બાળકનો શારીરિક તથા માનસિક વિકાસ જન્મથી લઈને શરૂઆતના ૫ વર્ષ સુધી ખૂબ ઝડપથી થતો હોય છે. ખાસ કરીને મગજનો વિકાસ પહેલા પાંચ જ વર્ષમાં ૯૦% જેટલો થઇ જાય છે. આ વિકાસની ઝડપમાં જો બાળકને આહારરૂપી ઈંધણ ઇચ્છનીય રીતે પુરું ન પડે તો ન પૂરી કરી શકાય તેવી ખોટ સર્જાતી હોય છે. અધૂરી માહિતી સચિંત માતા-પિતાને પણ બિનજરૂરી ખર્ચાળ ટોનિક્સ તથા શક્તિવર્ધક પાઉડર તરફ પ્રેરે છે.
સ્તનપાન : બાળક જન્મે તેની સાથે જ સ્તનપાનની શરૂઆત કરી દેવી જોઈએ. ૬ મહિના સુધી માતાનું ધાવણ એ સંપૂર્ણ આહાર છે. સફળતાપૂર્વક સ્તનપાન કરવા માટે માતાને યોગ્ય માર્ગદર્શન, આત્મવિશ્વાસ તથા કોઈપણ પ્રકારની અન્ય શારીરિક તકલીફનું નિવારણ અને પૌષ્ટિક આહાર તથા પુષ્કળ પ્રમાણમાં પાણી જરૂરી છે.
યોગ્ય પોઝિશન પણ સ્તનપાન માટે જરૂરી છે. આ ઉપરાંત બાળકને એકતરફ વળગાડીને સંપૂર્ણ ખાલી ન થાય ત્યાં સુધી સાઈડ બદલવી નહિ. આ વખતે જમણી બાજુ પહેલા ધાવણ આપ્યું હોય તો બીજી વાર ડાબી બાજુ પહેલા ધાવણ આપવું જેથી Foremilk & Hindmilk એમ બન્નેનો ફાયદો મળે.
ધાવણ આપતી માતાએ ઘરનો રાંધેલો પૌષ્ટિક આહાર લેવો. કઠોળ, દાળ, અંકુરિત અનાજ, એ પ્રોટીનનો Source છે. દૂધ તથા દૂધની બનાવટો અને કેળા, કેલ્શિયમ પુરું પાડે છે તથા લીલા શાકભાજી, ખજૂર, ગોળ, બીટ, અંજીર વગેરે લોહતત્વ પૂરું પાડે છે. આ ઉપરાંત ફળફળાદી તથા વિવિધ શાકભાજી લેવા. ધાવણ એ બાળકના આહારનું Customized solution છે. માતાનો વૈવિધ્યપુર્ણ આહાર બાળકની સ્વાદ અને સુગંધની ગ્રંથિ પર અસર પાડે છે, તે બાળકને વિવિધ પ્રકારના સ્વાદ પરિચિત કરાવે છે. જયારે બાળકને આહાર આપીએ ત્યારે આ પરિચિતતા એ છ મહિના પછી બાળકને નવા નવા પ્રકારના ખોરાક સરળતાથી સ્વીકાર કરવામાં મદદ કરે છે.
૬ મહિના પછી પણ માતાનું ધાવણ બાળકને પોષણનો ૫૦-૬૦% ભાગ પૂરો પાડે છે. આ ઉપરાંત બાળક માંદુ પડે ત્યારે બધાજ ખોરાક લેવાનું બંધ કરે છે. ત્યારે માત્ર ધાવણ જ સરળતાથી લઇ શકે છે. આ ઉપરાંત શ્વાસ તથા ચેપી રોગોનું પ્રમાણ ધાવણ લેતા બાળકમાં ઘણું ઓછું જોવા મળે છે. આથી છ મહિના પછી પૂરક આહાર સાથે માતાનું ધાવણ બે વર્ષ સુધી ચાલુ રાખવું હિતાવહ છે. ૬ મહિના બાદ બાળકને દાળનું પાણી કે ભાતનું પાણી આપવાથી બાળક લઇ લે તો પણ તેની Caloric=30kcl/100ml હોય જે ધાવણની 70kcl/100ml કરતા ઘણી ઓછી હોય છે. આથી બાળક ઘટ આહાર કે જેમાં Calories 70-80kcl /100ml હોય તે લઇ શકે તે કારણથી પણ ૬ મહિના પછી જ પૂરક આહાર ચાલુ કરવાની સલાહ આપવામાં આવે છે.
આશરે આંગળીથી ચટાડી શકાય તેવી ઘનતાનો ખોરાક બાળક લઇ શકે છે. જે હાથથી મસળીને તૈયાર કરવો વધારે હિતાવહ છે. મિક્સર કે ગ્રાઈન્ડરના ઉપયોગથી બાળક ખોરાક ના Textureથી પરિચિત થતું નથી. આ પરિચિતતા પાછળથી બાળકને Complex textureના ખોરાક લેવામાં મદદ રૂપ નીવડે છે.
આ ઉપરાંત છુંદેલુ સફરજન, કેળું કે ચીકુ તથા બાફેલું બટાકુ કે શક્કરિયું આપી શકાય. ખોરાકમાં કેલેરી વધારવા ગોળ, ઘી કે તેલનો ઉપયોગ કરી શકાય. બને ત્યાં સુધી ખાંડ, મીઠું અને Artificial flavour કે Preservativeનો ઉપયોગ ન કરવો. અેક સ્ટડી મુજબ બાળકને ૮-૧૦ વાર એક જ ખોરાક ધરીએ અને બાળક ન સ્વીકારે તો જ સમજવું કે બાળકને આ ખોરાક ભાવતો નથી. આ ઉપરાંત એકનો એક ખોરાક વારંવાર આપવાથી ભવિષ્યમાં બાળક તે ખોરાક સરળતાથી લેવા લાગે છે. WHO એ ખોરાકના વિવિધ ગ્રૂપ પાડેલ છે. જો એ પાંચ/સાત ગ્રૂપમાંથી ઓછામાં ઓછા ૪ ગ્રૂપ ખોરાકમાં હોય તો સમજવું કે એ બાળકના આહારની સંપૂર્ણતાની નજીક છે.
ન્યુનતમ આહારની Frequency કે જે દિવસમાં ૩-૫ વાર હોવી જોઈએ, ન્યુનતમ આહારની Variatity એટલે કે વૈવિદ્ય એ ઓછોમાં ઓછા ખોરાકના ૪ પ્રકારના ગ્રુપ હોવા જોઈએ.
વિવિધ પ્રકારની દાળ, કઠોળ, અનાજનો ઉપયોગ કરવો. મિક્સદાળ કે મિક્સ અનાજ કે જે લોટનો ઉપયોગ કરવાથી વૈવિધતા ઉપરાંત સારૂ પોષણ મેળવી શકાય. અનાજ/કઠોળને શેકવા, (Roasting) આથવાથી (Fermatation) અને ફણગાવવાથી (Germination) તેની પૌષ્ટિકતા વધારી શકાય છે.
બાળકને વિટામિન-ડી તથા Iron ડોક્ટરની સલાહ મુજબ આપી શકાય. ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ નો ઉપયોગ ટાળવો. ચિપ્સ, તળેલી વસ્તુઓ, બેકરીની આઈટમ, ચોકલેટ, આઈસક્રીમ, ઠંડા પીણાં તથા મેંદાનો ખોરાક ટાળવો. બાળકનું વધારે પડતું વજન કે મેદસ્વીપણું એ પણ એક કુપોષણનો પ્રકાર છે. જેને ટાળવા નીચેના સૂચનનો ઉપયોગ કરી શકાય.
બાળકનો વિકાસ એ બાળકનું જેનેટિક બંધારણ, માતા પિતાનો બાંધો ને કદ-કાઠી બાળકનું જન્મ સમયનું વજન તથા પરિપક્વતા (Maturity) અને બાળકના સંતુલિક પૌષ્ટિક આહાર ઉપર નિર્ભર કરે છે.
આથી ક્યારેય આપણા બાળકની તુલના બીજા બાળકની સાથે કરવી નહિ. બાળકનો વિકાસ અને આહાર બરાબર છે કે નહિ તે માટે આપના બાળરોગ નિષ્ણાતનો અભિપ્રાય લેવો. જેમ તમે બીમારી કે રસીકરણ માટે સલાહ લો છો તેમ તેમાં આડોશી-પાડોશી કે સગાવ્હાલાની સલાહ કોઈવાર માતાની ચિંતામાં ઉમેરો કરી શકે છે.
ડૉ. મિનોલ અમીન, બાળરોગ નિષ્ણાત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020