অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્તનપાન છે નવજાત બાળક માટે અમૃતપાન

સ્તનપાન છે નવજાત બાળક માટે અમૃતપાન

”

અત્યારે વિશ્વભરમાં 'વલ્ડ બ્રેસ્ટ ફીડીંગ વીક' એટલે કે "વિશ્વ સ્તનપાન સપ્તાહ" ની ઉજવણી ચાલી રહી છે. વલ્ડ એલાયંસીસ ફોર બ્રેસ્ટ ફીડીંગ એક્શન કે જે WABA તરીકે પણ ઓળખાય છે તેના દ્વારા દર વર્ષે ઓગષ્ટ મહિનાના પ્રથમ અઠવાડીયામાં એટલે કે 1 થી 7 ઓગષ્ટ દરમિયાન "વિશ્વ સ્તનપાન સપ્તાહ" ની ઉજવણી થાય છે. આનો હેતુ મહિલાઓને નવજાત બાળકોના સ્વસ્થ ઉછેર માટે સ્તનપાનની અગત્યતા અને ફાયદાઓથી માહિતગાર કરવાનો છે. ખરેખર તો સ્તનપાન એ નવજાત બાળકની તંદુરસ્તી માટે અમૃતપાન છે. સ્તનપાન કરાવતી ધાત્રી માતાઓએ પોતે પણ પોતાના ભોજનની યોગ્ય કાળજી લેવી જોઈએ. જેથી કરીને માતાના દૂધનું પોષણમુલ્ય જળવાય રહે અને માતાના શરીરમાં પણ પોષકતત્વોની ઉણપ ન સર્જાય. આનાથી ધાત્રી માતા અને નવજાત બાળક એમ બંનેનું સ્વાસ્થ્ય અને પોષણનું સ્તર જળવાય રહે છે. શીશુના જન્મ પહેલાના નવ મહિના સુધી માતા અને માતાના ભોજનની જેટલી કાળજી લેવાય છે તેટલી જ કાળજી શીશુના જન્મ પછીના પહેલા છ મહિના સુધી અચૂક લેવી જોઈએ. કેમકે શીશુ જન્મ પછીના શરુઆતના છ મહિના સંપૂર્ણ રીતે માતાના દૂધ પર નિર્ભર હોય છે. શીશુની ભોજન અને પોષણ સંબંધી પ્રત્યેક જરુરીયાતો, ત્યાં સુધી કે પાણીની જરુરીયાત પણ ફક્ત અને ફક્ત માતાના દૂધમાંથી જ પૂરી પડે છે. નવી ગાઈડલાઈંસ પ્રમાણે શીશુને શરુઆતના છ મહિના ફક્ત માતાનું દૂધ આપવાનું હોય છે. બહારની કોઈ જ વસ્તુ નહીં એટલે કે પાણી પણ નથી આપવાનું હોતું. આવે વખતે માતાનું દૂધ પૂરતી માત્રામાં બધા પોષક તત્વો ધરાવે અને દૂધ પણ પૂરતી માત્રામાં આવે તે માટે કેટલીક બાબતોની કાળજી લેવી જરુરી થઈ પડે છે.

પહેલા તો આપણે માતાના દૂધના ફાયદા ક્યા છે તે જોઈએ. શીશુ માટે શરુઆતના છ મહિના માતાનું દૂધ એ જ સંપૂર્ણ આહાર છે. માતાનું દૂધ શીશુને જરુરી બધા જ પોષકતત્વો પૂરતી માત્રામાં ધરાવતું હોય છે. અન્ય કોઈ દૂધ કે બહારના આહારની સાપેક્ષે માતાનું દૂધ એ શીશુને માટે એકદમ સહજતાથી પચી જતો આહાર છે. બાળકના જન્મ પછી સૌ પ્રથમ આવતું દૂધ એ ચીકણું-પીળું પ્રવાહી હોય છે. આ દૂધને કોલસ્ટ્રમ તરીકે ઓળખાય છે. શરુઆતનું આ કોલસ્ટ્રમ દૂધ જેવો સફેદ રંગ ધરાવતું ન હોવાથી ઘણી વખત સાચી સમજણના અભાવે માતાઓ શીશુને આ દૂધ પીવડાવતી નથી. ઘણી વખત ઘરના વડીલો જૂનવાણી માન્યતાઓને સાચી માની લઈ આ કોલસ્ટ્રમને બાળકને પચવામાં ભારે પડશે એવું માની તેને પીવડાવવાની મનાઈ કરે છે. હકીકતે બાળક માટે કોલસ્ટ્રમએ પ્રોટીન, વિટામીન અને રોગપ્રતિકારક દ્રવ્યોનો ખજાનો સાબિત થાય છે. આથી જ માતાનું પહેલું દૂધ બાળકને અવશ્ય પીવડાવવું જોઈએ. માતા શિશુને જન્મ આપ્યા પછીના પહેલા અડધા કલાકથી બાળકને સ્તનપાન કરાવવાનું શરુ કરી શકે છે.

માતાના દૂધની બીજી ખાસીયત જોઈએ તો તે સ્તનમાંથી સ્ત્રાવ થઈ સીધું જ શિશુ દ્વારા ગ્રહણ કરાતું હોવાથી તેમાં કોઈપણ પ્રકારની દુષિતતા ભળી શકતી નથી. વળી, આ દૂધ માતાના શરીરના તાપમાને ગરમ થયેલું હોય છે. આથી બાળક માટે દૂધનું તાપમાન વધુ પડતું ઠંડુ કે ગરમ નહીં પણ એકદમ સાનૂકૂળ હોય છે. માતાના દૂધમાં રહેલા રોગપ્રતિકારક દ્રવ્યો બાળકને બીમારીઓ અને ચેપથી બચાવે છે. માતાના દૂધમાંથી બાળકને શક્તિ, પ્રોટીન, વિટામીન, ખનીજક્ષારો ઉપરાંત વૃધ્ધિકારક પરીબળો, અને ચયાપચયની ક્રિયા માટે ખૂબ જરુરી એવા ઉત્સેચકો અને અંતસ્ત્રાવો પણ મળી રહે છે.

અભ્યાસો એવું દર્શાવે છે સ્તનપાન માતા અને બાળક બંને માટે ફાયદાકારક છે. વિદેશોમાં મહિલાઓ પોતાનું શરીરસૌષ્ઠવ જાળવી રાખવા માટે થઈને બાળકને સ્તનપાનને બદલે બોટલના દૂધ પર ઉછેરતી હોય એવું વ્યાપક રીતે જોવા મળતું. પણ અભ્યાસો દર્શાવે છે કે જ્યારે માતા પોતાના બાળકને સ્તનપાન કરાવે છે ત્યારે દૂગ્ધસ્ત્રાવી ગ્રંથીઓ સમયાંતરે નવા દૂધનું નિર્માણ કરે છે. દૂધ બનતી વખતે માતાના શરીરની ચરબી અવશોષાઈને દૂધમાં ચરબી રુપે ભળી શીશુને પોષણ આપે છે. આમ જે માતા શીશુને સ્તનપાન કરાવતી હોય તે સગર્ભાવસ્થા પછી પોતાનું વધેલું વજન અને શરીર પરની ચરબી ઝડપથી ગુમાવે છે અને સગર્ભાવસ્થા પહેલાનું વજન પુન: પ્રાપ્ત કરી લે છે. અભ્યાસો એવું પણ દર્શાવે છે કે પ્રસુતી પછી સ્તનપાન કરાવતી માતાઓ નું ગર્ભાશય ઝડપથી સંકોચાઈને મૂળ કદ પ્રાપ્ત કરી લે છે અને સ્તનપાન કરાવતી માતાઓમાં સ્તનકેંસરના કિસ્સો ઓછા જોવા મળે છે. આટલું જ નહીં સ્તનપાનને લીધે માતા અને બાળક વચ્ચે સ્નેહ અને પ્રેમનો સેતુ બંધાય છે. નવજાત શીશુ પોતાની માતાના સ્પર્શને ઓળખતું થાય છે અને સલામતી અને હૂંફનો અનુભવ કરે છે.

શિશુના જન્મના પહેલા જ દિવસે સ્ત્રવતા દૂધની માત્રા ધીમે-ધીમે  વધતી જાય છે. અને શીશુના જન્મના બીજા મહિના સુધીમાં દૂધની માત્રા તેના અત્યાધિક સ્તરે પહોંચી જાય છે. માતા દ્વારા શિશુના જન્મના પહેલા 6 મહિનામાં રોજનું લગભગ 750 મીલીલીટર જેટલું દૂધ ઉત્પન્ન કરાય છે. જે શિશુ માટે એકદમ પર્યાપ્ત હોય છે. છ મહિના પછી આ દૂધની માત્રા થોડી ઘટે છે અને રોજનું સરેરાશ 600 મીલી લિટર જેટલું દૂધ ઉત્પન્ન થાય છે. છ મહિના પછી બાળકની વૃધ્ધિ-વિકાસને અનુરુપ બાળકની પોષણકીય જરુરીયાતો વધી જાય છે અને આથી જ તેને વીનીંગ ફૂડ તરીકે ઓળખાતા સપ્લીમેંટ્રી ફૂડ આપવાની જરુર પડે છે.

માતાના દૂધમાં પહેલા છ મહિના બાળકના વિકાસ માટે અતિ આવશ્યક એવા ડોકોઝાહેક્ઝોઈક એસીડ (DHA) ની માત્રા પર્યાપ્ત હોય છે. જન્મના શરુઆતના છ મહિનામાં શિશુના મગજના વિકાસ માટે DHA અતિ આવશ્યક હોય છે. આને લીધે અભ્યાસોમાં એવું જોવા મળ્યું છે કે જે બાળકો વિશેષત: માતાના દૂધ ઉપર ઉછર્યા હોય તેમનો  માનસીક વિકાસ યોગ્ય અને પર્યાપ્ત થાય છે.

જે બાળકો બહારના આહાર પર ઉછરતા હોય છે તેની સાપેક્ષે માતાના દૂધ પર ઉછરતા બાળકો વધુ તંદુરસ્ત હોય છે, આવા બાળકોમાં ઝાડા, કબજીયાત અને પાચનતંત્રના ચેપી રોગો તેમજ શ્વસનતંત્રના રોગો ઓછા થતા જોવા મળે છે. માતાના દૂધમાં રહેલું બીફીડસ ફેક્ટર શિશુના પાચનતંત્રમાં ઉપયોગી બેક્ટેરીયાને ઉછરવાનો મોકો આપે છે અને હાનીકારક સૂક્ષ્મજીવાણુઓને ઉછરવા દેતું નથી. આના પરીણામે બાળક તંદુરસ્ત રહે છે. શિશુમાં અતિસાર કરતા ઈ-કોલાઈ પ્રકારના બેક્ટેરીયા અને હાનીકારક સૂક્ષ્મજીવાણુઓનો નાશ કરતા એંટીબોડી, લેક્ટોફેરીન અને રોગપ્રતિકારકતા આપતા ઈમ્યુનોગ્લોબ્યુલીન A પણ માતાના દૂધમાં રહેલા હોય છે.

સ્તનપાન ના સમયગાળા દરમિયાન માતાએ પોતાના ખાન-પાન અને દવાઓનું વિશેષ દ્યાન રાખવું જોઈએ. કેમકે માતા જે કાંઈ ખાય છે તેમાંથી મળતા પોષકતત્વો અને હાનીકારક રસાયણો બંને દૂધમાં ભળે છે. આથી જ સ્તનપાન કરાવતી માતાએ તમાકુ, દારુ, સીગરેટ કે અન્ય કોઈ વ્યસનોથી દૂર રહેવુ જોઈએ. આટલું જ નહીં જરુર ના હોય તો બીનજરુરી દવાઓ કે ટીકડીઓ ખાવાનું ટાળવું જોઈએ.

સ્ત્રોત  : ડૉ. પ્રીતિ એચ. દવે, આસીસ્ટંટ પ્રોફેસર (ફૂડ એંડ ન્યુટ્રીશન), સ.દાં. કૃષિ યુનિવર્સીટી, સરદારકૃષિનગર.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate