অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્તનપાનની જગ્યાએ ‘ફોર્મ્યુલા મિલ્ક'નું ચલણ

સ્તનપાનની જગ્યાએ ‘ફોર્મ્યુલા મિલ્ક'નું ચલણ

દરેક બાળક માટે સ્તનપાન ઉત્તમ છે પ્રકૃતિએ દરેક બાળક માટે તેની માતાનું ધાવણ ઉત્તમ હોય એવી રચના કરેલ છે. જેમકે ગાયનું દૂધ તેના વાછરડા માટે, અને બકરીનું દૂધ તેના બચ્ચા માટે. પરંતુ છેલ્લા અમુક વર્ષોથી, આધુનિકીકરણની અસર હેઠળ અને માર્કેટિંગના લીધે સ્તનપાનની જગ્યાએ ફોર્મ્યુલા મિલ્ક (કૃત્રિમ દૂધ) નું ચલણ ખુબ જ વધી ગયું છે. વિવિધ કંપનીઓ એવા દાવા કરે છે કે તે દૂધ ખુબજ પોષણક્ષમ છે, આ પ્રકારની ભ્રામક જાહેરાતો જોઈ માતા અંજાઈ જઇ એવું વિચારે છે કે આ કોઈ વિશેષ બનાવટથી એમના બાળકને વિશેષ પોષણ મળશે. હકીકતમાં ઘણાને ખબર જ નથી હોતી કે આ કહેવાતા ફોર્મ્યુલા મિલ્ક ખરેખર ગાયના દૂધમાંથી બનાવવામાં આવે છે. તો શું આ ફોર્મ્યુલા મિલ્ક માતાનાં ધાવણ ની બરાબરી કરી શકે ? ના, ક્યારેય નહી. માતાનું ધાવણ ફક્ત દૂધ જ નહિ પરંતુ એક જીવંત પ્રવાહી છે, તેમાં જુદાજુદા ૩૦૦ પ્રકારના પોષક તત્વો રહેલા છે
WHO, UNICEF, AAP, તથા IIAP ની ભલામણો અનુસાર બાળકનાં ઉત્તમ સ્વાસ્થ્ય માટે
  1. જન્મ પછી તરત માતાનું ધાવણ આપવું.
  2. ૬ મહિના સુધી ફક્ત માતાનું ધાવણજ આપવું. (ઉનાળામાં પણ ફક્ત માતાનું ધાવણ જ આપવું).
  3. ૬ મહિના બાદ ઘરમાં બનાવેલો ખોરાક ( તૈયાર બેબી ફૂડ નહિ ) અને ધાવણ આપવું..
  4. ધાવણ ઓછામાંઓછુ બે વર્ષ સુધી આપવું..

હવે જોઈએ સ્તનપાન/ધાવણના બાળક માટે શું ફાયદા છે તથા બાળકના સંપૂર્ણ વિકાસ માટે સ્તનપાન શા માટે અનિવાર્ય છે. બાળકના જન્મ પછીના તરતના ઘટ્ટ ધાવણ (colostrum) ને પ્રવાહી સોનું (Liquid Gold) ની ઉપમા આપવામાં આવે છે. તે ખુબજ અમુલ્ય, પોષકતત્વો તથા ગુણો થી ભરપુર હોય છે. તેમાં નવજાત શિશુના આંતરડા મજબુત કરવા માટે પ્રોટીન, વિટામીન તથા પોષકતત્વો હોય છે જે કોઈ પણ ફોર્મ્યુલામાંથી કે ઉપરના દૂધમાંથી ન મળી શકે. નવજાત શિશુ ની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેમજ તેને ચેપી રોગો સામે રક્ષણ આપવા માટે કોલોસ્ટ્રમમાં ભરપુર માત્રામાં એન્ટીબોડીઝ અને અગણિત રોગપ્રતિકારક તત્વો હોય છે. કોલોસ્ટ્રમ ને બાળક માટે પહેલી રસી પણ કેહવાય છે.

સ્તનપાનથી બાળક માતાની હુંફમાં રહે છે, તેથી તેનું તાપમાન જળવાઈ રહે છે, ઉપરાંત તેના શરીરમાં સુગરનું પ્રમાણ પણ જળવાઈ રહે છે. ઓછા વજન અને અધૂરા મહીને જન્મેલા બાળક માટે આ ખુબજ ફાયદાકારક છે. સ્તનપાનથી ભાવનાત્મક સલામતી તથા બંધન મળે છે, જેના પરિણામે નવજાત શિશુનું રડવાનું ઓછુ રહે છે.

સ્તનપાન બાળકના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે. સ્તનપાન કરવાથી બાળકના જડબાનો વિકાસ સરસ થાય છે, જે બાળકના સ્પીચ ડેવલપમેન્ટમાં મદદ કરે છે. ઉપરાંત સ્તનપાન કરતા બાળકમાં કાનના ચેપ નું પ્રમાણ ખુબ ઓછુ રહે છે. ફક્ત સ્તનપાનમાં જ જરૂરી માત્રામાં DHA, ARA, Lactose, HMO જેવા પોષક તત્વો હોય છે, જે મગજ અને આંખના વિકાસ માટે અત્યંત જરૂરી હોય છે. સ્તનપાન કરાવવાથી બાળક ની પાંચેય ઇન્દ્રિયો નો સર્વાંગી વિકાસ થાય છે. તે માતાને જોવે છે, તેની સુગંધ લે છે, માતાનાં ધબકારા, શ્વાસોશ્વાસ સાંભળે છે, માતાનો સ્પર્શ અને ધાવણમાંથી વિવિધ સ્વાદ અનુભવી પોતાની પાંચેય ઇન્દ્રિયો નો વિકાસ કરે છે. સંશોધનો મુજબ સ્તનપાન કરેલ બાળક નો બુદ્ધિઆંક ૩ પોઈન્ટ વધુ હોય છે.

સ્તનપાન બાળક ને પેશાબના ચેપ, ઝાડા, શ્વાસના રોગો, એલર્જી અને અસ્થમા સામે રક્ષણ આપે છે. સ્તનપાનથી વાર્ષિક ૩,૯૦,૦૦૦ ઝાડાના કેસ, ૩૪,૩૬,૫૬૦ ફેફસાના રોગોના કેસ, ૧,૫૬,૦૦૦ બાળમૃત્યુના કેસ ઘટે છે. આજે મેદસ્વીતા અને ડાયાબીટીસના કેસ પ્રમાણમાં ખુબ વધી રહ્યા છે, સ્તનપાન બંને સામે રક્ષણ પુરૂ પાડે છે. દર ત્રણ માંથી એક નવા ડાયાબીટીસના કેસ ને અટકાવે છે. સ્તનપાનથી અમુક પ્રકારના કેન્સર સામે પણ રક્ષણ મળે છે. માતાનાં ધાવણ થકી બાળક જુદાજુદા સ્વાદના સંપર્કમાં આવે છે, એટલે જયારે બાળક ૬ મહિનાનું થાય તો તે picky eater નથી થતો.

માતાનું દૂધ બાળકની ઉંમર મુજબ (અધૂરા માસે જન્મેલા બાળકની માતાનું ધાવણ પુરા માસે જન્મેલા બાળક કરતા જુદું) દિવસ દરમ્યાન (સવારનું ધાવણ સાંજ કરતા જુદું) તેમજ બીમાર બાળકની માતાનાં ધાવણમાં રોગપ્રતિકારશક્તિના તત્વો વધારે સાજા બાળકની માતાનાં ધાવણના પ્રમાણમાં વધુ હોય છે. આ બધી વિશેષતાઓ બજારમાં ઉપલબ્ધ ફોર્મ્યુલા મિલ્ક કે ઉપરના દૂધ માં હોતી નથી.સ્તનપાન ફક્ત બાળક માટે જ નહિ માતા માટે પણ અત્યંત ફાયદાકારક છે. પ્રસુતિ પછીનો તબક્કો માતાનાં માનસિક આરોગ્યમાટે ખુબ જ અગત્યનો હોય છે, સ્તનપાનથી બાળક અને માતા બંનેનો માનસિક તણાવ ઓછો થાય છે અને post partum depression ઘટે છે. ઉપરાંત સ્તનપાન કરાવવાથી માતાનાં હાડકા મજબુત બને છે તથા લોહીની ઉણપ સામે રક્ષણ મળે છે. સ્તન અને અંડાશયના કેન્સર નું જોખમ ઘટે છે. માતા જેટલો લાંબો સમય ધાવણ આપે છે, એટલું વધારે સ્તન કેન્સર સામે રક્ષણ મળે છે. સ્તનપાન માત્ર થી દરવર્ષે ૪૯૧૫ સ્તનકેન્સર થી થતા મૃત્યુ અટકાવી શકાય છે. સ્તનપાન કુદરતી રીતે અનિચ્છનીત ગર્ભ અટકાવે છે. સ્તનપાન બાળક, માતા ઉપરાંત સમાજ માટે પણ ખુબ જરૂરી છે. તે Eco Friendly, Economic અને Easy છે. આટલા ફાયદા હોવા છતાં સ્તનપાનનું પ્રમાણ ઘટી રહ્યું છે તથા ઘણીબધી ગેરસમજો પ્રવર્તી રહી છે.

નવી માતા સતત ચિંતામાં રહે છે કે એનું ધાવણ બાળક માટે પુરતું હશે કે નહિ ?? બાળક રડે, ઓછુ ઊંઘે, વધારે ધાવણ લે, કે વારંવાર ધાવણ લે. કોઈપણ સ્થિતિ હોય કારણ એક જ માની લેવામાં આવે છે કે “માતાને ધાવણ ઓછુ છે”. સામાન્ય બાળ વર્તણુક નું અધુરૂ જ્ઞાન હોવાને કારણે આ પ્રકારની માન્યતાઓ પ્રવર્તતી હોય છે. માતાનું ધાવણ લેતું બાળક અને ફોર્મ્યુલા લેતા બાળકની સરખામણી શક્ય જ નથી, કારણકે તેમની ખોરાક ની આદત તથા ઊંઘવાની આદતો અલગ અલગ હોય છે. જન્મ પછી નો પ્રથમ બે અઠવાડિયાનો સમય બાળક તથા માતા માટે ખુબ જ અગત્ય ના હોય છે. માતાનાં શરીર માં અંતઃસ્ત્રાવો ના ફેરફાર, રોજીંદા જીવન માં આવતો ફેરફાર, ઊંઘવાની આદતોમાં થતો ફેરફાર અને એક નવજાત શિશુ ની જવાબદારી ને કારણે, એને સતત ભય રહે છે કે તે બાળકને બરાબર સાચવે છે ? પોષણ પૂરું પાડે છે ? માતાને ક્યારેક guilt, ખિન્નતા, મિજાજમાં પરિવર્તન, આત્મવિશ્વાસ ની ઉણપ જેવી સમસ્યાઓ થાય છે. આ સમયે માતાને હુંફ, સહકાર, પ્રેરણા અને સહયોગ ની ખુબજ જરૂર હોય છે.

દરેક બાળકને સ્તનપાન મળે તે માટે ગર્ભાવસ્થા દરમ્યાન જે માતાને સ્તનપાન વિશેષજ્ઞ(Lactation Consultant) દ્વારા સચોટ માર્ગદર્શન, જન્મ પછી તરત અને ૬ મહિના સુધી ફક્ત માતાનું ધાવણ, માતાને પૂર્ણ માનસિક સહકાર, સારું પૌષ્ટિક ભોજન અને સ્તનપાનમાં કઈ પણ તકલીફ અનુભવાય તો સ્તનપાન વિશેષજ્ઞ ની તાત્કાલિક સલાહ લેવી. સ્તનપાન કુદરતી છે પણ સિઝેરિયન ડીલીવરી, અધૂરા માસે જન્મેલા બાળક, બાળકને NICU માં દાખલ કરવાના લીધે ક્યારેક આ નૈસર્ગિક પ્રક્રિયામાં અવરોધ આવી શકે છે, તો એ દરમ્યાન તાત્કાલિક સ્તનપાન વિશેષજ્ઞ ની સલાહ લેવી.

મારા અનુભવોમાં જોયું છે કે, જેવું બાળક ૪ મહિનાનું થાય ત્યારે ઘરના વડીલો માતાને ગાયનું દૂધ કે ફળનો જ્યુસ શરુ કરવાની સલાહ આપે છે. એવી ગેરમાન્યતા છે કે, માતાનું દૂધ બાળક ને પુરતું નહિ પડે, પરંતુ હકીકત એમ છે કે પહેલા ૬ મહિના સુધી ફક્ત માતાનું ધાવણ જ બાળક માટે સંપૂર્ણ અને પુરતો ખોરાક હોય છે. બાળકના આંતરડા પૂર્ણ વિકસિત હોતા નથી; એવા સમયે જો ધાવણ સિવાય કંઈ આપવામાં આવે તો બાળક ને એલર્જી તથા ભવિષ્યમાં એલર્જી જન્ય રોગો જેવા કે અસ્થમા, સ્કીન એલર્જી, વગેરે થવાની શક્યતા રહે છે. બીજી ગેરસમજ જે મારા અનુભવોમાં મેં જોઈ છે કે બાળક ૧ વર્ષ નું થતા ધાવણ બંધ કરી દેવાનું. “બાળક ને ટેવ પડી જશે” આ કારણ સૌથી વધુ સાભળવા મળે છે. સ્તનપાન ફક્ત બાળકને પોષણજ નથી આપતું, તે એના માનસિક, બૌદ્ધિક અને ભાવનાત્મક વિકાસ માટે પણ હોય છે. બાળક ને હુંફ અને સલામતી આપે છે. બાળકના મગજનો, જન્મ પછી ૮૦ % જેટલો વિકાસ પહેલા ૩ વર્ષમાં થાય છે, મગજના વિકાસ માટેના પૌષ્ટિક તત્વો ફક્ત અને ફક્ત માતાનાં ધાવણમાં જ હોય છે, તેથી ઓછામાંઓછુ ૨ વર્ષ સુધી માતાનું ધાવણ આપવું. ધાવણ સાથોસાથ ૬ મહિના બાદ ઘરનો ખોરાક પણ શરુ કરવો.

સ્તનપાન / ધાવણ એ નવજાત શિશુની જરૂર જ નહિ એનો “જન્મસિદ્ધ હક્ક” છે.એક નવજાત બાળકની ફક્ત ૩ માંગ હોય છે. પોતાની માતાનાં હાથમાં હુંફ, ધાવણ, અને માતાની હાજરી રૂપે સલામતી. સ્તનપાન કરાવવાથી આ ત્રણેય માંગો સંતોષાય છે.

ડૉ. પ્રાચી શાહ. બાળરોગ નિષ્ણાત તથા સ્તનપાન વિશેષજ્ઞ. નવગુજરાત હેલ્થ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate