હોમ પેજ / આરોગ્ય / પોષણ / સંયમી આહાર અને સ્વસ્થ જીવન
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સંયમી આહાર અને સ્વસ્થ જીવન

સંયમી આહાર અને સ્વસ્થ જીવન વિશેની માહિતી આપવામાં આવી છે

જેમ જીવવા માટે શ્વાસ લેવો જરૂરી છે તેમ શરીર ને સ્વસ્થ રાખવા માટે શરીર ને જરૂરી અને પૌષ્ટિક આહાર આપવો પણ એટલું જ જરૂરી છે. આજના મોર્ડન વર્લ્ડમાં લોકો બધીજ ફેન્સી ફૂડ પ્રોડક્ટ પર ક્રેઝી થઈ રહ્યા છે પણ ઘણી વખત તેમને પૂરતું પોષણ મળતું નથી. જો દરેક માણસ જાગૃતતાથી બધી વસ્તુ માં પોષણ શોધવા લાગે તો નાની મોટી તકલીફોથી બચી શકે છે. અને રોજિંદા આહારમાં જો બધી પોષ્ટિક વસ્તુઓ લેવામાં ધ્યાન રાખે તો ઘણી બીમારીઓ થી દૂર રહી શકાય છે.

આમ જોવા જઇએ તો આહાર એ જ ઔષધ છે. પુરાતન કાળથી જોવામાં આવે છે કે આપણા ખાવા પીવાની વસ્તુઓમાંથી આપણે કેટલીક વસ્તુઓ દવાની જેમ વાપરીએ છીએ. દરેક વસ્તુના પોતાના ગુણ હોય છે જો એ સમજીને આપણે તેનો વપરાશ કરીએ તો વધારે દવાઓ લેવી પડે નહિ.

આહાર એટલે આપણા શરીરને ચલાવવા માટેનું જરૂરી પદાર્થ છે. આહાર ઘણી બધી વસ્તુઓથી બને છે. શરીરના પોષણ માટે આપણે કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ફેટ, વિટામિન, મિનરલ્સ બધાની જરૂર પડે છે. અને આ બધી વસ્તુઓ આપણને અલગ અલગ ખાવાની વસ્તુઓ માંથી મળે છે.

એવું કહેવાય છે કે ખોરાક એ એક સેન્ય છે જે ભેગા મળીને આપણા શરીરની રક્ષા કરે છે. આગળ સમજીએ કે કઈ વસ્તુઓમાંથી કઈ વસ્તુઓ આપણે લઈ શકીએ  છીએ.

 • સૌ પ્રથમ આપણે વાત કરીયે શાકભાજીની. શાકભાજી દિવસમાં ૩ થી ૪ વાટકી ખાવી જરૂરી છે. શાકભાજીમાંથી આપણ ને ભરપૂર માત્રામાં ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ મળે છે. એ સિવાય શાકભાજી આપણી પાચન શક્તિ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
 • જમવામાં દરરોજ સલાડ અથવા સૂપ અને કચુંબર વગેરે લેવું. વઘારીને બનાવેલા શાક પણ ખાવાથી ખુબ ફાયદા થાય છે.
 • ફળમાંથી પણ આપણ ને ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સ મળે છે. દિવસમાં ૨-૩ ફળ ખાવા ખુબ ફાયદાકારક છે. ફળોમાંથી આપણ ને ફાઈબર પણ સારી માત્રામાં મળી રહે છે. વજન ઘટાડવા માટે પણ ફળ વધારે લઈ શકાય છે.
 • ઘઉં, ચોખા, બાજરી, જુવાર વગેરે ધાન આપણ ને પૂરતી માત્રામાં કાર્બોહાઇડ્રેટ્સ આપવામાં મદદ કરે છે. શરીરની બેઝિક એનર્જી ની જરૂરિયાત માટે કાર્બોહાઇડ્રેટ્સ ખુબ જ જરૂરી છે. આ બધા ધાનમાંથી આપણને પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઈબર વગેરે મળે છે. દિવસ માં ૨ થી ૩ વાટકી ધાન ખાવા આપણા શરીર માટે સારા છે.
 • દાળ / કઠોળ જેમ કે મગ, મગની દાળ, ચણા, તુવેરદાળ વગેરે શરીર ની પ્રોટીન જરૂરિયાતો પુરી કરવા માટે જરૂરી છે. આમાંથી પણ કાર્બોહાઇડ્રેટ્સ વિટામિન્સ વગેરે મળે છે. સ્નાયુઓ અને હાડકા ની સ્વસ્થતા માટે દિવસમાં ૨-૩ વાટકી દાળ / કઠોળ લેવા જરૂરી છે.
 • તેલ, ઘી વગેરે શરીર માટે જરૂરી તો છે પણ જો વધારે માત્રામાં લેવાય તો ફાયદા કરતા નુકશાન વધારે કરે છે. આખા દિવસ માં ૩-૪ નાની ચમચી થી વધારે તેલ / ઘી લેવા નહિ. તેલ,ઘી માંથી આપણ ને જોઈતા ફેટ્સ મળે છે. જે આપણા સાંધા અને ચામડી વગેરે ને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. પણ જો વધારે લેવામાં આવે તો જલ્દી પચતા નથી અને શરીરમાં જમા થવા લાગે છે. જેનાથી હૃદયની બીમારી, બ્લડ પ્રેશર, જાડાપણું જેવી બીમારી થવાની આશંકાઓ વધી જાય છે.
 • સૂકા મેવા પણ આપણા શરીર ને જોઈતા સારા ફેટ્સ આપવામાં મદદ કરે છે. કાજુ, બદામ, અંજીર, ખજૂર, અખરોટ ખુબ જ ફાયદાકારક છે. દરરોજ ૧ મુઠ્ઠી સૂકો મેવો લઈ શકાય છે.
 • દૂધ, દૂધની બનાવટોમાંથી આપણ ને પ્રોટીન, કેલ્શિયમ જેવી જરૂરી વસ્તુઓ મળી રહે છે. દહીં, પનીર, ચીઝ જેવી વસ્તુઓ આપણા આંતરડાની દેખભાળ કરવા માટે જરૂરી છે. તેનાથી પાચનક્રિયા સારી રીતે થાય છે.
 • આપણને સૌને ખબર છે કે ઘંઉ અને ચોખામાંથી કાર્બોહાઇડ્રેટ મળે છે તથા દાળ, કઠોળ અને દૂધમાંથી પ્રોટીન મળે છે, જયારે શાકભાજી, ફળ વગેરે આપણને વિટામિન અને મિનરલ આપવામાં મદદ કરે છે. પણ એ સિવાય પણ આપણે આપણા રોજિંદા જીવનમાં બીજી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તેની મહત્વતા આપણને ખબર નથી. આપણા મસાલા જેમ કે મરચું, હળદર, જીરું, રાઈ,તજ વગેરે આપણને સ્વાદ સિવાય અન્ય ઘણી રીતે ઉપયોગી છે. જે પ્રમાણસર અને પદ્ધતિસર લેવાય તો ખુબ જ ગુણકારી નીવડે છે.

નીચે કેટલાક મસાલા અને તેમના ઉપયોગો વિષે જણાવેલ છે.

 • એલચી: એલચી કેન્સર સામે લડવાની ક્ષમતા ધરાવે છે. તે બ્લડ પ્રેશર ઓછું કરવામાં પણ મદદ કરે છે. તેમજ પેટના દુખાવામાં પણ રાહત આપે છે. તેમાં ઝીંક અને મેગ્નેશિયમનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે.
 • મરચા: મરચા રસોઈ બનાવવામાં ખુબ જ મહત્વ ધરાવે છે. સ્વાદની સાથે સાથે તે પાચનક્રિયા વધારવામાં પણ મદદરૂપ થાય છે. તે રક્તવાહિનીઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
 • તજ: તજ કોલેસ્ટેરોલ ઘટાડવામાં, બ્લડ સુગર ઘટાડવામાં અને પેટની સમસ્યાઓ દૂર કરવામાં ફાયદાકારક છે. તે સોજા ઓછા કરવામા પણ મદદરૂપ છે.
 • જીરું: જીરું પેટની એસીડીટી ઓછી કરવામાં મદદ કરે છે. અને હૃદય રોગો માટે પણ ફાયદાકારક છે. જીરું વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
 • લસણ: લસણ હૃદયના રોગો ઘટાડવામાં મદદ કરે છે. તે શરીરમાંથી ખરાબ ચરબી દૂર કરે છે અને કેન્સરને પણ વધતું અટકાવે છે.
 • આદુ: આદુ ઘણી બધી રીતે ફાયદાકારક છે. આદુ ઉબકા આવતા અટકાવે છે, અને આંતરડામાં સોજા ઓછા કરવામાં પણ આદુ મદદરૂપ છે.
 • હળદર: હળદર સોજા દૂર કરે છે. કોઈપણ પ્રકાર ના ઇન્ફેકશનથી બચવામાં પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. અસ્થમામાં પણ હળદર મદદ કરે છે.
 • લવિંગ: લવિંગ ઝાડા ઉલ્ટીમાં મદદ કરે છે. કોઈપણ જાતની એલર્જીમાં પણ લવિંગ મદદરૂપ છે.
 • મેથી: મેથી બ્લડસુગર ઓછું કરવામાં મદદ કરે છે. ઉપરાંત ઇન્સ્યુલિનનું કાર્ય વધારવામાં પણ મદદ કરે છે.

ગુજરાતીમાં કહેવાય છે ‘‘આહાર એ જ ઔષધ'', પણ આજકાલના સમયમાં લોકો પાસે આના વિષે વિચારવાનો સમય જ રહેતો નથી. જેથી નાનીમોટી તકલીફો માટે પણ દવાઓ લેવી પડે છે. જો આપણે રસોડામાં જઈને થોડું ધ્યાન આપીએ તો આ નાની મોટી તકલીફોની દવાઓ તો ત્યાં જ મળી જશે. આ બધી વસ્તુઓ જો સમજીને વાપરવામાં આવે તો ઘણા બધા રોગો અને બીમારીમાં રાહત મળે છે.

સ્ત્રોત: જાનકી પંચાલ ક્લિનિકલ ન્યુટ્રીશનિસ્ટ, નવગુજરાત હેલ્થ

3.0243902439
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top