એ વાત જાણીને આપને આંચકો લાગશે કે યુવાનોની આત્મહત્યાના સંદર્ભમાં ભારત પહેલો ક્રમ ધરાવે છે એવું WHOએ ગયા વર્ષે જાહેર કર્યું. આ અંદાજ પ્રમાણે વિશ્વમાં દર વર્ષે ૮ લાખ લોકો આપઘાત કરીને જીવન ટૂંકાવે છે. અને એમાં અઢી લાખ આપઘાત સાથે ભારત પહેલું સ્થાન ભોગવે છે. એનો અર્થ એ કે ભારતમાં એક દિવસમાં ૭૦૦ આત્મહત્યા થાય છે જેના મૂળમાં મુખ્યત્વે ડિપ્રેશન હોય છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો મુજબ ૨૦૦૪-૨૦૧૪ના વર્ષ દરમિયાન દર વર્ષે એવરેજ ૧ લાખ લોકો આત્મહત્યા કરે છે. અને ૨૦૦૪ની સરખામણીમાં ૨૦૧૪ આ આત્મહત્યા ૧૬ ટકા જેટલી વધી છે. ૨૦૦૪માં ૧,૧૩,૬૯૭ ઓફિશ્યલ કેસ નોંધાયા હતા. જે ૨૦૧૪માં ૧,૩૧,૬૬૬ સુધી પહોંચ્યા હતા. અલબત્ત, ભારતના સરકારી આંકડા જણાવે છે કે રોજે સરરેશા ૩૭૫ જેટલા આપઘાત થાય છે.
૨૦૧૪ના વર્ષમાં ગુજરાતમાં જ ૭,૨૨૫ આપઘાત નોંધાયા છે. ભારતના કુલ આપઘાતમાં ગુજરાતની હિસ્સેદારી ૫.૫ ટકા છે. ગયા વર્ષે ભારતમાં ૧૮ થી ૩૦ વર્ષની વય વચ્ચેના કુલ ૪૪,૮૮૩ લોકોએ આત્મહત્યા કરી હતી. એમાં અભ્યાસમાં નિષ્ફળતાથી માંડીને બેરોજગારી તેમજ રિલેશનશિપના બધા મુદ્દાઓ આવી જાય છે. આપઘાત માટેનો જે નિરાશાજનક વાતાવરણ સર્જાયું છે તે માટે આપણા સમાજથી લઇ સરકાર સુધી બધા કંઇક કરશે તો જ આનો ઉકેલ આવશે. મનોવિજ્ઞાન એવું માને છે કે, ડિપ્રેશનની ઉચ્ચતમ અવસ્થા એટલે આપઘાત. આપઘાતને નિવારવા ડિપ્રેશનને દૂર કરવું ખૂબ જરૂરી છે.
એક ઉદાહરણ જોઈએ. ૪૧ વર્ષીય વિધવા મનિષાબેનને છેલ્લા કેટલાંય અઠવાડિયાથી એવું લાગતું હતું કે, જીવન જીવવા જેવું નથી. મારી કોઇને જરૂર નથી. એમને થયા કરતું કે તેમના કુટુંબના સભ્યો તેમને બરાબર સાચવતા નહીં હોય. સારવાર માટે સાયકોલોજીસ્ટ પાસે ગયા ત્યારે એમણે ક્લિનિકલ હિસ્ટ્રી લીધા બાદ કુટુંબના સભ્યોને-દીકરો, દીકરી, દીકરાની વહુ વગેરેને બોલાવ્યા. તેઓએ કહ્યું, અમે તેમને બહુ વધારે સાચવીએ છીએ. ખાવાપીવા સાથેતેમની તબિયત અને માનસન્માન બધાનું ઘણું ધ્યાન રાખીએ છીએ.
ફરી એકવાર મનિષાબેન સાથે સાયકોલોજીસ્ટની વાતચીત થઇ. તેમણે કહ્યું, મને એકલતા લાગે છે. સાચું કહું તો મને એક પુરુષની જરૂર છે. સમાજના લોકો શું કહેશે તેની બીક પણ લાગે છે. જો હું મારી મરજીથી બીજા કોઇ સાથે જીવન વિતાવું. હૂંફ મેળવું આ ઉંમરે, તો લોકો શું કહે? મનિષાબેનના દિલની વાત બે મહિને બહાર આવી. ધીરે ધીરે તેમના કુટુંબના સભ્યોને આ વિશે વાત કરી. બધા સંમત થયા અને આજે તેઓ ઘણી વ્યવસ્થિત રીતે, સ્વસ્થતાથી જીવન વ્યતીત કરે છે..
આ કેસમાં મનિષાબેનના મનમાં પતિને ગુમાવવાનો ખેદ હતો. તેમના વગર બાકીનું જીવન કેમ કરીને વીતશે તે માટે શંકા હતી. તેમના બાળકો પોતપોતાના જીવનમાં સુખી અને સેટલ થઇ રહ્યા હતાં. એટલે હવે તેમનું કોણ? એ પ્રશ્ન તેમને સતાવતો હતો. અને અંતમાં બીજાની (પુરુષ) હૂંફ મેળવવા આગળ વધતા તેમના બાળપણના સંસ્કારો અને લોકો શું કહેશે નો ડર બધું ભેગું હતું.તેથી તેઓ રડ્યાં કરતાં અને મનની વાત કોઇને કહી ન શકતાં.
આપણા સમાજમાં કેટલાય લોકો માનસિક રીતે ચિંતિત છે. મીનાકુમારી, મેરીલીન, મનરો, પ્રિન્સેસ, ડાયેના, વર્જીનીયા વુલ્ફ, વિન્સ્ટન ચર્ચિલ આ બધા વચ્ચે શું સામ્ય છે? જાણો છો? બધા ડિપ્રેશનના દર્દી હતા. લગભગ દરેકને જીવનમાં ક્યારેક ને ક્યારેક હતાશાનો સામનો કરવાના પ્રસંગો આવે જ છે. પણ જો આ પરિસ્થિતિ લાંબો સમય ચાલે તો તે ડિપ્રેશન તરીકે ઓળખાય છે. આપણે હતાશ વ્યક્તિને સરળતાથી કહી દઇએ છીએ કે નિરાશા છોડી દો, ચિંતામુક્ત થાવ, સુખી થવાશે વગેરે વગેરે.. કંઇ કેટલાય કહેવાતા મસીહાઓ, મોર્ડન ગુરુઓ, સક્સેસ શિખવનારાઓ વગેરે આવા પ્રયત્નો કરતા હોય છે, પણ ડિપ્રેશન સરળ રીતે દૂર થાય તેવી તકલીફ નથી. દર ૨૦ પુખ્ત વ્યક્તિમાંથી ઓછામાં ઓછા એકને તો મેડિકલ ટ્રિટમેન્ટની જરૂર પડે જ છે. મનોચિકિત્સા ક્ષેત્રમાં માનસિક બિમારીઓમાં ડિપ્રેશનનું શરદી-ખાંસી જેવું સ્થાન છે. વ્યક્તિની ઉંમર, જાતિ, જ્ઞાતિ, સંપત્તિ, ખ્યાતિ કાંઇ પણ હોય, ડિપ્રેશન નવજાત શિશુ સિવાય કોઇને પણ થઇ શકે છે. ક્યારેક તે વ્યક્ત થાય તો ક્યારેક નથી થતું.
ડિપ્રેશનના બાયોલોજીકલ, સાયકોલોજીકલ, સોશિયો-કલ્ચરલ કે અન્ય કારણો હોઈ શકે. ડિપ્રેશનના નિદાન માટે કોઇ ટેસ્ટ નથી. આ માટે સાઇકોલોજિકલ ટેસ્ટ દ્વારા અને ક્લિનિકલ ડાયોગ્નોસિસથી ડિપ્રેશનને ઓળખી શકાય., ડિપ્રેશનની સારવાર જુદી જુદી રીતે શક્ય છે જેમાં:
મોટાભાગના કિસ્સામાં દવાઓનું યોગ્ય પ્રમાણ અને સાયકોથેરાપીને સંતુલિત રીતે ચાલુ રાખવામાં આવે તો દર્દી ચોક્કસપણે રોગમુક્ત થઇ શકે છે. મનોવૈજ્ઞાનિક સારવાર કે મદદ કોઇપણ વ્યક્તિને ગમે ત્યારે જરૂરી બને છે. ક્યારેક કાઉન્સેલિંગ કે સલાહ માટે પણ લોકો જતા હોય છે. આપણા દેશમાં હવે મનોચિકિત્સા લેનાર પ્રત્યે દ્રષ્ટિકોણ ઝડપથી બદલાઇ રહ્યો છે. માનસિક તકલીફ પ્રત્યે આપણે સૌએ પાળેલો સામાજિક સંકોચ દૂર કરીશું તો માનવતાના નાતે અનેકને નવજીવનનો આનંદ થશે.
માસ્ટર માઈન્ડઃ આપણે મનની વ્યથા કે ચિંતા દૂર કરવા માટે સ્પેશ્યાલિસ્ટ પાસે જઇએ તો ગાંડપણ છે તેવું ના કહેવાય. માથું દુઃખે તો ફિઝીશિયન પાસે નથી જતા તો પછી ચિંતા કે નિરાશામાં સાયકોલોજીસ્ટ પાસે કેમ ન જવાય?
સ્ત્રોત: ફેમિના, નવગુજરાત હેલ્થ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020