অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નવજાત શિશુના સર્વોત્તમ આહાર માટે સ્તનપાન શ્રેષ્ઠ વિકલ્પ

નવજાત શિશુના સર્વોત્તમ આહાર માટે સ્તનપાન શ્રેષ્ઠ વિકલ્પ

નવજાતને માતાનું દુગ્ધપાન કરાવવાથી સંપૂર્ણ પોષણ મળે છે. શિશુના સર્વાંગી વિકાસમાં માતાનું દૂધ અત્યંત આવશ્યક પરિબળ છે. વર્તમાન સમયમાં ઘણાં કારણો અને ગેરસમજને કારણે મહિલાઓ પોતાના નવજાત શિશુને પૂરતું સ્તનપાન કરાવતી નથી. અલબત્ત, આ બાબતે જાગૃતિ વધી છે જે ખૂબ આવકારદાયક અને આવશ્યક બાબત છે. કહેવાય છેકે આ ધરતી પર નવજાત માટે માતાનું દૂધ સર્વોત્તમ પોષણ છે. વધારે યોગ્ય રીતે કહીએ તો માતાનું દૂધ આશીર્વાદ તથા ભેટ સમાન છે, એટલાં માટે જ શિશુને માતાનું દૂધ આપવાનું ભારપૂર્વક કહેવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં પણ આ બાબતે યોગ્ય પ્રચાર-પ્રસાર અને જાગૃતિ ફેલાય તે આશયથી પ્રતિવર્ષ 1 થી 7 ઑગષ્ટ હેપ્પી વર્લ્ડ બ્રેસ્ટ ફિડિંગ વીક મનાવવામાં આવે છે.

શા માટે નવજાત માટે સ્તનપાન અગત્યનું પોષણ કહેવાય છે?

  • જો માતા દ્વારા નવજાતને સ્તનપાન કરાવવા આવે તો તેના કારણે માતા અને શિશુ વચ્ચે કુદરતી રીતે જ મજબૂત સ્નેહ અને લાગણીસભર એકાત્મતા સધાય છે.
  • જ્યારે બાળક સ્તનપાન કરતું હોય ત્યારે માતાનું દૂધ યોગ્ય તાપમાન વાળું જ તેને મળી રહે છે .
  • શિશુને જ્યાં અને જ્યારે દૂધની આવશ્યક્તા હોય ત્યાં અને ત્યારે માતા દ્વારા સ્તનપાન કરાવવાથી શિશુની ભૂખ સંતોષાય છે.
  • માતાને સ્તનપાન કરાવતી વખતે સૌ પ્રથમ વખત જે દૂઘ આવે તે પ્રમાણમાં જાડું અને પ્રચૂર માત્રામાં પ્રોટિન સહિત આવશ્યક તત્વોવાળું હોય છે. જેને કોલૉસ્ટરમ કહેવામાં આવે છે. ધરતી પર નવું જીવન શરૂ કરવામાં નવજાતને આ દૂધ ખૂબ મદદરૂપ બને છે.
  • બાળકના જન્મબાદ શરૂઆતના કેટલાક દિવસોમાં આવું જાડું દૂધ આવ્યા પછી ક્રમશ: સામાન્ય દૂધ આવતું થઈ જાય છે.

શું માતાનું દૂધ પોષણયુક્ત અને બાળકની આવશ્યકતા અનુસાર આવે છે?

  • પોષણની દ્રષ્ટીએ માતાનું દૂધ બાળક માટે સંતુલિત અને સંપૂર્ણ ખોરાકની ગરજ સારે છે .
  • સામાન્ય રીતે તેના ઘટકોનું વિભાજન કરીએ તો, 87% પાણી, 1% પ્રોટિન, 7% કાર્બોહાઈડ્રેડ, 4% ફેટ તથા અન્ય મીનરલ્સ અને વિટામિનનું પ્રમાણ 1% જેટલું હોય છે .
  • માતાનું દૂધ બાળક માટે સુપાચ્ય હોય છે અને તેના પેટ તથા આંતરડાંના રોગો સામે રક્ષણ પણ આપે છે.
  • કુદરતની રચના અનુસાર માતાના સ્તનમાં બાળકની આવશ્યક્તા અનુસાર દૂધ બને છે, જો બાળકની આવશ્યકતા વધારે હોય તો, દૂધ પણ વધારે માત્રામાં બને છે.

બાળકના સર્વાંગી વિકાસમાં માતાનું દૂધ કેટલું ઉપયોગી છે?

  • માતાનું દૂધ બાળકને કુપોષણથી બચાવે છે. બાળકની યોગ્ય આહાર-સુરક્ષા પણ સચવાય છે .
  • વિકસતા દેશોમાં બાળકના જીવનના શરૂઆતના છ માસમાં માતા દ્વારા સ્તનપાન ખૂબ જ ઉપયોગી બની રહે છે.
  • નવજાતના અકાળે થતા અવસાનની શક્યતાને ઘટાડે છે.
  • નવજાત અને બાળકોમાં થતા વિવિધ રોગો જેવાકે, લ્યુકેમિયા, ઝાડા થવા, એલર્જી, શરદી, અસ્થમા વિગેરેમાં રોગો સામે પ્રતિકારશક્તિ વધે છે.
  • માતાના દૂધમાં રહેલું ફેટી એસીડ બાળકના મગજને વિકસાવવામાં મદદરૂપ થાય છે.
  • ડાયબિટીઝ ટાઈપ-01, બાળપણમાં થતી મેદસ્વીતાની તકલિફ, પેટની સમસ્યાઓ વિગેરે જટિલ રોગો સામે રક્ષણ આપે છે.
  • હેલ્થકેર એક્સપર્ટ્સના મતે બાળકને જન્મના પહેલા છ માસ સુધી માત્ર માતાનું દૂધ જ આપવું જોઈએ. જન્મના પહેલા છ માસ સુધી અન્ય પ્રવાહીની જરૂર નથી હોતી. ત્યારબાદ બે વર્ષ સુધી બાળકને સ્તનપાન કરાવી શકાય છે.

શું માતાનું દૂધ આપવાથી બાળકની રોગપ્રતિકારક શક્તિ વધે છે?

  • ચોક્કસપણે બાળકની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
  • બાળકના પહેલા ઈમ્યુનાઈઝેશન તરીકે માતાનું પહેલું દૂધ(કોલોસ્ટ્ર્મ્સ) કહેવામાં આવે છે.
  • લગભગ પ્રતિદિન શિશુના શરીરમાં 0.25-0.5 ગ્રામ IgA અન્ટિબોડિઝ માતાના દૂધ મારફતે જાય છે, જેમાં મુખ્ય ભૂમિકા કોલોસ્ટ્ર્મ્સની હોય છે. જેના કારણે બાળકના પેટમાં રહેલા અનેક અતિસુક્ષ્મ કિટાણુંઓનો નાશ થાય છે. આ સિવાય પેટમાં રહેલાં અન્ય બેક્ટેરીયાનો પણ નાશ કરે છે.

વર્તમાન સમયમાં જો માતા ઈચ્છે તો તેના શિશુ માટે દૂધને અગાઉથી પણ કાઢી લઈ શકે છે. દૂધ કાઢવા માટે મસાજ દ્વારા અથવા બ્રેસ્ટ પંપનો ઉપયોગ કરી શકાય છે. તેને સ્ટોર કરવા માટે બેગ અથવા કન્ટેનર કે બોટલમાં ભરી શકાય છે.

સ્ટોરેજ કરવાની જગ્યા

તાપમાન

મહત્તમ સમય

રૂમ માં

૨૫ ડીગ્રી સેન્ટીગ્રેડ

૬-૮ કલાક

ફ્રીજમાં

૪ ડીગ્રી સેન્ટીગ્રેડ

૪ દિવસ સુધી

ફ્રીજર માં

-૧૫ ડીગ્રી સેન્ટીગ્રેડ

બે અઠવાડિયા સુધી

 

નોંધ

  • જો તાત્કાલિક ઉપયોગમાં લેવું ન હોય તો, 1 કલાકની અંદર ફ્રીજમાં મૂકવું.
  • કન્ટેનરમાં રાખેલા દૂધ ને હૂંફાળા પાણીમાં રાખવું.
  • પીઘળેલું દૂધ 24 કલાકમાં ઉપયોગમાં લઈ લેવું.

જો માતાને પુરતુ દૂધ ન આવતુ હોય તો શું કરવું જોઈએ?

જો માતાને પુરતુ દૂધ ન આવતુ હોય તો અન્ય ધાત્રી માતાઓનું દૂધ પણ શિશુને આપી શકાય છે. જો શિશુની માતાને પૂરતુ દૂધ ન આવતુ હોય તો આવા કિસ્સાઓમાં અન્ય માતાઓ સ્વેચ્છાએ જો પોતાના શિશુની જરૂરીઆત ઉપરાંત વધારાનું દૂધ અન્ય શિશુઓ માટે આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કરી શકે છે.

સારાંશ એ છે કે, સ્તનપાન કરાવવાથી શિશુને અનેકાનેક લાભ થાય છે. ડબ્લ્યુ.એચ.ઓ. કહે છે કે નવજાત શિશુ માટે માતનું દૂધ સર્વોત્તમ પોષણ છે, જે તેના સર્વાંગી વિકાસ માટે ખૂબ આવશ્યક છે. આપણાં સમાજમાં નવી માતાઓને સ્તનપાનનો આગ્રહ રાખવા માટે પ્રોત્સાહન આપવું આપણી ફરજ છે.

ડૉ જયીતા ચૌધરી.કન્સલ્ટન્ટ, ક્રિટિકલ કેર ન્યુટ્રિશનિસ્ટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/22/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate