অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સાયક્લોથાયમિક ડિસઓર્ડર

સાયક્લોથાયમિક ડિસઓર્ડર

ઉત્કર્ષભાઇનો મૂડ રોકિંગ લાગતો હતો. ડૉક્ટરને ક્લિનિકમાં પ્રવેશતા જ જાણે બધાને નિકટથી ઓળખતા હોય તેમ વાતો કરવા લાગ્યા. પત્ની સંજનાબહેન એમનો હાથ પકડીને શાંત રાખવાની કોશિષ કરી રહ્યા હતા. જો કે વેઇટીંગ રૂમમાં બેઠેલા બીજા બધાને પણ મજા પડી ગઇ હતી. એમનો વારો આવવાની રાહ જોયા વગર સીધા જ પોલિટીશીયનના રૂઆબ સાથે કન્સલ્ટિંગ રૂમની અંદર પ્રવેશ્યા. ડૉક્ટર સાથે હસ્તધૂનન કરીને પાછા બીજા રૂમમાં જઇને ગોઠવાઇ ગયા. આજનું ન્યૂઝપેપર મંગાવી વાંચવા લાગ્યા. જો કે એમનાથી મોટા મિહિરભાઇ સાથે હતા એટલે થોડા શાંત પડ્યા.
સંજનાબહેને ડૉક્ટરને વાત શરૂ કરી. ‘છેલ્લા અઢી વર્ષથી અમારા ઘરમાં આવું જ ચાલ્યા કરે છે. એમના મૂડમાં એટલા ઝડપથી ચડાવ-ઉતાર આવે છે કે સામેની વ્યક્તિએ એમની સાથે કેવી રીતે કામ લેવું એ જ સમજાય નહીં હજુ બે દિવસ પહેલા એમને એવું ડિપ્રેશન હતું કે મારે બિઝનેસ બંધ કરી દેવો છે. કોઇ આશ્રમમાં સેવામાં લાગી જવું છે. પોતાનું વિલ પણ કેટલીય વાર તૈયાર કરાવીને બદલાવ્યું છે. હજુ ઉંમર એકતાલીસ વર્ષ છે તો પણ આવા મૂડના ચક્કરો ચાલે તેમાં બધુ દાન કરી દેવાની પ્રબળ ઇચ્છા થઇ આવે. અરે ક્યારેક તો કારણ વગર કોઇ નવી કાર બૂક કરાવી આવે. ઘરે બે ટી.વી. છે તો પણ ત્રીજું લેટેસ્ટ ૬૦ ઇંચનું ટી.વી. ગઇ કાલે જ લઇ આવ્યા. અમે બે માણસ છીએ. કોઇ સંતાન નથી. કોના માટે આટલી વસ્તુઓ કામની. અમે અમારા ઘરમાં પૈસે ટકે ખૂબ સુખી છીએ. પણ મારી સાથે વાત-વાતમાં કકળાટ કરી મૂકે છે. બધા મિત્રો સાથે પણ સંબંધો સારા નથી રાખ્યા. એટલું જ નહીં પણ મને તો કહેતા ય શરમ આવે છે એ ઘણી બધી વાર અનેક સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ પણ રાખી ચૂક્યા છે. અમારા આગળના ડૉક્ટરે કહ્યું હતું કે એમના માનસિક રોગનું આ એક લક્ષણ છે એટલે હું કંઇ બોલી નહીં, પણ દુઃખ તો થાય જ ને ? અને હા... વારે ઘડીએ બિઝનેસ બદલવાની વાતો કરે છે. ક્યારેક શેરબજારમાં ઓવર ઇન્વેસ્ટ કરી નાંખે તો ક્યારેક કવિતા લખવા માંડે... એમની દવાઓ તો ચાલુ જ છે પણ મને એવી સલાહ મળી કે સાથે સાયકોથેરપી થાય તો વધારે સારૂ પરિણામ મળે..
સંજનાબહેનની વાત સાચી છે. ઉત્કર્ષભાઇને જે તકલીફ છે તેને ‘સાયક્લોથાયમિક ડિસઓર્ડર' કહે છે. લક્ષણોની દ્રષ્ટિએ આ તકલીફ ‘બાઇપોલર ટાઇપ-૨ ડિસઓર્ડર'નું હળવું સ્વરૂપ છે. આમાં મંદ ડિપ્રેશન અને આનંદના અતિરેકના ચક્રિય હુમલાઓ આવ્યા કરે છે. ફરિયાદો લગભગ બે વર્ષથી વધારે જૂની હોય છે. ઘણી વાર સાયક્લોથાયમિક ડિસઓર્ડર સાથે બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર પણ જોવા મળે છે. મોટા ભાગનાને મુખ્ય લક્ષણ તરીકે ડિપ્રેશન હોય છે અને હતાષાના સંજોગોમાં જ દર્દી ડૉક્ટરનો સંપર્ક પ્રમાણમાં વધારે કરે છે. જ્યારે યુફોરિયા એટલે કે આનંદના અતિરેકના સમયે દર્દી ટ્રીટમેન્ટ માટે તૈયાર થતા નથી. કારણ કે એને બધુ બરાબર લાગે છે. યુફોરિયામાં તો કેટલાક રૂટિનમાં લાંબા સમય સુધી કામ કર્યા કરે છે. એમાં ક્યારેક ખૂબ સર્જનાત્મકતા કે હાઇ અચિવમેન્ટ પણ મેળવે છે. અલબત્ત ઊંઘ ખૂબ ઓછી થઇ જાય છે. તેમજ સામાજીક સંબંધો પણ હચમચી જાય છે. દર્દીમાં આલ્કોહોલિઝમ પણ જોવા મળે છે..
ઉત્કર્ષભાઇની મૂડ સ્ટેબિલાઇઝર દવાઓ ચાલુ જ હતી. એમને સાથે સાયકોથેરપી આપવાની જરૂર હતી. સાયકોથેરપીને લીધી ઉત્કર્ષભાઇને પોતાના મૂડ સ્વીંગના આ ડિસઓર્ડર વિશે વધારે સભાનતા અને સમજણ પ્રાપ્ત થઇ. પોતાને માનસિક સમસ્યા છે એવો સ્વીકાર પણ વ્યક્તિની સારા થવાની શક્યતાને વધારી દે છે. ઉત્કર્ષભાઇને થેરાપીના સિટિંગ્સ મળ્યા પછી કામમાં સ્થિરતા પ્રાપ્ત થઇ. અન્ય ફેમિલી મેમર્સનું કાઉન્સેલિંગ થવાથી એ બધાને પણ વિકૃતિ વિશે વૈજ્ઞાનિક સમજ સ્પષ્ટ થતા સંબંધો સુધર્યા. અલબત્ત ઉત્કર્ષભાઇ જેવાને આવી ચક્રિય મનોવિકૃતિમાંથી મુક્ત થવા ઘણી ધીરજ રાખવી જરૂરી છે.
એમના મૂડમાં એટલા ઝડપથી ચડાવ-ઉતાર આવે છે કે સામેની વ્યક્તિએ એમની સાથે કેવી રીતે કામ લેવું એ જ સમજાય નહીં હજુ બે દિવસ પહેલા એમને એવું ડિપ્રેશન હતું કે મારે બિઝનેસ બંધ કરી દેવો છે આપણી નિષ્ફળતા કે દુઃખના ઇન્કારની પ્રતિક્રિયા ક્યારેક ‘કૃત્રિમ અતિ ઉત્સાહ'નું મહોરૂં ધારણ કરી લે છે..
ઉત્સવી ભીમાણી, સાયકોલોજી, નવગુજરાત હેલ્થ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate