સામાન્ય રીતે આપણે પીઠમાં લાંબા ગાળાનાં દુઃખાવાને આધેડ અવસ્થા અને વૃદ્ધાવસ્થા સાથે જોડીએ છીએ, પરંતુ બેસવા અને ઉઠવાની નબળી મુદ્રા, બાળકોનું વધારે વજન, વધારે પડતો શ્રમ કે કામગીરી અને આખું વર્ષ એક યા બીજાં પ્રકારની રમતગમતની પ્રવૃત્તિ તથા સ્કૂલબેગનાં વજનમાં વધારો થવાથી અત્યારે બાળકોમાં પીઠનો દુઃખાવો સામાન્ય થઈ ગયો છે. જોકે, બાળકોમાં અને પુખ્તવયના લોકો વચ્ચે પીઠનો દુઃખાવો સમાન નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પીઠમાં દુખાવો ધરાવતા બાળકો અને કિશોર વયનાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ માટે બેઠાડું જીવન વિવિધ પરિબળો પૈકીનું એક છે. વળી ઘણી વખત પીઠનાં દુઃખાવાનાં કારણની ખબર પડતી નથી. સામાન્ય રીતે પીઠનાં દુઃખાવા માટે સતત દોડવાથી, કૂદવાથી સ્નાયુઓમાં ખેંચાણ, ઇજા જવાબદાર હોય છે કે પછી લાંબો સમય બેસી રહેવાથી પણ પીઠનો દુઃખાવો થાય છે.
બાળકોમાં પીઠના દુખાવા માટે અયોગ્ય જીવનશૈલી પણ એક મહત્વપૂર્ણ પરિબળ છે. આ સાથે અત્યંત ભારે સ્કૂલ બેગ, મેદસ્વિતા અને વધુ પડતી પ્રવૃત્તિઓને કારણે પણ પીઠમાં દુખાવાની સમસ્યા સર્જાઇ શકે છે. એક અંદાજ મૂજબ 100માંથી આશરે 30 બાળકો અને યુવાનો સાધારણથી ગંભીર પીઠના દુખાવાની સમસ્યા અનુભવે છે, પરંતુ આમાંથી ખુબજ ઓછી સંખ્યામાં બાળકો ડોક્ટરની સલાહ લેવાનું પસંદ કરે છે..
પીઠનાં દુઃખાવા માટે ઓછા સામાન્ય પણ પ્રમાણમાં ગંભીર કારણોમાં ઇન્ફેક્શન, ગાંઠ, ઇજા કે સ્કોલિઓસિસ (કરોડરજ્જુ વળી જવી), કાઇફોસિસ (પીઠ વળી જવી), સ્પોન્ડિલોલીસિસ (હાડકામાં ખામી કે તૂટલો ભાગ), અને સ્પોન્ડિલોલિસ્થેસિસ (એક હાડકું બીજા હાડકાં પર ચઢી જવું) જેવી વિવિધ પ્રકારની ખામીઓ સામેલ છે. .
નીચેનાં ચિહ્નો ધ્યાનમાં લઈને માતાપિતાઓએ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ .
ડોક્ટરને તમારા બાળકની સમસ્યા વિશે જાણકારી મળ્યા બાદ તેઓ કેટલાંક ટેસ્ટ હાથ ધરે છે, જેમાં મોટાભાગના કિસ્સાઓમાં બ્લડ ટેસ્ટ અને એક્સ-રે મુખ્ય છે. આ ઉપરાંત બોન સ્કેન, એમઆરઆઇ સ્કેન અથવા કમ્યુટરાઇઝ્ડ ટેમોગ્રાફી (સીટી) સ્કેન દ્વારા પણ તપાસ કરવામાં આવે છે.છેલ્લાં કેટલાંક વર્ષોના ટ્રેન્ડને જોતાં વિશેષ કરીને બાળકોમાં પીઠના દુખાવાની સમસ્યાઓમાં વધારાને જોતાં માતા-પિતાની સાથે-સાથે શાળાના શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને થતી સમસ્યાઓને ધ્યાનમાં લેવી જોઇએ. બાળકોમાં પીઠના દુખાવાની સારવાર સાથે તેમને તંદુરસ્ત જીવનશૈલી અપાવીને જંકફુડની જગ્યાએ પોષણયુક્ત આહાર લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઇએ. આ ઉપરાંત અનુભવી શિક્ષક અથવા કોચની દેખરેખ હેઠળ બાળક રમત-ગમતની પ્રવૃત્તિ અથવા કસરત કરે તે સલાહભર્યું છે કારણકે ઘણાં કિસ્સામાં પૂરતાં માર્ગદર્શનને અભાવે શરીર ઉપર તાણ વધે છે અને પરિણામે પીઠમાં દુખાવા સહિતની શારીરિક સમસ્યાઓ સર્જાય છે, જે પૂરતી કાળજી ન રાખતા ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. .
ઘણાં કિસ્સામાં બાળકની વધુ પડતી શારીરિક ગતિવિધિઓ તથા રમત-ગમતમાં વધુ પડતાં શારીરિક તણાવ પેદા થતાં દુ:ખાવો થાય છે, જે આરામ કરતાં જતો રહે છે.
ડૉ ઉર્વશી રાણા, પીડિયાટ્રિશિયન.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020