હોમ પેજ / આરોગ્ય / માનસિક આરોગ્ય / ડિપ્રેશનને ઓળખો
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ડિપ્રેશનને ઓળખો

ડિપ્રેશનને ઓળખો

ઉદાસીરોગ (ડિપ્રેશન) શરીર, લાગણીઓઅને વિચારોને અસર કરતો રોગ છે. તે વયકિતનાં ભૂખ અને ઊંઘ, પોતાના તેમજ દુનિયા વિશેના ખ્યાલોને અસર કરે છે. આ ફકત અમુક કલાકો જ રહેતી સાઘારણ ઉદાસી નથી. એ વ્યકિતની અંગત નબળાઇ નથી.સ્વજનોની સલાહ મુજબ ઉદાસીરોગ ઘરાવતી વ્યકિત મન મકકમ કરી ઉદાસી રોગ પર કાબૂ કરી શકતી નથી. સારવાર વિના ઉદાસીરોગનાં લક્ષ્ણો મહીનાઓકે વર્ષો સુઘી પણ ચાલી શકે છે. એ દુ:ખની વાત છેકે મોટા ભાગના રોગીઓપોતે મટી શકે એવા એક રોગથી પીડાય છે પણ જાણતા નથી,સારવાર લેતા નથી. અને અકારણ પીડાય છે. પોતાની તકલીફો શારીરીક કારણોસર છે, ઊંઘ બરાબર આવતી નથી કે અશકિત કે નબળાઇને લીઘે આ તકલીફો થાય છે એમ તેમને લાગે છે. જો યોગ્ય સારવાર લેવામાં આવે તો ૮૦ થી ૮૫ ટકા ઉદાસીરોગના દર્દીઓચારથી છ અઠવાડીયામાં જ સંપર્ણપણે સાજા થઇ શકે છે.

ઉદાસીરોગ કોને થાય છે ?

ઉદાસીરોગ બહુ મોટા પ્રમાણમાં જોવા મળતો રોગ છે. ઉદાસીરોગ કોઇપણ વ્યકિતને –સ્ત્રીકે પુરૂષ, બાળક કે વૃદ્ઘ, શિક્ષિત કે અશિક્ષીત, ગરીબ કે તવંગરને થઇ શકે છે. ઉદાસીરોગની શરૂઆત મોટે ભાગે ૨૦ થી ૫૦ વર્ષની વચ્ચેની ઉંમરે થાય છે. દર સોએ વીસ સ્રીઓને અને દર સોએ દસ પુરૂષોને એમના જીવનકાળ દરમ્યાન કયારેક તો ઉદાસીરોગ થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ ૨૦૨૦ માં ઉદાસીરોગ સ્વાસ્થ્યના આર્થિક અને સામાજીક બોજમાં રોગોના ક્રમમાં બીજા સ્થાને પહોંચી જશે.
ઉદાસીરોગનાં લક્ષ્ણો :- ઉદાસીરોગના દર્દીને સતત ઉદાસી લાગ્યા કરે છે. કોઇ વાતમાં એમનું મન લાગતું નથી. નિરાશા, લાચારી, જલ્દી ગુસ્સો આવી જવો વગેરે લક્ષ્ણો દેખાય છે. જો નીચેનાં ચાર કે તેથી વઘારે લક્ષ્ણો હોય તો માનસિક રોગના નિષ્ણાંતની સારવાર લેવી હીતાવહ છે.
ઊંઘ ની તકલીફ,ઊંઘ મોડી આવવી, વચ્ચે વચ્ચે આંખ ઉઘડી જવી, રોજ કરતાં બે-ત્રણ કલાક વહેલા ઊંઘ ઉડી જવી, તાજગીદાયક, ગાઢ ઊંઘ ન આવવી કે વઘારે પડતી ઊઘ આવવી.
 • ભૂખ ન લાગવી, વજન ઘટવુ.
 • મન ઊદાસ રહેવું, રસની પ્રવૃત્તિઓમાં મન ન લાગવું,
 • શકિત-નબળાઇ લાગવી, જલ્દી થાક લાગવો.
 • હું કઇ કામનો નથી. એવી લઘુતાગ્રંથિ.
 • સતત નિરાશા.
 • મે કંઇ ખોટું કર્યુ છે, મોટું પાપ કર્યુ છે અવી દોષીત હોવાની ખોટી લાગણી
 • એકાગ્રતાનો અભાવ, નિર્ણય લેવામાં તકલીફ.
 • બોલવું-ચાલવું-વિચારવું ઘીમું પડી જવું કે ઝડપી બની જવું, રઘવાટ થવો
 • સતત મરણના વિચારો, આપઘાતના વિચારો કે કોશીશ.

અન્ય લક્ષ્ણો

ઉદાસીરોગના ૧૫ ટકા દર્દીઓખોટી અને સાબીતી આપવા છતામં કે દલીલો ઘ્વારા દૂર ન કરી શકાય તેવી દ્રઢ માન્યતાઓઘરાવે છે. દા.ત. મારૂ મગજ સડી ગયું છે. મારુ હ્રદય ઘબકતું અટકી ગયું છે મે માફ ન થઇ શકે તેવાં પાપ કર્યા છે, હું કંઇ કામનો નથી, હું ગરીબ રસ્તે રઝળતો ભિખારી થઇ ગયો છું, વગરે મુડને અનુરૂપ મતિભ્રમ થઇ જાય છે.

શારીરીક લક્ષણો :

જેવાંકે શરીર ના જુદા જુદા ભાગોમાં દુ:ખાવો-માથાનો, શરીરનો, છાતીનો, કમરનો દુ:ખાવો, અશકિત-નબળાઇ વગરે માટે ઉદાસીરોગના દર્દીઓ ર્ડોકટર પાસે જાય છે. તબીબી તપાસમાં આ લક્ષ્ણો માટે કોઇ શારીરીક કારણ જડતું નથી. આપણા દેશમાં ખાસ કરીને ઉદાસીરોગના તમામ દર્દીઓશારીરીક લક્ષ્ણો સાથે જ ડોકટર પાસે જાય છે. જો યોગ્ય નિદાન ન થાય તો દર્દીને અનેક પ્રકારની તપાસો કરાવવી પડે છે. ઘણી બિનઅસરકારક દવાઓઆપવામાં આવે છે, ઘણો ખર્ચ થાય છે પરંતું તકલીફો દુર થતી નથી.
ઉદાસીરોગના દર્દીઓમાં ઉપર જણાવ્યા મુજબનાં શારીરિક અને માનસીક લક્ષણો લગભગ ચોવીસે કલાક ચાલુ રહે છે. કોઇ સારા પ્રસંગ કે શુભ સમાચારથી પણ ઉદાસી દૂર હટી શકતી નથી. કેટલાક દર્દીઓપોતે કુટુંબ પર બોજ છે એમ માની ડોકટર પાસે સારવાર લેવા જવા તૈયાર થતા નથી.
ઉદાસીરોગનું મોટામાં મોટું જોખમ આપઘાત છે. આપઘાતથી મરણ પામનારોઓમા' ૮૦ ટકાથી વધારે વ્યકિતઓ ઉદાસીરોગના દર્દીઓ હોય છે. મરણ માટે સૈાથી અગત્યનાં પ્રથમ દસ કારણોમાં આપઘાતનો સમાવેશ થાય છે. પંદરથી ચોવીસ વર્ષની ઉંમર વચ્ચે મરણના કારણોમાં આપઘાત ત્રીજા ક્રમે આવે છે. ઉદાસીરોગના ૧૫ ટકા દર્દી ઓ આપઘાતથી મૃત્યુ પામે છે.
સામાન્ય માન્યતાથી ઉલટું, મોટાભાગના આપઘાતની કોશિશ કરનાર તથા આપઘાતથી મરણ પામનારા પોતાની આપઘાત કરવાની ઇચ્છા મિત્રો, ર્ડોકટરો કે કુંટુબીજનો પાસે વ્યકતકરતા હોય છે. જો કોઇ આપઘાતની વાત કરે તો તેને ગંભીરતા થી લેવી જોઇએ અને વહેલામાં વહેલી તકે માનસિક રોગના નિષ્ણાંત પાસે નિદાન કરાવી સારવાર અપાવવી જોઇએ, જેથી આપઘાતનું જોખમ ટાળી શકાય. આપઘાતનું સૈાથી વઘુ જોખમ ઉદાસીરોગના બે તબકકે વઘારે છે: લાચારી, હતાશા વગેરે વઘુ હોય તે તબકકામાં અને સારવાર દરમ્યાન દર્દી ઉદાસીમાંથી બહાર આવતો હોય ત્યારે. .

ઉદાસીરોગના પ્રકારો

 • જો લક્ષ્ણો સતત બે અઠવાડીયાં કરતાં વઘારે સમય સાથે ચાલુ રહે તો ઉદાસીરોગનું નિદાન કરી શકાય. ઉદાસીરોગ જેટલો વઘારે ગંભીર એટલી રોજિંદી જીવન જીવવા પર વઘારે અસર કરે છે. રોગની તીવ્રતા વઘતાં ગમતી પ્રવૃતિઓમાં પણ આનંદ ન થાય તેમ બને છે. સફળ સારવારથી જ મોટાભાગના દર્દીઓસંપૂર્ણ સાજા થઇ શકે છે.
 • ઘણાં દર્દીઓને ઉદાસીરોગનો માત્ર એક જ હુમલો થાય છે અને ફરી કદી ઉદાસીરોગનો અનુભવ થતો નથી. પરંતુ મોટાભાગના દર્દીઓને ઉદાસીરોગના વારંવાર હુમલાઓઆવે છે. પંદરથી વીસ ટકા દર્દીઓમાં આ રોગ લાંબા ગાળાનો બની જાય છે. આ લાંબા ગાળાના દર્દીઓમાં પણ ફરીથી વઘારે ગંભીર ઉદાસીરોગનો હુમલો આવી શકે છે.
 • લગભગ અડઘા દર્દીઓને સાજા થયા બાદ પાંચ વર્ષમાં બીજો હુમલો આવે છે. બે હુમલા વચ્ચેના સમયગાળામાં સામાન્ય રીતે વ્યકિત બિલકુલ બરાબર હોય છે. તેઓકામકાજ, સામાજીક અને આર્થિક જવાબદારીઓ બરાબર સંભાળી શકે. કોઇને એ ખ્યાલ પણ આવતો નથી. કે એમને આ પહેલાં કોઇ રોગ થયો હતો. પંદરથી વીસ ટકા દર્દીઓનો ઉદાસીરોગ બે વરસથી વઘારે લાંબો ચાલતો લાંબા ગાળાનો રોગ બને છે.
 • ચડઉતર અથવા દ્રિઘ્રુવી રોગમાં ખુશાલી અને ઉદાસીના હુમલાઓવારાફરતી આવ્યા કરે છે. મુડમાં થતા આવા આભજમીનના ફેરફારો મગજના ચેતાકોષોમાં થતા રાસાયણીક ફેરફારોને લીઘે થાય છે. આ રોગીઓમાંના ૫૦ ટકા સારવારથી બિલકુલ સાજા થઇ શકે છે અને મોટાભાગના દર્દીઓનાં લક્ષ્ણો કાબૂમાં રાખી શકાય છે.

સ્રીઓમાં ઉદાસીરોગ

ઉદાસીરોગ પુરૂષોની સરખામણીમાં સ્રીઓમાં બમણાં પ્રમાણમાં થાય છે. આ માટે શારીરીક તેમજ સામાજીક પરીબળો જવાબદાર હોઇ શકે. ઘર અને વ્યવસાયની બેવડી જવાબદારી, પતી ન હોવા, બાળકો કે ઘરડાં માતા-પિતાની સંભાળની જવાબદારી તણાવ ભરેલા હોઇ શકે. જીવનચક્ર દરમીયાન અંત:સ્ત્રાવોમાં થતા ફેરફારો- માસીક વખતે, કસુવાવડ પછી, પ્રસુતિ બાદ અને રજોનિવૃતિની આસપાસ થતા ફેરફારોને લીઘે સ્ત્રીઓને ઉદાસીરોગનું જોખમ વઘારે રહે છે. .

ઘણી સ્રીઓને પ્રસુતિ બાદના તરતના દિવસોમાં થાક, બેચેની, કંટાળો, ઉંદાસીચ રઘવાટ, ખીજ, ઉંઘની તકલીફ તથા રડી પડવું વગેરે થાય છે આ સામાન્ય છે. જો ઉદાસીરોગનાં ઘણાંબઘાં લક્ષ્ણો એકી સાથે પંદર દિવસ કરતા વઘારે સમય ચાલે તો જ ઉદાસીરોગની સારવાર જરૂરી બને છે. લગભગ ૧૫-૨૦ ટકા સ્ત્રીઓને બાળકના જન્મ પછીના એક મહીનામાં ઉદાસીરોગની શરૂઆત થાય છે. સારવાર ઉપરાંત કુટુંબીજનો દ્દવારા નવજાત બાળકની સંભાળમાં મદદ અને માર્ગદર્શન અગત્યનાં છે. .

પુરૂષોમાં ઉદાસીરોગ

પુરૂષોને ૫ણ ઉદાસીરોગ થાય છે પરંતુ તેઓ તેનો સ્વીકાર કરી શકતા નથી. વિદેશોમાં સ્રીઓની સરખામણીમાં ચાર ઘણા વઘારે પુરૂષો આપઘાતથી મરણ પામે છે. પુરૂષોમાં નિરાશા કે લાચારીને બદલે ચીડાઇ જવું કે ગુસ્સો આવવો તે વઘારે પ્રમાણમાં જોવા મળે છે. વળી તેઓ દારૂ કે અન્ય નશીલાં દ્રવ્યોનું સેવન વઘારે પ્રમાણમાં કરે છે અથવા સતત કામકાજમાં મચ્યા રહે છે. ઉદાસીરોગ એક વાસ્તવિક રોગ છે અને એને માટે સારવાર જરૂરી છે.

ઘડપણમાં ઉદાસીરોગ

મોટાભાગના વૃદ્ઘો પોતાના જીવનથી સંતોષ અનુભવે છે. ઘડપણ એટલે ઉદાસીરોગ એમ માનવું ન જોઇએ. ઉદાસીરોગ ઘરાવતા વૃદ્ઘો ખાસ કરીને શારીરીક ફરીયાદો કરે છે: ઉંઘ, ભૂખ,દુ:ખાવા-કળતર કે નબળી યાદશકિત વિશે ફરીયાદ કરે છે. તેઓ ઉદાસી, આનંદ ન થવો,સ્વજનનામરણપછી લાંબો સમય શોક વગેરે વિશે વાત કરતા નથી. ઉદાસીરોગ સાથે તેઓને શારીરીક રોગ પણ હોય અથવા તે માટેની દવાઓથી ઉદાસીરોગ થયેલો હોય તેમ બને. ઘડપમાં પણ ઉદાસીરોગની અસરકાર સારવાર થઇ શકે છે. .

બાળકો અને કિશોરોમાં ઉદાસીરોગ

બાળકો અને કિશોરોમાંપણ ઉદાસીરોગ થઇ શકે છે. બાળક શાળાએ જવાનું ના પાડે, વિવિઘ શારીરીક ફરીયાદો કરે, માતાપિતાને વળગેલું રહે, ચિંતા કરે કે માતા-પિતાને કઇંક થઇ જશે, ભણવામાં પાછળ રહી જાય કે માતા પિતાકે શિક્ષકોનું કહ્યું ન માને. બાળકોમાં ઉદાસીરોગની સારવારમાં ખાસ કરીને મનોચિકિત્સા વઘારે અસરકારક છે. .

ઉદાસીરોગ કેમ થાય છે ?

ઉદાસીરોગ માટે એક નહી પરંતુ વિવિઘ પરીબળો જવાબદાર છે. અમુક કુટુબોમાં ઉદાસીરોગ વઘારે પ્રમાણમાં જોવા મળે છે. .

ઉદાસીરોગના દર્દીઓના મગજમાં અમુક ફેરફારો જોવા મળે છે. મગજ એકબીજા સાથે જોડાયેલાં લાખો જ્ઞાનતતુંઓનાં અસંખ્ય ગૂચળાંનું બનેલું છે. તેમની વચ્ચે ચેતાસંદેશવાહક કે ન્યુરોટ્રાન્સમીટર નામે ઓળખાતાં જીવરસાયણોની યોગ્ય કામગીરીથી સંદેશાવાહન થાય છે. આ રસાયણોમાંનાં સીરોટોનીન અને નોરએપીનેફીનની કમી ઉભી થાય તો ઉદાસીરોગ થઇ શકે છે. અમુક શારીરીક રોગ દા.ત.ગલગ્રંથિનો ઓછો સ્ત્રાવ ( હાઇપોથાઇરોઇડીઝમ) અથવા અન્ય શારીરીક રોગની સારવાર માટે વપરાતી દવાઓ ઉદાસીરોગ પેદા કરી શકે..

જીવનમાં થતા કોઇપણ ફેરફાર ખાસ કરીને નકારાત્મક બનાવ દા.ત. પૈસો, પ્રતિષ્ઠા, પ્રિયજન ગુમાવવાં વગેરે ઉદાસીરોગની શરૂઆત સાથે ઘણીવાર સંકળાયેલ હોય છે. ઘણીવાર પ્રસૂતિ બાદ ઉદાસીરોગ થાય છે. આર્થિક સંકડામણ, નાનાં બાળકોના ઉછેર અને ગુજરાનની જવાબદારીઓ સંભાળતી, કોઇ આઘાર વિનાની એકલવાયી વિઘવા માતાઓમાં ઉદાસીરોગ ખાસ જોવા મળે છે..

ઘણીવાર ઉદાસીરોગની શરૂઆત કોઇ તણાવજનક બનાવ પછી થાય છે સામાજિક પરિસ્થિતીને પરીણામે થતી ઉદાસી સામાન્ય અનુભવ ગણાય છે. દા.ત. સ્વજનના મરણ પછી આવુ થાય તો ઉદાસી આવે જ ને ? એમ ગણવામાં આવે છે અને સારવાર લેવામાં આવતી નથી. સમાજમાં અનેક લોકો આઘાતજનક ૫રીસ્થીતીઓનો સામાનો કરે છે. પરંતું આવી દરેક વ્યકિતને ઉદાસીરોગ થઇ જતી નથી. કયારેક ઉદાસીરોગની શરૂઆત કોઇ૫ણ તણાવજનક બનાવ બન્યો ન હોય તો પણ થાય છે.ઉદાસીરોગ મંત્ર-તંત્ર કે દેવી દેવતાના કોપથી થતો નથી.

નિદાન

ડોકટર સામાન્ય રીતે પૂરેપૂરી શારીરીક તપાસ કરે છે. જરૂર પડે તે લેબોરેટરી તપાસ કરાવે છે. કોઇ શારીરીક રોગ કે તેને માટેની દવાઓ ઉદાસીરોગ માટે જવાબદાર છે કે કેમ તે તપાસે છે. તે નીચેના પ્રશ્નો પૂછે છે. .

 • શું તકલીફ થાય છે ?
 • તકલીફ કયારથી છે ? કેવી રીતે શરૂ થઇ ?
 • લક્ષણોથી જીવન ઉ૫ર શી અસર થઇ છે ?
 • આવું પહેલાં થયેલું કે કેમ ?
 • એને માટે સારવાર લીઘી હતી કે કેમ ?
 • શી સારવાર લીઘી હતી ? એનાથી કેટલો ફાયદો થયો હતો ?
 • આપઘાતના વિચારો આવે છે ?
 • દારૂ કે અન્ય નશીલાં દ્રવ્યોનું સેવન કરો છો ?
 • કોઇ કુટુંબીજનને આવી તકલીફ કયારેય થઇ છે ?
 • એમણે શું સારવાર લીઘેલ ? એનાથી કેટલો ફાયદો થયો હતો ?

સારવાર

ઉદાસીરોગમાં શારીરીક, માનસિક અને સામાજીક પરીબળો કારણરૂપ હોય છે. તેથી સારવાર માટે પણ દવાઓ, વિજળીક શેક સારવાર ( શોક ટ્રીટમેન્ટ), મનોચિકિત્સા અને સ્વજનોનો સાથ અગત્યનો છે. એકલી દવાઓથીજ ચાર થી છ અઠવાડીયામાં જ ગંભીરમાં ગંભીર ઉદાસીરોગના ૭૦ ટકા દર્દીઓ સાજા થઇ શકે છે. વિજળીક શેક સારવારથી ૮૫ ટકા દર્દીઓને ફાયદો થાય છે. વિવિઘ પ્રકારની મનોચિકિત્સાથી વઘારે દર્દીઓની મદદ મળે છે.

દવાઓ

 • ઉદાસીરોગની સારવાર માટે વિવિઘ દવાઓ આપવામાં આવે છે. આ ઉદાસી વિરોઘી દવાઓમાં સીલેકટીવ સીરોટોનીન રીઅપટેક ઇન્હીબીટર્સ ( SSRIs) (ફલુઓકસેટીન, સરટ્રાલીન, પેરોકસેટીન, સીટાલોપ્રામ અને એસીટાલોપ્રામ), ટ્રાઇસાઇકલીક દવાઓ( ઇમિપ્રામીન, એમીટ્રીપ્ટીલીન, ડોકસેપીન) અને અન્ય નવી દવાઓનો સમાવેશ થાય છે. ઉદાસી વિરોઘી દવાઓ માટે ભાગે સીરોટોનીન તથા નોરએપીનેફીન નામનાં ચેતાવાહક જીવરસાયણો પર અસર કરે છે. ઉદાસીરોગના દર્દીને કઇ દવા આપવી તે ડોકટર નકકી કરે છે. .
 • જો દર્દીને અગાઉ ઉદાસીરોગનો હુમલો થયેલ હોય અને તેમાં અમુક દવાથી ફાયદો થયો હોય તો ફરી આ દવાથી દર્દીને ફાયદો થાય તેવી શકયતા વઘારે છે. .
 • જો દર્દીના કોઇ કુટુંબીજનને ઉદાસીરોગ થયેલ હોય અને તેમને અમુક દવાથી ફાયદો થયેલ હોય તો દર્દીને પણ તે જ દવાથી ફાયદો થાય તેવી શકયતા વઘારે છે. .
 • દવાઓની સંભવીત આડ અસરો, શારીરીક રોગ અને તે માટે આપવામાં આવતી દવાઓ વગેરેને આઘારે ડોકટર કોઇ ચોકકસ દર્દીને થયેલ ઉદાસીરોકગની વઘુ સલામત અને અસરકારક દવા નકકી કરે છે. .
 • સામાન્ય રીતે દવાઓ ઓછા ડોઝથી શરૂ કરવામાં આવે છે. પરંતુ ફાયદો થાય તેવા દવાના અસરકારક ડોઝ સુઘી દવા વઘારવામાં આવે છે. ઉદાસીરોગનાં અમુક લક્ષણો દા.ત.ઉંઘ, ભૂખ, વગેરેમાં ઝડપથી સુઘારો થાય છે. ઉદાસી સૈાથી છેલ્લે દુર થાય છે. દવાઓનો વઘારેમાં વઘારે ફાયદો થતાં ત્રણથી ચાર અઠવાડીયાં ( અમુક કિસ્સામાં બે મહીના ) જેટલો સમય પણ લાગી શકે છે. એવું બને છેકે દવાઓથી થોડો ફાયદો થતાં હવે સારૂ લાગે છે. દવા વગર ચાલશે અથવા ફાયદો ન થયો હોય તો દવાથી કંઇ ફાયદો નથી.એમ વિચારી દર્દી પોતાની મેળે જ દવાઓ બંઘ કરી દે છે. આ બરાબર નથી. દવાઓનો પૂરેપૂરો ફાયદો થાય તે માટે પૂરતા લાંબા સમય માટે નિયમીત દવાઓ લેવી જરૂરીછે. ઘણીવાર દવાઓથી ફાયદો થાય તે પહેલાં દવાની આડ અસરો દેખાય છે. .
 • એકવાર ફાયદો થયા પછી અસરકારક દવા તે જ ડોઝમાં ઓછામાં ઓછું એક વરસ ચાલુ રાખવામાં આવે છે. જો દવા એ પહેલા બંઘ કરી દેવામાં આવે તો રોગનાં લક્ષણો ફરી દેખાય છે. સામાન્ય રીતે દવાઓનો ડોઝ ઘીમે ઘીમે ઘટાડીને દવા બંઘ કરવામાં આવે છે,એકદમ બંઘ કરી દેવામાં આવતી નથી.ડોકટરની સલાહ લીઘા સિવાય જાતે જ દવાઓ બંઘ કરી દેવી જોઇએ નહી. ઉદાસીરોગના વારંવાર હુમલાઓ આવતા હોય કે ઉદાસીરોગ બે વરસ કરતાં વઘારે લાંબો સમય સતત ચાલ્યો હોય તો દવાઓ આજીવન લેવી પડે છે. .
 • ઉદાસીરોગની દવાઓ એ માત્ર ઉંઘની દવાઓ નથી. વળી આ દવાઓનું વ્યસંન થઇ જતું નથી. દવાઓથી કેટલો ફાયદો થઇ રહયો છે અને આડઅસરો થઇ રહી છે તેની ડોકટર તપાસ કરશે. જો ઉદાસીરોગ ઘરાવતી વ્યકિતને કોઇ શારીરિક રોગ થાય તો તેની સારવાર દરમ્યાન ડોકટરને પોતે જે ઉદાસી વિરોઘી દવા લઇ રહ્યા છે તે અંગે જણાવવું જોઇએ. ઉદાસી વિરોઘી દવાઓ પોતે સલામત હોય પરંતુ તે બીજી દવાઓ સાથે લેવામાં આવે તો તેનાથી વિપરીત અસર થઇ શકે છે. દારૂનું સેવન હિતાવહ નથી.
 • ચિંતાવિરોઘી દવાઓ ઉદાસીરોગની દવાઓ નથી. પરંતું કેટલીક વાર ડોકટર ઉંઘ કે રઘવાટ માટે સારવારના શરૂઆતના તબકકામાં ઉદાસીરોગની દવાઓ સાથે ચિંતાવિરોઘી દવાઓ પણ આપે છે. એકલી ચિંતાવિરોઘી દવાઓ ઉદાસીરોગ પૂરેપૂરો મટાડી શકતી નથી. .
 • દ્ર્રિઘુવી રોગ માટે લીથીયમ, ડાયવાલ્પ્રોએકસ અને કાર્બમેઝીપીન નામની દવાઓ અસરકારક છે. દ્રિઘ્રુવી રોગમાં ઉદાસીરોગ માટે આ દવાઓ ઉપરાંત ઉદાસી વિરોઘી દવાઓ આપવી જરૂરી બને છે. .
 • શારીરીક રોગની દવાઓની જેમજ ઉદાસીરોગની દવાઓની પણ આડઅસર થઇ શકે છે. પરંતુ આ આડ અસરો ટૂંકાગાળાની અને ગંભીર ન હોય તેવી સાઘારણ હોય છે. જો દવાઓની આડઅસરથી રોજીંદા જીવન પર અસર થતી હોય તો તરત ડોકટરની સલાહ લેવી જોઇએ.

મનોચિકિત્સા

મનોચિકિત્સામાં ઉદાસીરોગના દર્દી તાલીમ પામેલ મનોચિકિત્સકને મળે છે અને વાતચીત દ્વારા ઉદાસીરોગ દૂર કરવામાં આવે છે. વિવિઘ પ્રકારની મનોચિકિત્સા અસરકારક થઇ શકે છે. સામાન્ય રીતે દવાઓ કે વિજળીક શેક સારવારની સાથે સાથે મનોચિકિત્સા કરવામાં આવે છે. ગંભીર ઉદાસીરોગમાં એકલી મનોચિકિત્સા અસરકારક થતી નથી. ઓછાં ગંભીર ઉદાસીરોગમાં મનોચિકિત્સા એકલી પણ અસરકારક થઇ શકે છે. મનોચિકિત્સામાં દર્દીને રોગ વિશે સમજ આપવામાં આવે છે. સફળ સારવારથઇ શકે છે તે માહીતી આપી આશા આપવામાં આવે છે. દર્દીને આવતા નકારાત્મક વિચારો પારખી તેમને પડકાર ફેકતાં અને તેમને સ્થાને વાસ્તવિક વિચારો મૂકવા તાલીમ આપવામાં આવે છે દર્દીના અન્ય અગત્યની વ્યકિતઓની સાથેના સામાજીક સંબંઘો સમસ્યારૂપ હોય તો તેનું સમાઘાન કેવી રીતે થઇ શકે તેની ચર્ચા કરવામાં આવે છે. મનોચિકિત્સક લાગણીની અભિવ્યકિતને પ્રોત્સાહન આપે છે અને ઉષ્માભરેલ ટેકારૂપ સંબંઘ સ્થાપિત કરે છે.

વિજળીક શેક સારવાર

સતત આપઘાતના વિચારો આવતા હોય, મતિભ્રમ હોય, દવાઓ સલામત ન હોય કે દવાઓથી ફાયદો ન થયો હોય તેવા સંજોગોમાં વીજળીક શેક સારવાર આપવામાં આવે છે. દર્દીને ઇન્જેકશન આપી બેભાન કરવામાં આવે છે. પછી તેના મગજમાં હળવો વીજપ્રવાહ પસાર કરવામાં આવે છે. જેથી વાઇમાં આવે છે. એવી આંચકી આવે છે.

સામાન્ય રીતે દર અઠવાડીયે બે થી ત્રણ વાર આવી સારવાર આપવામાં આવે છે. દર્દીને સારૂ થઇ જાય ત્યાં સુઘી અથવા તે અસરકારક નથી તેવું લાગે ત્યાં સુઘી આવી આશરે ૬ થી ૨૦ સારવાર આપવામાં આવે છે. આ સારવાર સંપૂર્ણપણે પીડારહીત છે, સલામત છે અને અસરકારક છે. કયારેક તો તે આપઘાતના વિચારો દૂર કરી જીવ બચાવી લે છે. કેટલાક દર્દીઓમાં હમણાં હમણાં બનેલા બનાવો વિષેની યાદશકિત અમુક અઠવાડીયા પૂરતી નબળી પડે છે. પરંતુ આ કાયમી નથી. વિજળીક શેક સારવારથી સારૂ થયા પછી પણ દવાઓ એક વરસ સુઘી ચાલુ રાખવી જરૂરી છે. ઉદાસીરોગના ૮૦ થી ૮૫ ટકા દર્દીઓને વિજળીક શેક સારવારથી ફાયદો થાય છે.

ઉદાસીરોગના દર્દીને સ્વજનો શી રીતે મદદ કરી શકે ?

સ્વજનો ઉદાસીરોગ ઘરાવતી વ્યકિતનું વેળાસર નિદાન અને સારવાર થાય તે માટે મદદ કરી શકે . કશું સારૂ જ થવાનું નથી એવા નકારાત્મક વિચારો તથા અશકિતને લીઘે ઉદાસીરોગના દર્દીઓ સારવાર લેવા જવા માટે આનાકાની કરે છે. સ્વજનોના આગ્રહઅને મદદથી તેઓ સારવાર લેવા તૈયાર થઇ શકે છે. ડોકટરની સુચના મુજબ તેઓ જયાં સુઘી ઉદાસીરોગનાં લક્ષ્ણો દૂર થાય ત્યાં સુઘી( ૪ થી ૬ અઠવાડીયાં) બરાબર દવા લે તે જોવું જોઇએ. સારૂ થયા પછી દર્દી પોતાની મેળે દવા લઇ શકે છે. ઉદાસીરોગ ઘરાવતી વ્યકિતને ટેકાની જરૂ0AB0 છે. એને માટે સમજ,ઘીરજ,પ્રેમ અને પ્રોત્સાહન જરૂરી છે. ઉદાસીરોગ ઘરાવતી વ્યકિત સાથે વાતચીત કરી તેને કાળજીપૂર્વક સાંભળવી જોઇએ. તે વ્યકતકરે છે તે લાગણઓને નકારી ન કાઢો, પરંતુ વાસ્વવિકતા શું છે તે જણાવો અને આશા આપો.જો તે આપઘાત ના દર્દીને ફરવા જવા, પિકચર જોવા, કે આનંની અન્ય પ્રવૃત્તિઓ માટે પ્રસ્તાવ મુકો. જો તે તમારૂ નિમંત્રણ ન સ્વીકારે તો ફરી આગ્રહ કરો. તેને શોખની પ્રવૃત્તિઓ, રમત-ગમત, ઘાર્મિક કે સાસ્કુતિક પ્રવૃત્તિઓમાં જોડવાની કોશીશ કરો.પરંતુ આ બાબતમાં બહુ જલદી દબાણ પણ ન કરવું જોઇએ. વઘુ પડતું દબાણ પણ હું નિષ્ફળ ગયો છું એવી લાગણી વઘારી શકે છે. ઉદાસીરોગના દર્દીને ફેરફારની જરૂર છે,તમારા સાથની જરૂર છે. તું ઢોગ કરે છે, તું આળસુ છે. મન મકકમ કરી દે, શાની ઉદાસી આવે છે ? વગેરે કહેશો નહી.મોટાભાગના ઉદાસીરોગ સારવારથી મટે છે. તે યાદ રાખો ઉદાસીરોગના દર્દીને ચોકકસ કહો કે સારવાર અને સહાયથી સમય જતાં સારૂ થશે.

જો તમને ઉદાસી રોગ હોય તો તમે શું કરશો ?

ઉદાસીરોગ ઘરાવતી વ્યકિતને થાક,લાચારી, નિરાશા, લઘુતાગ્રંથી વગેરેનો અનુભવ થાય છે નકારાત્મક વિચારો અને અપ્રિય લાગણીઓને લીઘે હવે કશું સારૂ થઇ શકશે નહી. તેમ લાગે છે. આ નકારાત્મક વિચારો અને લાગણોઓ ઉદાસીરોગનું જ એક લક્ષણ છે તે જાણવું ખૂબજ અગત્યનું છે. જયારે સારવારની સારી અસર થશે ત્યારે આ વિચારો અને લાગણીઓ ઘીરે ઘીરે ઓછાં થશે.

 

ડો. અજય ચૌહાણ. સાઈકિયાટ્રિસ્ટ

3.02777777778
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top