સ્તનપાન માતા અને બાળક વચ્ચે મધુર સંબંધની શરૂઆત છે. આમ તો જન્મ અગાઉ જ માતા અને બાળક વચ્ચે એક ગહન અને મધુર સંબંધ બની જાય છે પણ સ્તનપાન પછી આ સંબંધ વધુ ગાઢ બને છે. સ્તનપાન શિશુ અને માતા બંને માટે જીવનદાયી છે. તેનાથી બાળકનો શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિકાસ થાય છે. આ સાથે જ તેનાથી માતાને પણ અનેક લાભ થાય છે અને તેથી માતા પોતાના બાળકને આદિ કાળથી દૂધ પીવડાવતી આવી છે.
વિશ્વમાં 1થી 7, ઓગસ્ટ સુધી ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ' મનાવવામાં આવે છે. ભારતમાં પણ તેના માટે વિવિધ સ્તરે સંબંધિત વિભાગો દ્વારા પ્રચાર-પ્રસાર અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષનું થીમ – બ્રેસ્ટ ફીડિંગ: ફાઉન્ડેશન આૅફ લાઈફ (સ્તનપાન ‘જીવનનો પાયો') છે પરંતુ એ ધ્યાન રાખવું જોઈએ કે જો આપણે માતૃત્વ મૃત્યુદર અને શિશુ મૃત્યુ દર ઓછો કરવો હોય તો એવા કાર્યક્રમો વર્ષભર ચલાવવા પડશે.
જન્મ પછી છ થી આઠ મહિના સુધી બાળક માટે માતાનું દૂધ જ સર્વોત્તમ છે. આ માતા અને બાળક બંને માટે લાભદાયી હોય છે. પ્રસૂતિ પછી, માતાના સ્તનોમાંથી નીકળનારૂં પ્રથમ પીળું ઘાટું દૂધ શિશુ માટે સૌથી વધુ લાભદાયી હોય છે. માતાના પ્રથમ દૂધને શિશુ માટે પ્રથમ રસીકરણ પણ કહે છે. આ દૂધમાં શિશુની રોગપ્રતિકારક ક્ષમતા વધારવાની અદભૂત તાકાત હોય છે, જેનાથી શિશુ બીમારીઓ તેમજ ચેપ સામે આસાનીથી લડી શકે છે. પરંતુ આપણા દેશમાં આજે પણ સ્તનપાનને લઈને મહિલાઓમાં અનેક ખોટી ધારણાઓ વ્યાપેલી છે જેના કારણે માતા અને બાળક બંનેને સ્તનપાનના ફાયદાથી વંચિત થવું પડે છે. આંકડાઓ મા જોઈએ, સેંકડો બાળકોને અકારણ સ્વાસ્થ્ય સમસ્યાઓ માત્ર એટલા માટે થાય છે કેમકે તેમને માતાનું દૂધ મળતું નથી. જો તમામ નવજાત શિશુ પ્રથમ 6 મહિના ફક્ત માતાનું દૂધ પીએ તો દર વર્ષે સેંકડો બાળકોનું જીવન બચાવી શકાય છે અને લાખો અન્ય બાળકોનાં સ્વાસ્થ્ય અને વિકાસને ઘણા ખરા અંશે સુધારી શકાય છે.
એ માન્યતા બદલી નાખો કે સ્તનપાન કરાવવાથી માતાને નુકસાન થાય છે. માતાનું દૂધ જ શિશુ માટે સર્વોત્તમ દૂધ હોય છે. મહિલાઓમાં સ્તનપાન પ્રત્યે જાગૃતિના હેતુથી દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહ મનાવવામાં આવે છે જેમાં મહિલાઓને સ્તનપાનના મહત્ત્વ અંગે જણાવવામાં આવે છે અને શિશુઓને જન્મના છ મહિના સુધી માત્ર માતાનું દૂધ પીવડાવવા માટે ખાસ કરીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. છ મહિના ઉપરાંત શિશુને ઉપરનો ખોરાક આપવો જોઈએ જેથી ઉછરતા અને વિકસિત થતા બાળકોને પર્યાપ્ત પોષણ પ્રાપ્ત થઈ શકે.
માતાનું દૂધ સમસ્ત પ્રકારના કુપોષણને અટકાવે છે. બાળક માટે આ એન્ટિબોડીઝનું કામ કરે છે. જન્મ પછી છ મહિના સુધી બાળકને પાણી કે અન્ય પદાર્થ ન આપવો જોઈએ. માત્ર માતાનું દૂધ જ પર્યાપ્ત હોય છે. આ બાળકોમાં ડાયેરિયા ,ન્યુમોનિયા જેવી તમામ બીમારીઓ થવાના જોખમને 10-15 ગુણા ઓછુ કરી દે છે.
સ્તનપાન માત્ર બાળક માટે જ નહી પણ માતા માટે પણ લાભદાયી હોય છે.
યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડના એક સંશોધન અનુસાર દૂધ પીવડાવતી મોટાભાગની મહિલાઓમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ 10 ગણુ ઓછું થાય છે.
બાળકને સ્તનપાન ક્યાં સુધી કરાવવું, ઘણીવાર મહિલાઓને એ વાતનો ખ્યાલ હોતો નથી. જન્મ પછી તરત જ સ્તનપાન કરાવવાનું શરૂ કરી દેવું જોઈએ. એ સમયે બાળક સ્તનપાન કરતા સૌથી ઝડપથી શીખી શકે છે તથા તેને માતાનું પ્રથમ દૂધ એટલે કે કોલેસ્ટ્રમનો પૂરેપૂરો લાભ મળી શકે છે. બાળકને જન્મ બાદ ઓછામાં ઓછા છ મહિના સુધી સ્તનપાન કરાવતા રહેવું જોઈએ. જો શક્ય હોય તો બે વર્ષ સુધી માતાનું દૂધ પીવડાવવું જોઈએ પણ સાથે પૌષ્ટિક આહાર પણ આપવો જોઈએ.
અનેકવાર સ્તનોમાં દૂધ ભરાવાથી તે કઠણ થઈ જાય છે. એવું ન બને એ માટે બાળકને જલદી અને પુરેપુરું દૂધ પીવડાવવું જોઈએ. જો તેમ છતાં આવું બને તો વધારાના દૂધને કાઢીને તમે સુરક્ષિત રાખી શકો છો.
સામાન્ય તાપમાનમાં આ દૂધને ચાર થી છ કલાક સુધી રાખી શકો છો તથા ફ્રિજના ફ્રિજર કમ્પાર્ટમેન્ટમાં તેને પાંચ દિવસ સુધી રાખી શકો છો પરંતુ તેને ૩ દિવસ દરમિયાન વાપરી લેવુ એ હિતાવહ છે. બાળકને સ્તનપાન ‘ડિમાન્ડ ફીડ'(જ્યારે બાળક ને ભૂખ લાગે ત્યારે)પર જ કરાવવું જોઈએ. બંને સ્તનમાંથી ઓછામાં ઓછું 10થી 15 મિનિટ સુધી દૂધ પીવડાવવું જોઈએ.
સિઝેરિયન પ્રક્રિયાથી શિશુને જન્મ આપનારી મહિલા સ્તનપાન કેવી રીતે કરાવે.
સ્ત્રોત: ડૉ કીર્તિ નાહર. કન્સલ્ટન્ટ ઓબસ્ટ્રેટિક્સ & ગાયનેકોલોજિસ્ટ (રેફ.: નવગુજરાત હેલ્થ )
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020
સ્તનપાન તથા છ મહિના બાદનું ભોજન વિશેની માહિતી