অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રસૂતિ દરમિયાનના ભયસૂચક ચિન્હો અને લક્ષણો

નીચેનામાંથી એક પણ નિશાની જણાય તો પ્રસૂતાને તાત્કાલિક નજીકના દવાખાનામાં ખસેડવી જોઈએ.
  • પ્રસૂતિના તબક્કાઓ તેના ઉચિત સમય કરતાં વધુ સમય સુધી પૂરા ન થાય.
  • ડિલિવરી થતાં પહેલાં બાળકની નાડ બહાર આવી જવી.
  • આંચકીઓ આવવી.
  • એકાએક અંધાપો આવી જવો.
  • પ્રસૂતિનો દુખાવો ખૂબ હોય, લાંબો ચાલ્યા બાદ એકાએક બંધ થઈ જાય.
  • બાળકની ડિલિવરી બાદ ઓર બહાર ન આવે. ખૂબ રક્તસ્ત્રાવ થાય કે ગર્ભાશયની કોથળી ઊંધી થઈને બહાર આવી જાય.
  • પ્રસૂતિ બાદ ખૂબ તાવ આવે, પેટમાં દુઃખે અને યોનિમાર્ગ વાટે પરુ આવે.

પ્રસૂતિ દરમિયાન નવજાત શિશુની સંભાળ

બાળકનો પ્રસવ થયા બાદ તરત જ તેનું મોં નાક પાતળા (મલમલ જેવા) રૂમાલથી સાફ કરી નાખવું જોઈએ.

બાળક જન્મ બાદ તરત જ ન રડે તો બાળકને ઊંધું ન કરવું. પગના તળિયે હળવી ટપલી મારવી કે ઠંડા-ગરમ પાણીની છાલક મારવી જેથી કરીને તે રડવા લાગશે. જો તો પણ ન રડે તો તેના મોં પર મોઢું મૂકીને બાળકને શ્વાસોશ્વાસ કરવામાં મદદ કરો ને બાળકને તત્કાલિક હોસ્પિટલમાં ખસેડો.

આખું શરીર કોરા કપડાંથી લૂછી લેવું જોઈએ અને ડેટોલમાં ધોઈને તડકામાં સૂકવેલા સ્વચ્છ સુતરાઉ કપડાંમાં બાળકને લપેટી દેવું જોઈએ.

બાળકને સ્વચ્છ, કોરા, ચોખ્ખા કપડાંમાં વીંટીને માતાની બાજુમાં સુવાડવામાં આવે છે અને તેને સ્તનપાન કરાવતાં શીખવવામાં આવે છે.

પિતાની ફરજો

પ્રસૂતિકાળ દરમિયાન પિતાએ તેની પત્નીની સાથે જ રહેવું જોઈએ અને તેને માનસિક આધાર આપવો જોઈએ. આથી પ્રસૂતા બહેનનું દુઃખ ઓછું થઈ જાય છે અને તેની દુઃખ સહન કરવાની નૈતિક હિંમત વધે છે.

તેમણે પત્નીના આરોગ્ય અંગે જાગ્રત રહીને જરૂર પડયે પત્નીને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી, બિનસરકારી હોસ્પિટલમાં ફેરવવા માટે તૈયાર રહેવું જોઈએ.

બે બાળક બાદ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવાની સંમતિ પણ સરળતાથી આપવી જોઈએ.

માતાના ધાવણની જરૂરિયાત અને ઉપયોગિતા

જન્મતાવેંત બાળકને માતાની બાજુમાં સુવાડીને સ્તનપાન કરાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આથી માતા અને બાળક વચ્ચેના ગાઢ સંબંધની શરૂઆત થાય છે અને તે ધાવણ ઝડપથી અને પૂરતા પ્રમાણમાં લાવવામાં મદદ કરે છે. માતાનું ધાવણ બાળકને ફક્ત પોષણ પૂરું પાડે છે એટલું જ નહિ, પરંતુ ખાસ કરીને શ્વસનતંત્ર અને આંતરડાના રોગો સામે રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. જેથી બાળક વારંવાર બીમાર પડતું નથી. તે કુદરતી રીતે જ આવે છે. તેનું મૂલ્ય અમૂલ્ય છે. માતાના ધાવણ અંગે વધુ માહિતી હવે પછીના એકમોમાં આપવામાં આવી છે.

બાળઉછેર: ડૉ. હર્ષદ કામદાર. ગુજરાત સમાચાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate