મધર કેરમાં બાળક અને માતાની ત્વચાને સંપર્કમાં રાખવામાં આવે છે. બાળકને માતાની ત્વચાની નજીક રાખવાથી બાળકના શરીરમાં ગરમી બની રહે છે અને માતાને સારી રીતે સાંભળી શકે છે, સૂંઘી શકે છે અને મહેસૂસ પણ કરી શકે છે. આ રીતે બાળક બધી જ ઈન્દ્રીયોથી માતાનો પ્રેમ મેળવે છે અને બાળકનું વજન જલ્દીથી વધે છે. કાંગારું મધર કેર માત્ર મા જ આપી શકે એ જરૂરી નથી. પિતા, નાની, દાદી પણ કાંગારુ મધર કેર આપી શકે છે. બાળકને સારી રીતે સંભાળતા શીખ્યા હોય તે વ્યક્તિ કાંગારુ મધર કેર આપી શકે છે. કાંગારુ મધર કેરની જાણકારી અને જાગૃતિથી બાળકોના મૃત્યુ દરને ઓછો કરી શકાય છે. સામાન્ય રીતે કાંગારુ કેરમાં બાળકોને માત્ર એક ડાયપર પહેરાવવામાં આવે છે અને બાળકને માતાની છાતી વચ્ચે રાખવામાં આવે છે. જેથી બાળકની ત્વચા માતાની ત્વચા સાથે સંપર્કમાં રહે છે.’
ઈ.સ. 1978માં દક્ષિણ અમેરિકાના કોલંબિયા દેશના બોગોટા નગરમાં અચાનક બાળ મૃત્યુદર વધવા માંડ્યો હતો ત્યારે ત્યાંના ડૉક્ટર એડ્જર રે અને ડૉક્ટર માર્ટિનેઝે બાળ મૃત્યુદર ઘટાડવા સ્કિન ટૂ સ્કિન કેર સારવાર અપનાવવાનો અનોખો પ્રયોગ હાથ ધર્યો હતો. જે રીતે કાંગારૂ માતા પોતાના નવજાતને શરીરથી ચોંટાડીને રાખે છે તેજ રીતે માતાઓ પણ પોતાના નવજાત શિશુઓને છાતીથી લગાડીને રાખે તો માતાના શરીરની ગરમીથી બાળકનું મોત નિપજતા અટકાવી શકાય. આ બંને ડૉક્ટરના આ પ્રયોગથી ખરેખર બાળ મૃત્યુદરમાં ઘટાડો થવા લાગ્યો હતો અને ત્યારથી આ કન્સેપ્ટ વિશ્વ આખામાં ધીમેધીમે પ્રચલિત થવા લાગ્યો હતો.
એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ આ પદ્ધતિ એટલે કે, ‘કંગારૂ મધર કેર' છેલ્લા 15 વર્ષથી ચાલે છે. જેના કારણે અત્યાર સુધી હજારો બાળકોને મોતના મોઢામાં જતા અટકાવી શકાયા છે. સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે આશરે આઠ હજાર માતાની ડિલિવરી થાય છે જેમાંથી આશરે 40 ટકા જેટલા બાળકો 2.5 કી.ગ્રા કરતા ઓછા વજનવાળા એટલે કે (લો બર્થ વેટ) સાથે જન્મે છે. આ બાળકોને ઠંડા પડવાનું અને ચેપ લાગવાનું જોખમ વિશેષ હોય છે. આમ તો બધા જ નવજાત શિશુને કાંગારૂ મધર કેરની સંભાળ આપી શકાય, પરંતુ ખાસ કરીને માંદાં, ઓછા વજનવાળા કે, અધુરા મહિને જન્મેલા બાળકોને તેની જરૂર હોય છે, પરંતુ આવા બાળકોને શરૂઆતની વિશેષ સારવાર આપ્યા બાદ સુધારો જણાય પછી જ કાંગારૂ મધર કેર પદ્ધતિની સારવાર આપવી હિતાવહ છે.
સિવિલ હોસ્પિટલના નવજાત શિશુ વોર્ડમાં 100થી વધુ બેડની વ્યવસ્થા છે. જેમાં હોસ્પિટલ ઉપરાંત સમગ્ર રાજ્ય તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં બાળકો વિશેષ સારવાર માટે આવતા હોય છે. યાદરાખો કે માંદા નવજાત શિશુને વિશેષ સારવાર માટે દવાખાને લઈ જતી વખતે રસ્તામાં કાંગારૂ મધર કેર પદ્ધતિની સંભાળ આપવી તે શિશુને સાચવવાનો ઉત્તમ ઉપાય છે. ગમે તે પુખ્તવયની સ્ત્રી અથવા પુરૂષ બાળકને કાંગારૂ મધર કેર આપી શકે છે. આ પદ્ધતિ બિન ખર્ચાળ અને ખુબજ સરળ છે તેમા કોઈ પણ જાતના સાધન સામગ્રીની જરૂર પડતી નથી. આ પદ્ધતિમાં બાળકને ટોપી, હાથપગના મોજા તથા લંગોટ પહેરાવી માતાના બે સ્તનની વચ્ચે માતા અને બાળકની ચામડીનો સ્પર્શ થાય તેવી રીતે રાખી માતા અને બાળકને સાડી, દુપટ્ટો અથવા ચાદર ઓઢાડવામાં આવે છે.
કાંગારૂ મધર કેર આપતી વેળા ઘણી વખત માતાને અકળામણ કે પરસેવો થાય, કંટાળો આવે, બાળક પેશાબ કે ઝાડો કરે તો સૂગ ચડવી, માતાને પીઠનો કે કમરનો દુઃખાવો થવો, કુટુંબીજનોનો સહકાર ન મળવો, માતાને શરમ અનુભવાય અથવા બાળક પડી જવાની બીક લાગે વગેરે જેવી માતાને સામાન્ય મુશ્કેલી થઈ શકે છે, પરંતુ આ મુશ્કેલી બાળક માટે જીવાદોરી હોય છે તે માતાએ ભુલવું ન જોઈએ. જેટલી ઝડપી બાળકને માતાનો સ્પર્શ મળે તે જલ્દીથી સાજુ થાય છે. હાઈપોથર્મિયાનના કારણે બાળકનું વજન ન વધે, શરીરમાંથી શુગર ઘટે તેમજ બાળકને ઈન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે.
બાળક સતત ઉંઘયા કરે કે, સતત રડ્યા કરે, ધાવણ ઓછુ લે અથવા બિલકુલ બંધ કરી દે, બાળકના શ્વાસોચ્છવાસ વધી જાય અથવા છાતી ઉછળતી હોય તેવું લાગે, શ્વાસ લેતી વખતે કણસવાનો અવાજ આવે, પાંસળીઓ વચ્ચે ખાડા પડે, તાવ આવે અથવા બાળકનું શરીર ઠંડુ પડે, પહેલા 24 કલાકમાં ઝાડો કે પેશાબ ન થાય, નખ-હોઠ-જીભ ભૂરા થઈ જાય, બાળક એકદમ પીળું થઈ જાય કે એકદમ ફીક્કુ પડી જાય તો તે લક્ષણો સારા નથી.
સ્ત્રોત: દિવ્યભાસકર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020