રોજબરોજના જીવનમાં બનતી નાની-મોટી ઘટનાઓ હોય કે પછી જીવન સાથે સંકળાયેલી કોઈ મહત્વપૂર્ણ ઘટના-અનુભવો દરેક શરીર-મન પર છાપ છોડે જ છે. પિક્ચરમાં ચાલતા દ્રશ્યની ઉત્કટતાનો તો આપણે સહુએ અનુભવ કર્યો જ છે. આંગળાઓની મુઠ્ઠી વળાઈ જવી કે પછી પગ અમુક જ સ્થિતિમાં જકડાઈ જવા તથા જેવું તે દ્રશ્ય પુરું થાય કે ઊંડો શ્વાસ લેવાઈને રાહતની લાગણી થવી, જેવા અનુભવો સૂચવે છે કે, આપણી સામે ચાલતા દ્રશ્યો, મનમાં ઉઠતા વિચારો અને તેનાથી ઉદભવતી લાગણીઓની અસર માત્ર મન પૂરતી જ સિમિત ન રહેતા, શરીર પર પણ થાય છે.
પરીક્ષામાં અઘરા વિષયોની તૈયારી દરમ્યાન કંટાળો આવવો, ઉંઘ આવવી, ક્યારેક ઝાડા-ઉબકા થવા, ભૂખ ન લાગવી જેવા અનુભવોમાંથી પણ પસાર થયા હશો. નોકરી-વ્યવસાય માટે ખૂબ મહત્વપૂર્ણ મીટીંગમાં જતા દરમ્યાન ગળું સૂકાવું, પરસેવો વળવો જેવી શારીરિક અસર મનમાં ચાલતા વિચારો, ઉગ્રતા, ચિંતા, આતુરતાને કારણે થતી શરીર પરની અસર અનુભવી હશે.
વિશિષ્ટ પરિસ્થિતિઓમાં જ આવી મનોદૈહિક અસર થાય છે તેવું નથી. નાની-મોટી દરેકે-દરેક શારીરિક, માનસિક, સામાજિક અનુભવોની મનોદૈહિક અસર હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને માત્ર શરીરના પોષણ, રક્ષણ કે મજબૂતી માટેના પ્રયત્નો પૂરતા નથી તે સમજી શકાય. આરોગ્યની જાળવણી માટે શારીરિક, માનસિક અને સામાજિક દરેક બાબતો વિશે જાગ્રતતા જાળવવી જરૂરી છે. આવા ખૂબ જ સૂક્ષ્મ અને દૂરંદેશી દ્રષ્ટિકોણથી આરોગ્યની જાળવણી માટે આયુર્વેદે ‘સદવૃત્ત' વિશે ખૂબ વિગતે ચર્ચા કરી છે.
પિકચરમાં જોવામાં આવતા દ્રશ્યો આંખથી સંવેદી મનમાં અસર ઉભી કરી તેને શરીર સુધી પહોંચાડે છે. તેવી જ રીતે મનમાં વિશિષ્ટ પરિસ્થિતિથી ચાલતા ઉગ્રતા, ચિંતા, ડર જેવા ભાવની અસર શરીર પર થાય છે. જેને આપણે પરસ્પર થતી મનોદૈહિક અસર કહીશું. પરંતુ આયુર્વેદ અહીંથી આગળ વધી સામાજિક જીવન, આચરણ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહે છે. તે પછી રોજબરોજની જીવનની દિનચર્યા હોય કે પછી વિદ્યાર્થી, ગૃહસ્થ, સ્ત્રી-પુરુષ, કર્મચારી જેવા અવસ્થા વિશેષ આચરણ હોય. આવા દરેકે-દરેક આસ્પેક્ટને ધ્યાનમાં રાખીને વ્યક્તિએ પોતાના વડીલો, ગુરૂજન, નોકર, પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા, પ્રાણીઓ આવા દરેક સબંધોમાં રાગ, દ્વેષ વગેરેથી મુક્ત રહીને મનની, બુદ્ધિની સ્વસ્થતા જાળવીને, સત્યપાલનમાં તત્પરતા દાખવી આચરણ કરવું જોઈએ. તે બાબતને આરોગ્ય માટે મહત્વપૂર્ણ કહી છે. ખૂબ જ સામાન્ય લાગતા સૂચનો પાછળ રહેલાં ગંભીર કારણોને સમજવા જણાવ્યું છે. સ્વયંની શક્તિ કરતાં વિશેષ અપેક્ષા રાખવાનું પરિણામ શું આવે તે અનુભવ તો શીખવે છે. પરંતુ તે અનુભવમાંથી સમજે છે કેટલા? અને આવી સમજથી જીવન જીવવા માટેનું ડહાપણ કેળવવા આયુર્વેદ ખૂબ જ જીણવટભર્યા સૂચનો કરે છે.
ટેન્શન, સ્ટ્રેસથી થતાં હાર્ટડિસિઝ, હાઈ બ્લડપ્રેશર, ઈમોશનલ ઈટિંગ ડિસોર્ડર, ઓબેસિટી, ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ, ચામડી પર થતાં સફેદ ડાઘ, ખરજવું આવા રોગનું લીસ્ટ તો ખૂબ જ લાંબુ છે. પરંતુ આ બધું જાણવા છતાંપણ તેનાં વિશે આપણે શું અને કેટલું કરી શકીએ છીએ ? કેમકે મન અને શરીર પર અમુક હદે પડેલા સંસ્કારો (Conditioning)ની અસર સંપૂર્ણપણે નકારી શકાય નહીં. આથી જ યોગ માત્ર આસન પૂરતો સિમિત રહે છે, ધ્યાનમાં પણ વિચારને શી રીતે રોકવા, વિચારોને શી રીતે માત્ર જોયા જ કરવા તે વિશે પણ વિચારો જ ચાલ્યા કરે છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે સ્ટ્રેસ રિલીવ કરવા માટેના ઉપાયોની અસરકારતા માટે પણ સ્ટ્રેસ ! આનું કારણ એ છે કે, સ્ટ્રેસ અને શરીર-મનમાં થતી અવ્યવસ્થાને કેન્દ્રમાં રાખી ઉપાયો કરવામાં આવે છે. તેથી જે રીતે અંધકારને ઉલેચીને બહાર કાઢી ન શકાય. અંધકાર દૂર કરવા તો પ્રકાશ જ પૂરતો થઇ પડે. તેવી જ રીતે સ્ટ્રેસ કે મનોદૈહિક કે સામાજિક અવ્યવસ્થાની સામે ઈમ્યુનીટી-રક્ષણ મેળવવું હોય તો, આયુર્વેદે સૂચવેલા ‘સદવૃત્ત'ને આજના આધુનિક યુગના પરિપેક્ષમાં અપનાવવાથી આરોગ્ય પર થતી આચાર-વિચારની આડઅસર અટકાવી શકાય.
નાની-મોટી દરેકેદરેક શારીરિક, માનસિક, સામાજિક અનુભવોની મનોદૈહિક અસર થતી હોય છે.
આંમળામાંથી બનતા રસાયણ ચૂર્ણ, ધાત્રિરસાયન, આમલકી રસાયન, ચ્યવનપ્રાશાવલેહને યોગ્ય માર્ગદર્શન મેળવી પ્રકૃતિને અનુરૂપ આહાર અને વિહાર સાથે ઉપયોગમાં લેવાથી સંભવિત રોગો અને વૃદ્ધત્વ સબંધિત તકલીફ રોકવામાં મદદ મળે છે.
સ્ત્રોત: ફેમિના, નવગુજરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/30/2020