অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મેનોપોઝ અંગે A to Z

સ્ત્રીઓ બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી જીવનના વિવિધ તબક્કામાંથી પસાર થાય છે. મેનોપોઝનો સમય સ્ત્રીઓ માટે બદલાવનો સમય છે. જે તબક્કામાં સ્રીની પ્રજનનક્ષમતા પૂરી થાય છે અને અંતઃસ્રાવોનું પ્રમાણ બદલાય છે. મેનોપોઝ એ સ્ત્રીના જીવનનો એ સમય છે જ્યારે તેણીનો માસિકસ્ત્રાવ કાયમી રૂપે અટકે છે અને તે હવે બાળકને જન્મ આપી શકતી નથી. મેનોપોઝનો સમય સામાન્ય રીતે 49 અને 52 વર્ષની વચ્ચે આવે છે. તે સમય દરમ્યાન અંડાશય દ્વારા હોર્મોન (અંતઃ સ્રાવો)ના ઉત્પાદનમાં ઘટાડો પણ ઘટાડો થાય છે. ગર્ભાશયને દૂર કર્યા પછી મેનોપોઝ ના લક્ષણો સામાન્ય રીતે 45 વર્ષથી શરૂ થતા જણાય છે. મેનોપોઝ કુદરતી જૈવિક પ્રક્રિયા છે. આપણે બધા જાણીએ છીએ કે મેડીકલ ટ્રીટમેન્ટ વધતાં લાંબા આયુષ્યની સંભાવના વધે છે. સ્ત્રીઓ મેનોપોઝ પછી લગભગ એક તૃતીયાંશ જીવન જીવે છે. દરેક સ્ત્રી મેનોપોઝના સમયગાળામાં પણ તંદુરસ્ત અને ઉત્સાહી રહીને જીવી શકે છે અને જાતીય જીવનનો આનંદ પણ માણી શકે છે. મેનોપોઝ આવ્યા પછી સ્ત્રીને બિન-ચેપી રોગો જેવા કે કેન્સર,સ્ટ્રોક, ઓસ્ટીયોપોરોસિસ અને ન્યુરોલોજિકલ તકલીફો રોકવા માટે યોગ્ય માર્ગદર્શનની જરૂર છે.

મેનોપોઝના કારણો :

  • પ્રજનન હોર્મોન્સમાં કુદરતી ઘટાડો.
  • હિસ્ટરેકટમી( શસ્ત્રક્રિયા ).
  • કિમોચિકિત્સા અને રેડિયેશન ઉપચાર.
  • અંડાશયની અપૂર્ણતા.

મેનોપોઝના લક્ષણો

મેનોપોઝ (પેરીમેનોપોઝ) દરમ્યાન મહિલાઓ મહિનાઓ અથવા વર્ષો સુધી આ ચિહ્નો અને લક્ષણોનો અનુભવ કરી શકે છે..

  • મૂડમાં વારંવાર બદલાવ,
  • હોટ ફલશ (રાત્રે પરસેવોથી ઊંઘમાં ખલેલ),
  • ગભરાટ કે નબળી ગુણવત્તાવાળી ઊંઘ,
  • રોજ થાકનો અનુભવ,
  • યાદશક્તિમાં ઘટાડો / નબળી એકાગ્રતા,
  • હતાશા,
  • શુષ્ક ત્વચા,
  • યોનિમાર્ગની શુષ્કતા અને દુઃખાવો,
  • પાતળા વાળ અને નખ,
  • માથાનો દુખાવો,
  • પગમાં ખેંચાણ,
  • વજનમાં વધારો.

સામાન્ય રીતે આ સમયગાળાદરમિયાન અનિયમિત માસિક આવવું સામાન્ય અને અપેક્ષિત છે. મોટેભાગે, ખાસ કરીને મેનોપોઝ પહેલાં એકથી બે વર્ષ દરમિયાન માસિક અનિયમિત હોવા છતાં, ગર્ભાવસ્થા શક્ય છે. જરૂરત પડે તો ડોક્ટરની સલાહ લેવી.

મેનોપોઝમા થતાં ફેરફારો

  • શારીરિક સ્તરે થતા ફેરફાર: અંડાશયમાંથી ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. ઘણી સ્ત્રીઓને અનિયમિત માસિક આવે છે જે આખરે જ્યારે મેનોપોઝ પહોંચે છે ત્યારે બંધ થઈ જાય છે. કેટલીક સ્ત્રીઓ પેરિમેનોપોઝના સમયગાળા દરમિયાન હોટ ફલેશ, ઊંઘ આવવામાં મુશ્કેલી અને / અથવા યોનિમાર્ગમાં શુષ્કતા જેવી તકલીફ થાય છે.
  • માનસિક ફેરફાર: મીડ લાઈફ હકારાત્મક અને નકારાત્મક લાગણીઓ સાથે સંકળાયેલ હોઈ શકે છે. 40 વર્ષની ઉંમર બાદ, હોર્મોનની ઝડપી વધઘટ અને મેનોપોઝ સાથે સંકળાયેલા ફેરફારો જેમ કે મૂડ સ્વિંગ, અસ્વસ્થતા, ચીડિયાપણું, ઉદાસીની લાગણીઓ, યાદશક્તિ અને એકાગ્રતા રાખવામાં થતી મુશ્કેલીઓ વગેરે ડિપ્રેશન તરફ દોરી શકે છે.
  • સામાજિક ફેરફાર: મેનોપોઝ દરમ્યાન ચામડી, વાળ અને દેખાવમાં થતા ફેરફારોને કારણે મહિલાના સામાજિક વ્યવહાર પર અસર પડે છે.
  • કૌટુંબિક ફેરફારો: જિંદગીમાં ઘટતી ઘટનાઓ જેમ કે કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ, અથવા કારકિર્દીનો આંચકો, બાળકોની પરિપક્વતા વગેરેનો અનુભવ મનોવૈજ્ઞાનિક તણાવ અથવા ડિપ્રેશન માટે કારણભૂત બને છે.
  • કામના સ્થળે ફેરફાર: આ તબક્કે ગૃહિણી નવી નોકરી શરૂ કરી શકે છે અથવા પહેલેથી જ કામ કરતી સ્ત્રીઓમાં કેરિયર શિફ્ટ થઇ શકે છે.

મેનોપોઝ પછી ચોક્કસ તબીબી પરિસ્થિતિઓનું જોખમ

  • હૃદય અને રુધિરવાહિની (રક્તવાહિની)નો રોગ: મેનોપોઝ પછી જ્યારે ઈસ્ટ્રોજનના સ્તરોમાં ઘટાડો થાય છે, ત્યારે હૃદયની બીમારીનું જોખમ વધે છે. હૃદયરોગ થતો અટકાવવા નિયમિત કસરત, તંદુરસ્ત આહાર અને સામાન્ય વજન જાળવી રાખવું તે મહત્વનું છે.
  • ઑસ્ટિયોપોરોસિસ: આ સ્થિતિ હાડકાને બરડ અને નબળા બનાવે છે, જેના કારણે અસ્થિભંગ (ફ્રેકચર)નું જોખમ વધી જાય છે. મેનોપોઝ પછીના પ્રથમ થોડા વર્ષો દરમિયાન, ઓસ્ટિયોપોરોસિસનું જોખમ વધારે હોય છે તેથી શરીર ઝડપી દરે અસ્થિની ઘનતા ગુમાવી શકે છે. ઓસ્ટિયોપોરોસિસના કારણે સ્ત્રીઓને ખાસ કરીને તેમના હિપ્સ, કાંડા અને સ્પાઇનના ફ્રેક્ચર થાય છે.
  • પેશાબની તકલીફો: જેમ જેમ યોનિ અને મૂત્રમાર્ગની પેશીઓ સ્થિતિસ્થાપકતા ગુમાવે છે, તેમ તેમ પેશાબની તકલીફો વધે છે અને પેશાબની નળીઓનો વિસ્તારમાં ચેપ પણ થઇ શકે છે.
  • જાતીય પ્રવૃતિ: હોર્મોનની કમીને કારણે યોનિમાર્ગમાં ભેજનું ઉત્પાદન ઘટવાથી યોનિમાર્ગમાં શુષ્કતા આવે છે જેને કારણે જાતીય સંભોગ દરમ્યાન અસ્વસ્થતા અને થોડો રક્તસ્રાવ થઈ શકે છે. હોર્મોનનો ઘટાડો જાતીય પ્રવૃત્તિ માટેની ઇચ્છા પણ ઘટાડી શકે છે.
  • વજનમાં વધારો: મેનોપોઝ પછી ઘણી સ્ત્રીઓના વજનમાં વધારો થાય છે કારણ કે ચયાપચય ધીમો પડી જાય છે.

સારવાર

મેનોપોઝ એ કોઈ રોગ નથી અને સામાન્ય સંજોગોમાં કોઈ તબીબી સારવારની જરૂર નથી. પેરિમેનોપોઝના સમયથી શરૂ કરીને સ્વાસ્થ્ય સંભાળ અને કોઈપણ તબીબી ચિંતાઓ માટે ડૉક્ટરની નિયમિત મુલાકાત લો. મેનોપોઝ દરમિયાન અને પછી પણ નિયમિત ડોક્ટરને બતાવવાનું રાખો. ડોક્ટર કોલોનોસ્કોપી, મેમોગ્રાફી, લિપિડ સ્ક્રીનીંગ અને થાઇરોઇડ પરીક્ષણ તથા જરૂરીયાત પ્રમાણે સ્તન અને પેઢુની તપાસ જેવા તમને કરાવવા યોગ્ય ટેસ્ટ- સ્ક્રીનીંગ ટેસ્ટની ભલામણ કરશે. મેનોપોઝ પછી પણ જો યોનિમાંથી રક્તસ્રાવ થતો હોય તો હંમેશા તબીબી સલાહ લેવી હિતાવહ છે. સામાન્ય રીતે પાંત્રીસ વર્ષની વય પછી વાર્ષિક ચેક-અપ - સ્ક્રીનીંગ કરાવવું હિતાવહ છે.

સ્ક્રીનીંગ ટેસ્ટ : જે ટેસ્ટ દ્વારા સંભવિત રોગને પ્રારંભમાં જ શોધી રોગની સારવાર વેળાસર શક્ય બને છે.

વજનની તપાસ: વધારે પડતું વજન ડાયાબીટીસ, બીપી, આર્થરાઇટીસ જેવા અનેક રોગોને આમંત્રણ આપે છે.

બ્લડ-પ્રેશર- લોહીનુ દબાણ: હાઈ બ્લડ-પ્રેશર તમારા હૃદય, તમારા મગજ, તમારી આંખો અને તમારી કિડનીને નુકશાન કરે છે.

કોલેસ્ટરોલ પ્રોફાઇલ: દરેક વ્યક્તિએ 4-6 વર્ષમાં ઓછામાં ઓછા એકવાર કોલેસ્ટેરોલની તપાસ કરાવવી જોઈએ. કોલેસ્ટેરોલ પર નિયંત્રણ તમારા જીવનના વર્ષો વધારી શકે છે.

બ્લડ-શુગર: અનિયંત્રિત ડાયાબિટીસ તમારા આરોગ્યને નષ્ટ કરી શકે છે, જેના લીધે હૃદયરોગ, કિડનીની નિષ્ફળતા અને અંધત્વ સર્જાય છે. ઓછામાં ઓછો દર 3 વર્ષે ડાયાબિટીસનો સ્ક્રીનીંગ ટેસ્ટ કરાવવો અને ડાયાબિટીસ હોય તો તેને શરૂઆતથી જ નિયંત્રણમાં રાખો.

પેલ્વિક પરીક્ષણ અને પેપ ટેસ્ટ: પેપટેસ્ટ એ ગર્ભાશયના મુખના સ્ક્રીનીંગની એક પદ્ધતિ છે જેના દ્વારા ગર્ભાશયના મુખના કેન્સરનું પ્રારંભિક તબક્કામાં નિદાન શક્ય બને છે. સમયસર નિદાન થયા પછી યોગ્ય સારવાર દ્વારા દર્દી સંપૂર્ણ રીતે સામાન્ય જીંદગી જીવી શકે છે. સર્વાઇકલ કેન્સર માટે પૅપ ટેસ્ટની તપાસમાં ગર્ભાશયના મુખની કોશિકાઓને માઇક્રોસ્કોપ હેઠળ તપાસવામાં આવે છે. આ પરીક્ષણને ક્યારેક પેપ સમીયર કહેવામાં આવે છે. સ્ક્રીનીંગ(ટેસ્ટ) 21 વર્ષની ઉંમરે શરૂ થઇ શકે છે. સ્ત્રીઓ માટે દર ત્રણ વર્ષે 65 વર્ષની ઉંમર સુધી પેપ સ્મીયર્સની ભલામણ કરવામાં આવે છે.

મેમોગ્રાફી:૪૦ વર્ષની વય પછી બધી સ્ત્રીઓએ સ્તન કેન્સરના પ્રારંભિક સંકેતો શોધી કાઢવા માટે નિયમિત મેમોગ્રાફી કરાવવી જોઈએ.તમારા ડૉક્ટર તમને કહી શકે છે કે તમારે કેટલી વાર ટેસ્ટનું પુનરાવર્તન કરવું જોઈએ. સ્તન કેન્સરની પ્રારંભિક તપાસ તમારા સ્તન અને તમારા જીવનને બચાવી શકે છે.

કોલોનોસ્કોપી: મોટા આંતરડાના કેન્સરનું વેળાસર નિદાન કરવા દરેકને 50 વર્ષની વય પછી નિયમિત કોલોનોસ્કોપીની ભલામણ કરવામાં આવે છે.

ચામડીની તપાસ: કોઈપણ અસામાન્ય ફોલ્લીઓ અથવા મસા માટે તમારી ત્વચા તપાસો. વર્ષમાં એકવાર તમારી ચામડીની તપાસ કરાવો.

આંખની તપાસ: દર વર્ષે એક વખત આંખની તપાસ કરાવો. આંખના રોગો, જેમ કે મેકલ્યુલર ડિજનરેશન, મોતિયો અને ગ્લુકોમા, વય વધવા સાથે સામાન્ય છે.

કાનની તપાસ: ૬૫વર્ષથી વધુ વયના ૨૫% લોકોને સાંભળવાની તકલીફ પડે છે., જેમાંના મોટાભાગના દર્દીની સારવાર શક્ય છે.

હાડકાની તપાસ-બોન ડેન્સીટી: ૬૫ વર્ષની વય પછી હાડકાની ઘનતા ચકાસવા બોન ડેન્સીટી નો ટેસ્ટ કરાવવો જરૂરી છે.

રસીકરણ: 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને દર વર્ષે ફ્લૂની રસી અપાવવી જોઈએ.અને તંદુરસ્ત લોકોને દર 10 વર્ષમાં ટિટાનસ બૂસ્ટરની જરૂર પડે છે. જો હીપેટાઇટીસ એ અને બી ની રસીઓ લીધી ના હોય તો તે અપાવવી જરૂરી છે.

મેનોપોઝના ચિહ્નો અને લક્ષણો દેખાય તો કોઈપણ પ્રકારની સારવાર નક્કી કરતા પહેલાં ડૉકટર સારવારના વિકલ્પો વિશે અને દરેક વિકલ્પ સાથે સંકળાયેલા જોખમો અને લાભો વિશે વાત કરે છે. પ્રત્યેક વિકલ્પની વાર્ષિક સમીક્ષા કરો, કારણ કે તેની જરૂરિયાતો અને સારવારના વિકલ્પો બદલાઈ શકે છે. મેનોપોઝ વિશેની સમજ અને જ્ઞાન ખૂબજ મહત્વપૂર્ણ છે. થેરપીના વિકલ્પો દરેક સ્ત્રીની વ્યક્તિગત જરૂરિયાતો અનુસાર ગોઠવવામાં આવે છે. સામાન્ય રીતે હોર્મોન ઉપચાર અને બિન-હોર્મોન થેરાપીઓની મદદથી મેનોપોઝ દરમિયાન આવતી સ્વાસ્થ્ય સમસ્યાઓનું સમાધાન થાય છે.

જીવનશૈલીમાં ફેરફારો અને ઘરગથ્થુ ઉપાયો

  • નિયમિતપણે વ્યાયામ કરો.
  • યોગ દ્વારા મનને આરામ આપો.
  • પૂરતી ઊંઘ મેળવો.
  • વર્તમાન વજન જાળવી રાખવા સમતોલ આહાર લો. આહારમાં વિવિધ ફળો, શાકભાજી અને આખા અનાજનો સમાવેશ કરો. સંતૃપ્ત ચરબી, તેલ અને શર્કરાને મર્યાદિત કરો. તમારા આહારમાં પૂરતું કેલ્શિયમ મળે તેનું ધ્યાન રાખો.
  • ધૂમ્રપાન ન કરો. ધૂમ્રપાન હૃદય રોગ, સ્ટ્રોક, ઓસ્ટીયોપોરોસિસ, કેન્સર અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધારી દે છે.

સ્ત્રોત: ડૉ.જાનકી દેસાઈ(ગાયનેકોલોજિસ્ટ,) નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate