অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગર્ભાવસ્થા દરમિયાન રાખો આટલી દેખભાળ

ગર્ભાવસ્થા દરમિયાન રાખો આટલી દેખભાળ
માતા અને શિશુના સ્વાસ્થ્ય સંબંધિત સમગ્ર વિશ્વભરમાં એ જ અનુભવ છે કે જ્યાં પણ નિયમિત તપાસ (એન્ટીનેટલ કેર) અને દેખભાળની સુવિધાઓ છે ત્યાં માતાનું સ્વાસ્થ્ય સારું રહેતું હોય છે તેમ જ શિશુ પણ સારા અને સ્વસ્થ રહે છે. જ્યાં તપાસ નથી થતી ત્યાં શિશુ અને માતામાં કોમ્પ્લિકેશન્સ તેમ જ મૃત્યુ દર વધારે હોય છે.
ગર્ભાવસ્થા લગભગ નવ મહિના અને સાત દિવસ (280 દિવસ)ની હોય છે. આ સમયગાળા દરમિયાન નાની-મોટી તકલીફ રહેવી સામાન્ય વાત છે અને તેની ઉપર અનેક વિષય ઉપર સલાહ, માર્ગદર્શન, ઈલાજ, નિયમિત તપાસ લેવી જરૂરી હોય છે.

પહેલી તપાસ ક્યારે અને ક્યાં?

એકવાર પોતાના ઘરે દિવસ ચઢ્યા બાદ તમારો પ્રેગ્નન્સી ટેસ્ટ કરો અને એ ટેસ્ટ પોઝીટીવ આવે તો તમે ગર્ભવતી છો. દોઢ અથવા પોણા બે મહિના પર તેની પહેલી તપાસ માટે કોઈપણ નજીકની હોસ્પિટલ, મેટરનિટી હોમ અથવા પ્રાથમિક ચિકિત્સા કેન્દ્ર પર જઈ શકો છો. તમારા ડોક્ટર તમને સ્વાસ્થ્ય અંગે, જૂની અથવા પારિવારીક બીમારી વિશે, ડાયાબિટીસ, હાઈપર ટેન્શન, ટીબી, કોઈ બાળકમાં જન્મજાત ખામી વિશેના ઉંડાણપૂર્વક સવાલ જવાબ કરશે અને ત્યારબાદ તમારી શારિરીક તપાસ કરવામાં આવશે. તમારું વજન તેમ જ બ્લડ પ્રેશર ચેક કરવામાં આવશે. ત્યારબાદ તમારા લોહીની તપાસ કરવામાં આવશે જેમાં હિમોગ્લોબીન, બ્લડ ગ્રુપ, ફાસ્ટીંગ સ્યુગર, થાઈરોઈડ, હિપેટાઈટીસ બી, એચઆઈવી ટેસ્ટનો સમાવેશ થાય છે. તમારા યુરિનની પણ તપાસ કરવામાં આવે છે અને એક સોનોગ્રાફી પણ કરવામાં આવે છે. આ બધા રિપોર્ટમાં કોઈ ખરાબી જણાય તો તેનો યથાયોગ્ય ઉપચાર કરવામાં આવે છે. આ દરમિયાન તમને ફોલિક એસિડ (એક પ્રકારનું વિટામીન) આપવામાં આવે છે જે લેવું ખૂબ જરૂરી છે કેમ કે તેનાથી બાળકનું મગજ અને સ્પાઈનલ કોર્ડ (કરોડરજ્જુ) સારી રીતે વિકસીત થાય છે. શરૂઆતના બે-ત્રણ મહિનામાં બેચેની લાગવી, ઉલ્ટી આવવી સામાન્ય વાત હોય છે અને એના માટે તમે દવા લઈ શકો છો.

ત્યારબાદ તમને સાત મહિના સુધી દર મહિને તપાસ માટે બોલાવવામાં આવે છે. આઠમા મહિને દર પંદર દિવસે અને નવમા મહિને દર અઠવાડિયે તપાસ માટે બોલાવવામાં આવે છે. જો હાઈ રિસ્ક પ્રેગ્નન્સી હોય જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, જોડિયા બાળકો તો જલ્દી પણ બોલાવી શકે છે.

ચોથા મહિનાના અંત સુધીમાં (15/16 સપ્તાહે) આપના ડોક્ટક તમારો ટ્રીપલ માર્કરના ટેસ્ટ કરાવશે એનાથી એ ખબર પડે છે કે આપના બાળકને ડાઉન્સ સિન્ડ્રોમનો ખતરો તો નથી ને. તમારી દરેક વિઝીટ પર તમારું વજન, બ્લડ પ્રેશર, યુરિન ટેસ્ટ, હિમોગ્લોબીન ચેક કરવામાં આવે છે અને ડોક્ટર બાળકના વિકાસની પણ તપાસ કરે છે તેમજ આપને ડાયટ તેમજ કસરતો વિશે પણ માહિતગાર કરે છે.

પાંચમાં મહિને આપની એકવાર સોનોગ્રાફી કરવામાં આવે છે જેને ડિટેઈલ એનોમાલી સ્કેન કહે છે આનાથી બાળકમાં જો કોઈ શારિરીક ખામી જેવી કે હૃદયમાં છેદ, કપાયેલા હોઠ અથવા તાળવું, મગજનો વિકાસ વગેરે વિશે જાણકારી મેળવી શકાય છે.ગર્ભાવસ્થા દરમિયાન તમારો આહાર પોષ્ટીક હોવો જોઈએ કેમ કે તમે જે ખોરાક આરોગો છો તેનાથી તમારા બાળકને પોષક તત્વો તેમ જ ઊર્જા મળી રહે છે. તમારા ડોક્ટર તમને આયર્ન, કેલ્શિયમ તેમજ પ્રોટીન સપ્લીમેન્ટ આપે છે તેનાથી તમારા તેમજ ગર્ભમાં રહેલા બાળકના શરીરમાં લોહીની કમી નથી થતી તેમજ હાડકાં પણ મજબૂત રહે છે. સમયસર સંતુલિત ભોજન લેવું દરેક ગર્ભવતી મહિલા માટે ખાસ જરૂરી છે, તાજો ખોરાક ખાવાનો જ આગ્રહ રાખવો જોઈએ. નાસ્તામાં તમે ઉપમા, પૌંઆ, ઈડલી, પરોઠા, દૂધ તેમજ ફળ વગેરે લઈ શકો છો. 10-11 વાગે કોઈપણ ફળ, 8-10 બદામ અથવા લસ્સી લઈ શકો છો. લંચમાં રોટલી, શાક, દાળ-ભાત, છાસ લઈ શકો છો. 4-5 વાગે કોફી અથવા ચ્હા ની સાથે બિસ્કીટ અથવા ખાખરાનો હળવો નાસ્તો લેવો સારો. રાત્રે સુપ, શાકભાજી વગેરે લઈ શકો.

ખોરાકની સાથે સાથે તમારે કસરત કરવી પણ એટલી જ જરૂરી છે. ચાલવું, હરવું-ફરવું સૌથી સારું માનવામાં આવે છે અગર તમને તરતા આવડતું હોય તો એ પણ એક સારી કસરત છે. પાંચ-પાંચ મિનીટ સવારે અને સાંજે તમે ઊંડા શ્વાસ લો, પ્રેગ્નન્સી દરમિયાન કોઈપણ નવી કસરત પોતાના મન પ્રમાણે શરૂ ના કરવી.

પ્રેગ્નન્સી દરમિયાન ટીટેનસની બે રસી પણ એક-એક મહિનાના અંતરમાં આપવામાં આવે છે તેમ જ ત્રીજા મહિને ઈન્ફ્લુએન્ઝાની રસી પણ આપવામાં આવે છે. જો તમને ગર્ભાવસ્થા દરમિયાન ક્યારે પણ એવું લાગે કે આપને વધારે તાવ છે, યોનિ માર્ગમાંથી લોહી આવે છે, માથામાં અસહ્ય દુખાવો છે, આંખો સામે અંધારા જેવું લાગે કે બાળકનું ફરવું ઓછું થઈ ગયું છે તો તુરત જ તમારા ડોક્ટરનો સંપર્ક કરો.

ચોથા મહિનાના અંત સુધીમાં ટ્રીપલ માર્કરના ટેસ્ટ કરાવો એનાથી એ ખબર પડે છે કે આપના બાળકને ડાઉન્સ સિન્ડ્રોમનો ખતરો તો નથી ને.

ડો ઉષા બહોરા, ગાયનેકોલોજિસ્ટ, નવગુજરાત હેલ્થ© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate