অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કુપોષણ અને અતિપોષણ

કુપોષણ અને અતિપોષણ

આપણો દેશ વિકાસશીલ દેશ છે. લોકોની સવલતો તેમજ સુખાકારી વધારવા પાયાની સેવાઓ અને માળખાગત સુવિધાઓ વિકસાવવા આપણે દર વર્ષે ખુબ ખર્ચ કરવું પડે છે. ઉપરાંત, થનાર ખર્ચમાંથી ભ્રષ્ટાચાર અને બિનયોજનાકીય ખર્ચનો પણ મોટો હિસ્સો હોય છે. દેશના દેવાનું વ્યાજ પણ મોટી રકમ ખાઈ જાય છે. ઉપદ્રવી પડોશીઓ અને મહાસત્તા બનવાની મહત્વાકાંક્ષા સંરક્ષણ ખર્ચમાં સતત વધારાનું કારણ બને છે. આ બધા પરિબળો આપણને કુપોષણ જેવી સમસ્યાને હલ કરવાના પ્રયાસોમાં સતત પાછળ ધકેલે છે. વિશ્વની કુલ કુપોષિત વસ્તીમાં ખુબ મોટો ભાગ ભારતમાં રહે છે અને તેમાં પણ નાના બાળકોની સંખ્યા વધુ છે. આ સમસ્યા ભારત ખાદ્યાન્ન ઉત્પાદનમાં સ્વાવલંબી હોવા છતાં છે એ આપણા કરમની કઠણાઈ છે.

કુપોષણ ગંભીર સમસ્યા છે અને દેશમાં તેમ જ વૈશ્વિક સ્તરે તેને હલ કરવાના ઉપાયોની સતત ચર્ચા થતી રહે છે. યોજનાઓ બને છે તથા ધીમી પણ સકારાત્મક પ્રગતિ પણ દેખાય છે. આમ છતાં આગામી દશકાઓ સુધી તેને નિવારવા સતત પ્રયત્નો જરૂરી છે. આજે મારે કુપોષણ કરતા વિપરીત એવી અતિપોષણની સમસ્યા વિષે વાત કરવી છે. કુપોષણ એટલે જરૂરી પોષણનો અભાવ એ સમજી શકાય તેવી બાબત છે પણ અતિપોષણ એટલે માત્ર જરૂર કરતા વધુ પોષણ એટલું જ નહી એથી વિશેષ છે. આપણે એ જાણીને ચોંકી જઈશું કે જેઓ ઓછું ખાય છે તે પણ અતિપોષિત હોઈ શકે છે. કારણ કે ભોજનમાં કોઈ એક ઘટક જેમ કે તૈલી પદાર્થો વધુ હોય તો પણ અતિપોષણને લગતી સમસ્યા ઉદભવી શકે છે. સામાન્ય સંજોગોમાં ખોરાક જ્યારે સમતોલ ના હોય ત્યારે અતિપોષણની સમસ્યા ઉદભવે છે. ભારતમાં અતિપોષિત લોકોમાં સ્ત્રીઓ અને બાળકો વધારે પ્રમાણમાં છે.

અતિપોષિત વ્યક્તિ મોટેભાગે મોટાપાના લક્ષણો ધરાવે છે. આજે આપણે જોઈએ છીએ કે નાના બાળકો પણ મોટાપાના લક્ષણો ધરાવતા હોય છે. રહન-સહનની ખામીયુક્ત પધ્ધતિ અને સમતોલ આહારનો અભાવ મોટાપા માટે સૌથી વધુ જવાબદાર છે. દેખા-દેખી અને કથિત સુધારેલી જીવન પધ્ધતિના કારણે આપણે આપણો પરંપરાગત ખોરાક છોડી ફાસ્ટ-ફૂડ અપનાવતા થયા છીએ. ફાસ્ટ-ફૂડમાં ચરબીનો અતિરેક હોય છે આથી આપણા ખોરાકમાં વાનસ્પતિક અને પ્રાણીજ ચરબીનું પ્રમાણ વધે છે. જેને પચાવવા વધુ શ્રમ જરૂરી છે અને આપણે શારીરિક શ્રમ ખુબ ઓછો કરતા હોવાથી ચરબી જમા થઇ શરીરને જાડું બનાવે છે. જાડા લોકોની હલન-ચલન ક્રિયાઓ અગવડ પડવાથી ઘટતી જાય છે તેથી શ્રમ વધુ ઘટે છે. આમ, સતત જાડાપણું વધતું જાય છે.

મધ્યમ વર્ગ અને નવશ્રીમંત વર્ગમાં આ મુશ્કેલી વધારે પ્રમાણમાં જોવા મળે છે. દેખા-દેખી, જાહેરાતોના પ્રભાવી પ્રચારથી તેમજ હોય તેના કરતા વધુ સુખી છીએ તેવો દેખાડો કરવા આપણે જાતે શ્રમનું મહત્વ ઘટાડી રહ્યા છીએ. થોડાક અંતરે જવા માટે પણ બાઈક કે ટુ-વ્હીલરનો ઉપયોગ વધ્યો છે. ઘરકામમાં સાધનો વધુ વપરાતા થયા છે. કામના સમયે સતત બેસી રહેવાની ફરજ પડે છે. વ્યાયામ અને રમતોનું હવે તો શાળાઓમાં પણ મહત્વ ઘટી ગયું છે. ચાલીને શાળાએ જવું કે કામે જવું એ નાનમ લાગે છે. આ બધા સંયુક્ત રીતે શારીરિક શ્રમ ઘટાડે છે. શારીરિક શ્રમ ઘટવા સાથે ખોરાક અસંતુલિત થતો ગયો છે. ખોરાકમાં લીલા શાકભાજી અને ફળો ઓછા થાય છે અને તૈલી પદાર્થો વધે છે. કઠોળ કે જે પ્રોટીનનો પુરવઠો છે, તેનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. આપણો ખોરાક કાર્બોહાઈડ્રેટ વાળો થઇ રહ્યો છે. જે ભૂખ સંતોષે છે પણ સંતુલિત પોષણ આપી શકતો નથી.

ખોરાકની ટેવો બદલાવાથી સહુથી પ્રભાવી ફરક મીઠા અને ખાંડના વપરાશ પર પડ્યો છે. આ બન્ને ચીજોનું આપણા ખોરાકમાં પ્રમાણ ખુબ વધી ગયું છે. આપણા પરંપરાગત ખોરાકમાં ગોળનું પ્રમાણ વધુ રહેતું તેનું સ્થાન હવે ખાંડે લીધું છે. વ્યંજનો સ્વાદિષ્ટ બનાવવા મીઠું વધારે વપરાય છે. આ બન્ને ચીજો ર્હ્દયને લગતા રોગોને નોતરે છે. વધુ ચરબી સાથે ખાંડ અને મીઠાનું વધતું પ્રમાણ લોહીની નળીઓ અવરોધવાનું કામ કરે છે. બીજો સહુથી મહત્વનો ફેરફાર બાજરી, જુવાર, કોદરી, તાંદરી, જેવા અનાજ આપણા ખોરાકમાંથી અદ્રશ્ય થઇ રહ્યા છે અને તેનું સ્થાન મેંદો લઇ રહ્યો છે. સદીઓથી આપણા સમાજનું ખાન-પાન અને વ્યંજનો આપણા વાતાવરણ અને જનીનિક બંધારણ સાથે અનુકુળતા સાધે એવી રીતે ગોઠવાયેલું હતું જે થોડાક વર્ષોમાં બદલાઈ ગયુ છે. જેના કારણે ર્હદયને લગતી બીમારીઓ, મધુપ્રમેહ, હાડકાને અને સાંધાને લગતા રોગો તેમજ મોટાપો વધુને વધુ લોકોમાં દેખાય છે. અહી બીજી વધારાની મુશ્કેલી એ છે કે, મોટાપો એ સમસ્યા છે એવી જાગૃતિનો એકંદરે અભાવ વર્તાય છે અને સામુહિક રીતે આ સમસ્યા સામે લડવાની વૃત્તિ પણ દેખાતી નથી.

આજે તો સ્થિતિ એવી છે કે દેશની ગરીબ પ્રજાને નિયમિત ખોરાક નથી મળતો અને તે ભૂખમરાથી પીડાય છે. બાકીની વસ્તી વધુ ખાઈને મોટાપાનો શિકાર બને છે. સામુહિક જાગૃતિ અને સહિયારા પ્રયત્નોથી આ સ્થિતિ બદલવી પડશે. વિશ્વની સૌથી વધુ યુવાન વસ્તી ધરાવતા આપણા દેશમાં સહુથી ઉત્પાદક અને ભવિષ્યની પેઢીઓના સ્વાસ્થ્ય અંગે લાપરવાહી અને અજ્ઞાન ખુબ જ ઘાતક નીવડશે.

સ્ત્રોત જીગ્યા બ્લોગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate