অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્ટ્રેસને ઝીરો કરવી શક્ય છે ?

સ્ટ્રેસને ઝીરો કરવી શક્ય છે ?

તાજેતરમાં જ એક કોર્પોરેટ કંપનીમાં સેમિનાર ચાલતો હતો. કંપનીના અપર લેવલ અને નીચેના અધિકારીઓ સાથેનો વાર્તાલાપ રસપ્રસદ રીતે જઇ રહ્યો હતો. એ વખતે બધા જ પાર્ટિસિપન્ટ્‌સ ખૂબ ધ્યાનથી પ્રેઝન્ટેશન સમજી રહ્યા હતા. વાત સીધી સાદી સ્ટ્રેસ મેનેજમેન્ટની હતી એવામાં કંપનીના પી.આર. મેનેજર મિ. મેનને ઊભા થઇ પ્રશ્ન પૂછ્યો ‘એક સવાલ છે. શું આ સેમિનારથી બધાનું સ્ટ્રેસ ઝીરો ડિગ્રી થઇ જશે ખરું ? અમારી ડેઇલી લાઇફ કેવી રીતે બદલાય, મને તો લાગતું નથી.'.

મેનન સાહેબનો સવાલ સાચો હતો. અલબત્ત, ઘણા બધાનો આ જ પ્રશ્ન હતો એ સમજી શકાય એવી વાત છે. એમના મનમાં અચેતન સ્તરે એટલા બધા ધમાસાણ ચાલતા હશે કે એ પૂછ્યા વગર રહી શક્યા નહીં. વળી પાછા પબ્લીક રિલેશન મેનેજર એટલે ‘બોલવાની ટેવ' વશ બોલાઇ પણ ગયું..

ખૂબ મહત્વની વાત છે. આપણી લાઇફ સ્ટાઇલમાંથી આજની તારીખે તણાવને સંપૂર્ણપણે કાઢી નાખવું શક્ય નથી. પણ એટલું નક્કી છે કે એને નાથી શકાય છે. મેનેજ કરી શકાય છે. એની સામેની લડત કેળવી શકાય છે. માનસિકતા ચોક્કસ બદલી શકાય છે. નકારાત્મક અસરોમાંથી અવશ્ય બચી શકાય છે..

કેટલાક લોકોને બાળપણમાં નકારાત્મક વિચારધારાનો વારસો મળતો હોય છે. કેટલાક માતા-પિતા કોઇપણ સમસ્યાને સૌ પ્રથમ નકારાત્મક દ્રષ્ટિએ મૂલવીને નાની વાતને ભયંકર રિસ્પોન્સ આપતા હોય છે. એટલે ધીરે-ધીરે આ પ્રકારની નેગેટીવ વિચારણા એ કુટુંબની એક પેટર્ન બની જાય છે. વત્તા જે તે સમયની ચેલેન્જીસ તો હોય જ. એટલે વર્તમાનનું વર્તન નેગેટીવ અને સ્ટ્રેસયુક્ત બને છે. આ જ બાબતને ચોક્કસ રીતે મનોવૈજ્ઞાનિક મદદ દ્વારા સુધારી શકાય છે. પણ એટલું ખરું કે આ માટેનું પહેલું પગલું આપણે જાતે જ ભરવું પડે. બાકી ચિંતા તો કોને નથી ! .

‘ઝીરો સ્ટ્રેસ' એ કલ્પનાજન્ય આઈડિયલ બાબત છે. મતલબ એવું વાસ્તવિક રીતે અસ્તિત્વમાં જ ન હોય. આપણે જન્મ લઇએ છીએ ત્યારે એક બાયોલોજીકલ બીઇંગ તરીકે આ દુનિયામાં પ્રવેશીએ છીએ. પછી શરીરના ફિઝીયોલોજીકલ ફેરફારો તેમજ આસપાસના વાતાવરણની અસરોથી ધીરે ધીરે આપણું વ્યક્તિત્વ ઘડાતું જાય છે. સતત સર્વાઇવલની સ્ટ્રગલ એક પ્રકારની એંક્ઝાઇટી મતલબ કે ચિંતાવાળી સ્થિતિ ચાલુ રાખે છે. પળે-પળ નવી ઘટનાઓનો સામનો કરવાની સજ્જતા દરેક વખતે હોય જ એવું જરૂરી નથી. પણ જેનામાં તે વત્તે ઓછે અંશે હોય છે એ બધું સારી રીતે જીવન જીવી શકે છે. જે રોજેરોજની સમસ્યાઓને ઉકેલવામાં એક્સપર્ટાઈઝ હાંસલ કરી શકે છે, તેનામાં લાંબી સમસ્યાઓને ઉકેલવાની આંતરસૂઝ અવશ્ય વિકસે છે. સમસ્યા ઉકેલવાના આ સ્વ-‘શિક્ષણ' ને બાબત પર ધ્યાન આપતા શીખી શકાય છે..

રોજિંદા જીવનમાં આવતી સમસ્યાઓનું સ્વરૂપ જો તટસ્થ રીતે વિશ્લેષણ કરીને સમજવામાં આવે તો તેના મેક્સિમમ ઑપ્શનલ ઉપાયો મળી આવે છે. આપણે ઘણી વાર પ્રોબ્લેમ આવતા પહેલાં એના વિશે ભયંકર કલ્પનાઓ કરીને હારી જતા હોઈએ છીએ. એટલું યાદ રાખીએ કે માનસિક તાકાત ઘણા બધા શારીરિક રોગોને પણ નજીક આવવા દેતી નથી. યોગ, પ્રાણાયમ, એક્સરસાઈઝ અને રિલેક્સેશન આપણને કંમ્પ્લીટલી ફીટ બનાવી શકે છે. જેમ શરીરના રોગો પ્રત્યે આપણે સજાગ હોઈએ છીએ તેમ સ્ટ્રેસ પ્રત્યે પણ સતર્ક| રહીને જરૂર પડે સાયકોલોજીસ્ટનો સંપર્ક સાધીએ તો ફીટનેસ જળવાય છે. સ્ટ્રેસ ક્યારેય ઝીરો ન થઈ શકે પણ તેને ચોક્કસપણે મેનેજ કરી શકાય છે. ઘણીવાર સામાન્ય કક્ષાનું સ્ટ્રેસ અમુક કાર્યો માટે જરૂરી ફ્યુએલ પૂરું પાડે છે. એટલે સ્ટ્રેસ સાથે ઝઘડવાને બદલે એને સમજણથી મેનેજ કરીએ. આપણે પણ ‘ફિઝીકલ ફિટનેસ'ની સાથે આ ‘સાયકોલોજીકલ ફિટનેસ'ને વધારીએ..

સ્ત્રોત : ઉત્સવી ભીમાણી, નવગુજરાત હેલ્થ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate