অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર થાય ત્યારે સાવ ગભરાઇ ન જવું

ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર થાય ત્યારે સાવ ગભરાઇ ન જવું

મેડિકલ ક્ષેત્રે હાર્ટ અને ઓર્થોપેડિકને લગતી તકલીફો બાદ આજકાલ સૌથી વધુ કેસો ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરને લગતા હોય છે. વર્તમાન જમાનાની આ કમનસીબી છે. આજકાલની જીવનશૈલી, ખોરાક પદ્ધતિ અને ટેન્શનને કારણે માણસના ચેતાતંત્રને લગતી તકલીફો વધતી ચાલી છે. અઠવાડિયામાં એકાદવાર માથું ન દુ:ખ્યું હોય એવા કેટલા લોકો હશે/ માઇગ્રેન, વર્ટિગો, પાર્કિન્સન, સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ, હાઇપર એક્ટિવિટી, માયસ્થેનિયા જેવા શબ્દો આજથી કેટલાંક વર્ષ પહેલાં આપણામાંના કેટલા લોકોએ સાંભળ્યા હતા, કહો જોઉં! આજે હાલતાં ને ચાલતાં આ શબ્દો કાને પડવા લાગ્યા છે. વધી ગયેલી ન્યૂરોલોજિકલ તકલીફો હાર્ટ કે કિડનીને લગતા રોગો કરતાં પણ ઘણી બધી રીતે ગંભીર છે. સમાજની સામે આ બધા નવા પડકારો ખડા થયેલા છે. જેનો સામનો કરી, તેની ગંભીરતાને ઓછી કરવા અને આ તકલીફોનું કેવી રીતે નિવારણ થઇ શકે છે એ માટે નામાંકિત ન્યૂરોલોજિસ્ટ અને પદ્મશ્રી ડો. સુધીરભાઇ શાહ અને એમનાં ન્યૂરોલોજિસ્ટ દીકરી ડો. હેલી એસ. શાહે આ પુસ્તક મારફતે સાચો રાહ ચીંધવાનું એક પુણ્યકાર્ય કર્યું છે. ન્યૂરોલોજીના ક્ષેત્રે ‘ડો. સુધીરભાઇ શાહ’ નામ જ કાફી છે. એકેડેમિક અને સામાજિક ઉમદા પ્રદાન માટે તેમને ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’ એવોર્ડ અર્પણ થયેલો છે. તેઓ વી.એસ.જનરલ હોસ્પિટલના ન્યૂરોલોજી વિભાગના વડા, સિનિયર કન્સલ્ટન્ટ અને પ્રોફેસર છે. જ્યારે ડો. હેલી એસ. શાહ વી.એસ.જનરલ હોસ્પિટલનાં ન્યૂરોલોજી વિભાગનાં રેસિ.ડી.એમ. છે.
આજે તો એવી હાલત છે કે ઘણા કેસોમાં તો ખબર પણ પડતી નથી કે આ કેસ ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરને લગતો છે. બાપડા લોકો ક્લિનિક-હોસ્પિટલોનાં ચક્કર કાપ્યા કરે છે. ન્યૂરોલોજિકલ તકલીફ કેટલી વ્યાપક અસરકર્તા હોય છે, એની સાચી માહિતી આ પુસ્તક થકી મળી શકે છે. પેશન્ટને એજ્યુકેટ અને અવેર કરવાનો માનવીય પ્રયત્ન પુસ્તકમાં કરાયો છે. ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરને લગતી જે કંઇ વિગતો તેમાં રજૂ કરાઇ છે, તે ઓથેન્ટિક અને પૂરતા રિચર્સ સાથેની છે. વળી તેમાં ઉમેરાઇ છે આ ન્યૂરોનિષ્ણાત પિતા-પુત્રીની સક્ષમતા, સહૃદયતા, સરળતા અને સ્પષ્ટતા. જાણે તેનાથી સોનામાં સુગંધ ભળી છે. આ તો ન્યૂરોલોજિકલ તકલીફોને લગતો જાણે નાનકડો એન્સાઇક્લોપિડિયા છે, જે પરોપકાર-જનહિત અને માત્ર ઉમદા હેતુથી તૈયાર કરાયો હોવાનું તેની ભાષા, સ્વરૂપ, સ્ટાઇલ અને કન્ટેનેટ પરથી જણાય છે.
સામાન્ય રીતે કોઇને ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર થયાનું માલુમ પડે એટલે દર્દી અને તેના પરિવારમાં સન્નાટો ફેલાઇ જાય છે. એટલે આ પુસ્તકનો મૂળ હેતુ દર્દ માટેની નકારાત્મકતાઓ છોડીને સાચી દિશાના ઇલાજો કરી હકારાત્મક અભિગમ પ્રત્યે દોરવા માટેનો છે. ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરની તકલીફ તો તકલીફ હોય છે, જ પણ આ પુસ્તકનાં ૨૭ પ્રકરણોમાં જે રીતે વિગતો રજૂ થઇ છે, તે સાવ સમજાય એવી અને ખાસ તો દર્દીને ઉપયોગી બને એવી છે. દર્દી, તેના પરિવાર અને દર્દીની સંભાળની બાબતને કેન્દ્રમાં રખાઇ છે. સાથે દર્દી અને તેના પરિવારના સંપર્કમાં આવતા ફિઝિશિયન્સ, મેડિકલ સ્ટુડન્ટ્સ, પેરામેડિક્સ, ફિઝિયોથેરાપિસ્ટ્સ અને નર્સિસને પણ ઉપયોગી બની રહે એવો અભિગમ પણ રખાયો છે. એ સાથે ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર જેવું દર્દ ન થાય તે માટેનાં તકેદારીના ઉપાયો તેમજ સમયસરના નિદાન વગેરે વિષે પણ સાદી-સરળ-સ્પષ્ટ ભાષામાં જણાવાયું છે.
એટલું જ નહીં પણ આંકડાકીય માહિતીઓ અને આકૃતિઓ-ગ્રાફ્સ વગેરે મારફતે શક્ય એટલી વધુ જાણકારી આપવાનો પ્રયાસ કરાયો છે. જેમને કે જેમનાં સ્વજનોને આ દર્દ ન હોય પણ ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર જેવા બહુપારિમાણિક વિષયની જાણકારી મેળવનારા જિજ્ઞાસુઓ માટે પણ આ પુસ્તક એટલું જ ઉપયોગી છે. પુસ્તકના દરેક પ્રકરણના પ્રારંભે ખાસ ક્વોટ અપાયું છે અને અંતે પ્રકરણના નિચોડરૂપ વિગતો પણ રજૂ કરાઇ છે. પુસ્તકના પ્રકરણોમાં નર્વસ સિસ્ટમ, બ્રેઇનનું ઇમેજિનેશન, કોમા, એપિલેપ્સી, સ્ટ્રોક, માથાનો દુ:ખાવો, માઇગ્રેન, વર્ટિગો, ડાયસ્ટોનિયા, પાર્કન્સનિઝમ, સેરેબ્રલ ડિસઓર્ડર, ડિમેન્શિયા, સ્લીપ ડિસઓર્ડર, બ્રેઇન ટ્યુમર, હાયપર એક્ટિવિટી ડિસઓર્ડર, સ્પાઇનલ કોડ ડિસીસ વગેરે વિષે ડિટેઇલ્સ સાથે ચર્ચા કરાઇ છે. ઉપરાંત સ્ટ્રેસ કેવી રીતે ઓછો કરવો અને યાદશક્તિ કેવીરીતે વધારવી તેની પણ ટિપ્સ સાથેની ડિટેઇલ્સ છે. એઇડ્સ કે એચઆઇવી નર્વસ સિસ્ટમને કેવી રીતે અસર કરે છે તેને પણ આવરી લેવાયું છે. કોમન સાઇકિયટ્રિક ડિસઓર્ડરની પણ ચર્ચા કરાઇ છે. ન્યુરોસર્જરીની પણ વિશદ જાણકારી માટે પુસ્તકમાં એક અલાયદું પ્રકરણ છે. ન્યુરોલોજિકલ તકલીફ માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીને માટેની પણ ટિપ્સ અપાઇ છે. એટલું જ નહીં પણકેટલીક સામાન્ય રીતે વપરાતી ન્યુરોલોજિકલ દવાઓની સાઇડ ઇફેક્ટ્સ વિષે પણ પુસ્તકમાં ખાસ ચર્ચા કરાઇ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુસ્તક માટે ખાસ શુભેચ્છાસંદેશો પાઠવીને એવી આશાઓ વ્યક્ત કરી છે કે સરળ અને માહિતપ્રદ શૈલીમાં લખાયેલું આ પુસ્તક ન્યૂરોલોજી ક્ષેત્રે વધુ સારા નિદાન-ઇલાજ માટે ઉપયોગી બની રહેશે એવી આશાઓ વ્યક્ત કરી છે. પુસ્તકનો ફોરવર્ડ મેસેજ સુવિખ્યાત ન્યૂરોલોજિસ્ટ અને બોમ્બે હોસ્પિટલના ન્યૂરોલોજિકલ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડો. બી.એસ.સિંઘલે લખ્યો છે. તેમણે આ પુસ્તકને ન્યૂરોલોજીના ક્ષેત્રની જાણકારીઓના ભંડાર તરીકે ગણાવીને તેની સરળ જાણકારી ન્યૂરોલોજિકલ તકલીફોના સંદર્ભે સમાજને ખૂબ માર્ગદર્શક અને ઉપયોગી બની રહેશે એવી આશાઓ વ્યક્ત કરી છે
લેખકો: ડો.સુધીર વી.શાહ, ડો.હેલી એસ.શાહ mayank.vyas@timesgroup.com. પુસ્તક પરિચય, મયંક વ્યાસ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate