછી ખેંચાય છે.
 • અક્ષરોની સાઈઝ એટલી રાખવી કે વાંચવામાં ખૂબ સરળતા રહે.
 • વધારે વખત કોમ્પ્યુટર પર કામ કરવાનું થતું હોય તો થોડી થોડી વારે સ્ક્રીન પરથી નજર હટાવીને ઉપર જોવું. શક્ય હોય તો થોડી વાર ઊભા થઈને આંખોને આરામ આપવો.
 • આપણી આંખમાં આંસુ હંમેશા બનતા જ રહે છે અને પલકારો મારવાથી આંખની કીકી ઉપર આંસુ ફેલાય છે જેનાથી કીકી સ્વસ્થ રહે છે. જ્યારે આપણે કામમાં ખૂબ જ ઓતપ્રોત થઈ જઈએ છીએ ત્યારે અજાણતા આપણી આંખના પલકારા થોડા ઓછા થઈ જાય છે અને આંસુ બહાર આવવા લાગે છે. કોમ્પ્યુટર પર કામ કરતી વખતે યાદ રાખીને આપણે આંખને પટપટાવતા રહીએ તો આંખ સૂકી થતી નથી અને ખેંચાતી પણ નથી.
 • વાંચતી વખતે પૂરતા પ્રકાશમાં જ વાંચવું અને ચોપડી કે જે પણ સાહિત્ય વાંચતા હોવ તે પચ્ચીસ સેન્ટીમીટર જેટલી દૂર રાખવી. શક્ય હોય તો પ્રકાશ પાછળથી ચોપડી પર આવવો જોઈએ નહીં કે સામેની બાજુથી.
 • ચાલીસ વર્ષની આસપાસ સૌ ને “બેતાળા” (નજીકના નંબર) આવે છે અને તે આંખના સ્નાયુઓ નબળા થી જવાથી આવે છે. જો શરીર સ્વસ્થ અને મજબૂત હોય તો નજીકના નંબર થોડા મોડા આવે છે. જેનો આધાર આપણા પોષણ પર છે. આંખની કસરત (accommodation exercises) કરવાથી પણ નજીકના નંબર પાછળ ધકેલી શકાય છે અથવા નંબર વધતા અટકાવી શકાય છે.
 • ચાલીસ વર્ષની આસપાસ આંખની તપાસ જામર, મોતિયા અને પડદા માટે કરાવવી ખૂબ જ જરૂરી છે.
 • જામર વારસાગત રોગ છે અને જામરમાં ગુમાવેલી દ્રષ્ટી પાછી મેળવી શકાતી નથી તેથી જેના ઘરમાં કોઈને જામર હોય અથવા પોતાને ડાયાબિટીસ હોય તો ખાસ ધ્યાન રાખવું. હળવું માથું દુખવું, લાઈટની આજૂબાજુ કુંડાળા દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો.
 • મોતિયા થવાના ઘણા કારણો છે પણ ઉંમરને લીધે મોતિયા આવે એ ખૂબ સાધારણ છે તેના માટે નિયમીત તપાસ કરાવતા રહેવું.
 • ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ધરાવતી વ્યક્તિઓએ નિયમીત રીતે પડદાની તપાસ કરાવવાથી આંખની દ્રષ્ટીને કોઈ જોખમ રહેતું નથી અને મોટા ઓપરેશનથી બચી શકાય છે.
 • ખૂબ જ વધારે માઈનસ નંબરવાળી વ્યક્તિઓએ પડદાની નિયમીત તપાસ કરાવવાથી પડદો ખસી જતા અટકાવી શકાય છે
 • ઘરમાં કે આજુબાજુના પ્રાણીઓના સંપર્કમાં આવતા કોઈવાર આંખમાં ચેપ થઈ શકે છે તેના માટે સાવધાન રહેવું.
 • નિયમીત કસરત અને પૂરતા પ્રમાણમાં anti oxidants લેવાથી age related macular degeneration પડદા પર થતો ઘસારો અટકાવી શકાય છે. ધુમ્રપાનથી આંખને ઘણું નુક્સાન થઈ શકે છે.

સ્ત્રોત  :નવગુજરાત હેલ્થ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/5/2019© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate