অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વર્તમાન સ્થિતિ અને વ્યૂહરચનાઓ

વર્તમાન સ્થિતિ અને વ્યૂહરચનાઓ

રજૂઆત

કેન્સર ભારતના દસ મુખ્ય મૃત્યુના કારણો માનું એક બની ગયું છે. એવો અંદાજ છે કે કોઈ પણ સમયે લગભગ 2 - 2.5 લાખ કેન્સરના કિસ્સાઓ હોય છે. દર વર્ષે કેન્સરના લગભગ 7 લાખ નવા કિસ્સાઓ અને 3 લાખ મૃત્યુ નીપજે છે. રાષ્ટ્રીય કેન્સર રજીસ્ટ્રી કાર્યક્રમ અંતર્ગત થયેલી વસ્તી આધારિત નોંધણીની માહિતી એવું દર્શાવે છે કે પુરુષોમાં મૌખિક પોલાણ, ફેફસા, અન્નનળી અને પેટના કેન્સર તેમજ સ્ત્રીઓમાં, ગર્ભાશયનું મુખ, સ્તન અને મૌખિક પોલાણના કેન્સર વધારે થાય છે. ભારતમાં કેન્સરને કારણે થતા મૃત્યુમાં 50% થી વધારે હિસ્સો પુરુષોમાં મૌખિક પોલાણ અને ફેફસા તેમજ સ્ત્રીઓમાં ગર્ભાશય અને સ્તનના કેન્સરનો છે. હૂ ના અંદાજ પ્રમાણે દક્ષીણ-પૂર્વ એશિયામાં થતા મૌખિક કેન્સરનું કારણ 91 ટકા કિસ્સાઓમાં તમાકુનો ઉપયોગ હોય છે અને ભારતમાં પણ મૌખિક પોલાણ અને ફેફસાના કેન્સરનું મુખ્ય કારણ તમાકુ જ છે. બોક્સમાં રાષ્ટ્રીય કેન્સર રજીસ્ટ્રી કાર્યક્રમના તારણોનો સારાંશ આપવામાં આવ્યો છે.

ઉદ્દેશો અને હેતુઓ

રાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ કાર્યક્રમ 1975-76 માં શરુ થયો હતો. તેના ઉદ્દેશો નીચે મુજબ છે:

  1. તમાકુ ઉપયોગના જોખમો અને ગર્ભાશયના કેન્સરને રોકવા માટે જરૂરી જનનાંગોની સ્વચ્છતા અંગેનું આરોગ્ય શિક્ષણ પૂરું પાડીને કેન્સરને પ્રાથમિક તબક્કામાં રોકી શકાય છે.
  2. દ્વિતીય તબક્કામાં કેન્સરની વહેલી શોધ અને નિદાન નો સમાવેશ થશે, દાખલા તરીકે, ગર્ભાશયનું કેન્સર, સ્તન કેન્સર અને મુખ-ગળાના કેન્સરને તપાસની પદ્ધતિઓ અને દર્દીને શીખવાડેલી સ્વ-તપાસની પદ્ધતિઓ થકી ઓળખી શકાય છે.
  3. હાલની અપૂરતી કેન્સર સારવાર સુવિધાઓને વધારે સક્ષમ બનાવવી.
  4. અંતિમ તબક્કાના કેન્સરમાં દર્દશામક સંભાળ.

રાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ કાર્યક્રમમાં વર્તમાન યોજનાઓ

સ્વૈચ્છિક સંસ્થાઓને નાણાકીય સહાય

આ યોજનાનો ઉદ્દેશ આઈઇસી પ્રવૃત્તિઓ અને કેન્સરની વહેલી શોધ માટેનો છે. રાજ્ય સરકાર દ્વારા ભલામણ કરાયેલી નોંધાયેલી સ્વૈચ્છિક સંસ્થાઓને આ યોજના અંતર્ગત આરોગ્ય શિક્ષણ અને કેન્સરની વહેલી શોધ માટેની પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે રૂ. 5.00 લાખ સુધીની નાણાકીય સહાય અપાય છે. હવે જે તે એનજીઓ નું પ્રાદેશિક કેન્સર કેન્દ્ર (અને જો આરસીસી ન હોય તો તબીબી કોલેજ/જીલ્લા હોસ્પિટલ) સાથે જોડાણ હોવું જરૂરી બન્યું છે.

જીલ્લા કેન્સર નિયંત્રણ યોજના

એ વાત જાણીતી જ છે કે મોટા ભાગના કિસ્સાઓમાં આરોગ્ય શિક્ષણ અને વહેલી તપાસ દ્વારા કેન્સરથી બચી શકાય છે. એ જ પ્રમાણે નિરાકરણ, આરોગ્ય શિક્ષણ અને વહેલી શોધ તેમજ દર્દ શામક ઉપાયો માટેની જિલ્લા પરીયોજાનાઓ માટેની આ યોજના 1990-91 માં શરુ કરાઈ હતી. આ યોજના અંતર્ગત, લાગતા વળગતા રાજ્યને પસંદગી પામેલી દરેક જીલ્લા પરિયોજના માટે રૂ. 15.00 લાખની એક વખતની નાણાકીય સહાય બાકી રહેતા ચાર વર્ષ માટે દરેક વર્ષે રૂ.10.00 લાખની જોગવાઈ સાથે આપવામાં આવે છે.આ પરિયોજના પ્રાદેશિક કેન્સર કેન્દ્ર ખાતે કે કેન્સરના દર્દીઓની સારી સંભાળ લઇ શકે તેવી સુવિધાઓ વાળી સંસ્થા સાથે જોડવામાં આવે છે. દર્દીઓને લાગતા વળગતા પ્રાદેશિક કેન્સર કેન્દ્ર ખાતે કે નોડલ સંસ્થા ખાતે સારવાર આપવામાં આવે છે.

કોબાલ્ટ એકમની સ્થાપના માટે નાણાકીય સહાય

કેન્સર સારવારની સુવિધાઓ મજબૂત બનાવવા માટે સખાવતી સંસ્થાઓને રૂ. 1.0 કરોડની અને સરકારી સંસ્થાઓને 1.5 કરોડની નાણાકીય સહાય આપવામાં આવે છે જેનાથી તેઓ ટેલીથેરાપી, બ્રેકીથેરાપી વગેર માટેની સાધન સામગ્રી મેળવી શકે. અત્યારે તો આ એક વખતની ગ્રાન્ટ છે.

સરકારી મેડીકલ કોલેજ હોસ્પિટલોમાં ઓન્કોલોજી વિંગનો વિકાસ

દેશમાં ઉપલબ્ધ કેન્સર સારવારની સુવિધાઓમાં રહેલું ભૌગોલિક અંતર ઘટાડવા માટે આ યોજના શરુ કરવામાં આવી છે. કોબાલ્ટ એકમ સહિતની બીજી સાધન સામગ્રીની ખરીદી માટે કેન્દ્રીય સહાય પૂરી પાડવામાં આવે છે. સિવિલ કાર્યો અને માનવશક્તિ જે તે રાજ્ય સરકારો / સંસ્થાઓ એ પૂરી પાડવાની હોય છે. આ યોજના અંતર્ગત કેન્દ્રીય સહાયનું પ્રમાણ સંસ્થા દીઠ રૂ.2.00 કરોડ છે. આ યોજના એક વખતની ગ્રાન્ટ જ પૂરી પાડે છે.

પ્રાદેશિક સંશોધન અને સારવાર કેન્દ્રો માટે સહાય

ભારત સરકાર દ્વારા માન્ય 19 પ્રાદેશિક સંશોધન અને સારવાર કેન્દ્રો છે. આમાંના 15 આરસીસી કેન્દ્રોને રૂ.75 લાખની નિયમિત વાર્ષિક ગ્રાન્ટ આપવામાં આવે છે. ઉપરાંત, એનસીસીપી અંતર્ગત સીએનસીઆઈ, કોલકાતા અને આઈઆરસીએચ, એઈમ્સ ને પણ ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

નવી પહેલ

રાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ કાર્યક્રમની કેટલીક એવી પ્રવૃત્તિઓ છે જેને દ્વીવાર્ષિક વ્યવસ્થા અંતર્ગત હૂ દ્વારા ભંડોળ પૂરું પડાય છે.હૂ દ્વીવાર્ષિક 1998-1999 મુજબ, ભારતભરમાં 16 વર્કશોપ/તાલીમ કાર્યક્રમો યોજવામાં આવે છે. 12 પ્રાદેશિક કેન્સર કેન્દ્રોને પેપ સ્મીયર કીટ્સ અને કેન સ્કેન સોફ્ટવેર આપવામાં આવ્યા હતા. તેઓને મોર્ફીન દવાઓ પણ આપવામાં આવી હતી. હૂ દ્વીવાર્ષિક 2000-2001 માં નીચેની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી:

  1. કેન્સર વિષે જાગૃતિ અને તેની વહેલી શોધ માટે તબીબી કોલેજો દ્વારા પ્રસારની પ્રવૃત્તિઓ.
  2. મોર્ફીનનો પુરવઠો પૂરો પડવો.
  3. કેન્સરની વહેલી શોધ અને જાગૃતિ માટે કર્મચારીઓને તાલીમ.
  4. ટેલિમેડીસીન અને કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર નો પુરવઠો.
  5. આઈઇસી પ્રવૃત્તિઓ.
  6. ફેરફાર કરાયેલો જીલ્લા કેન્સર નિયંત્રણ કાર્યક્રમ.
  7. રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ.
  8. આરોગ્ય મેળામાં સહભાગિતા અને આરોગ્ય શિક્ષણ સાહિત્યનુ વિતરણ.
  9. 'સ્તન સ્વ-પરીક્ષણ' દર્શાવતી પોસ્ટેજ સ્ટેમ્પ રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસે પોસ્ટ ખાતા દ્વારા બહાર પડાઈ હતી
  10. પ્રસાર ભારતી અને એમઓએચએફડબલ્યુ સાથે થયેલા કરાર અંતર્ગત ચાલુ વર્ષે કેન્સર અને તમાકુ-વિરોધી બાબતો સમાવતા આરોગ્ય સામાયિક 'કલ્યાણી'નું પ્રસારણ.
  11. સીએનસીઆઈ કોલકાતા દ્વારા બનાવાયેલા આરોગ્ય શિક્ષણને લગતા શ્રાવ્ય સાહિત્યનુ એફએમ રેડીઓ પર પ્રસારણ.

ચાલુ દ્વીવાર્ષિક 2002-03 માં આ જ રીતે પ્રવૃત્તિઓ ચાલુ રખાઈ છે. હૂ ની સહાયથી વર્ધમાન મહાવીર મેડીકલ કોલેજ અને સફદરગંજ હોસ્પિટલ ખાતે કેન્સર માટે તપાસ OPD નું આયોજન છે.

ફેરફાર કરાયેલો જીલ્લા કેન્સર નિયંત્રણ કાર્યક્રમ
ફેરફાર કરાયેલો જીલ્લા કેન્સર નિયંત્રણ કાર્યક્રમ ઉત્તર પ્રદેશ, બિહાર, તમિલનાડુ અને વેસ્ટ બેંગાલ એમ ચાર રાજ્યોમાં શરુ કરવામાં આવ્યો છે. આ પરિયોજના માટે 60 બ્લોક લેવામાં આવ્યા હતા તેમજ 1200 એનસીડી કર્મચારીઓ, 30 નિરીક્ષકો, ડોકટરો અને સલાહકારો નીમવામાં આવ્યા હતા. આ મોજણી સહ આરોગ્ય શિક્ષણ ઝુંબેશ હતી જેમાં 20-65 વર્ષના વયજૂથની 12 લાખ મહિલાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. 'સ્તન સ્વ-પરીક્ષણ' સાથે સામાન્ય બીમારીઓ, કેન્સર નિરાકરણ અને વહેલી શોધ વિષે પણ આરોગ્ય શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. એકત્રિત કરેલી માહિતીનું મૂલ્યાંકન થઇ રહ્યું છે.

રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ
રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ 7 નવેમ્બરના રોજ મનાવાય છે. કેન્સર પરની એક યાદગીરીની સ્ટેમ્પ અને મેડમ ક્યુરીને દર્શાવતું ફર્સ્ટ ડે કવર આ દિવસે 2001 માં વિજ્ઞાન ભવન દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા.

દેશભરના મુખ્ય સમાચારપત્રોમાં રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસે એક જાહેરખબર પણ આપવામાં આવી હતી.

દસમી યોજનાની વ્યૂહરચનાઓ
રાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ કાર્યક્રમના કાર્યકારી જૂથની ભલામણો અનુસાર દસમી યોજના માટે, EFC મેમો બનાવી યોજના આયોગમાં દાખલ કરવામાં આવ્યો છે

રાષ્ટ્રીય કેન્સર નોંધણી કાર્યક્રમ (1981-2001)

  • 97.8 (બેંગ્લોર) થી 121.9 (દિલ્હી) દર 1,00,000 ની વસ્તીએ શહેરી પુરુષોમાં કેન્સરના કિસ્સાઓ (એઈજ એડજસ્ટેડ ઇન્સીડંસ દર)
  • 92.2 (ભોપાલ) થી 135.3 (દિલ્હી) દર 1,00,000 ની વસ્તીએ શહેરી સ્ત્રીઓમાં કેન્સરના કિસ્સાઓ (એઈજ એડજસ્ટેડ ઇન્સીડંસ દર)
  • 46.2 (બરશી) દર 1,00,000 ની વસ્તીએ ગ્રામીણ પુરુષોમાં કેન્સરના કિસ્સાઓ (એઈજ એડજસ્ટેડ ઇન્સીડંસ દર)
  • 57.7 (બરશી) દર 1,00,000 ની વસ્તીએ ગ્રામીણ સ્ત્રીઓમાં કેન્સરના કિસ્સાઓ (એઈજ એડજસ્ટેડ ઇન્સીડંસ દર)
  • શહેરી વિસ્તારમાં દર 15 પુરુષોએ એક પુરુષ અને દર 12 સ્ત્રીઓએ એક સ્ત્રી પોતાના જીવનકાળમાં કેન્સરનો ભોગ બની શકે છે.
  • સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર અને સ્તન કેન્સર સહુથી વધારે સામાન્ય છે.
  • પુરુષોમાં બધા જ તમાકુથી થતા કેન્સરમાં ફેફસાનું કેન્સર સહુથી વધારે સામાન્ય છે.
  • બેંગ્લોરની સ્ત્રીઓનો અન્નનળીના કેન્સરનો એઈજ એડજસ્ટેડ ઇન્સીડંસ દર (દર 1,00,000 એ 8.3) દુનિયામાં સહુથી ઊંચો છે.
  • ભોપાલના પુરુષોમાં જીભના કેન્સરનો દર બધા જ ખંડ પૈકી સહુથી ઊંચો છે. (દર 1,00,000 એ 8.8).
  • દક્ષીણ વિસ્તારના પુરુષોમાં પેટનું કેન્સર સહુથી વધારે જોવા મળે છે.
  • દિલ્હીની સ્ત્રીઓમાં પિત્તાશયના કેન્સરનો દર દુનિયામાં સહુથી ઊંચો છે. (દર 1,00,000 એ 8.9)
  • પ્રથમ તપાસ વખતે જ 75-80% દર્દીઓ રોગના અગ્રીમ તબક્કામાં પહોંચી ગયા હોય છે.
  • ભારતમાં કેન્સર નિયંત્રણના 50 વર્ષ.

પ્રાદેશિક કેન્સર કેન્દ્રોની યાદી:

  1. કીડવાઈ મેમોરીયલ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઓન્કોલોજી, બેંગ્લોર (કર્નાટક)
  2. ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ, અમદાવાદ (ગુજરાત)
  3. કેન્સર હોસ્પિટલ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ, ગ્વાલિયર (મધ્ય પ્રદેશ)
  4. કેન્સર ઇન્સ્ટીટ્યુટ, મદ્રાસ (તમિલનાડુ)
  5. પ્રાદેશિક કેન્સર કેન્દ્ર, તીરુવનન્તપુરમ (કેરલ)
  6. રીજીયોનલ સેન્ટર ફૉર કેન્સર રીસર્ચ એન્ડ ટ્રીટમેન્ટ સોસાયટી, કટક (ઓરિસ્સા)
  7. ડૉ. બી. બી. કેન્સર ઇન્સ્ટીટ્યુટ, ગુવાહાટી (આસામ)
  8. ચિતરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટીટ્યુટ, કોલકાતા (વેસ્ટ બેંગાલ)
  9. ઇન્સ્ટીટ્યુટ રોટરી કેન્સર હોસ્પિટલ(એઈમ્સ), નવી દિલ્હી
  10. ટાટા મેમોરીઅલ હોસ્પિટલ, મુંબઈ (મહારાષ્ટ્ર)
  11. કમલા નેહરુ મેમોરીઅલ હોસ્પિટલ, અલાહબાદ (યુ.પી.)
  12. એમએનજે ઇન્સ્ટીટ્યુટ ઑફ ઓન્કોલોજી, હૈદરાબાદ (આધ્ર પ્રદેશ)
  13. આર.એસ.ટી. કેન્સર હોસ્પિટલ, નાગપુર(મહારાષ્ટ્ર)
  14. ઇન્દિરા ગાંધી ઇન્સ્ટીટ્યુટ ઑફ મેડીકલ સાયન્સીઝ, પટના (બિહાર)
  15. આચાર્ય હરિહર તુલસીદાસ પ્રાદેશિક કેન્સર કેન્દ્ર, બિકાનેર(રાજસ્થાન)
  16. ઇન્દિરા ગાંધી મેડીકલ કોલેજ, શિમલા(હિમાચલ પ્રદેશ)
  17. પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટ્યુટ ઑફ મેડીકલ સાયન્સીઝ, રોહ્ટક (હરિયાણા)
  18. પં. જે.એન.એમ. મેડીકલ કોલેજ એન્ડ આરસીસી ,રાયપુર (છતીસગઢ)
  19. જેઆઈપીએમઈઆર , પોંડીચેરી

સ્રોત: વાય.એન.રાવ, સુધીર ગુપ્તા અને એસ.પી. અગરવાલ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate