অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્ટ્રેસનો સામનો

સ્ટ્રેસનો સામનો કઈ રીતે કરવો?

સ્ટ્રેસ માટે બાહ્ય કારણો કરતાં સ્ટ્રેસના આંતરિક કારણો જેવાં કે નકારાત્મક અથવા ડરપોક વિચારસરણી, ભવિષ્યની થોડીઘણી અનિશ્ચિતતાનો સ્વીકાર કરવાની તૈયારીનો અભાવ, જડ વિચારસરણી, પરિસ્થિતિ પ્રમાણે વ્યૂહ બદલવાની અક્ષમતા, પોતાની પાસે અને બીજાની પાસે પરફેક્શનનો આગ્રહ, અવાસ્તવિક અપેક્ષાઓ કે તરંગી યોજનાઓ શરૂ કર્યા પછી સાકાર કરવાની અસમર્થતા, અથવા અસમાધાનકારી અભિગમ વગેરે વધુ જવાબદાર હોય છે. છતાં આપણા સહુના જીવનમાં અમુક ઘટનાઓ એવી ઘટે છે કે જ્યારે માણસને કુદરતી રીતે જ સ્ટ્રેસ વધી જાય છે. આવા સમયે ભલભલા સ્થિર અને સંતુલિત દેખાતા માણસો માનસિક પરિતાપ અનુભવી શકે છે. આવા સમયને ઓળખીને વિશેષ સાવધાન રહેવાથી સ્ટ્રેસના દુષ્પરિણામોથી બચી શકાય છે. દરેકના જીવનમાં નોર્મલી આવી શકે એવી અથવા કમનસીબે આવી પડે એવી ઘટનાઓની યાદી બનાવીએ.

સ્ટ્રેસ આપતી ઘટનાઓ

 • જીવનસાથીનું મૃત્યુ.
 • છૂટાછેડા.
 • જેલ, ધરપકડ.
 • સામાજિક બદનામી.
 • બોર્ડની પરીક્ષા કે એવી કોઈ અન્ય કસોટી પર મૂકાવાનો ડર .
 • નિકટના સ્વજનનું મૃત્યુ.
 • નિકટના સ્વજનની ચિંતા .
 • લાંબી બિમારી અથવા અક્ષમ બનાવતી ઈજા.
 • દાંપત્યજીવનનો કલહ, બ્રેક અપ .
 • નોકરી ગુમાવવી.
 • મોટી વ્યાવસાયિક નુકશાની.

આપણાં પોતાના જીવનમાં તથા આપણી નજીકના લોકોના જીવનમાં આવી ઘટનાઓની ડિવાસ્ટેટીંગ અસરો આપણે સહુએ જોઈ છે. આમાંથી અમુક સ્થિતિમાં સાવધાન રહેવાથી સાંગોપાંગ પાર ઉતરી શકાય. અમુક ઘટનાઓ નિવારી શકાય, અમુક ઘટનાઓ પ્રત્યે આપણો અભિગમ બદલવાથી ઘટનાની અસરો મંદ પડે. અમુક સમયે ઘટનાના દુષ્પરિણામો વજ્ર જેવી છાતી કરીને સ્વીકારવા પડે. સ્ટ્રેસમાંથી બહાર નીકળવા માટે આપણી જાતની થોડી મદદ આપણે કરીએ તો સમય થોડી મદદ કરે જ છે. .

સ્ટ્રેસને કાબૂમાં રાખનારા પરિબળો.

 1. વાસ્તવિકતાની સમજ.
 2. પોતાની લાગણીઓની સમજ.
 3. સપોર્ટ નેટવર્ક, પારિવારિક હૂંફ, મિત્રોની હૂંફ.
 4. આશાવાદી, ઓપ્ટીમિસ્ટીક અભિગમ, શ્રદ્ધા.
 5. ધીરજ.
 6. રિલેક્સ કરે એવા શોખ, ધ્યાન બીજે હટાવે એવી પ્રવૃત્તિ.
 7. ઊંઘ, ખોરાક વગેરેની નિયમિતતા.

દરેક મુદ્દા વિશે વિગતે વાત થઈ શકે. પરંતુ સ્ટ્રેસ ઓછો કરવાની પ્રક્રિયા માટે સૌથી પહેલા “મને સ્ટ્રેસ છે” એ સ્વીકારવું. જ્યારે ડોક્ટર કહે કે પેટ, સાંધા કે માથાના દુખાવા કે ચેતાતંતુ દુખાવાના તમામ રિપોર્ટ, એક્સ રે, એમ. આર. આઈ વગેરે નોર્મલ છે અને તમને આ તકલીફ સ્ટ્રેસને કારણે છે ત્યારે મને સ્ટ્રેસ નથી એવી દલીલ કરવાને બદલે સ્વીકાર કરવો જોઈએ. અને મનમાં કઈ વાતનો ડર અથવા અસલામતી છે એ વિષે વિચાર કરવો જોઈએ. ઘણા લોકો પોતાના મનની આંતરતપાસ કરતાં ડરે છે, આવા લોકોને ડોક્ટરોએ માનસિક રોગોની દવા વધુ આપવી પડે છે. પોતાની માનસિક તાણ વિશે (બિનજરૂરી કે લાંબી નહીં પરંતુ) સારગ્રાહી વિચારણા કરવાથી સમજદારીનો ઉદય થાય છે અને મન શાંત થાય છે. બહુ વિચારવાથી તર્ક-વિતર્કો વધે એ પણ એટલી જ સાચી વાત છે પરંતુ મન સ્થિર, સમ રાખીને, મોહ અને ડરથી મુક્ત રાખીને વિચારીએ તો મન આપોઆપ શાંત થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.પરિસ્થિતિનું આપણું રીડીંગ આપણી આસપાસના સમજદાર માણસોના રીડીંગ સાથે સરખાવી જોવું જોઈએ. આપેલી પરિસ્થિતિમાં આપણા ડર કે ચિંતા કે અપમાન કે અવગણનાની લાગણી અન્ય કરતાં જુદા કે વધારે હોય તો એમ સમજવું જોઈએ કે હું કદાચ ઓવરરિએક્શન આપું છું. પોતાની લાગણીઓના પ્રવાહમાં વહી જઈ ગુસ્સે થવું કે ચીડાવું બહુ સહેલું છે. ખાસ કરીને નીચે જણાવી છે તેવી લાગણીઓ ન સેવવી જોઈએ..

 1. ‘મારી સાથે જ કેમ આવું થાય છે?' એવો ફરિયાદભાવ સેવવો .
 2. ‘મારી કોઈ ભૂલ થઈ ગઈ..' એવો અપરાધભાવ લાંબો સમય સુધી સેવવો.
 3. ‘બીજા માટે બહુ ભોગ આપ્યો...' એવા શહીદીભાવથી પીડાવું.
 4. ‘મારી અવગણના થઈ..' એવી શરમ કે અપમાનથી પીડાવું.
 5. ‘લોકો શું કહેશે? લોકોમાં ખરાબ દેખાશે' એવા સોશિયલ ફિયરથી પીડાવું..
આ પાંચ વિચારવાની રીત સ્વનાશક (સેલ્ફ ડિસ્ટ્રીક્ટીવ) છે. આવા વિચારોને ઓપ્ટીમાઈઝ કરવા બહુ જરૂરી છે. અર્થાત સામાન્યત: આવી વાતમાં બહુ તથ્ય હોય નહીં અને હોય તોય એને ગાઈ-વગાડીને કહેવાનો કે મનમાં સંઘરી રાખવાનો કોઈ અર્થ નથી. વિચારવાની આ રુગ્ણ રીતને વળગી રહેવું ખૂબ સહેલું છે. વિચારવાની આ રીત વાહિયાત છે, નુકશાનકારક છે એવું સમજીને એનો ત્યાગ કરવો મુશ્કેલ છે. આવી ભાવનાઓને ‘લેટ ગો' કહીને મનમાં કોઈ પણ જાતની ‘શેષ' ન રહે એ રીતે સરી જવા દેવા માટે મનને બહુ તૈયાર કરવું પડે છે. મન ફરિયાદ, અપરાધ, શહીદી, સ્વમાનભંગ કે શરમથી મુક્ત થાય કે તરત હળવાશનો અનુભવ કરવા માંડે છે.દુ:ખી દશામાં, સ્ટ્રેસમાં, એકલા રહેવાનું વધુ ગમે છે, પરંતુ વિચારસરણી બદલ્યા વગર એકલા રહેવાથી તાણ વધે છે. સ્વજનો અને મિત્રો સાથે પરસ્પર શાંતિ જાળવી ચર્ચા કરવાથી તાણ ઓછી થાય છે. આ સિવાયના મુદ્દાઓ વિશે ચર્ચા ચાલુ રાખીશું

ચોકલેટ

વર્તમાન સ્થિતિને સમજવાની કે સ્વીકારવાની તૈયારીનો અભાવ એ સ્ટ્રેસનું કેંદ્રવર્તી લક્ષણ છે અને વર્તમાન સ્થિતિનો સ્વીકાર કરવો એ સ્ટ્રેસ ઓછો કરવાની સૌથી ઝડપી રીત છે. વર્તમાન સ્થિતિ કામચલાઉ ધોરણે સ્વીકારી, એમાં શક્ય હોય તો ધીરેધીરે ફેરફાર લાવી શકાશે અને વધુ સારી સ્થિતિમાં જઈ શકાશે એવી શ્રદ્ધા કેળવવાથી સ્ટ્રેસ ઓછો થવા માંડે છે. .

લેખક  :રઈશ મણિયાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/14/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate