অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શિયાળામાં બાળકોને બીમારીથી દૂર રાખવા વિશેષ કાળજી જરૂરી

ભારત દેશમાં ત્રણ પ્રકારની ઋતુ હોય છે. શિયાળો, ચોમાસુ અને ઉનાળો સામાન્ય રીતે સ્વાસ્થ્યની દૃષ્ટિએ શિયાળો હેલ્ધી સિઝન કહેવાય. ચેપી રોગો જેવા કે ઝાડા-ઉલટી, ટાઈફોઈડ, કમળો મેલેરિયા વગેરે રોગો ખાસ કરીને ચોમાસામાં જોવા મળે છે.
ઉનાળામાં લૂ લાગવી, ઝાડા-ઉલટી, ટાયફોઈડ જેવા રોગો વિશેષ જોવા મળે છે.
શિયાળામાં સામાન્ય રીતે નીચે મુજબના રોગો બાળકોને વિશેષ પ્રકારે થાય છે

સામાન્ય શરદી (Common Cold) :

તાવની સાથે શરદી, નાકમાંથી પાણી નીકળવું, આંખો લાલ થવી સાથે સામાન્ય ઉધરસ, ગળામાં ઈન્ફેક્શન જોવા મળે છે.વાઈરસથી થતો આ રોગ 7થી 8 દિવસમાં મટી જાય છે. તાવ હોય તો પેરાસિટામોલ નામની દવા આપવી જોઈએ. નાક બંધ થઈ જાય અને શ્વાસમાં રૂકાવટ આવે ત્યારે નાકમાં પાડવાના ટીપાનો ઉપયોગ કરવો જોઈએ. બજારમાં મળતા કફ સીરપનો ઉપયોગ સામાન્ય રીતે બે વર્ષની નીચેના બાળકોમાં કરવો હિતાવહ નથી. તે ફાયદા કરતા નુકસાન પહોંચાડી શકે છે. સામાન્ય શરદીમાં એન્ટિબાયોટિક દવા આપવી જોઈએ નહીં. આદુ-હળદર-મધ જેવા ઘરગથ્થુ ઉપચાર ગળામાં રાહત આપે છે. ઠંડા પીણા-પદાર્થો લેવા નહીં. આરામ અને હલકો તાજો ખોરાક બાળકને શારીરિક શક્તિ પૂરી પાડે છે. સામાન્ય શરદી વાયરસથી થતો રોગ છે. એક અઠવાડિયા કરતા વધુ સમય માટે શરદી-ખાંસી ચાલુ રહે તો કાનમાં દુખાવો, કાન પાકવો અને સસણી, ન્યૂમોનિયા જેવા રોગો પણ થઈ શકે છે. આવા સમયે તાત્કાલીક બાળ નિષ્ણાત ડૉક્ટરોનો સંપર્ક સાધવો જોઈએ.

ઈન્ફ્લૂએન્ઝા

ઈન્ફ્લૂએન્ઝા નામના વાયરસથી થતા આ રોગને સામાન્ય રીતે ફ્લૂ તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગના લક્ષણો સામાન્ય શરદી જેવા જ હોય છે, પરંતુ ફ્લૂ વધારે ભયજનક રોગ છે. ફ્લૂ થાય ત્યારે બાળકના શરીરનું તાપમાન (102થી 104 ડિગ્રી) સુધી વધી જાય છે. ફ્લૂમાં શરીર દુખવું, સાંધા દુખવા, માથુ દુખવું, ઉધરસ અને શરદીની ફરિયાદ થાય છે. આવી સ્થિતિમાં શરૂઆતના તબક્કામાં યોગ્ય કાળજી લેવાય નહીં અથવા તો ફ્લૂનું નિદાન થાય નહીં તો બાળકને ન્યૂમોનિયા, શ્વાસનળી પર સોજો, મગજ પર સોજો, ખેંચ, હૃદયના સ્નાયુ પર સોજો વગેરે થઈ શકે છે.

આ રોગ ખૂબ ચેપી છે. ફ્લૂના દર્દીના સંપર્કમાં આવવાથી તેમજ શરદી-ઉધરસથી ફેલાતો આ રોગ છે. ફ્લૂ મટી જાય પછી પણ 3થી 4 દિવસ ફ્લૂના વાયરસનો ચેપ બીજા બાળકને લાગી શકે છે.

ઉપાયઃ સંપૂર્ણ આરામ, પુષ્કળ પ્રવાહી તેમજ હલકો ખોરાક લેવો. તાવ માટે પેરોસિટામોલ દવા લેવી.

ભયચિહ્નોઃ તાવનું પ્રમાણ વધતું જ રહે, શ્વાસ લેવામાં તકલીફ, વધારે ઉંઘવું, ખેંચ આવવી, લકવાની એસર દેખાય તો તાત્કાલીક સઘન સારવાર કેન્દ્રમાં જવું

અટકાવવાના ઉપાયઃ ફ્લૂની રસી ભારતમાં પણ ઉપલબ્ધ છે. છ મહિનાથી શરૂ કરીને કોઈ પણ ઉંમરની વ્યક્તિ ફ્લૂની રસી લઈ શકે છે.

વરાધ (બ્રોન્કો ન્યૂમોનિયા)

RSV (Respiratory syncytial virus) નામના વાયરસથી થતો આ રોગ સામાન્ય રીતે એક વર્ષની નીચેના બાળકોમાં જોવા મળે છે. આ રોગમાં સામાન્ય તાવ, શરદી, નાક બંધ થઈ જવું જેવા લક્ષણો દેખાય છે. ત્રણ દિવસના શરદી-તાવ પછી બાળકને ઉધરસ થાય છે અને ત્યાર પછી બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તાવની સાથે બાળકના શ્વાસનો દર ઉંચો જાય છે. છાતીના ધબકારા ખૂબ જ ઝડપી થાય છે અને તાત્કાલીક સારવારના અભાવે ક્યારેક બાળકના હોઠ, હાથ-પગ શ્યામ થઈ જાય છે અને ક્યારે શ્વાસ પણ અટકી જાય છે.

સામાન્ય રીતે 7થી 10 દિવસમાં બાળકને સારૂ થવા માંડે છે. કેટલાક અપવાદરૂપ દર્દીઓમાં બાળકને દાખલ કરી બહારથી ઓક્સીજન આપવો જરૂરી બને છે. રોગ કાબૂ બહાર જાય ત્યારે કૃત્રિમ શ્વાસોચ્છ્વાસની સારવારની જરૂર પડે છે. ખાસ કરીને અધુરા માસે જન્મેલા, ફેફસાંની જન્જાત ખામીવાળા તેમજ શારીરિક રીતે કુપોષણવાળા દર્દીઓમાં આ રોગ જીવલેણ બની શકે છે. આ રોગમાં એન્ટિબાયોટિક, સ્ટિરોઈડ તેમજ નેબ્યુલાઈઝેશન સારવારની જરૂર હોતી નથી.

Croup (Laryngotracheobronchitis)

સ્વરપેટી, શ્વાસનળી તેમજ શ્વાસનળીની નાની-નાની શાખાઓ પર આ રોગને કારણે સોજો આવે છે. શિયાળાની મધરાતે આ રોગ રૂદ્દ સ્વરૂપ ધારણ કરે છે. હસતા-રમતા બાળકને એકાએક કૂતરા ભસતા હોય તેવી ખાંસી, શ્વાસમાં તકલીફ તેમજ બોલવામાં તકલીફ થાય છે. બાળકના નાકના ફોંયણા ઉંચા નીચા થાય છે અને સાથે સ્વરપેટીમાંથી તીણો અવાજ આવે છે. યોગ્ય સારવારના અભાવે ક્યારેક બાળકને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શરૂઆતના તબક્કામાં જ્યારે બાળકને શ્વાસમાં તકલીફ પડતી ના હોય તો આ રોગની સારવાર ઘરે પણ થઈ શકે છે. ગંભીર દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી ઓક્સિજન સાથે નેબ્યુલાઈઝેશન અને ક્યારેક સ્ટીરોઈડની દવાનો ડોઝ પણ આપવો હિતાવહ છે. એન્ટિબાયોટિક દવાનો ઉપયોગ મદદરૂપ થતો નથી.

કાકડા

સ્ટેપ્ટોકોક્સ (Streptococci) નામના બેક્ટેરીયાથી થતો આ રોગ શાળાએ જતા 4થી 5 વર્ષના બાળકોમાં થઈ શકે છે. તાવ અને ગળાના દુખાવાના કારણે ખોરાક અથવા પાણી લેવામાં તકલીફ થાય છે. ગળાની નજીકની લસીકાગ્રંથિઓમાં સોજો આવે છે. Amoxicillin (એમોક્સિસીલીન) નામની દવાનો 10 દિવસનો કોર્સ પુરો કરવો ખૂબ જ આવશ્યક છે. કાકડા મટી જાય તો પણ 10 દિવસનો કોર્સ પુરો કરવાથી સાંધાનો તાવ (Rheumatic Fever) કે હૃદય પર આડ અસર (Rheumatic Heart Disease) થતી નથી.

ન્યૂમોનિઆ

શિયાળાની ઋતુમાં ન્યૂમોનિઆ નવજાત શિશુથી માંડીને કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. 30થી 40 ટકા દર્દીઓમાં ન્યૂમોનિઆ વાયરસથી થાય છે અને 60થી 70 ટકા દર્દીઓમાં બેક્ટેરીયાથી થાય છે. ન્યૂમોકોક્સ, સ્ટેફીલોકોક, માઈકોપ્લાઝમા જેવા બેક્ટેરીયા અગત્યનો ભાગ ભજવે છે. આ બેક્ટેરીયા લાગુ પડતા તાવની સાથે ઉધરસ, છાતીમાં દુખાવો અને શ્વાસમાં તકલીફ પડે છે. રોગના છેલ્લા તબક્કા દરમિયાન બાળક બેભાન થઈ જાય છે અને ક્યારેક ઓક્સિજનના અભાવે મૃત્યુ પણ થાય છે. Amoxicillin અને Amox-clav નામની એન્ટિબાયોટિક દવા અકસીર ગણાય છે. ન્યૂમોનિઆની સારવાર માટે ઘરે અખતરા કર્યા વગર તબીબી સલાહ મુજબ જ કરવી. ન્યૂમોનિઆ બાદ ક્યારેક ફેફસામાં પરૂ થાય છે તેને સર્જનની મદદથી દૂરબીન વડે કાઢવામાં આવે છે. ન્યૂમોકોક્સ અને હીબ ન્યૂમોનિઆની રસી હાલ ભારતમાં ઉપલબ્ધ છે. તેથી યોગ્ય સમયે ડૉક્ટરની સલાહ મુજબ બાળકને રસીકરણ કરાવવું જોઈએ.

સસણી (દમ-અસ્થમા)

એલર્જીની વિશિષ્ટ પ્રકૃતિવા‌ળા બાળકોને આ રોગ થાય છે. સસણી સામાન્ય રીતે હવામાન બદલાય ત્યારે થાય છે. કેટલાક બાળકોમાં શિયાળાની ઠંડી ઋતુઓમાં સસણીના હુમલાનો દર વધી જાય છે. બાળકને હાંફ ચઢે છે. દૂધ લેવામાં તકલીફ પડે છે. ક્યારેક હુમલો વધારે તીવ્ર હોય તો દાખલ પણ કરવામાં આવે છે. સસણી માટે નેબ્યુલાઈઝર તથા પંપની મદદથી દવા કરાવવામાં આવે છે.

સૂકી ચામડી-સાંધાનો દુખાવો

શિયાળાની ઋતુમાં ચામડી વારંવાર સૂકાઈ જાય છે. તેથી ચામડી પર લાલ ચકામા, ખંજવાળ, વાઢિયા પડે છે. કોઈપણ જાતનો તૈલી પદાર્થ, વેસેલીન કે ક્રિમ લગાવીને ચામડીનું જતન કરવું જોઈએ. જે બાળકોમાં સાંધાનો રોગ કાયમી રહે તેવા બાળકોને સાંધાની તકલીફ અને સાંધાના દુખાવા શિયાળા દરમિયાન ક્યારેક જટિલ બને છે. દાક્તરની સલાહ મુજબ દુખાવાનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ. શિયાળાની ઋતુમાં ઠંડીથી રક્ષણ આપવાની દરેક માતા-પિતાની જવાબદારી રહે છે. વધારે પડતી ઠંડી હોય ત્યારે કારણ વગર બાળકને લઈને બહાર નીકળવું નહીં. ખાસ કરીને નવજાત શિશુ અને ઓછા વજનવાળા બાળકો કે જેમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે તેવા બાળકો ઠંડીમાં આકસ્મીક રીતે મૃત્યુ પામે છે (Sudden Infant Death) બાળકને ગરમ હુંફાળા કપડા પહેરાવવા. માથુ, હાથ, પગ અને આખુ શરીર ઢંકાય તે રીતે સુરક્ષિત રાખો. સમતોલ આહાર, યોગ્ય પ્રમાણસર તૈલી પદાર્થોનું સેવન, સ્તનપાન અને સમયસર રસીકરણ મોટા ભાગના રોગોની સામે રક્ષણ આપે છે.

શિયાળાની ઋતુમાં ન્યૂમોનિઆ નવજાત શિશુથી માંડીને કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. 30થી 40 ટકા દર્દીઓમાં ન્યૂમોનિઆ વાયરસથી થાય છે અને 60થી 70 ટકા દર્દીઓમાં બેક્ટેરીયાથી થાય છે

લેખ : ડૉ. અભય શાહ (પિડિયાટ્રિશિયન)

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate