অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સગર્ભાવસ્થા દરમિયાન જરૂરી આરામ તથા વ્યાયામ

ગર્ભવતી બહેનો પોતાનું રોજિંદું કાર્ય કરી શકે છે, પરંતુ ભારે વજન ઊંચકવાનું કામકાજ અથવા તો ભારે કસરતો કરવી હિતાવહ નથી. સામાન્ય રીતે રાત્રે ૮ કલાક તથા બપોરે ૨ કલાકનો આરામ જરૂરી હોય છે. જો ભારે જવાબદારીવાળો વ્યવસાય હોય કે લાંબો સમય બેઠા રહેવું પડતું હોય તો તેવો વ્યવસાય કરતી બહેનોને બાળકનું વજન બરાબર ન વધે, ગર્ભની આસપાસનું પ્રવાહી સુકાઈ જાય વગેરે પ્રશ્નો થઈ શકે છે. આ પ્રમાણેના શારીરિક આરામ ઉપરાંત માનસિક આરામ અને આનંદિત જીવન જરૂરી છે. આ સમય દરમિયાન ગર્ભવતી બહેનોએ મનગમતું કાર્ય, ભરતગૂંથણ, ચિત્રકલા, સંગીત વગેરેમાં મન પરોવવું આવકાર્ય છે.

સગર્ભાવસ્થા દરમિયાન કસરત કરવાના ફાયદા

કસરતો શારીરિક અને માનસિક રીતે સંતોષ ઉત્પન્ન કરનારી હોય છે. તેના બીજા ફાયદાઓ નીચે પ્રમાણે છે.

પ્રસૂતિ માટે તૈયાર કરે છે

સુસંગઠિત સ્નાયુઓ અને સ્વચ્છ હૃદય પ્રસૂતિને ખરેખર વધારે સરળ બનાવે છે. શ્વાસોચ્છ્વાસ પર ગર્ભવતી બહેનનો કાબૂ, દુખાવો સહન કરવા માટે ઉપયોગી નીવડે છે અને પ્રસૂતિના લાંબા દુઃખદાયી પ્રસંગને ધીરજપૂર્વક સહન કરવાની શક્તિ આપે છે.

મન આનંદિત રહે છે

જરૂર પ્રમાણેની કસરતોથી કમરનો દુખાવો મટી શકે છે. આ કસરતો ખાસ કરીને કમર, પેટ અને જાંઘના સ્નાયુઓને સંગઠિત કરે તેવી હોય છે. તેનાથી આંતરડાનું કામ વધુ પ્રજ્વલિત બનવાથી ગેસનું પ્રમાણ ઘટાડે છે. સગર્ભાવસ્થાના અંતઃસ્ત્રાવોથી સાંધાઓ ઢીલા પડયા હોય તેને પણ સુસંગઠિત કરે છે.
મગજમાંથી ‘એન્ડોર્ફીન’ નામનો રાસાયણિક પદાર્થ ઉત્પન્ન થાય છે : જેનાથી સગર્ભા બહેનોને આનંદ અને સંતોષની લાગણી થાય છે.

વ્યસનો

ગર્ભવતી બહેનોએ વ્યસનમુક્ત હોવું ખાસ જરૂરી છે. તમાકુનું સેવન, દારૂનું સેવન કરવાથી બાળકના વિકાસ પર આડ અસર થાય છે. જેને Intra Uterine Growth Retardation-IUGR કહે છે.

સગર્ભાવસ્થા દરમિયાન લેવાતી દવાઓ

સામાન્ય રીતે બધી જ દવાઓ માતાના લોહીમાં ભળતી હોય છે. આથી શરૂઆતના બેથી અઢી મહિના દરમિયાન ડોકટરી સલાહ વગર કોઈપણ પ્રકારની દવા લેવી જોઈએ નહીં.

સગર્ભાવસ્થા દરમિયાન લેવાતી રસીઓ

સગર્ભાવસ્થા દરમિયાન માતા અને ગર્ભસ્થ બાળક બંનેનું ધ્યાન રાખવું પડે છે. આથી અમુક રસીઓ બાળક અને માતા બંને માટે જરૂરી છે. જ્યારે અમુક રસીઓ માતા માટે જરૂરી છતાં બાળક માટે હાનિકારક હોય છે. સૌથી અગત્યની રસી ધનુરવા પ્રતિકારક રસી છે. જેનાં બે ઈન્જેકશન એકથી દોઢ મહિનાને અંતરે મૂકવામાં આવે છે. પહેલાં તે પાંચમા, છઠ્ઠા અને સાતમા મહિને આપવામાં આવતાં જે હવે મહિના રહ્યાની જાણ થતાં બને તેટલા જલદી મૂકવામાં આવે છે.
જો સગર્ભાવસ્થા દરમિયાન હડકવા, કમળો (હિપેટાઈટીસ બી), કોલેરા, પ્લેગ, વગેરે જેવા રોગના દર્દી સાથે સંપર્ક થયો હોય અથવા ઝેરી સાપ કરડયો હોય તો વિશેષ પ્રકારની રોગપ્રતિકારક રસી ઉપરાંત તેની રસી (Immunogbulins) મૂકી શકાય છે. કેમ કે રોગોથી માતાને જાનનું જોખમ ઊભું થાય છે અને જો માતાની જાન જોખમમાં મુકાય તે ગર્ભમાંના બાળકની જિંદગી પણ જોખમાય છે.

સ્ત્રોત: નારી, ગુજરાત સમાચાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/29/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate