অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હૅન્ડ હાઈજીન અર્થાત્ અનેક રોગોથી દૂર રહેવાની ગુરુચાવી

આપણી આસપાસના વાતાવરણની સીધી અસર આપણાં તન અને મન પર થાય છે. આપણાં વેદશાસ્ત્રો સ્વચ્છતાને વિશેષ સમર્થિત છે. વિજ્ઞાન શાખા અને મેડિકલ સાયન્સના મતે અસ્વચ્છતા અનેક રોગોનું ઉદભવ કેન્દ્ર છે, જેના સંસર્ગમાં આવવાથી સ્વસ્થ વ્યક્તિને પણ જીવલેણ રોગોનો સામનો કરવો પડે છે. સવારે પથારી માંથી જાગો ત્યારથી લઈને દિનપર્યન્ત કરવામાં આવતા પ્રત્યેક કાર્યોમાં સ્વચ્છતા ખૂબ જ મહત્વની બાબત છે. “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”, “સ્વચ્છ પરિવાર અર્થાત સ્વસ્થ પરિવાર” જેવા અનેક સૂત્રો આપણને સ્વચ્છતાની મહત્તા સમજાવે છે. આજે આપણે પણ એ જાણીએ કે કેમ સ્વચ્છતા અનિવાર્ય છે. હાઈજીન વિશે જે વાતો નાનપણથી સમજાવવામાં આવે છે. સ્વચ્છતાના આગ્રહી હોવાના અનેક લાભો અને વિશેષતાઓ છે જેના વિશે સવિશેષ વાત આજે આપણે કેટલાક મુદ્દાઓને લઈને કરીશું.

સૌ પ્રથમ તો સમજીએ કે ગુડ હાઈજીન અર્થાત સ્વચ્છતાની સારી ટેવો કેમ મહત્વપૂર્ણ છે.  આપણાં દૈનિક જીવનમાં સ્વચ્છતા ખૂબ જ મહ્ત્વપૂર્ણ અને અતિઆવશ્યક બાબત છે. આપણી આસપાસ વાતવરણમાં એવા ઘણાં બધા રોગો છે જેવાકે સિઝનલ ફ્લુ, સ્વાઈન ફ્લુ, અમુક પાણી જન્ય રોગ જે આપણે સ્વચ્છતાની તકેદારી લેવાથી પણ અટકાવી શકીએ.

તકેદારીમાં આપણે આપણી પોતાની તથા આપણી આજુબાજુની સ્વચ્છતાનું ધ્યાન રાખતા હોઈએ છીએ. અમુક વાયરલ ચેપ જેવા કે ઈન્ફ્લુએન્ઝા (સિઝનલ ફ્લુ, સ્વાઈન ફ્લુ) જેવા રોગ હકિકતમાં હવાથી નથી ફેલાતા, આ બધા રોગ એ ડ્રોપલેટ ઈન્ફેક્શન્સ છે. એટલેકે આ રોગના વાયરસ ચેપી વ્યક્તિના છીંકવા કે ખાંસવાથી આપણી આજુબાજુમાં ફેલાય છે અને નજીકની સપાટી પર ચોંટી જાય છે. હવે જો કોઈ તંદુરસ્ત વ્યક્તિ પણ આ સપાટી ના સંસર્ગમાં આવે અથવા ત્યાં અડેલા હાથ વડે પોતાના મોં ને અડે તો તે વ્યક્તિ પણ આવા રોગનો ભોગ બની શકે છે. જો આવા કોઈ પણ સંસર્ગજન્ય રોગથી બચવું હોયતો  હાથની સ્વચ્છતા સૌથી સરળ અને ઉત્તમ વિકલ્પ છે. હવે જો એમ પ્રશ્ન થાય કે કયા સમયે આપણે હાથ  ધોવા જોઈએ.?

કયા સમયે આપણે હાથ ધોવા જોઈએ?

આપણે આપણાં હાથ નીચે દર્શાવેલી પરિસ્થિતિમાં ધોવા જોઈએ

  • રસોઈ બનાવતા પહેલાં, દરમિયાન અને રસોઈ બનાવ્યા પછી
  • જમતાં પહેલાં અને જમ્યા પછી
  • માંદા માણસની સંભાળ કે કાળજી લેતા પહેલાં અને પછી
  • બાથરૂમ કે ટોઈલેટના વપરાશ પછી
  • જો શરદી, ખાંસી કે ઉધરસ થયા હોય શરીરના વારંવાર હાથ ધોવા જોઈએ
  • ખાંસી- ઉધરસ કે છીંક આવી હોય ત્યારે હાથનો ઉપયોગ કર્યા પછી
  • કોઈપણ પ્રાણીને અડ્યા કે રમાડ્યા પછી
  • કચરો સાફ કર્યા પછી
  • ખૂબ ભીડવાળા સ્થળો, ગંદકી હોય તેવા સ્થળોએ કે બહારથી ઘર પર આવ્યા પછી
  • શિશુને હાથમાં લેતા પહેલાં

ઉપરોક્ત બાબતો માત્ર એક સૂચિ છે આ સિવાય પણ ઘણી એવી બાબતો જ્યારે હાથની સ્વચ્છતા અનિવાર્ય હોય છે, જે ભૂલવી ન જોઈએ. આ સાથે સાથે હાથને સ્વચ્છ રાખવા જાણવા જેવી બાબત છે. શું આપ જાણો છો કે હાથ ધોવામાટે પણ મૅડિકલ ગાઈડલાઈન છે. ભલે આશ્ચર્ય લાગે પરંતુ વિશ્વની અનેક સરકારો અને સંસ્થાઓ હાથને યોગ્ય રીતે ધોવા માટે પણ વિશેષ સૂચનો અને માર્ગદર્શન આપે છે તથા હેન્ડ હાઈજીન ડે પણ વિશ્વમાં મનાવવામાં આવે છે. સામાન્ય રીતે હાથનો કોઈપણ ભાગ અસ્વચ્છ ન રહી જાય તેનું વિશેષ ધ્યાન રાખવાનું હોય છે. હાથની આગળ પાછળ, ટેરવા, અંગુઠા, કલાઈ અને કોણી સુધીનો ભાગ પાણી અને સાબુ વડે ધોવો જોઈએ. યાદરાખો, હાથને યોગ્ય રીતે ધોવા માત્રથી અનેક જાણ્યા-અજાણ્યા રોગોથી આપણે બચી શકીએ છીએ.

હાથ ધોતી વખતે, ધ્યાનમાં રાખો

  • શક્ય હોય ત્યાં સુધી આપણે આપણાં હાથ સાબુ અને પાણીથી સાફ કરવા જોઈએ
  • જેથી હાથ પર ચોંટેલા અનેક સુક્ષ્મ જીવાણું અને વિષાણુંઓને સરળતાથી દૂર કરી શકાય
  • જો સાબુ અને પાણી ન હોય તો, આલ્કોહોલયુક્ત હેન્ડ સેનિટાઈઝર વાપરી શકાય
  • હેન્ડ સેનિટાઈઝર અમુક પરિસ્થિતિમાં ઝડપથી જીવાણુંઓ દૂર કરે છે, પરંતુ દરેક પરિસ્થિતિમાં તે વાપરવું યોગ્ય નથી. આ ઉપરાંત, આ એક રસાયણ હોવાથી તેને બાળકોથી દૂર રાખવું હિતાવહ છે.
  • આ ઉપરાંત, હંમેશા સ્વચ્છ કપડાં, નેપકિન કે ટુવાલ વડે હાથ યોગ્ય રીતે લૂંછીને કોરા કરવા

કાળજી

આપણા તનની સ્વચ્છતા ઉપરાંત, કેટલીક અન્ય બાબતોની સ્વચ્છતા અંગે રાખેલી અગમચેતી આપણને અને પરિવારને સ્વસ્થ જીવનની ભેટ આપે છે. નાની નાની અનેક બાબતોમાં રાખેલી કાળજી મોટી જાનહાનિ કે શારીરિક હાનીથી આપણને બચાવે છે. જેમકે,

  • પાણી હંમેશા ઉકાળીને પીવું જોઈએ
  • દુધ પણ ઉકાળીને પીવું જોઈએ
  • શાકભાજી અને ફળફળાદી સ્વચ્છ પાણીથી સાફ કરીને વાપરવા જોઈએ
  • ગમે ત્યાં કચરો ન નાંખવો જોઈએ
  • સૂકો અને ભીનો કચરો અલગ રાખી યોગ્ય નિકાલ કરવો જોઈએ
  • દૈનિક ક્રિયાઓ જાહેરમાં ન કરતા શૌચાલયનો ઉપયોગ કરવો જોઈએ
  • આપણાં રહેઠાણ કે આસપાસમાં પાણી ન ભરાય તેવા પ્રયત્નો કરવા જોઈએ

પાણીજન્ય રોગચાળો અને મચ્છરજન્ય રોગથી પણ બચાવ

આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાથી આપણે પાણીજન્ય રોગચાળો અને મચ્છરજન્ય રોગથી પણ બચી શકીએ છીએ

  • બહારથી આવીને સ્નાન કે હાથ-પગ ધોવાનો આગ્રહ રાખવો
  • બહારના કપડાં ઘરે આવી બદલીને ઘરના ચોખ્ખા વસ્ત્રો પહેરવા
  • બાથરૂમ અને ટોઈલેટને નિયમિત ધોવા જેથી સ્વચ્છતા જળવાઈ રહે
  • શેવિંગના સાધનો યોગ્ય સાફ-સફાઈ કરી સ્વચ્છ રાખવા
  • ઘરમાં માખી-મચ્છર, વંદા જેવા કિટકો ન થાય તેની સાવચેતી રાખવી

ડૉ. કમલેશ પટેલ(માઈક્રોબાયોલૉજિસ્ટ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate