‘મારું બાળક જમતું જ નથી’ તે સરેરાશ દસમાંથી આઠ માતા-પિતાની આ જ ફરિયાદ હોય છે. જ્યારે તે બાળકનું વજન અને લંબાઈ માપવામાં આવે તો તે બાળક તેની ઉંમર પ્રમાણે સંપૂર્ણ તંદુરસ્તના માપદંડમાં આવે છે અને માનસિક વિકાસમાં પણ આગળ હોય છે.
છેલ્લા ૨૦ વર્ષથી આ પ્રશ્ન ખૂબ જટિલ બનતો જાય છે. આવું થવાના કારણો શું હોય છે? ખૂબ ઊંડાણપૂર્વક વિચારતા એક વાત ધ્યાનમાં આવે છે કે, માણસને જે કામ કરવામાં મજા આવે અને તે કામ પોતાના માટે જરૂરી છે તે સમજાય તો તે કામ માણસ ખૂબ આનંદપૂર્વક અને જાતે કરતો હોય છે.
આજકાલના બાળકોને જમવું પોતાના માટે જરૂરી છે અને જમવામાં આનંદ આવે તેવો સંબંધ કેળવવામાં જ નથી આવતો.
મોટાભાગના ઘરોમાં વિભક્ત કુટુંબ, એક અથવા બે બાળકો અને તેને જમાડવાવાળા ઘણા. બાળકને ભૂખ લાગી ન હોય તો પણ થાળી લઈને તેની પાછળ ફરવાનું, બાળકને ત્રાસ લાગે અને માતા થાળી કાઢે એટલે બાળક ઊંઘી દિશામાં દોડવાનું શરૂ કરે તે દૃષ્ય ખૂબ નિયમિત રીતે ભજવાતુ જોઈએ છીએ.
આજથી ૨૦-૩૦ વર્ષ પહેલા આ ફરિયાદ ન હતી. જો તેના કારણો શોધવામાં આવે તો આજનું બાળક કેમ જમતું નથી તે ખબર પડે.
પહેલા સંયુક્ત કુટુંબની પ્રથા હતી. તે સમયે એક જ ઘરમાં ૪-૫ કે તેથી વધારે બાળકો સાથે રહેતા. ખોરાકની માત્રા અને વિકલ્પો ખૂબ જ ઓછા રહેતા. ત્યારે દરેક બાળકને ખબર હતી કે જો હું જાતે જમીશ નહીં તો બીજા બાળકો બધુ જમવાનું ઝાપટી જશે અને મારે ભુખ્યા રહેવું પડશે. આથી પોતે સમજીને જ જમી લેતો હતો.
અત્યારે એક જ બાળક છે, પરંતુ ત્રણ-ચાર જણા જમાડવાવાળા છે. જમવા માટે વૈકલ્પિક ખોરાક પણ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. આમ બાળકે પોતે ખોરાક લેવાની ચિંતા કરવી પડતી નથી. મોટા ભાગે માતા પોતાના બાળકને જે ભાવે તે, જે રીતે જમે તે અને ઘણીવાર દબાણ કરીને જમાડે છે. પરિણામે બાળકમાં જમવા તરફ આનંદ અને ઉત્સાહની લાગણીને બદલે ત્રાસની લાગણી જન્મે છે. આ ઉપરાંત ઘણા માતા-પિતા તેને જમાડવાના સમયે ટીવી, મોબાઈલ, યુ-ટ્યૂબ વીડિયો, કાર્ટૂન બતાવીને તેને જમાડી પોતાનું કાર્ય સંપૂર્ણ કર્યાનો સંતોષ મેળવતા હોય છે.
માતા-પિતા તરીકે બાળક પ્રત્યે આપણું ધ્યેય માત્ર એક જ હોવું જોઈએ કે, બાળક જે કાંઈ પણ કરે છે તે પોતાના માટે કરે છે અને તે જે કરે છે તેમા તેને આનંદ આવે. જો આ સંબંધ બાળકને જમાડતી વખતે પણ કેળવવામાં આવે તો બાળક જાતે સમયસર જમતા શીખી જાય છે.
માટે આવો, સાથે મળી એવા સમાજની રચના કરીએ કે જેમા જમવાના સમયે યુદ્ધના વાતાવરણને બદલે સંપૂર્ણ સુમેળ અને સહયોગનું વાતાવરણ બને.
ડૉ.નિશ્ચલ ભટ્ટ બાળરોગ નિષ્ણાત, નવગુજરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/14/2020