অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નવજાત શિશુની સંભાળ કેવી રીતે રાખશો

નવજાત બાળક અત્યંત નાજુક, કુમળુ તથા આપણા પર આધારિત છે. ગર્ભાવસ્થા દરમ્યાન કુદરતે જ તેની સંભાળ લીધી છે, હવે જન્મપછી તે આપણી જવાબદારી બને છે.

જન્મ પહેલાં જ સંભાળ:

તંદુરસ્ત નવજાત શિશુ મેળવવા સગર્ભાવસ્થા દરમ્યાન માતાએ પૌષ્ટિક ખોરાબ લેવો , જરૂરી ધનુરની રસીના ડોઝ મુકાવવા તથા ખપ પૂરતી જ દવાઓ લેવી. આરામ અને વ્યાયામના સંતુલન વચ્ચે શરીર સાચવવું. બ્લડગ્રુપ, બી.પી., પેશાબ, એનીમીયાની દાક્તરી તપાસ કરાવવી તથા વજન કરાવતા રહેવું. સુવાવડ તો હોસ્પિટલમાં જ કરાવવી.

જન્મ પછી તરત જ:

બાળકને કોરૂં કરી ગરમ કપડામાં લપેટીને માથુ સહેજ ઉંચું રહે તે રીતે બાળકને પડખે સુવડાવવું. તેની પાસે ખુબ લોકો ભેગા થવું નહીં તથા ચેપી રોગો જેવા કે ખાંસી, શરદી થઈ હોય તેવા લોકોએ આવવું નહીં. પહેલો પેશાબ ૪૮ કલાકમાં તથા ઝાડા ૨૪ કલાકમાં થતો હોય છે.

પ્રથમ આહાર:

માતાનું દૂધ સર્વશ્રેષ્ઠ આહાર છે. જન્મથી ૪-૬ કલાકમાં  આપવું. કમરમાં એનેસ્થેસીયાની દવાનું ઈન્જેક્શન આપીને સીઝેરીયન થયું હોય તો તેમણે પણ ‘નોર્મલ ડીલીવરી’ જેમ જ ધાવણ ચાલુ કરવું જોઈએ. માતાનું દૂધ જ ન મળે એવું હોય તો ચમચી વાટકી વડે ઉકાળીને ઠંડુ કરેલું પાણી આપવું અને વહેલાસર ધાવણ પર ચઢાવી દેવું વારંવાર માંગે તેટલીવાર, બંને બાજુ વારા ફરતી, લઈ શકે તેટલો સમય, બેસીને ધાવણ આપવું. પ્રથમ ત્રણ દિવસનું ધાવણ અત્યંત ગુણકારી છે.  ધાવણ આપ્યા પછી પાંચ મિનિટ માટે ખભે રાખીને ઓડકાર ખવડાવવો અને પછી માથુ સહેજ ઉંચુ રાખીને સુવડાવવું . પુરતુ ધાવણ લેતા બાળકને પાણી આપવું જરૂરી નથી.

 

ડુંટી - નાળની સંભાળ:

શરૂઆતના ૨૪ કલાકમાં ધ્યાન રાખવું કે નાળમાંથી લોહી આવતું નથી ને ? એન્ટીસેપ્ટીક પાવડર લગાડીને સાદો પાટો બાંધવો લગભગ ૮ થી ૧૨ દિવસમાં ચીમળાઈને ખરી પડશે. જા તેમાં લોહી, પરુ આવે કે સોજા લાગે તો ડોક્ટરને અવશ્ય જણાવવું.

કપડાં:

બાળકને સુતરઉ અને ખુલતા કપડો પહેરાવવા બટન, દોરી કે ગાંઠ નડતી હોવી ન જાઈએ, શિયાળામાં ગરમ કપડાં, ટોપી, હાથ-પગમાં મોજા પહેરાવવા, કપડાથી  આંખ અને નાક ઢંકાઈ જતા હોવા ન જોઈએ, ભીના ખૂબ કડક આળવાળા કે પોલિએસ્ટરના કપડાં ચામડીને નુકશાન કરશે કપડાં - બાળોતિયા ગરમ પાણીથી ધોવા અને તડકે સુકવવા, વોશિંગ મશીન પણ વપરાય, બહાર જતી વખતે ડાયપર પહેરાવી શકાય.

આંખોની સંભાળ:

આંખો દરરોજ નવશેકા પાણીના બોળેલા ચોખા રૂ વડે ધોવી, પછી જા આખો ખુબ જ ચોટતી હોય તો ડોક્ટરની સલાહ લેવી, શિયાળામાં આંખો વધુ ચોંટશે, પીયા, ચીપડા ચોખ્ખા પાણી વડે સાફ કરવા.

ચામડીની સંભાળ:

બાળકની ચામડી ખુબ કોમળ અને પાતળી હોય છે. જન્મ વખતે પડેલા લોહીના ડાઘા તેલમાં ભીના કરેલા રૂ વડે સાફ કરવા. પ્રસુતિગ્રહમાં હોય તે દરમ્યાન દરેક બાળક માટે અલગ ટુવાલ, સાબુ રાખવા. બપોરે નવશેકા પાણી વડે નવડાવવું - કોઈપણ સાબુ વપરાય. નવડાવતી વખતે ગળુ, બગલ, ગુદાની જગ્યા, સાથળ વિગેરે કાળજી થી સાફ કરવા, ચોખ્ખા સુતરાઉ મુલાયમ ટુવાલ વડે શરીર કોરુ કરવું. શિયાળામાં કોઈપણ તેલનું માલિશ કરવું. નવડાવ્યા પછી કોઈપણ પાવડર લગાવવો. પણ ખુબ લપેડા ન કરવા.

માલીશ:

વૈજ્ઞાનિક રીતે બધા બાળકોને માલિશની જરૂર હોતી નથી, હલકા હાથે કોઈપણ સાદા તેલ વડે માલિશ કરવું.

કાનની સફાઈ:

કાનમાં પાણી ન રહી જાય તે જાવું. બાળકને શરદી થઈ હોય ત્યારે ખાસ નહાતી વખતે કાનમાં રૂના પુમડા નાખવા. કાનમાં તેલના ટીપા નાખવાં કે ફુંક મારવી જરૂરી નથી.

પારણુ (ઘોડિયું):

પારણામાં રાખવાથી બાળકને કોઈ નુકશાન નથી ખોળિયા સ્વચ્છ, મજબુત અને નાકા પાકા સિવેલા હોવા જાઈએ. લોખંડના લંબચોરસ પારણા પણ વાપરી શકાય. ઘોડિયામાં માથુ ઢંકાઈ જાય અને શ્વાસમાં તકલીફ પડે એવું ન થવું જાઈએ.

રમકડા:

નવજાત, બાળકને અવાજ વાળા કે ફરતા રમકડા ગમે છે. જા કે રમકડા કરતા મનુષ્ય સ્પર્શ વધુ ગમશે.

રૂમનું વાતાવરણ:

બાળકને હુંફાળું વાતાવરણ વધુ સારુ. શિયાળામાં રૂમહીટર વાપરી શકાય. ઉનાળામાં ધીમા પંખા નીચે સુવડાવવામાં વાંધો નહી. એ.સી. કે કુલરનો બ્લો સામે સુવડાવવું નહી. ખુબ ઠંડી અને ખુબ ગરમી હાનિકાર છે.

નખ કાપવા:

નવડાવ્યા પછી નખ પોચા થઈ ગયા હોય ત્યારે ઝીણી કાતર વડે નખ કાપવા.

બાટલી આપવી:

માતાનું દૂધ શ્રેષ્ઠ આહાર છે. ઉપરનું દૂધ આપવું પડે તો ચમચી વાટકી વડે જ આપવું બાટલીથી દૂધ આપવાથી ઝાડા -ઉલ્ટી ખાંસી- શરદી, કાનનો દુખાવો ગેસ વધારે થશે તથા બાળક ધાવાણ  વહેલું છોડી દેશે.

ઊંઘ:

નવજાત બાળક ૧૮ થી ૨૨ કલાક ઊંઘે. શરૂઆતમાં દિવસે ઊંઘે અને રાત્રે જાગે ગભરાશો નહી. ધીમે ધીમે આ ચક્ર બદલાશે ખુબ ઘેનમાં રહે તો દાકતરી તપાસ કરાવવી.

ગભરાવવાની જરૂર નથી:

નવજાત બાળકની સામાન્ય ઉલ્ટી, તાવ, ઝાડા ગેસ શ્વાસનો ઘડ-ઘડ અવાજ, કબજિયાત, સહેજ ચમકવું કે ધ્રુજવું વિગેરે સામાન્ય છે. તેના બરડા અને સાથળ ઉપર ભુરા ડાધા કુદરતી છે પણ થોડા વળેલા લાગે છે. કે છાતીમાં નાનું હાડકું દેખાય તેનાથી ગભરાવવું નહી. છોકરીઓમાં સ્તનનું ફુલવુ કે યોનિની જગ્યાએથી સફેદ પ્રવાહી નિકળે તો તે કોઈ રોગની નિશાની નથી.

બાળક રડે તો:

રડવું તે બાળકની ભાષા છે. બાળક ભીનું હોય કે ભુખ્યુ હોય ત્યારે રડેઅને  રડતા બાળકને ઊંધું સુવાડવો તો સારું લાગે ત્યારે માનવું કે ચુન્કનું રડે છે. ચુન્કના પ્રાથમિક સારવારના ટીપા પાસે રાખવા સારા। ખુબ રડે તથા વચ્ચે વચ્ચે બેભાન રહે તો દાકતરી તપાસ અવશ્ય કરાવવી

આ લક્ષણો ધ્યાનમાં રહે:

સાત મહિને જન્મેલુ કે જન્ય સમયે બે લિકો થઈ ઓછા વજન વાળુ બાળક નબળુ કહેવાય. જન્મ પછી શ્વાસમાં તકલીફ પડે કે જન્મજાત ખોડ ખાંપણ હોય કે ભુરુ રહે તેમની ડોકટરી તપાસ અવશ્ય કરાવવી બાળક ઘેનમાં રહે કે ફીક્કુ પડે કે ખેંચ આવે કે ભારે તાવ હોય આ બધા ભારે લક્ષણો કહેવાય

નવજાત બાળક - કાલનું ભવિષ્ય:

આજ નું તંદુરસ્ત બાળક આવાતી કાલના તંદુરસ્ત દેશની રચના કરશે ‘તંદુરસ્ત માતાના ખોળામાં તંદુરસ્ત બાળક, એ જ શ્રેષ્ઠ સુખ છે.’

ડો.મૌલિક બક્શી(કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/23/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate