অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

BMI - બોડી માસ ઈંડેક્ષ શું છે?

BMI - બોડી માસ ઈંડેક્ષ શું છે?

BMI એટલે કે બોડી માસ ઈંડેક્ષ એ પોષણસ્તર માપવા માટેનો સહેલો માપદંડ છે. ઘણી વખત લોકો પોતાનું વજન બરાબર છે કે નહીં, પોતે દૂબળા છે કે જાડા થઈ ગયા છે તે વિશે અસમંજસમાં રહેતા હોય છે. ત્યારે BMI ના ઉપયોગ દ્વારા તેઓ પોતાનું વજન આદર્શ વજનની કક્ષામાં આવે છે કે નહીં તે વિશે જાણી શકે છે. આ માપદંડ દ્વારા દૂબળાપણા, સામાન્ય વજન, વજન વધારો, મેદમયતા, અતિશય મેદમયતા એમ જુદી-જુદી કક્ષામાંથી વ્યક્તિનું વજન કઈ કક્ષામાં આવે છે તે જાણી શકાય છે.

BMI માપવા માટે વજન અને ઉંચાઈ બંને શારીરીક પરીમાપનોની જરુર પડે છે. વ્યક્તિનું વજન કીલોગ્રામમાં નોંધવામાં આવે છે. જ્યારે ઉંચાઈને મીટરમાં નોંધવામાં આવે છે. વ્યક્તિના વજન ને વ્યક્તિની ઉંચાઈના વર્ગ દ્વારા ભાગવામાં આવે છે. અને જે આંક મળે તેને BMI તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિ જાતે પોતાનો BMI ગણી શકે છે. બીજી મહત્વની બાબત એ છે કે બે વ્યક્તિઓ એક સમાન વજન ધરાવતી હોય, દા.ત. બે મહિલાઓનું વજન એક સરખું 50 કીગ્રા છે. પરંતુ એક મહિલાની ઉંચાઈ 5 ફૂટ છે જ્યારે બીજી મહિલાની ઉચાઈ 5 ફૂટ 5 ઈંચ છે. તો વજન એક સરખું હોવા છતાં ઉંચાઈના તફાવતને લીધે બંને મહિલાઓનો BMI જુદો-જુદો આવશે. 50 કીગ્રા અને 5 ફૂટ વજન ધરાવતી મહિલાનો BMI સામાન્ય આવશે જ્યારે વધુ ઉચાઈ ધરાવતી મહિલાનો BMI ઓછો આવશે. આથી લોકો પોતાનું વજન તો માપી લે છે પરંતુ BMI ન માપતા હોવાને લીધે પોતાનું વજન ખરેખર કેટલું હોવું જોઈએ અને વજન સપ્રમાણ છે કે નહીં તે બાબતે અસમંજસમાં રહે છે. આવે વખતે BMI એ સાચો ખ્યાલ આપે છે.

જો BMI 18.5 થી લઈને 25 સુધી આવે તો વ્યક્તિનું વજન સપ્રમાણ છે તેમ કહી શકાય. જો BMI 18.5 થી ઓછો હોય તો વ્યક્તિ દૂબળી છે અને BMI 16 થી ઓછો હોય તો અતિશય દૂબળી છે તેમ ગણી શકાય. આનો અર્થ એ થાય કે વ્યક્તિના ખોરાકમાં કાર્બોદિત, ચરબી, શક્તિ અને પ્રોટીનની ઉણપ છે. અતિશય દૂબળાપણું હોય ત્યારે શરીરના વૃધ્ધિ-વિકાસ પર માઠી અસર પડે છે. જો કિશોરાવસ્થા દરમિયાન આવી પરીસ્થિતી લાંબો સમય રહે તો વ્યક્તિની ઉંચાઈ વધતી નથી અને કાયમી ઠીંગણાપણું જોવા મળે છે. અતિશય દૂબળી વ્યક્તિ વારંવાર ચેપી રોગોનો ભોગ બને છે અને રોગપ્રતિકારકશક્તિ નબળી પડે છે. અતિશય દૂબળી વ્યક્તિમાં ઉત્સેચકો અને અંત:સ્ત્રાવોની અનિયમિતતા સર્જાય છે. સંતોત્પતિ પર પણ માઠી અસર પડે છે. જો BMI 16 થી ઓછો હોય તો આ કુપોષણની ગંભીર પરીસ્થિતી છે. આવી પરીસ્થિતિ લાંબો સમય ચાલુ રહે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.

25 થી વધુ હોય તો વ્યક્તિ વધુ વજન ધરાવતી છે તેમ કહી શકાય. જોકે,   હવે 23 થી વધુ BMI પણ અમુક કિસ્સાઓમાં વજન વધારાની શરુઆત ગણવામાં આવે છે. આ વખતે વ્યક્તિ બરાબર યોગ્ય વજન અને વધુ વજન વચ્ચેની સરહદે ઉભી છે તેમ ગણી શકાય. કેમકે આ તબક્કે જો વજન વધારાને ગંભીરતાથી લેવામાં આવે વજન ઘટાડવું સહેલું હોય છે. પરંતુ એક વખત મેદમયતાનું પગથીયું ચડી ગયા બાદ વજન ઘટાડવું એ પ્રમાણમાં કપરું કામ છે. 25 થી લઈને 29.99 સુધીનો BMI ધરાવતી વ્યક્તિ મેદમયતાના ઉંબરે ઉભી છે તેમ કહી શકાય. 30 થી વધુ અને 34.99 જેટલો BMI  ધરાવતી વ્યક્તિ મેદમયતાની પ્રથમ કક્ષામાં આવે છે. આ કક્ષાથી આગળ જેમ-જેમ BMI  વધતો જાય તેમ સ્વાસ્થ્ય સંબંધી ગંભીર હાનીઓ ઉભી થવાની શક્યતા રહે છે. હવે જો વ્યક્તિનો BMI 35 થી લઈને 39.99 ની વચ્ચે હોય તો આવી વ્યક્તિ મેદમયતાની બીજી કક્ષામાં આવે છે. જો BMI 40 થી વધે તો આવી વ્યક્તિના જીવ પર જોખમ રહેલું છે તેમ કહી શકાય. મેદમયતાની કક્ષામાં સમાવેશ થતો હોય તેવી વ્યક્તિઓમાં ડાયાબીટીસ, હાઈબ્લડપ્રેશર, હ્રદયરોગ, લોહીની ચરબીમાં વધારો, ઘૂંટણનો ઘસારો (આખા શરીરના વજનનો ભાર અંતે તો ઘૂંટણને જ ઉપાડવો પડે છે! ), પ્રજનન ક્ષમતામાં બદલાવ, કેંસર જેવી ગંભીર સ્વાસ્થ્યકીય પરીસ્થિતિઓનો સામનો કરવો પડે છે.

આમ તો BMI ને પોષણ માટેનો માપદંડ ગણાય છે પરંતુ નોર્મલ BMI હોવા માત્રથી વ્યક્તિ સ્વસ્થ છે એવું ન કહી શકાય. કેમકે BMI માપતી વખતે શરીરનું કુલ વજન ગણનામાં આવે છે. આને લીધે શરીરનું વજન ચરબીને લીધે છે કે સ્નાયુને લીધે છે તે હકીકતે નક્કી થઈ શકતું નથી. વળી, સામાન્ય BMI ધરાવતી વ્યક્તિના શરીરમાં જો એક કે વધુ પોષકતત્વોની ઉણપ હોય તો તે પકડાતી નથી. બાળકોના પોષણસ્તરનો ખ્યાલ લેવા માટે પણ પોષણશાસ્ત્રીઓ BMIનો વ્યાપક રીતે ઉપયોગ કરે છે. જોકે, બાળકો માટે BMI મોટાની જેમ જ ઉપયોગમાં લઈ શકાય નહીં. બાળકોનો BMI મોટાઓની જેમ જ મપાય છે. પરંતુ મોટાઓ માટે BMI ના જે આંક નિર્ધારીત છે તે બાળકો માટે ઉપયોગમાં લેવાતા નથી. પરંતુ બાળકો માટે જે-તે ઉંમરના તંદુરસ્ત બાળકના વજન અને ઉંચાઈની ગણના કરી ગ્રોથ ચાર્ટ બનાવવામાં આવે છે અને તેના આધારે બાળકોના BMIનું મુલ્યાંકન થાય છે.

ડૉ. પ્રીતિ એચ. દવે, આસીસ્ટંટ પ્રોફેસર (ફૂડ એંડ ન્યુટ્રીશન), સ.દાં. કૃષિ યુનિવર્સીટી, સરદારકૃષિનગર.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate