આજકાલ બધાની જિંદગી દોડધામવાળી થઇ ગઈ છે. એ દોડધામમાં આપણે ખોરાકને છેલ્લી પ્રાયોરિટીમાં મૂકી દીધો છે. ઘણી વાર એવું પણ મેં જોયું છે કે આપણે ખોરાકનો વિચાર શરીર માટે જરૂરી પોષક તત્ત્વોના બદલે વજનના વધારા/ઘટાડાના સંદર્ભમાં કરવા લાગ્યા છીએ. ખરેખર તો ખોરાકની પસંદગી એવી હોવી જોઈએ કે તે શરીરના એનર્જી લેવલને વધારે અને રોજનું ધ્યેય હાંસલ કરવા માટે કાર્યક્ષમ રીતે શરીરનું કાર્ય પૂર્ણ કરે. સ્કૂલ/કૉલેજ/ઓફિસમાં સારું પ્રદર્શન કરવાનું હોય કે એથ્લેટિક્સ/જિમમાં કસરત/સ્વિમિંગ/જોગિંગ દરમિયાન સહનશીલતાના લેવલને વધારવાનું હોચ, તેના માટે જે તે વ્યક્તિએ પોતાની ખાવાની ટેવમાં ફેરફાર કરવાની પહેલી જરૂર છે. જેમ આપણી ઉંમર વધે તેમ શરીર પણ વૃદ્ધ થાય છે તે વાત કોઈ ઇન્કારી શકે તેમ નથી. આથી ખોરાકને પહેલો નમ્બર આપવો અગત્યનો છે.
સંશોધન:
નવું સંશોધન કહે છે કે આપણે રોજના ભોજનમાં «ઉચિત» ખોરાક ઉમેરીને શરીરની કાર્યક્ષમતામાં સુધારો કરવો જોઈએ. શરીરને તંદુરસ્ત અને સારી રીતે પોષણયુક્ત રાખવું એ કાર્ય છે અને તેને રોજિંદા જીવનમાં પ્રાયોરિટી આપવી જોઈએ. તેથી ઓમેગા-3 ફેટી એસિડ્સ, વિટામિન્સ અને ખનિજો, કાર્બોહાઈડ્રેટ્સના રૂપમાં ગ્લુકોઝ, પ્રોટીનમાંથી એમિનો એસિડ, પ્લાન્ટ આધારિત ખોરાકથી મેળવેલા ફાઈટોકેમિકલ્સ અને એન્ટીઑકિસડન્ટ મળે તે બધાંનું સંયોજન ખોરાકમાં હોવું જરૂરી છે.
શરીરની કાર્યશીલતા:
શરીરના તમામ ભાગોમાં, મગજ 60% ચરબીથી બનેલું છે, તેથી મગજના કોષોને ચરબી દ્વારા એટલે કે તંદુરસ્ત ચરબી જેમ કે ઓમેગા 3 અને ઓમેગા 6 દ્વારા તાજા કરવા સતત જરૂરી છે. ચરબીના સારા સૉર્સ તરીકે નટ્સ, એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ, સીડ્સ, આવૉકાડોસ, ફ્લેક્સ સીડ્સ/સનફ્લાવર સીડ્સ વગેરે છે. મૂડ/સતર્કતા અને માનસિક શાર્પનેસને રેગ્યુલેટ કરતા સેરોટોનિન અને ડોપામાઇન જેવાં શક્તિશાળી રાસાયણિક તત્ત્વો ઉત્પન્ન કરતાં ન્યુરોટ્રાન્સમિટર્સની સાથે મગજને કોમ્યુનિકેટ કરવામાં ઓમેગા-3 ફેટી એસિડ મદદ કરે છે.
ફૂડ સોર્સ:
શરીરની એનર્જીનો મુખ્ય સ્રોત ગ્લુકોઝ છે, જે કાર્બોહાઈડ્રેટ્સમાંથી મળે છે. શરીરની સામાન્ય કામગીરી માટે કુલ કેલરીના દૈનિક વપરાશમાં 70% એનર્જીનો ઉપયોગ મગજ કરે છે. તેથી, ખોરાકમાં હોલ ગ્રેઇન જેમ કે ઘઉં, રાગી, મિક્સ મિલેટ્સ, બાજરી, જવ જેવાં અનાજ, બટાટા, કારેલાં, પરવળ, કોબી વગેરે શાકભાજી, કેળાં, દાડમ, કિવી જેવાં ફળો, હોલ વ્હીટ પાસ્તા, મલ્ટિગ્રેઇન બ્રેડ વગેરે જેવા વિવિધ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ સાથે સુધારો કરો. રોજ લેવાની કેલરીઝમાં રિફાઈન્ડ પ્રોડક્ટ્સ (મેંદા)ની માત્રા તદ્દન ઓછી રાખો. નટ્સ (બદામ, અખરોટ, પીસ્તા, હેઝલનટ, અંજીર, ખજૂર) જેવી નેચરલ સુગર અને ચીકૂ જેવાં ફળો, શક્કરિયાં જેવાં શાક પસંદ કરવાં કે જે લોહીના પ્રવાહમાં સ્ટેડીલી અને ધીરે ધીરે એનર્જી રિલિઝ કરે છે અને બ્લડ સુગરને બેલેન્સ કરવામાં મદદ કરે છે. દૂધ અથવા કોઈ પણ વાનગીને ગળી બનાવવા માટે સફેદ ખાંડની જગ્યાએ સ્ટીવિયાને પસંદ કરો.
નાસ્તો કરવાનું ક્યારેય છોડશો નહીં એવું હું હંમેશા મારા લેખોમાં જણાવું છું. અભ્યાસોએ શોધી કાઢ્યું છે કે બ્રેકફાસ્ટ ખાવાથી શોર્ટ ટર્મ મેમરી અને ધ્યાનમાં સુધારો થયો છે. શરીરને ચોક્કસ સમયે મહત્તમ એનર્જીની જરૂર પડે છે તેથી સવારથી તમારી એનર્જીને વધારો. શ્રેષ્ઠ ખોરાકની યાદીમાં હાઇ-ફાઇબર, હોલ ગ્રેઈન, ડેરી પ્રોડક્ટ્સ અને ફળોનો સમાવેશ થાય છે. વધુ પડતું ખાવું જોઈએ નહીં. તળેલા નાસ્તા - પૂરી, ગાંઠિયા, સેવ જેવા હાઇ કેલરી નાસ્તાથી એકાગ્રતા રહેતી નથી.
વિટામિન્સ:
વિટામિન B ફેમિલી જેમ કે વિટામિન B 6, વિટામિન B 12 અને ફોલિક એસિડ મગજ માટેનાં વિટામિન છે. તે નર્વસ સિસ્ટમના કાર્યને નિયંત્રણમાં રાખવામાં અને આરબીસીના મેટાબોલિઝમની જાળવણીમાં મદદ કરે છે. કાર્યશીલતા માટેની જરૂરિયાત થોડી છે પરંતુ તેની ઊણપથી થાક, ટૂંકા શ્વાસ, ઝાડા, ડિપ્રેશન વગેરે થઈ શકે છે. શાકાહારીઓ માટે જરૂરિયાતને પહોંચી વળવા સપ્લિમેન્ટ્સ લેવાની સલાહ છે. પપૈયાં, સ્ટ્રોબેરી, નટ્સ, કઠોળ, વટાણા, લીલા પાંદડાવાળા શાકભાજી, ખાટાં ફળો વગેરેમાંથી વિટામિન B 6 અને ફોલિક એસિડ મળી શકે છે.
અગત્યની સૂચના:
કેટલાક પદાર્થો શરીરને તંદુરસ્ત રાખે છે અને કેટલાક પદાર્થો શરીરને માટે ઘાતક છે. આપણા દૈનિક ધોરણે થોડી જાગૃતિ તેમ જ યોગ્ય ખોરાક એનર્જી લેવલને વધારવામાં મદદ કરશે, તમારી માનસિક વૃદ્ધિમાં વધારો કરશે અને સ્વપ્નને હાંસલ કરવા માટે સખત મહેનત કરવામાં સહાય કરશે.